વિતેલી અડધી સદી...
●●●●●○○○○●●●●●○○○○○●●●●●
ગુજરાતનાં છેવાડાનાં જિલ્લાનું ગામ સરિતાનગર મુખ્ય
રાષ્ટ્રીય ધોરીમાર્ગથી લગોલગ. ગામમાં વચ્ચોવચ્ચ જીવા
આતાનો ડેલો..આમતો હવેલી જ ગણાય. ગામનાં
સૌથી સધ્ધર ખેડૂત-જમીનદાર ,પાંચમાં પુછાય એવી
શાખ. ધોળા બાસ્તાં જેવાં કપડાં , માથે આટીયાળી
પાઘડી .પોતાની ચાંદીનાં વરખવાળી કડીયાળી ડાંગ
લઈને , મોચી પાસે સીવડાવેલાં અસ્સલ ચામડાનાં
અણીયાળાં જોડાં પહેરીને નીકળે ત્યારે ગામમાં
થોડીવાર માટે સોપો પડી જતો.
પાંચ પાંચ દીકરાનાંબાપને એક જ વાતનો વસવસો
કુળમાં ત્રણ પેઢીથી એક પણ માંડવો નહીં,ફુઈ નહી
બે'ન નહી અને હવે દીકરી પણ નહી. કઈં કેટલીય
માનતાઓ પછી દીકરીનો જન્મ થયો.જોતાંજ આંખ
ઠરે એવી,સાથે જોડીયા ભાઈને લઈને આવી..મનની
મધુરપ આપે એવી દીકરીનું નામ રાખ્યું સાકર. શ્રવણ
અને સાકર એકબીજાનાં જોડીદાર .એ જમાનામાં
હોળીનાં દિવસે તે વર્ષે જન્મેલાં દીકરાની વાળ
થાય..ગાડું ભરીને ગામને લહાણી થાય
પતાસાંની .સાકરની પણ ભાઈની સાથે જ વાળ
થઈ ..એ એક બાપનાં અનર્ગળ હેતનો પુરાવો જ.આઠ
મહીનાની સાકર જ્યારે પોતાની ડોક કરતાં વજનદાર
ઝુમણું (સો તોલાનો પરંપરાગત હાર) પહેરીને બેઠી
ત્યારે ગામ મોઢામાં આંગળા નાખી ગયું.
દીકરીને આટલાં લાડ આટલાં માન સન્માન
કોઈએ ક્યારેય આપ્યા પણ નહોતાં અને જોયાં પણ
નહોતાં .એ ઝુમણું ત્યારનું સાકરની અમાનત થઈ
ગયું.ત્યારે ક્યાં ખબર હતી કે આ ઝુમણું ક્યાં અને કેવી
રીતે કામ આવવાનું છે.
બંને ભાઈ બહેન એકસરખાં લાડ થી ઉછરતાં
હતાં.સાકરનાં જન્મ પછી જીવા આતાની ચાલમાં ગર્વ
પણ ભળી ગયેલ,જાણે જિંદગીએ બધા કોડ પુરા કરી
દીધા હોય.જોકે માનાં મનમાં જરાક ખટકો ખરાં શ્રવણ
તાસીરનો નબળો જ્યારે સાકર સહેજ ભરાવદાર અને
તંદુરસ્ત એટલે એને લાગતું સાકર જ આનું રુપ ખાઈ
ગઈ .એનો એ આછેરો અણગમો ક્યારેક એકાંતમાં છતો
થતો.
કોઈને પણ માનવ સહજ ઈર્ષ્યા થાય તેવો હર્યોભર્યો
સંસાર હતો. આ સરળ નિયતીમાં વિધાત્રીથી ક્યાંક
અશુભ મંડાઈ ગયું હશે. દિવાળીનો દિવસ
હતો ,શ્રવણ અને સાકર મા-બાપ સાથે વાડીએ
કુળદેવીનાં નૈવેદ્ય માટે ગયેલાં .જીવા આતા અને આઈ
નૈવેદ્ય ધરવા ગયેલાં ને બન્ને બાળકો બદામ નીચે રમતાં
રમતાં બદામ પર ચડ્યા..એક નાજુક ડાળ પર બંનેનું
જવું ..એક કડાકો અને બંને ફંગોળાયા એક હાથ દુર
કુવા પાસે...સાકર કુવાની બહાર અને
શ્રવણ..........અવાજ સાંભળીને જીવાઆતા
અને ખેતમજૂર બધાં દોડી આવ્યા પણ વ્યર્થ.
