ચાની ચૂસ્કી લેતા નિલેશની આંખો રઘવાઈ થઈ આમતેમ ફોનને શોધવા લાગી. મનમાંથી તરત જ મેસેજ છૂટ્યો – મોબાઈલ તો બાથરૂમમાં જ રહી ગયો છે!! કામિની બાથરૂમમાં સાડી, બ્રા, બ્લાઉઝ, જાંગિયા ગરમ પાણીની ડોલમાં દબાવી દબાવીને ભરતી હતી. જાણે હમણાં જ પોતાનું છૂપું અફેર પકડાઈ જશે એવા ડરની રેખાઓ તેના ચહેરા પર તણાઇ આવી. મોબાઇલની રિંગ સંભળાતા જ કામિની સાડીના પાલવથી હાથ લૂછી ઊભી થઈ. બાથરૂમના ખૂણે કાચની પ્લેટ પર મૂકેલા મોબાઈલને કોરા-ભીના હાથમાં સાચવીને લીધો. સ્ક્રીન પર લાલ અને લીલા બટન સાથે એક સુંદર સ્ત્રીનો હસતો ચહેરો દેખાઈ રહ્યો હતો. કામિનીએ આંખો ઝીણી કરીને નામ વાંચ્યું – અદિતિ શર્મા.