Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 28

પ્રકૃતિ અભિષેકને બધી માંડીને વાત કરે છે. તે અભિષેકને સૌરભની હોસ્પિટલના રજિસ્ટરનો ફોટો પોતાના મોબાઈલમાં બતાવે છે.

" આ તે જ દિવસ નું રજીસ્ટ્રેશન છે જે દિવસે હું તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પણ ક્યાંય તેનું નામ નથી. સૌરભનું એવું કહેવું છે કે તેને રજીસ્ટ્રેશન તો કરેલું."

" તું પ્રારબ્ધનો અવાજ ઓળખી શકે..?"

" હા કેમ નહીં..?"

" ઓકે..હું આ દરેકને ફોન લાગવું છું.. પણ વાત તારે કરવાની..!કદાચ તે પોતાની ઓળખ છુપાવવા નામ જુદું લખ્યું હોય..!"

અભિષેકે વારાફરથી દરેકને કોલ લગાવ્યા..તેમાંથી પ્રકૃતિને કિશન મારવાડીનો અવાજ પ્રારબ્ધ જેવો લાગ્યો. ત્યારબાદ અભિષેકે કિશન મારવાડીનું લોકેશન ટ્રેક કર્યું. લોકેશન અમદાવાદના રિંગ રોડ પર બતાવતું હતું. થોડી થોડી વારે અભિષેક તેનું લોકેશન ચેક કરતો. બીજા દિવસે અભિષેકને જાણવા મળ્યું કે કિશન રિંગ રોડ પર જ આવેલી કોઈ ઔદ્યોગિક કંપનીમાં જોબ કરે છે. પ્રકૃતિના કહ્યા મુજબ તેનો દેખાવ હતો અને તેને હાથમાં બ્રેસલેટ પણ પહેરેલું હતું. અભિષેકે તેના ઘરની તપાસ કરી. કિસન મારવાડી જ પ્રારબ્ધ હતો. અભિષેકે આ બધી વિગતો પ્રકૃતિને કહી.પ્રકૃતિ અને અભિષેકને તે સમજાતું નહોતું કે પ્રારબ્ધએ પોતાનું નામ કેમ બદલ્યું..?

રવિવારે પ્રકૃતિ અને અભિષેક પ્રારબ્ધના ઘરે ગયા. આલીશાન મકાન હતું. ઘરમાં દાખલ થતાં જ એક કૂતરો તેમને જોઈ ભોંક્યો.. પ્રકૃતિ અને અભિષેક ત્યાં જ અટકી ગયા.

" મોતી..! કેમ ભશે છે..? કોણ આવ્યું..? " કહેતો એક માણસ બહાર આવ્યો. કુર્તા પર ભરત ભરેલી કોટી પહેરેલી.નીચે ચુડીદાર પાયજામો પહેર્યો હોય. હાથમાં ચાંદીનું બ્રેસલેટ પહેર્યું હતું. તે જ હાથમાં ગાડીની ચાવી હતી. લાગતું હતું તે ક્યાંક બહાર જવાની તૈયારીમાં હતો.

" અભિષેક..! આ જ પ્રારબ્ધ છે.. મારો પ્રારબ્ધ.." કહેતા તે પ્રારબ્ધને દોડીને ભેટવા જાય છે પણ અભિષેક તેનો હાથ પકડી તેને અટકાવે છે. પ્રારબ્ધને જોઈ હરખઘેલી પ્રકૃતિની આંખોમાં તો આંસુ આવી જાય છે.

" ભાઈ આપ કોણ છો..? કોઈ કામ હતું મારુ..? " વિનમ્રતાથી પ્રારબ્ધએ કહ્યું.

" હા.. થોડી માહિતી જોઇતી હતી. આપી શકશો .? "

" હા, આવો અંદર..." પ્રારબ્ધ અંદર ગયો અને પાછળ અભિષેક અને પ્રકૃતિ..

" આ કેમ આવું બીહેવ કરે છે..? મને ભૂલી ગયો છે કે મને ભૂલવા નું નાટક કરે છે. મને જોઈ પણ કોઈ જ એક્સાઇમેન્ટ નહીં..! " પ્રકૃતિએ ગરમ થતા કહ્યું.

" પ્રકૃતિ પ્લીઝ યાર..થોડી ધીરજ રાખ..! બધી ખબર પડી જશે." અભિષેકે તેને ચૂપ રહેવા કહ્યું. બંને અંદર ગયા. હિંચકા પર એક ઘરડાં બા બેઠાં હતાં. રસોડામાંથી સુંદર અને સુશીલ કહી શકાય તેવી સ્ત્રીએ આવી તેમને આવકાર આપ્યો. પાણી આપી, ચા કૉફી માટે પૂછ્યું. બંનેએ કંઈ નહીં લેવાનું જણાવતાં, પ્રારબ્ધએ ચા તો પીવી જ પડશે..કહી ચા બનાવવાનું કહ્યું.

" હા, બોલો શું કામ હતું..ભાઈ..?" પ્રારબ્ધએ કહ્યું.

" વાત એમ છે કે મારો એક મિત્ર ગાયબ થઈ ગયો છે. બસ એની શોધમાં છીએ.

" ઓહ.. હું શું મદદ કરી શકું આપની..?"

"તમારા હાથમાં આ બ્રેસલેટ બહુ મસ્ત છે..! ક્યાંથી લાવ્યા..?" પ્રકૃતિએ ઉત્સુકતાથી પૂછી લીધું.

" આ બ્રેસલેટ..! મારી પત્નીએ આપ્યું છે."

આટલું જાણી પ્રકૃતિ તો મનમાં ને મનમાં ખુશ થવા લાગી.. હજુ પ્રારબ્ધને યાદ છે કે તે બ્રેસલેટ મેં આપ્યું હતું.

" તેમાં કંઇક લખેલું છે.. શું છે..? જણાવી શકશો..?"

" પ્રાતિ.. મારી દીકરીનું નામ છે. નિયતિને આ નામ બહુ ગમતું.."એવામાં જ ફોન આવતા તે બહાર નીકળ્યો.

" નિયતિ.. બાપુનો ફોન હતો.. હું ને બાપુ જઈએ છીએ.. આમને ચા પાણી કરાવ્યા વગર મોકલતી નહીં." આટલું કહીને તે ગાડીની ચાવી લઈ નીકળી ગયો.

થોડીવાર બધા શાંત થયા પછી અભિષેકે ધીમેથી પૂછ્યું,
" બા..! તમારે બે જુડવા બાળકો હતા..? મારો મિત્ર બિલકુલ આના જેવો જ લાગતો..પણ તે ગાયબ થઇ ગયો છે."

" ના બેટા..! આ મારો દીકરો નથી પણ સગા દીકરા કરતા પણ સારી સેવા કરે છે." બાએ કહ્યું.

😊 મૌસમ😊