નિતુ - પ્રકરણ 55 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 55

નિતુ : ૫૫ (ધ ગેમ ઇજ ઓન)


નિતુએ કેબિનમાં પ્રવેશ કર્યો તો વિદ્યા ત્યાં હાજર હતી.


"મેમ! તમે?" 

"બસ એમ જ." 

"ઓકે" 

બીજું કશું બોલ્યા વિના તે જતી રહી. જતાં જતાં તેણે નવીન સામે એક નજર કરી લીધી. નિતુએ નવીન સામે જોયું તો તે પણ કંઈ બોલ્યા વિના પોતાના કામમાં ફરી વ્યસ્ત થઈ ગયો. 

કાસ્ટિંગ મિટિંગ માટે નીકળેલી કરુણાએ જે પ્રમાણે વિચાર્યું હતું, એવું જ બન્યું. તેની મિટિંગ વહેલા પતી ગઈ અને તેની પાસે સમય હતો. તે એક કાફેમાં પહોંચી. ચારેય બાજુ નજર કરી તો બેઠેલા લોકોમાં બારીની એક બાજુ બેઠેલો એક માણસ તેને દેખાયો. તે ત્યાં ગઈ અને તેને પૂછ્યું, "મિસ્ટર મિહિર?" 

"જી. તમે...?" 

"કરુણા." પોતાનું નામ આપતા તે બોલી. 

"આઈ સી. તમે જ મને ફોન કરીને મળવા માટે કહ્યું હતું. બેસો."

"શ્યોર." થોડું હસી એ એની સામેની ખુરશી પર બેઠી. 

તેણે વેટરને એક હાથ ઊંચો કરી કહ્યું, "ટૂ લાટે પ્લીઝ! તમને..."

"હા, મને ફાવશે."

"ઓલરાઈટ. સો, તમે નિકુંજની ઓફિસમાં કામ કરો છો?"

"હા."

"હં... બોલો શું કામ હતું મારું."

"એક્ચ્યુલી મારે તમારી સાથે નિકુંજની થોડી વાત કરવી હતી."

"નિકુંજ વિશે! કેમ?"

"જુઓ... હું તમને અત્યારે બધું નહિ કહી શકું. પણ મારે એકવાર તેની સાથે વાત કરવી છે."

"સોરી કરુણા. જ્યાં સુધી હું એ નહિ જાણું કે શું મેટર છે? ત્યાં સુધી હું નિકુંજ અંગે કોઈ વાત નહિ કરું."

"મને ખબર છે કે તમે એના માટે ચિન્તિત હશો."

"એટલે તમે નિકુંજ વિશે ઘણું જાણો છો."

એક ક્ષણ તેને નિહાળી તે બોલી, "... હા."

થોડાં હઠીલા અંદાજે તે બોલ્યો, "તો તો તમારે મને એ કહેવું જ રહ્યું કે નિકુંજ અંગે તમે શું કામ જાણવા માંગો છો?"

તેની વર્તણૂકથી કરુણા સમજી ગઈ કે મિહિર એટલી આસાનીથી કશું કહેશે નહિ. અંતે તેણે થોડું ઢીલું મૂક્યું. છતાં બધી વાત ઉજાગર ના થાય એ રીતે તે બોલી, "મને ખબર છે કે ઓફિસમાં એની સાથે કંઈક ખોટું થયું છે. એક્જેટલી શું થયું છે એ તો હું નથી જાણતી. પણ હાલ અમારી ઓફિસમાં કોઈ એવું છે જેની સાથે ખોટું થઈ રહ્યું છે. તેને બચાવવા માટે અમારે નિકુંજની જરૂર છે." 

"મને નિકુંજ અંગે કોઈ જાણ નથી."

"તમે અને નિકુંજ સાથે જ રહેતાને? પ્લીઝ..."

"જુઓ..."

"તમે ચિંતા ના કરો, તમારું કે નિકુંજનું નામ ક્યાંય નહિ આવે એની જવાબદારી મારી."

"વાત એ છે જ નહિ. તમને મારા પર વિશ્વાસ નથી આવતો પણ હું તમને સાચું કહી રહ્યો છો. અમે બંને સાથે અહીં આવેલા અને ધીમે ધીમે જોબ શરુ કરેલી. તેને બાદમાં તમારી ઓફિસમાં જોબ મળી ગઈ અને મેં મારી મહેનતથી આ કાફે શરુ કર્યું."

"તો આ કાફે તમારું છે?"

