શિયાળાની ઋતુમાં રીંગણ ગુણકારી હોવાથી બહુજનપ્રિય શાક છે. રીંગણની તાસીર ગરમ હોવાથી શિયાળાની ઠંડીમાં વધુ માફક આવે છે. આમ તો રીંગણા કાળા અને ધોળા, લાંબા અને ગોળ, મોટા અને નાના એમ ઘણી જાતનાં મળે છે પણ ગુણમાં લગભગ બધા સરખા જ હોય છે. રીંગણનો સ્વાદરસ સંતોષે એવી સરસ મજાની વાનગીઓ બનાવતા પહેલાં તેના વિશે ઉપલબ્ધ કેટલીક જાણકારી લઇ લઇએ. એટલું ધ્યાન રાખવાનું કે રીંગણ જેટલા કૂણાં તેટલા ગુણદાયી વધારે. અને તે ઠંડી ઋતુમાં જ ખાસ ખાવા જોઈએ. રીંગણની વાનગીઓમાં સૌપ્રથમ પ્રસિધ્ધ ઓળાની રીત જાણીશું. અને તેને વધુ સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય તેની જાણકારી મેળવીશું. આ ઉપરાંત રીંગણની બીજી વાનગીઓ પણ તમારા મોંમાં પાણી લાવી દેશે.