મગની મસ્ત વાનગીઓ

(65)
  • 7.6k
  • 15
  • 1.7k

મગને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ ડાયેટ પર હોય કે પછી બિમાર હોય તેને સૌથી પહેલાં મગ ખાવાની સલાહ અપાય છે. મગને તાકાત પ્રદાન કરનાર માનવામાં આવે છે. એટલે જ આપણે ત્યાં વર્ષોથી કહેવાય છે કે મગથી સારા ચાલે પગ. પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર એવા મગ ભાગ્યે જ કોઈને પસંદ ન આવતા હોય તેવું બને. દરેક ઘરમાં મગની દાળ બનતી જ હોય છે. ફણગાવેલા મગનું સેવન આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે. ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે. વજન ઘટાડવા બાફેલા મગ સૌથી વધારે હિતકારી ગણાય છે. કેમકે તેમાં ઓછી કેલેરી હોય છે. અને ફાઇબર વધુ હોવાથી પાચનશક્તિ સારી રહે છે. મગ માટે એક પંક્તિ બહુ જાણીતી છે. મગ કહે હું લીલો દાણો, મારા ઉપર ચાંદું, નિત્ય સેવન મારું કર તો માણસ ઉઠાડું માંદું. તે પ્રોટીનયુક્ત પણ હોવાથી સ્નાયુ મજબૂત બને છે. બધા પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ ઉપવાસ કરતાં જૈનોમાં મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. આવા ગુણકારી એવા મગની વિવિધ વાનગીઓ બનાવી તમે તમારા પરિવારને સારા આરોગ્યની ભેટ આપી શકો છો.