"હા. હું આખો દિવસ અહીં કામ કરતો અને તે ત્યાં ઓફિસમાં. અમે બંને એક સાથે એક જ ઘરમાં રહેતા હોવા છતાં માત્ર રાત્રે ભેગા થતા. આ ક્રમ ઘણો સમય સુધી ચાલ્યો. મારુ કાફે ધીમે ધીમે ચાલવા લાગ્યું અને અમારી વાતચીત ઓછી થઈ ગઈ. મોડે સુધી હું અહીં રહેતો. જ્યારે ઘરે જતો તો ક્યારેક તે સુઈ ગયો હોય, કે પછી પોતાની રૂમમાં કામ કરતો હોય. એવામાં એક દિવસ મને ખબર પડી કે તમારી ઓફિસ પર કોઈ કેસ-કબાડા થયા છે અને મારો દોસ્ત એમાં ફસાયો છે. મેં તેને કોલ કર્યો તો તેણે કહ્યું કે તે ઘરે છે. હું તેને મળવા તુરંત નીકળી ગયો. પણ જ્યારે ઘરે પહોંચ્યો તો તે ત્યાં નહોતો."

"નહોતો એટલે?"

"મેં તેની રૂમમાં જોયું તો તેનો સમાન પણ નહોતો.  મેં તેને ઘણાં કોલ કર્યા, પણ તેણે મારો એકેય કોલ રિસીવ ના કર્યો."

"શું તમે મને એનો ફોન નમ્બર આપશો?" ફોન કાઢતા કરુણાએ ડાયલ પેડ ખોલ્યું.

"કશો ફાયદો નથી. તેણે ગયાના બે દિવસ બાદ જ પોતાનો નમ્બર ચેન્જ કરી નાખેલો. તેના ફેમિલીમાંથી પણ કોઈનો નમ્બર મારી પાસે નથી. સોરી."

"એકબાજુ કેસ ફાઈલ થયો જેના રિપોર્ટમાં તેનું નામ હતું અને બીજી બાજુ તે બધું છોડીને ચાલ્યો ગયો."

"હું ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયું કે એની રૂમમાં અને લિવિંગ એરિયામાં અમુક સમાન વિખેરાયેલો હતો. મેં પોલીસને આ બાબતે જાણ કરી. પણ તેણે કોઈ એક્શન ના લીધી. થોડાં દિવસ કેસનું નાટક ચાલ્યું અને પછી બધું સંકેલાય ગયું. શું થયું એ કોઈને સમજમાં જ ના આવ્યું."

"એટલે નિકુંજને જબરદસ્તી કશેક બીજે લઈ જવાયો છે?"

"એની મને જાણ નથી. મેં એને શોધવાનો પ્રયત્ન કર્યો પણ હું નિષ્ફ્ળ ગયો."

કરુણા પાસે કહેવા માટે કોઈ શબ્દો નહોતા. થોડીવાર શાંત બેસી તેણે ધીમેથી પૂછ્યું, "તેની કોઈ ખબર મળે એવું?"

"ના. કોઈ ચાન્સ નથી. જો હોત તો હું ક્યારનોયે એની પાસે પહોંચી ગયો હોત. કારણ કે તે પોતે જ કોઈ સામે આવવા નથી માંગતો. તે આ જ શહેરમાં છે અને કોઈ જગ્યાએ જોબ કરે છે પણ ક્યાં એ ખબર નથી."

"ઓકે. થેન્ક યુ મિહિર."

"ટાઈમ્સમાં કેટલા સમયથી જોબ કરો છો."

"ઓલમોસ્ટ ત્રણ-ચાર વર્ષથી."

"તો તો પછી તમને પણ આ કેસ વિશે ખબર જ હશે?"

"હા, છે. એટલે જ હું નિકુંજને શોધી રહી છું. કારણ કે કોઈ એવું છે જે એની જેમ ફસાવા જઈ રહ્યું છે. તેને કશું થાય એ પહેલાં હું બધું સીધું કરવાનો પ્રયત્ન કરી રહી છું."

"હમ... મને જો એની જાણ થશે તો હું તમને  જણાવીશ. બાકી, ઓલ ધી બેસ્ટ."

તેણે "થેન્ક્સ." કહ્યું અને ફરી ઓફિસ તરફ ચાલી. મિહિરની વાત પર વિશ્વાસ કરવો કે નહિ એ દ્વિધા જનક હતું. બહાર નીકળતાની સાથે તેણે નિતુને ફોન લગાવ્યો.

"હા બોલ. શું થયું?"

"તું એકલી છેને નીતિકા?"

"ના." બાજુમાં બેઠેલા નવીન તરફ આંખો ઘુમાવતા તે બોલી. તે પોતાના કામમાં જ હતો.

કરુણાએ પૂછ્યું, "તો શું હું વાત કરું?"

નવીનને ના સમજાય એ રીતે તેણે કહ્યું, "હા, તમે જણાવી શકો છો."

તેણે ફોનમાં મિહિર સાથે થયેલી બધી વાત કહી. આ સ્થિતિ બંને માટે વિચારવા મજબૂર કરે તેવી હતી. એક બાજુ તેને એ જાણ થઈ કે નિકુંજ આ જ શહેરમાં છે. તો પ્રશ્ન એને શોધવાનો પણ હતો. એ સુરક્ષિત છે એ વાતની ખાત્રી ખરી, પરંતુ મિહિરે અસ્ત વ્યસ્ત પડેલા સામાનની વાત કરી તો સવાલ એ પણ હતો કે તેની સાથે થયું છે શું?