ભદ્રંભદ્ર - પ્રકરણ - 12

  • 5.8k
  • 2
  • 2.4k

મારામારીમાં કેટલાકને ભયંકર ઈજાઓ થઈ હતી અને ઘણાએ ભદ્રંભદ્રનું નામ બતાવ્યું હતું. પકડતી વખતે સામા થવાનો ભદ્રંભદ્રે પ્રયત્ન કર્યો. મેં આવી પહોંચી તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યો, તેથી અમને બંનેને પકડી જાપતામાં રાખી પોલીસચોકીમાં લઈ ગયા. રસ્તે ચાલતાં કંઈ સ્વસ્થતા પામ્યા પછી ભદ્રંભદ્ર બોલ્યા, અંબારામ, આજનો દિવસ હું સંતાઈ રહ્યો હઈશ એમ બધા ધારતા હશે. પણ, હું તો અનેક ચમત્કારોના દર્શનમાં ગુંથાઈ રહ્યો હતો તેનું વર્ણન — પોલીસના એક સિપાઈએ ડંડો ઊંચકી ભદ્રંભદ્રના બે હોઠને ઇચ્છા ઉપરાંત મેળાપ કરાવ્યો. ચોકીને પગથિયે ચઢતાં વળી તે બોલ્યા,