ભદ્રંભદ્ર - (પ્રકરણ 3: આગગાડીના અનુભવ) આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈ ‘માધવબાગ કી જે !’ પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ ‘જે’ પોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની જે બધે ગાજી રહેશે અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે, પણ તેમ ન થતાં બધા નવાઈ પામી અમારી સામું જોવા લાગ્યા. અમે બેસી ગયા એટલે પેલા વહેમ કહી ટીકા કરનારે મને પૂછયું કે, ‘માધવબાગની જાત્રાએ જાઓ સો એ તીરથ ક્યાં આવ્યું ’