નિતાંત શાંતિ વચ્ચે ત્રણ મધ્યમ કદની, અંધાર પછેડો ઓઢેલી મનવારો અરબી સમુદ્રના પાણીને ચિરતી, ત્રિકોણ જેવા આકારમાં એકબીજાથી નિયત અંતર રાખીને પાછળ સફેદ ફીણની ભાત પાડતી પૂરઝડપે આગળ ધસી રહી હતી. એ ત્રણેય કોઈ સામાન્ય મનવાર ન હતી, પણ ભારતીય નૌકાદળની સ્ટીલ્ધ (રેડારની પકડમાં ન આવે એવી) ફ્રિગેટ્સ હતી. 6200 ટનનું વજન ધરાવતી, 468 ફીટ લાંબી અને 55 ફીટ પહોળી દરેક ફ્રિગેટ 76 મિલિમીટરની મુખ્ય તોપ ઉપરાંત અત્યાધુનિક રડાર, સરફેસ ટૂ એર મિસાઈલ, સરફેસ ટૂ સરફેસ મિસાઈલ, સુપરસોનિક ક્રુઝ મિસાઈલ, ટોરપિડો, ડેપ્થચાર્જ અને અન્ય આધુનિકતમ તકનીકોથી સજ્જ હતી, ગમે તેવા ભૂંડા દુશ્મનને ઠંડા કલેજે ફાડી ખાય એવી સિંહણો જેવી ખૂંખાર હતી. ત્રણેયની માત્ર જરૂર પૂરતી લાઈટો ચાલુ રાખવામાં આવી હતી, ઉપરાંત તેમનું અસ્તિત્વ છૂપું રાખવા માટે અત્યાર સુધીની સફર દરમિયાન સખત રેડીયો સાયલેન્સ જાળવવામાં આવ્યો હતો.