હાં, હાં, આ તો કેદી નં. ૪૦૪૦નો સાહેબની સન્મુખ આજે ખટલો થયો છે. નં. ૪૦૪૦ શું આટલી બધી ખુમારીથી `ઔર કુછ?' `ઔર કુછ?' કહેતો સજાઓ માગતો ગયો? ને છતાં સાહેબની તપતી જતી ત્રાડોની સામે એ કેદીએ શું આટલી બધી ખામોશ ધરી રાખી? `ઔર કુછ'ના એના સ્વરોએ આખર સુધી પોતાનું સપ્તક બદલ્યું જ નહિ! સાહેબની આંખનાં ચશ્માંની આરપાર પણ જ્યારે ભડકા ઊઠયા હતા ત્યારેય નં. ૪૦૪૦ની ભારેલી ભઠ્ઠી અદીઠી અને એવી ને એવી સાબૂરીથી જલતી રહી!