કસક - 22 Kuldeep Sompura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસક - 22

મન નથી માનતું ભારત છોડીને જવાનું પણ સાથે સાથે ભાઈએ કીધી તે વાત પણ સાચી હતી. મમ્મી અહીંયા એકલા પડી જાય છે. હું જો નોકરી ચાલુ કરી દઈશ તો તે વધુ એકલા પડી જશે. તેની કરતા અમેરિકા જઈને અમે પરિવાર સાથે તો રહી શકીશું.શરૂઆત માં થોડુંક અતળું લાગશે પણ ધીમે ધીમે ટેવાઈ જશું.આમેય કેટલાય લોકો ત્યાં સ્થાયી થવા જાય છે અને તે ત્યાં સ્થાયી થઈ પણ જાય છે તેમ અમે પણ થઈ જઈશું.

આરોહી મન માં આ બધું વિચારી રહી હતી અને તેણે એક દિવસ પછી આરતીબહેન ને તે નિર્ણય જણાવી જ દીધો.

આરતીબહેને પણ તેને પૂછ્યું "તો શું તારો નિર્ણય પાકો છે?"

"હા, પાકો છે મોટાપપ્પા ને કહેજો વિઝાનો બંદોબસ્ત કરી દે."

આરતીબહેન પણ આમતો તેના નિર્ણયથી ખુશ જ હતા.કેટલાક વર્ષો પછી પોતાના સગાવ્હાલા ને મળવું કોને ના ગમે? તેવું તે મનોમન વિચારતા હતા.

આ સર્વે વાતો આરોહીના ઘરમાં ચાલી રહી હતી.કવનને હજી આ સમગ્ર વાતની ખબર પણ નહોતી.

તે તો હજી તેની નવલકથા નો પ્લોટ શોધી રહ્યો હતો. જયારે ૧૫ દિવસ પછી મળ્યાબાદ તે બંને ને એવું લાગતું હતું કે બંને જણ જોડે એકબીજા ને કહેવા માટે એક ખુશ ખબર છે. કવન માટે તો કહેવા માટે ખુશખબર હતી પણ સાંભળવા માટે તો તેના પગ નીચેથી જમીન ખસી જાય તેવી ભયંકર ખબર હતી.

તે દિવસે કવન ખુશ હતો, હમેશાંની જેમ તે આરોહીને મળ્યો અને પહેલાજ તે બોલ્યો કે મારી પાસે તને દેવા પાસે એક સારી ખબર છે.આરોહી એ પણ કહ્યું

" આતો મારે કહેવાનું હતું!, પણ કંઈ નહીં તું કે પહેલા તારે શું કહેવું છે."

કવને તેની વાત ધ્યાનમાં ના લેતા તેને કહ્યું "મને નવલકથા લખવાનો પ્લોટ મળી ગયો છે.હું જલ્દીથી તેની ઉપર કામ શરૂ કરવાનો છું."

આરોહી એ કીધું "શું વાત છે, તો શું છે તે પ્લોટ?"

"પ્લોટ તો હું તને લખીને જ મોકલીશ.હું તને સમજાવી નહીં શકું."

તે આરોહીની વાત સાંભળવા માંગતો હતો.

"ઠીક છે તો તે તું મને લખીને મોકલજે."

"બોલ તું શું કહી રહી હતી." કવને કુનેહતાથી પૂછ્યું.

આરોહીએ પણ ખુશ થઈને કહ્યું "હું અમેરિકા જઈ રહી છું."

આ વાક્ય સાંભળીને કવનના મન અને હૃદયમાં એક એવો સદમો લાગ્યો જે તેનું ભાન ભુલાવી શકતો હતો.તેના મોં ઉપરથી તે હાસ્ય જે બે ક્ષણ પહેલા સુગંધિત ફૂલો ની જેમ મહેકતું હતું, છલકતું હતું.તે ક્યાંક ગાયબ થઈ ગયું.આરોહી એ આ વાત ની નોંધ ના લીધી કારણકે કવન હજી તેની સામે ખોટું હાસ્યનું મુખોટુ પહેરીને ઉભો હતો.તેનો અવાજ દબાઈ ગયો હતો.

કવને તે દબાયેલા અવાજે પૂછ્યું “તો ક્યારે આવીશ હવે?”

આરોહી એ કહ્યું "તે તો મને પણ નથી ખબર, હું હવે ત્યાંજ રહેવાનું વિચારી રહી છું.મમ્મી પણ સાથે આવે છે."

કવનને તેને કહેવાના શબ્દો નહોતા સુજતા.પણ છતાંય તેણે છેલ્લો સવાલ પૂછ્યો.

"તો તું ક્યારે જવાની છે?"

"બે અઠવાડિયા પછી તું મને એરપોર્ટ મુકવા જરૂરથી આવજે."

કવને હસીને હા પાડી.તે સમયે તેજ જાણતો હતો કે તે કેવી રીતે હસી રહ્યો છે.

લોકો કહે છે હમેશાં હસતાં રહેવું જોઈએ પણ ખરેખર બધુ સમય ને આધીન હોય છે.ઘણીવાર હસવા જેવી દુખદ વસ્તુ કોઈ નથી હોતી.

આરોહી એ તે જ સહજતાથી કહ્યું જાણે કઈંજ બદલાયું નહોતું. “ચાલ આજ છેલ્લી વખત બેડમિન્ટન રમી લઈએ.”

