‘કેમ છો લવરબોય ’ ફોન ઊંચકતાં આ સાંભળી અવિનાશ ચમક્યો. પછી કહ્યું ‘રોંગ નંબર’ અને ફોન મૂકી દીધો. બીજી મિનિટે ફરી ફોન આવ્યો અને એ જ સવાલ. એટલે અકળાઈને અવિનાશે જવાબ આપ્યા વગર ફોન મૂકી દીધો. પણ સામે છેડેથી હાર ન માનનાર વ્યક્તિ હશે એમ લાગ્યું, કારણ ફરી ફોન આવ્યો અને ફરી એ જ સવાલ. હવે અવિનાશે થોડાક ગુસ્સામાં કહ્યું, ‘બેન, આપ ખોટો ફોન લગાડી મારો અને તમારો સમય બગાડી રહ્યાં છો. જરા નંબર ફરી ચેક કરી લેશો ’ ‘જી, હું સાચો જ નંબર લગાડું છું. આપ જાણીતા લેખક અવિનાશ દેસાઈ વાત કરો છો ને ’ ‘હા, પણ તમે તો કોઈ લવરબોય એમ કહેતા હતા ’