નિતુ - પ્રકરણ 73 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 73

 નિતુ : ૭૩(નવીન તુક્કા) 


નિતુની સેવામાં નવીને પોતાની ગાડી હાજર કરી. નવીન સાથે જવું કે નહિ એ એક ગાંઠ બાંધનારો પ્રશ્ન હતો અને વિચારવાના સમયનો અભાવ. તેને કરુણાની વાત યાદ આવી, "જો તું જવા જ માંગે છે તો પછી વિચારવાનો કોઈ અર્થ નથી અને જો નથી જવા માંગતી તો એ દિશામાં ભૂલથી પણ ના જોતી."

પરંતુ બધી જ વિચારણાને અવગણીને તે નવીન સાથે જવા રાજી થઈ ગઈ. એક સ્માઈલ આપતી તે તેની ગાડીમાં બેસી ગઈ અને ગેટની બીજી બાજુએ ઉભેલી કરુણા આ દ્રશ્ય જોઈ રહી.

રસ્તામાં કોઈ અન્ય વાત ના થઈ. પરંતુ નવીનની ખુશી મનોમન છલકાતી હતી. તેનો આત્મવિશ્વાસ પ્રતિક્ષણ પ્રબળતા પામી રહ્યો હતો. સૂતા પહેલા નવીને મેસેજ કર્યો, "ઇફ યુ ડોન્ટ માઈન્ડ, હું સવારે તમને પીક કરતો જઈશ."

નિતુએ રીપ્લાય આપ્યો, "ઓકે"

નવીન અસિમિત ગતિએ આગળ વધી રહ્યો હતો, તો સવાર સાંજ સાથે જનાર સખી એવી કરુણાથી તેનું અંતર વધી રહ્યું હતું. ના હવે ગાર્ડનમાં બેસવાનું થતું કે ના સાથે અવર જવર. બે દિવસથી કરુણા એકલી રહી ગઈ અને નવીન સાથેની મિત્રતા દ્રઢ થઈ ગઈ. ઓફિસમાં કામની જગ્યા અલગ હતી, લંચના સમયે બંને અલગ ટેબલ પર બેસતી અને મળતો થોડો ઘણો સમય પણ નીતિકાએ હવે નવીનના નામે કરી દીધો.

જોકે નીતિકાના કામમાં કોઈ વાતે ફેર નહોતો પડતો. એ પોતાનું કામ નિષ્ઠા પૂર્વક કરતી અને કામમાં વચ્ચે કોઈ મિત્ર કે પ્રતિદ્વંદીને સ્થાન નહોતું. કદાચ એટલે જ વિદ્યા તેને વધારે માન આપતી હશે! પરંતુ આ વાત અજાણતા નવીનને થોડા અંશે ખટકતી જરૂર. કારણ કે સાથે કેબિનમાં બેઠા હોવા છતાં બંને વચ્ચે કામ સિવાયની વાત ના થતી. જેના માટે લાગણી જન્મે એની સામે અબોલ થઈ બેસી રહેવું એટલે અગ્નિનું આસન ગ્રહણ કર્યા સમાન. આવું જ કંઈક નવીનને તપાવી રહ્યું હતું.

નીતિકા પોતાના કામમાં વ્યસ્ત હતી. ફાઈલોની ચકાસણી કરતાં તેણે આર. આઈ ડિપાર્ટમેન્ટમાં કોલ કર્યો.

"મારા ટેબલ પર આવેલી ફાઈલ મને લાગે છે કે બે પાર્ટમાં હોવી જોઈએ. મારી પાસે એક જ આવી છે."

એમ્પલોઈએ જવાબ આપ્યો, "મેડમ નવીન સર આવ્યા હતા. અમે બંને ફાઈલો મોકલાવી છે."

"ઠીક છે." કહી ફોન રાખ્યો અને નવીન સામે જોઈ પૂછ્યું, "નવીન આ ફાઈલ..."

"હા... મારી પાસે છે." તે ફાઈલ લઈને તેની પાસે ગયો અને તેના હાથમાં ફાઈલ આપી ત્યાંજ ઉભો રહ્યો. કૂતુહલ વશ થઈ નિતુએ જોયું કે એ ફાઈલ આપી પરત ના ફર્યો. પરંતુ તેણે કશું કહેવાને બદલે ફાઈલ ખોલી અને ખોલતાની સાથે અંદર રાખેલી મોટી ચોકલેટ દેખાઈ.

ચોકલેટ જોતા પ્રસન્ન થઈ તે બોલી, "તમારી આ મિત્ર માટે હવે શું નવું લાવ્યા છો?"

સ્માઈલ આપતા તે બોલ્યો, "બે ઘડીનો આરામ." 

