અમને જેલમાંથી મુક્ત કર્યાની ખબર અમારા મિત્રોને મોડી પડી, તેથી અમને સામા તેડવા આવતાં વાજાંવાળા તથા વાવટાવાળાને રસ્તેથી પાછા વાળવા પડ્યા. અને જેલથી ભદ્રંભદ્રના ઘર સુધીના રસ્તા ઉપર બાંધવા માંડેલા તોરણ પૂરાં બંધાઈ રહ્યા પહેલાં છોડી નાંખવાં પડ્યાં. માન પામવાની તક આ રીતે નકામી ગઈ તેથી ભદ્રંભદ્ર નિરાશ થયા નહિ. માન પામ્યા વિના રહેવું નહિ એવો તેમણે સંકલ્પ કર્યો અને શંકરને સાક્ષી રાખ્યા.