મમતા - ભાગ 35 - 36 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 35 - 36

🕉️
" મમતા "
ભાગ :35
💓💓💓💓💓💓💓💓

( વિક એન્ડમાં બે દિવસ માટે આબુ ફરીને મંથન અને મોક્ષા ઘરે પાછા ફરે છે. ઘરે આવતા જ મોક્ષાની તબિયત બગડે છે. હવે આગળ.....)

મંથન અને મોક્ષા આબુ ફરીને ઘરે આવ્યા. મોક્ષાની તબિયત ખરાબ હતી. તેને સખત ઉલ્ટીઓ થતી હતી. તો મંથન મોક્ષાને હોસ્પિટલ લઈ જાય છે. અને ડૉકટર મોક્ષાને તપાસીને દવા આપે છે. અને બંને ઘરે આવે છે.

મંથન મોક્ષાને બેડરૂમમાં જઈને આરામ કરવાનું કહે છે. અને મોક્ષાને ઓફિસમાંથી થોડા દિવસો રજા લેવાનું કહે છે. શારદાબા પણ મોક્ષાની કાળજી રાખે છે.

સવાર થતાં જ મંથન ઓફિસ જાય છે. અહીં પરીને પણ ખુબ મજા પડે છે. મોક્ષા પરી સાથે જુદી જુદી રમતો રમે છે. પરીની સાથે મોક્ષા પણ નાની બાળક જેવી બની જાય છે. બંનેને સાથે સમય ગાળતા જોઈ શારદાબા વિચારે છે." કોણ કહે જન્મ દેનારી મા પાસે જ "મમતા" હોય,મા ની "મમતા"તો દરેક સ્ત્રીમાં હોય છે. પરીને જે રીતે મોક્ષાએ અપનાવી છે તે જોઈને મારા દિલને ઠંડક થઈ ગઈ." ત્યાં જ મોક્ષા શારદાબા પાસે આવે છે. અને કહે " શું થયુ? શું વિચારો છો? " તો શારદાબા કંઈ પણ બોલ્યા વિના ફકત આંખમાં આંસુ સાથે મોક્ષાને ગળે લગાડે છે. બંનેમાંથી કોઈને કંઈ બોલવાની જરૂર પડતી નથી.

સાંજ થતા જ મંથન ઘરે આવે છે. તો પરી દોડીને મંથન પાસે જાય છે. અને આજે તેણે મોમ સાથે વિતાવેલી સુખદ વાતો કાલીઘેલી ભાષામાં મંથનને કહે છે.

મંથન બેડરૂમમાં આવે છે. તો મોક્ષા આરામ કરતી હોય છે. મંથન કહે " મેડમ, આરામ કરો છો કે પછી પરીની સાથે ધમાલ" આ સાંભળી મોક્ષા બોલી " જનાબ, હવે હું ઠીક છું. આખો દિવસ ઘરમાં રહીને પરી અને માની નજીક આવી છું. કયારેક કયારેક બિમારી પણ સારૂં કામ કરે છે" મંથન મોક્ષા પાસે બેસે છે. કહે કાલથી તારે ઓફિસ જોઈન કરવાની છે. મુંબઈ વાળા પ્રોજેક્ટનું કામ ઘણું આગળ વધી ગયું છે. બની શકે કદાચ આપણે રૂબરૂ પણ મુંબઈ જવુ પડે.

રાત થતાં જ શારદાબા મોક્ષા માટે ખીચડી અને વેજીટેબલ સુપ લઈને આવે છે. મોક્ષા કહે " મા, મને મારી મા તો યાદ નથી પણ તે પણ તમારા જેવી જ હશે.મને મંથનની સાથે સાથે એક મા, અને સાથે લાડલી પરી પણ મળી. સાચે જ હું ખુબ ખુશનસીબ છું "

સાસુ વહુનાં મિલનને જોઈ મંથન આવે છે ને કહે " અરે! આમ આંસુઓ ન વહાવો. કયારેક કયારેક ડેઈલી શોપની સિરીયલની જેમ એકબીજા લડો તો થોડી મજા પડે" તો શારદાબા કહે " મંથન, તારે શું અમને બંનેને લડાવવા છે?" તો મોક્ષા બોલી "આવી નોબત કયારેય નહી આવે મા" ત્યાં જ પરી દોડતી આવીને મોક્ષા પાસે બેસી જાય છે. આટલા દિવસોની રજામાં મોક્ષા અને પરી નજીક આવી ગયા હતા. પરીને એક મા ની "મમતા" મળી હતી. તો મોક્ષાને પણ એક કુટુંબની હૂંફ મળી હતી. શારદાબા જાય છે. અને મંથન પરીને સુવાડવા જાય છે. ત્યાં જ મોક્ષાનાં ફોનમાં રીંગ આવે છે. કે મુંબઈનાં પ્રોજેક્ટમાં કંઈક પ્રોબ્લેમ થયો છે તો તમારે મુંબઈ આવવું પડશે.

મંથન પરીને સુવાડીને બેડરૂમમાં આવે છે. તો મોક્ષા કહે " આપણે કાલે જ મુંબઈ જવું પડશે. આ પ્રોજેક્ટમાં કંઈક પ્રોબ્લેમ થયો છે" મંથન બંનેની કાલ બપોરની ફલાઈટની ટિકિટ બુક કરે છે. (ક્રમશ :)

( મોક્ષાની તબિયત હવે સારી છે. આ સમયગાળામાં મોક્ષા, પરી અને શારદાબા એકબીજાની નજીક આવી ગયા હતા. મોક્ષાની મમતાની હૂંફથી પરી પણ ખુશ હતી. હવે આગળ શું થશે? તે જાણવા વાંચો "મમતા")

🕉️
"મમતા "
ભાગ :36
💓💓💓💓💓💓💓💓

(મોક્ષાની તબિયત હવે સારી છે. અચાનક ઓફિસનાં કામ માટે મુંબઈ જવાનું થાય છે. હવે આગળ.....)