માનાં હૈયાફાટ રૂદન વચ્ચે એને સંભળાતા હતાં આ
જ શબ્દો "અભાગણીએ મારા દીકરાનો જીવ લીધો."
પણ એ કુમળુ બાળમાનસ આનો અર્થ શું જાણે?
માના ડરથી કે જેની સાથે આખો દિવસ રમતી તે
ભાઈને નજર સામે આમ કુવામાં પડતા જોયો તે
આઘાતથી સાકર સતત બે દિવસ રડતી રહી અને
જે ઢાળિયામાં બન્ને રમતાં ત્યાં હીબકા ભરતી ખાધા
પીધા વિના પડી રહી.ઘરમાં કોઈને એને શોધવાની શૂધ
પણ ન હતી કે ન હતી તમા..આ ઘરમાં શ્રવણની સાથે
જાણે સાકરની પણ ગેરહાજરી પુરાઈ ગઈ. એ
બાળકીને સૌથી વધારે હુંફની જરૂર હતી,બાપુંતો જાણે
હોશમાં ન હતાં અને જે દાદા ,કાકાની મૂછો
આમળતી,જે મોટાભાઈઓનાં ખોળામાં બેસી કોળીયાં
ભરતી ત્યાં ક્યાંય મીઠો આવકાર ન હતો. આ ઘટના
પછી તેના મનોજગતમા કંઈક બદલાઈ ગયું જેનાથી તે
પોતે પણ અજાણ હતી.એક અપરાધભાવનાં બીજ
રોપાઈ ગયાં.
સમય જતાં બધુંજ પૂર્વવત થઈ ગયું બે જણ
સિવાય.સાકર અને એનાં બાપુનું જીવન ત્યાં જ થંભી
ગયેલું. બાપુએ તો ત્યારથી ડેલાં બહાર પગ મુકવાનો
બંધ કરી દીધેલો ફળીયામાં ઢોલીયો ઢાળીને હુક્કો
ગડગડાવતાં રહેતાં જે હુક્કો રાતે જ હાથમાં લેવાતો એ
કાયમનો સંગાથી થઈ ગયો.સાકર બસ બાપુની
આજુબાજુ જ રમતી રહેતી અને હુક્કાનો ગળગળાટ
સાંભળ્યા કરતી. આખા ઘરથી અલગ એ બેઉનું નાનકડું
વિશ્વ .એ પાઘડી, જોડાં અને કડીયાળી ડાંગ
નિર્જીવ પડ્યાં રહેતાં ખુણામાં. હુક્કાએ ફેફસાં અને
આઘાતે હ્રદય ખોખલું તો કરી જ નાખેલું ,તેમાં એક
શિયાળાની રાતે માનાં તાપથી બચાવવા સાકરને
પડખાંમાં લઈ સૂતા તે સૂતા સવારે ઉઠ્યા જ નહીં.
સાકર પર માએ લગાવેલો 'અભાગણી'નો થપ્પો વધું
ઘુંટાયો,એટલો કે ભાઈનાં લગ્નમાં પણ એ નહોતી.જે
ગાડામાં સાકરની વાળ હતી એ જ ગાડું જાનમાં
મોખરે પરંતું સાકર વિના જ..એ ભર્યાભાદર્યા ઘરમાં
ધીરે ધીરે સાકર સાવ એકલી પડી ગઈ.
એને પોતાને જ સમજણ ન હતી અન્યાય પીડા કે
એકલતાની . સાત વર્ષનાં બાળમાનસને બીજું તો શું
સમજાય? એ ચૂપચાપ અણગમો વાંચ્યા કરતી
બધા ચહેરા પર..
.........કોઈ હતું જે મુક સાક્ષી હતું આ
ઘટનાઓનું અને સાકર માટે હુંફાળી ઓથ બનવાનું
હતું..........
આ સફરમાં જોડાવા માટે આપ સૌનો આભાર ..વાંચતા રહો પ્રતિભાવો આપતા રહો.
ડો.ચાંદની અગ્રાવત