નિતુ - પ્રકરણ 13 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 13

-
પ્રકરણ ૧૩: પરિવાર

નિતુ આજે એક દિવસની રજા પછી ઓફિસ પહોંચી અને પોતાનું કામ આગળ વધાર્યું. પણ આજે તેનું મન તેના કામ કરતા ઘરમાં ચાલી રહેલી કૃતિના વેવિશાળની વાતમાં વધારે હતું. તેને સતત તેના વિશે જ વિચાર આવી રહ્યા હતા. તેને થયું, "કૃતિ બોલવામાં બહુ આગળ છે. તેને કોની સાથે કઈ રીતે વાત કરવી તેનું ભાન નથી. કાલે સાંજથી તે ગુસ્સમાં છે અને જબરદસ્તી મેં તેને સાગરને મળવા મોકલી છે. ક્યાંક સાગર સાથે આમ તેમ ના બોલે તો સારું."

લંચના સમયમાં ભાર્ગવ, અશોક, કરુણા, અનુરાધા અને નિતુ ચારેય સાથે કેન્ટીનમાં બેઠા બેઠા વાતો કરતા હતા. અનુરાધા બોલી, "આજે સૌથી વધારે શાંતિ નિતિકાને છે."

"કેમ?" કરુણાએ પૂછ્યું.

તો તે બોલી, "તમને ખબર છેને મેડમ બે દિવસ માટે બહાર ગયા છે. આ વાતથી સૌથી વધુ ખુશ કોણ હોય? નિતિકા. કારણ કે તેને વિદ્યા મેડમથી બે દિવસ શાંતિ મળશે ને!"

બધા હસ્યાં પણ નિતુ પોતાની નાનકીનાં જ વિચારોમાં ખોવાયેલી હતી. અનુરાધાનું ધ્યાન ગયું એટલે તેણે નિતુને પૂછ્યું, "નીતિકા, ક્યાં ખોવાઈ ગઈ? શું થયું?"

"શું કહું?"

"કેમ? આજે મેડમ નથી તો તમને નથી ગમતું? મેડમનો ઠપકો સાંભળ્યા વગર લંચ નહિ ભાવ્યું હોયને! ખરુંને?" ભાર્ગવે ઠેકડી કરતા તેને પૂછ્યું.

નિતુ કહે, "ના એમ વાત નથી."

"તો શું થયું?" અનુરાધાએ પૂછ્યું.

"તું કાલે મારી ફેમેલીને ઘર પર છોડીને ગઈ પછી કૃતિને જોવા માટે મહેમાન આવવાના છે એવું નક્કી થયું. બધું બરાબર હતું અને અમને પણ સાગર ગમ્યો. પણ કૃતિએ ખબર નહિ એની સાથે શું વાત કરી!"

કરુણાએ પૂછ્યું : "શું થયું? કોઈ ગડબડ થઈ?"

"ના ગડબડ તો નથી થઈ. પણ તેના ઘરના દરેક લોકો અમને સારા લાગ્યા અને થયું કે કૃતિ માટે આ ઘર યોગ્ય જ છે. એને પણ કૃતિ ગમી, એમાં ખબર નહિ નાનકીને શું સુજ્યું? તેણે બધાની સામે સાગરના પપ્પા સાથે દલીલ કરવાનું શરુ કરી દીધું!"

"અરે બાપ રે! પછી?"

"તેઓને ખોટુ તો નથી લાગ્યું એટલે સારું થયું. બાકી કૃતિએ એ વાતથી નારાજગી બતાવી કે સાગર તેના કરતા ઓછું ભણેલો છે."

કરુણા બોલી: "જો એમ હોય તો મને કૃતિની વાત બરાબર જ લાગે છે. કારણ કે તે માસ્ટર ડિગ્રી મેળવી ચુકી છે અને ડિઝર્વ કરે છે કે તેને પણ તેના યોગ્ય પાત્ર મળવું જોઈએ."

"હા. એ તો છે. મારી મમ્મી અને કાકાને જીતુભાઈ અને તેનો પરિવાર બહુ સારો લાગ્યો અને તેઓની ગણતરી તે ઘરમાં જ કૃતિને પરણાવવાની છે. મેં કાલે કોશિશ કરી કે યોગ્ય નિર્ણય લઈ શકું પણ કૃતિ આજે સાગરને બીજીવાર મળવા માટે ગઈ છે અને તમે કૃતિને જાણતા નથી. મારી જગ્યાએ જો એ હોત તો આ આખી ઓફિસને સાનમાં લાવી દેત, એવી છે. તેનું મન નહોતું છતાં મેં આજે તેને મોકલી, ખબર નહિ કે સાગરની હાલત કેવી થઈ હશે."

"ઓ.એમ.જી! નિતુ તો તો મારે કૃતિને મળવું જ પડશે." કરુણાએ કહ્યું.

"હા, તું આવ તો તને ખબર પડે!" નિતુ બોલી.

ભાર્ગવ કહે, "યુ નો, જ્યારે મારા લગ્નની વાત ચાલીને, ત્યારે આ પ્રશ્ન અમારે પણ આવેલો. હું માસ્ટર ડીગ્રીવાળો. તમે સાગરની વાત કરો છો કે બાર જ ભણેલો, મારી વાઈફ તો એસએસસી પાસ થયેલી. એ પણ મહા પરાણે. અત્યારે જેવા મારા બાળકો છેને એવી જ મારી વાઈફ ભણવામાં હતી. મેં બહુ વિરોધ કરેલો કે મારે કોઈ ભણેલી છોકરી સાથે લગ્ન કરવા છે. પણ એ સમયે મારા દાદા જીવતા અને તેણે મને ફોર્સ કર્યો અને મારા લગ્ન સ્નેહા સાથે કરાવી દીધા. ટ્રસ્ટ મી, કે તે સમયે મને જે લાગતું હતું એમાંથી એકેય પ્રશ્ન આજે મારી કે મારી વાઈફ વચ્ચે નથી આવતા. બહુ આરામથી જિંદગી નીકળે છે. તું ચિંતા નહિ કર. જો કૃતિ હા કહે તો એને પણ ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ નહિ થાય, એની ગેરેન્ટી હું આપું છું."

એના વિચારોથી અલગ તરતા કરુણા બોલી, "ભાર્ગવભાઈ, આ ખાલી તમને એવું લાગે. તમારા જ લગ્ન સ્નેહા ભાભી સાથે થયા. તો તમારી ઘણી એવી બાબતો હશે જે ભાભી નહિ સમજી શકતા હોય. હવે તમે વિચાર કરો કે એવી સ્થિતિમાં તમારી જેમ બધા એડજસ્ટ કરી લે ખરા? ઓફ કોર્સ કે ના જ થાય. ક્યાંકને ક્યાંક તો કંકાસ નીકળવાનો જ છે. હું અને મારો હસબન્ડ બંને એક સરખા છીએ અને મને અત્યારે એવું લાગે છે કે હું બહુ જ ખુશ નસીબ છું."

ભાર્ગવ કહેવા લાગ્યો, "તંબુરો ખુશ નસીબ. અરે આ બધું કહેવામાં સારું લાગે. બાકી એક વાત કહું તો અસ્સલ મજા અલગ અલગ પાત્રો ભેગા થાય એમાં જ છે. મારી વાઈફ ક્યારેક મારી વાત ના સમજી શકે ત્યારે તેને સમજાવવામાં મને કેટલો આનંદ આવે છે એનું અનુમાન તમે લોકો કાઢી નહિ શકો. તું વાત કરે છે કે પાત્રો એક બીજાને સમજે. તને ખબર છે? રોજે દાળ-ભાત ખાયને જેવું લાગેને એવું સરખામાં લાગે."

તેની આ વાત પર બધા હસ્યાં પણ ચિડાયને કરુણા બોલી, "બહુ સારું, પણ મારો હસબન્ડ મારા માટે બેસ્ટ જ છે." કહી પોતાનું ટિફિન પેક કર્યું અને ચાલતી થઈ.

ભાર્ગવ બોલ્યો, "અરે નિતુ હું કહું છુંને. તું છેને, બીજાની વાત પર ધ્યાન નહિ આપ. દુનિયા કહેતી રહેશે જે કહેવું હોય તે. બાકી જો સાગર સારો હોય તો કૃતિને કહેજે કે એકવાર ધ્યાનથી વિચાર કરે. ઠીક ચાલો મારુ પતી ગયું, હું પાછો કામે લાગુ." કહેતો તે પણ ચાલતો થયો.

અનુરાધાએ કહ્યું, "જો નિતુ, મને તો ભાર્ગવભાઈ અને કરુણા બંનેની વાત સાચી લાગી. સરખા હોય તો એકબીજાને સમજે એ ખરું. પણ જેમ ભાર્ગવભાઈએ કહ્યું એમ અલગ અલગ હોવા છતાંયે પ્રેમ તો સરખો જ રહેવાનો ને! એને વળી બીજી વાતોથી શું ફેર પાડવાનો? એટલે કૃતિ જે ડિસિઝન લે એને મંજુર કરી લેજે."

"મેં પણ એમ જ વિચાર્યું છે."

"ઠીક ચાલ, મારુ જમવાનું પતિ ગયું છે. તારું થઈ ગયું હોય તો આપણે જઈએ."

"હા, ચાલ." કહેતી તે ઉભી થઈ કે તેના ફોનમાં રિંગ વાગી. અજાણ્યો નંબર હતો, 'આ કોણ હશે?!' તેણે ફોન ઊંચકાવ્યો અને બોલી, "હેલ્લો!" પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો; ફરી બોલી, "હેલ્લો!"; કોઈ ઉત્તર નહિ. અજાણ્યો નંબર તેણે ફોનમાં ચેક કર્યો. આ નંબર પહેલા ક્યારેય નહોતો આવેલો. ફરી ફોન કાને રાખી તે માત્ર સામેથી કોઈ બોલે તેની રાહ જોવા લાગી. થોડી સેકન્ડો માટે ના નિતુ બોલી કે ના સામેથી કોઈ બોલ્યું. થોડી ક્ષણો પછી સામેથી કોઈનો અવાજ આવ્યો; 'નિતિકા?'

"હા, બોલો!" નિતુએ કહ્યું. પણ તેણે કશું બોલ્યા વિના ફોન કટ કરી નાખ્યો. અનુરાધાએ તેને સાદ કર્યો અને તે તેની સાથે ચાલતી થઈ.

ઘરમાં શારદા અને ધીરુકાકા કૃતિને હિંચકા પર એકલા એકલા હસતા જોઈ રહ્યા હતા. શારદા કૃતિને પૂછવા લાગી, "હુ થયું કૃતિ? હુ કીધું સાગરે?"

ઘૃણાતીત ભાવે તે બોલી, "મમ્મી... હું વિચાર કરીને કઈશ."

ધીરૂકાકાએ પૂછ્યું, "સાગરને જે પૂછવાનું હતું એ બધું તો પુછાય ગયુંને?"

"હા કાકા! મારી બધી વાત થઈ ગઈ છે." કહેતી તે ફરી સાગરની વાતોને યાદ કરતી એના પર વિચાર કરવા લાગી.

શારદા ધીમા અવાજે ધીરુભાઈને કહેવા લાગી, "હામ્ભળો! આ કૃતિ કેમ કાંય બોલતી નથી? હુ થયું હશે?"

ધીરૂભાઇએ કૃતિ સામે જોતા ધીમા અવાજે ઉત્તર આપ્યો, "અરે ભાભી! મને લાગે છે કે જરૂર સાગર અને કૃતિએ એકબીજા હારે જે વાત કરવાની હતી એ કરી લીધી હશે. જુઓ, ઈ બેઠી બેઠી સાગરનું જ વિચારે છે. મને લાગે છે કે હવે ઈ ના નઈ કે'."

"પણ એનો કોઈ ભરોહો નઈ હો! ઈ કૃતિ છે, ઈ તો ક્યારે ઘોડો ઠેકાડે ઈ જ નક્કી નો કેવાય."

"કાંય વાંધો નહિ ભાભી. એને જેમ કરવું હોય એમ કરે. આપડે એને કોઈ જાતનું દબાણ નથી કરવું,"

રાત્રે નિતુ ઘેર આવી, જ્યારથી આવી ત્યારથી તેને કૃતિ ન્હોતી દેખાતી. તેણે શારદાને પૂછ્યું, "મમ્મી! આ કૃતિ કેમ નથી દેખાતી? ક્યાં ગઈ છે?"

"મને ખબર છે કે તને આજ આખો દિ' શાંતિ નય થઈ હોય અને અમનેય નથી થય. જે ટાણાંની સાગરને મળીને આવી છે, હાવ એકલી એકલી ભાગે છે. એયને ઉપર અગાશીના હિંચકે બેઠી-બેઠી, એકલી- એકલી હસ્યાં કરે છે."

ઉપર અગાશીમાં હિંચકા પર બેસીને તે પોતાનો નિર્ણય શું લેવો તેના વિશે વિચારી રહી હતી. પહેલા તેને સાગર પર વિશ્વાસ ન્હોતો અને પોતાના વિચાર જ યોગ્ય લગતા હતા. જ્યારે બીજીવાર તેની મુલાકાત લીધી અને તેના વિચાર જાણ્યા ત્યારે તેને પોતાના વિચારોમાં થોડી ક્ષતિ દેખાય. એવામાં હરેશ પોતાની અગાશીમાં પુસ્તક લઈને આવ્યો. તેણે બદલાયેલી કૃતિ સામે જોયું અને પાળીયે જઈને તેને પૂછવા લાગ્યો, "જે જીભને શાંત રહેવું પસંદ નથી એ આજે તેને પસંદ કરવા લાગી છે! એવું તે શું છે? કોઈ કહેશે મને?"

"આજે એ કહેવા માટે પણ કોઈ નથી અને હોય તો તેની પાસે શબ્દ નથી."

"અરે વાહ! શું વાત છે! મને થયું કે તું મારા પર ભડકશે."

"હું તમારા પર શું કામ ભડકુ?"

"બસ એમજ."

"એમજ?"