વાદળોમાંથી ડોકિયું કરતો સૂરજ અને વહેલી સવારમાં "કૃષ્ણ વિલા " બંગલામાંથી કાનાની આરતી સંભળાવી એ રોજનો ક્રમ હતો. આરતી કરી શારદાબા મોક્ષાને પ્રસાદ આપે છે. અને કહે " મોક્ષા તું પેકિંગ કર, હું નાસ્તાનું જોઉં છું "

બધા સાથે નાસ્તો કરી સૌ પોત પોતાનાં કામમાં પોરવાઈ જાય છે. મંથન ફાઈલો લેવા ઓફિસે જાય છે. મોક્ષા પોતાના બેડરૂમમાં પેકિંગ માટે જાય છે. અચાનક જ તેને કંઈક યાદ આવતા તે ફોન લે છે અને એક નંબર ડાયલ કરે છે. તે મુંબઈ વિનીતની મા સાધનાબેનને કૉલ કરે છે. " હેલ્લો, જય શ્રીકૃષ્ણ, આંટી કેમ છો? " સામેથી સાધનાબેન પણ મોક્ષાને "જય શ્રીકૃષ્ણ " કહે છે. મોક્ષા બોલી " આંટી, હું મુંબઈ આવું છું. ઓફિસનાં કામ માટે તો આપને મળવા આવીશું" સામેથી સાધનાબેન પણ કહે "જરૂર બેટા અહીં જ ઉતરજો"

મંથન પણ ઓફિસથી આવે છે. મુંબઈ માટે બપોરની ફલાઈટ હતી. બધા સાથે બપોરનું જમણ લે છે. શારદાબા મંથનને ટકોર કરે છે. " મંથન, મોક્ષાનું ધ્યાન રાખજે. હજુ હમણા જ ઠીક થઈ છે." મંથન અને મોક્ષા એરપોર્ટ જવા નીકળે છે.

મોક્ષા મંથનને કહે આપણે સાધનાબેનને મળવા જવાનું છે" તો મંથન કહે "ચોક્કસ જઇશું. એ બહાને હું પણ તેમને મળીશ"
છત્રપતિ શિવાજી ટર્મિનલ એરપોર્ટ પર આવી પહોંચ્યા. મંથન અને મોક્ષા હોટલ પર જાય છે. ત્યાંથી ફ્રેશ થઈ મિટિંગ માટે જાય છે. મિટિંગ પુરી થઈ તો રાત થવા આવી. તો મોક્ષાએ સાધનાબેનને ફોન કરી કાલે આવીશુ એમ કહ્યુ.

રાતનું ડિનર લઈ મંથન અને મોક્ષા મુંબઈનાં રસ્તાઓ પર ફરવા નીકળી પડે છે. હાથોમાં હાથ નાંખી બંને પ્રેમી પંખીડા મોડી રાત સુધી ફરી હોટલ પર આવે છે. મોક્ષા બોલી "જનાબ આજ તો હું બહુ થાકી ગઈ છું " મંથન મોક્ષાને દવા આપે છે.

સવાર થતાં જ મંથન બારીનો પડદો હટાવીને બારી ખોલતા મોક્ષા આંખો ચોળતા જાગે છે. અને ફોન જુવે છે. તો તે બોલી " ઓહ માય ગોડ, નવ વાગી ગયા. મંથન તે મને જગાડી નહી" તો મંથન બોલ્યો " તું સુતેલી બહુ રોમાન્ટિક લાગતી હતી. તો ઉઠાડી નહી" અને મોક્ષા મંથનને પીલૉ મારી ફ્રેશ થવા ગઈ.

મંથન અને મોક્ષા સાધનાબેનને ત્યાં જવા નીકળ્યા. મોક્ષા સાધનાબેનને પગે લાગી. અને મંથનની ઓળખાણ આપી. વિનીતનાં પિતાનાં મૃત્યુ પછી સાધનાબેન સામાજીક કામોમાં લાગી ગયા હતા. વિનીત કયારેક મુંબઈ આવતો. સાધનાબેન મંથન અને મોક્ષાને આશિર્વાદ આપે છે. અને સોનાનાં કંગન ભેટમાં આપે છે. અને કહે " મોક્ષા તું જીવનમાં આગળ વધી એ જાણી ઘણો આનંદ થયો. તારા લગ્ન વખતે તારો કૉલ હતો પણ મારી તબિયત સારી ન હતી તો આવી શકી નહી." મંથન સાધનાબેનનો સ્વભાવ જોઈ ખુશ થયો. એક સાસુ હોવા છતાં પોતાના દિકરા કરતાં મોક્ષાને દીકરીની જેમ રાખતા હતા. બંનેએ બપોરનું ભોજન સાધનાબેન સાથે લીધુ. અને રાતની ફલાઈટમાં પાછા ઘરે આવવા નીકળ્યા. (ક્રમશ :)

( જીવનમાં બધા સબંધોનાં ઋણાનુંબંધ હોય છે. સાધનાબેન કે જે મોક્ષાને દીકરી માને છે. તો બીજી બાજુ શારદાબા મોક્ષાને વહુ કરતા દીકરીની જેમ સાચવે છે.)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર