ભદ્રંભદ્ર - પ્રકરણ - 21

  • 6.1k
  • 1
  • 1.9k

હું પણ તરત ઊંઘી ગયો અને વિચિત્ર રીતે સંધાઈ ગયેલા સ્વપ્નોના દર્શનમાં પડ્યો: કોઈ પ્રચંડ પુરુષે ભદ્રંભદ્રને ભેંસો સાથે બાંધીને કૂવામાં ઉતાર્યા અને કૂવામાંથી જે કોસમાં પાણીને બદલે દીવા નીકળતા હતાં તે કોસમાં ભદ્રંભદ્ર પાછા નીકળી આવ્યા...પછી ઉકરડા પર ઊભા રહી એક કોઠીમાં તેમણે મદિરા રેડ્યો અને તે પછી કોઠી પરથી એક છાપરા પર કૂદતા કોઠીમાં પાછા પડ્યા, તેમાંથી સર્પથી બાંધી મેં તેમને બહાર કાઢ્યા અને એક તળાવ પર મહોટી જાળી નાંખેલી હતી તે પર સુવાડ્યા તે જાળીના કાણામાંથી ભદ્રંભદ્ર એક કૂતરા સાથે નીકળી પડયા ત્યાં નીચે પડતાં હેઠળ ગયા...અને એ પાતાળમાં બે તાડ પર પગ મૂકી દેવી ઊભેલી હતી ત્યાં કૂતરાને માથે મૂકીને હું નાચ્યો અને તે સંયોગીરાજનો કાણો રસોઈયો ખૂબ હસ્યો અને કાગડાઓએ ચાંચમાં ભરીને ગુલાબ ઉડાડ્યું, તે મારી આંખમાં પડવાથી હું નાસવા ગયો પણ નસાયું નહિ અને પગથિયાં પરથી સરી પડ્યો...આવી સ્વપ્નની ઘટમાળ ચાલતાં મેં એક મૅજિસ્ટ્રેટની આસપાસ નાત મળેલી દીઠી અને ત્યાં વંદા સામાં બારણાઓ પર ઇન્સાફ જોવા બેઠેલા હતા.