"હા, તને ચંછેડવાનો અનુભવ છે મને. તો થયું કે તારી શાંતિમાં ભંગ કરવા બદલ તું મારા પર ભડકી ઉઠીશ."

"ના, આજે નહિ." સ્મિત સાથે કૃતિએ જવાબ આપ્યો.

હરેશને તેનામાં બદલાવ દેખાયો અને આશ્વર્ય સાથે પૂછ્યું, "આજે શું છે?"

કૃતિ બોલી, "મને એક વાત કહો, કે જ્યારે તમને કોઈ વસ્તુ ગમતી હોય અને તમારા પરિવારને નહિ. તો શું એ કરવું જોઈએ?"

હરેશ બોલ્યો, "જો મારુ પૂછો તો હું હિમ્મત જ ના કરું કે મારી ગમતી વસ્તુ માટે થઈને હું મારા પરિવારને ન ગમતી વસ્તુ કરું."

"અને તો તમને ના ગમતું હોય અને પરિવારને ગમતું હોય તો?"

"તો હું ના ગમવા છતાં એ કરું."

"અને જો સવાલ તમારી જિંદગીનો હોય તો?"

"તો હું મારા પરિવારને પૂછીશ, કે શું તે મારી જિંદગીના બદલામાં તેઓની ખુશી ઈચ્છે છે? પછી એ જે કહે હું એમ કરીશ."

તે હસીને બોલી, "હમ્મ... મને મારો જવાબ મળી ગયો."

"શું?"

"કંઈ નહિ." તેના હાથમાં પુસ્તક જોઈને કૃતિએ પૂછ્યું, "તમે પુસ્તક પણ વાંચો છો?"

"હા રોજે."

એટલામાં ધીરુકાકાએ સાદ કર્યો, "કૃતિ બેટા! હાલ હેઠે આવીને પેલા ખાય લે."

તે નીચે આવી અને હરેશ પોતાની પુસ્તકમાં લાગી ગયો. બધા સાથે બેસીને જમતા હતા પણ કૃતિનું મન બીજી દિશામાં જ ભટકતું હતું. નિતુએ તેને પીરસતા જોયું કે તેનું ધ્યાન જ નથી. તે શારદા તરફ ઈશારો કરી પૂછવા લાગી કે શું થયુ? તો શારદાએ નીચેનો એક હોઠ બહાર કાઢ્યો અને ખભા તથા નેણ ઊંચા કરી 'નથી ખબર' એમ કહ્યું. તેણે ધીરુકાકા સામે જોયું તો તેણે પણ માથું ધુણાવતા ના કહી. આખરે તેણે તેને તેની સ્થિતિ પર છોડી દીધી. રાત્રે નિતુ તેની રૂમમાં ગઈ અને જોયું તો તે ગુમસુમ બની બેઠેલી. તેને એ પણ ભાન ના રહી કે તેની મોટી બહેન તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ છે. તેણે તેના માથામાં હાથ ફેરવતા માના અવાજમાં કહ્યું, "કૃતિ બેટા!"

તે ઝબકી અને બોલી ઉઠી, "હા મમ્મી."

નિતુ જોર જોરથી હસવા લાગી અને કૃતિ તેની આ હરકતને સમજી ગઈ.

"શું દીદી તમે પણ! મને થયું કે મમ્મી આવી છે."

"તારું ધ્યાન ક્યાં છે? હું ક્યારની અહીં આવીને ઉભી છું અને તું જોતી પણ નથી. કોના વિચારમાં ખોવાયેલી છે."

"દીદી, શું તમને લાગે છે કે સાગર સાચે મારા માટે યોગ્ય છે?"

"મને તેનો પરિવાર અને સાગર બંને સારા લાગ્યા. કાકાને અને મમ્મીને પણ સારું લાગ્યું છે. અમને તો યોગ્ય જ લાગે છે. જો તને પસંદ તો અમને પસન્દ અને તને નાપસંદ તો અમને પણ નાપસંદ. પણ તું સવારની કેમ ખોવાયેલી છે?"

"ના હું સાગર વિશે નથી વિચારતી."

"પણ મેં તો તેનું નામેય નથી લીધું."

"દીદી!"

તે હસીને તેના ગાલ પર ચીટકો ભરતા બોલી, "કહી દેને કે તને સાગરની વાતો ગમી ગઈ, એની મુલાકાત ગમી ગઈ."

"સાચું કહું દીદી, તમે ખર્ચાની તૈય્યારી કરો."

"ઓહો! તો શું સાચે મારી નાનકી હા બોલે છે?" કહેતા બંને બહેનોએ એકબીજાને બાથ ભીડી દીધી અને બંને ખુશ થઈ. નિતુએ આ સમાચાર બહાર આવી પોતની મમ્મી અને કાકાને આપ્યા. તેઓ પણ ખુશહાલ થઈ ગયા.