શુભમ શીઘ્રમ્

(21)
  • 5.2k
  • 2
  • 949

ઉમંગરાય વહેલી સવારે નિત્યક્રમાનુસાર લૉ ગાર્ડનમાં મોર્નિંગવૉક માટે પોતાની સ્કુટી ઉપર વેળાસર આવી પહોંચ્યા તો હતા, પણ વૉકિંગટ્રેકના સ્ટાર્ટ પૉઈન્ટે જવાના બદલે એ એકાંત બાંકડે જઈ બેઠા હતા. આજે તેમનો ચાલવાનો મુડ ન હતો, કેમ કે આખી રાત અનિદ્રામાં પસાર થઈ હતી અને બદનમાં સુસ્તી પણ વર્તાતી હતી. હંમેશાં તો પથારીમાં લંબાવતાંની સાથે જ શીઘ્ર નિદ્રાધીન થઈ જઈને અખંડ ઊંઘ ખેંચી કાઢતા ઉમંગરાયના જીવનની આજની રાત્રિ અખંડ ઉજાગરામાં જ વ્યતીત થઈ હતી. આમ બનવામાં નિમિત્તરૂપ બની હતી, તેમનાં શ્રીમતી ઉમાદેવી દ્વારા રાત્રે સૂવા પહેલાં થયેલી પુત્રવધૂઓની એક દરખાસ્તની પ્રસ્તુતિ ! પ્રસ્તુતિ હતી, જીવનભર હોંશેહોંશે એકત્ર કરેલાં પુસ્તકોના ભંડારનો નિકાલ કરવાની. ધનતેરશ નજીક આવી રહી હતી અને ગૃહલક્ષ્મીઓ છેલ્લા કેટલાક દિવસથી ધનલક્ષ્મીના સ્થાપન અને પૂજન માટેની તડામાર પૂર્વતૈયારીઓ કરી રહી હતી. પૉશ એરિયાના એ લક્ઝુરિયસ ફ્લેટના ખૂણેખૂણાની સફાઈની સાથેસાથે બિનજરૂરી ચીજવસ્તુઓનો એક ખૂણામાં ઢગલો પણ થઈ રહ્યો હતો. માથે પ્લાસ્ટિકની કોથળીઓ, ચહેરાઓ ઉપર બુકાનીઓ અને હાથેપગે મોજાં ચઢાવીને બંને પુત્રવધૂઓ…