"હાં... એટલે?"

"તમે કામ પ્રત્યે એટલા આરૂઢેલા રહો છો કે બે ઘડી નિરાંતનો શ્વાસ પણ નથી લેતા. આજે મારા માટે બે ઘડીનો આરામ લો અને આ ચોકલેટની મજા માણો."

ખુરશી પર ટેકવતી એક હાથ આશીર્વાદ પેટે ઉઠાવી તે બોલી, "યોર પ્રે ઈઝ એક્સેપ્ટેડ. તથાસ્તુ." અને બંને હસી પડ્યા.

તે હવે સંપૂર્ણ પણે નિશ્ચિન્ત થઈ ગયો હતો, કે તેની કોઈ વાતનું નીતિકાને ખરાબ નહિ લાગે. લંચ સમયે કેન્ટીનમાં તેઓની હસી મજાક શરુ જ હતી. અશોક, ભાર્ગવ અને કરુણા સામેના ટેબલ પર બેસીને આ બધું જોયા કરતા. કરુણા ગૂંચવણમાં હતી કે નિતુ કરી શું રહી છે? લંચ પતાવી નીતિકાનાં ટેબલના સભ્યો જઈ રહ્યા હતા. કરુણા તેની સામે આવી. નીતિકાએ બાકીના લોકોને કહ્યું, "તમે બધા જાઓ હું હમણાં આવું છું." એટલે તેઓ ચાલતા થયા અને કરુણાને લઈને નિતુ પોતાની કેબિનમાં ગઈ.

નવીન તેઓની પાછળ જઈ રહ્યો હતો. ભાર્ગવનાં ખભા પર હાથ ટેકવી ઉભેલા અશોકે તેને પાછળથી સાદ કરતા કહ્યું, "ઓહ હિરો..." અને સીટી મારી નેણ ઊંચકાવી ઈશારો કર્યો.

પાછળ ફરી તેઓની નજીક જતા તે બોલ્યો, "અરે તમે લોકો. સોરી મારુ ધ્યાન નહોતું એટલે તમને જોયા નહિ."

અશોક બોલ્યો, "હા ભાઈ, હવે તું અમારી સામે થોડો જોવાનો છો! તારી નજર તો બહુ આગળ નીકળી ગઈ છે."

"ના એવું નથી."

ભાર્ગવે કહ્યું, "અરે એવું જ છે. બહુ સ્પીડમાં ભાગી રહ્યો છે તું, કાં?"

"હું મારી કેબિનમાં જવાની ઉતાવળમાં હતો એટલે... બીજું કંઈ નહિ."

"રહેવા દે, અમારી સામે આવી ડ્રામેબાજી કરવાની કોઈ જરૂર નથી."

અશોકે કહ્યું, "એન્ડ લિસન, નીતિકા અને કરુણા બંને સાથે ગઈ છે. ઓફિસના કામથી નહિ. તેઓને કંઈક વાત કરવી હશે, તો એને એની વાતો કરવા દે અને તું અમારી વાત સાંભળ."

"શું સંભળાવો છો?"

"તું કેટલે પહોંચ્યો?"

"આજે મેં જ્યારે એને ચોકલેટ આપી, તો એનો વ્યવહાર જોઈ એક વાત તો સ્પષ્ટ છે, કે એને મારી સાથે રહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી."

ભાર્ગવે કહ્યું, "વધારે ગેલમાં ના રહે, સમજ્યો. આ છોકરીઓના કોઈ ભરોસા ના હોય. એને મન ફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બંને સાથેના વ્યવહાર સરખા જ હોય છે." તો અશોક બોલ્યો, "તું ડબલ શ્યોર કરી લે."

"ડબલ શ્યોર?"

ભાર્ગવ કહે, "હા. હવે આગળ તે કંઈ વિચાર્યું છે કે પછી... એમ જ?"

"મને લાગે છે કે હું એને ડિનર પર લઈ જાઉં, કે પછી આ સન્ડે લંચ પર જવું સારું રહેશે?"

દાંત ભીંસતાં અશોક બોલ્યો, "એ *... તને અક્કલ વક્કલ છે કે નહિ? લંચ પર લઈ જશે? ડિનર પર લઈ જશે?"

ભાર્ગવે કહ્યું, "તારે તારી નાવડી પાણીમાં ઉતારતાં પહેલા જ ડુબાડી દેવી છે?"

તે ચિંતાતૂર થઈ બોલ્યો, "તો? ... હું શું કરું?"

"હમ...  કોઈ પણ વાહિયાત વાત કર્યા વિના સાંભળ, કે હવે આગળ શું કરવાનું છે."

"હા, જણાવો. શું કરવાનું છે?"