કવન ને ના રમવા નો મૂળ રહ્યો તો ના જીવનમાં જીવવાનો.પણ જે તેણે અત્યાર સુધી જાળવી રાખ્યું હતું કે કવન એક સારો મિત્ર છે તેમ તેણે આગળ પણ તે જ રીતે જાળવી રાખવું જ ઠીક લાગ્યું. કવને એક રેકેટ હાથમાં લીધું અને તે આજે તેના જીવનું સૌથી ખરાબ બેડમિન્ટન રમ્યો.છેલ્લે તો તેણે કંટાળી ને રમવાથી ઇનકાર કરી દીધો.

આરોહી એ પણ આજે તેને વધુ રમવા ના કીધું.બંને દૂર જઈ એક ટેકરા પર બેસી ગયા. જ્યાંથી થોડેક દૂર કેટલાક નાના છોકરા રમતા હતા.બંને શાંત બેઠા હતા.દુખ તો આરોહીને પણ હતું પણ તેનું દુખ અને કવનના દુખમાં જમીન અને આકાશ નો ફરક હતો.

આરોહી એ તેના એક આંખના ખૂણેથી તેનું આંશુ લૂછયું.જેની કવનને ખબર હતી પણ તે અજાણ બન્યો.

“ઘણો સારો સમય આપણે સાથે વિતાવ્યો.મને ત્યાં કેવી રીતે ગમશે તારા જેવા મિત્ર વગર?”

કવન આ વાક્ય સાંભડતા જ રડી પડત પણ તે ચૂપ રહ્યો. તેણે પોતાના આંશુ ને રોકી રાખ્યા અને કહ્યું.

“તને મળી જશે મારા જેવો કોઈ મિત્ર ત્યાં, પણ કદાચ મને અહિયાં તારા જેવુ કોઈ નહીં મળે.”

“મને ત્યાં તારા જેવી વાર્તા કોઈ નહીં સાંભડાવે તો?”

આરોહીએ ફરીથી એક આંશુ આંખ ના ખૂણા માંથી સરકાવ્યું. જેની કવનને હવે ખબર નહોતી અને કવન હજી પણ તેના આંશુ ઓ ને રોકીને બેઠો હતો.જે ક્યારના વહી જવા માટે તત્પર હતા.

“મળી જશે તને મારા કરતાં પણ ખુબ સારી વાર્તા સંભળાવવા વાળું કોઈક , પણ મને કદાચ મારી વાર્તા માંથી ભૂલો કાઢવા વાળું કોઈ નહીં મળે.”

આરોહી માટે હવે ત્યાં બેસવું મુશ્કેલ થતું જતું હતું અને કવનના આંશુ પણ આરોહીના ગયા પછી વરસાદની જેમ ધોધમાર વરસવા માંગતા હતા.

આરોહી કવનને ભેટી પડી અને તેને કહ્યું

“હું તને ફોન કરીશ તું મને એરપોર્ટ મૂકવા જરૂર આવજે.”

તે બંને એક વાર ભેટીને છૂટા પડ્યા પછી પણ કવન ફરી આરોહીને ભેટી પડ્યો કદાચ આ તેના જતાં પહેલા છેલ્લી વખત.આરોહી ત્યાંથી ચાલી ગઈ. તે તેને પાછળથી જોતો રહ્યો.તે તેને છેલ્લી વાર જોઈ રહ્યો હતો.

હવે તેણે તેના આંશુઓ ને વહેવાની પરવાનગી આપી દીધી હતી. જે ખુબ વહી રહ્યા હતા. તે મોં માંથી આવજ કાઢ્યા વગર બસ રોતો રહ્યો. તે ત્યાં જ બેસી ગયો અને પોતાનું મોઢું નીચે કરી દીધું અને તેના પર હાથ મૂકી ને ખુબ રોયો.

અંધારું થવાની તૈયારી હતી.તે ને તેની ચિંતા નહોતી કે કોઈ જોઈ રહ્યું છે કે નહીં.બસ તે રોતો રહ્યો.હજી બાળકો રમી રહ્યા હતા.તે તેજ બાળકો હતા જેની સાથે તે ક્યારેક બાળક બની ને રમતો હતો.પણ આજે તેને તે બાળકોથી પણ ચીડ ચડતી હતી.અહીંયા તેજ વૃક્ષો હતા જે ક્યારેક તેને જોઈને ખુશ થતો હતો.આજે તે વૃક્ષો તરફ તેનું ધ્યાન પણ નહોતુ.આકાશ આજે તેવું જ ભૂરા અને કેસરી કલર નું હતું.જેને જોયા વગર તે ક્યારેય ઘરે નહોતો જતો.આજે તે આકાશ તરફ તેણે નઝર પણ નહોતી કરી.

દુઃખ માં ઘણી સારી વસ્તુઓ પણ તમને ખરાબ લાગે છે તો સુખ માં ખરાબ વસ્તુઓ પણ તમને સારી લાગે છે.

કવનની આંખો અને પાંપણ ભીની હતી.તેને બધુ ધૂંધળું દેખાતું હતું.કવનની નજર સમક્ષ આરોહીની સાથે વિતાવેલ તે દરેક યાદગાર દિવસો જાણે એકસાથે બધા જીવંત થઈ ગયા હોય તેમ તેની નજર સમક્ષ ફરી રહ્યા હતા.તે બસ રડી રહ્યો હતો અને અહિયાં તેને ચૂપ કરાવવા વાળું પણ કોઈ નહોતું.

કવન ત્યાંથી ઉભો થયો સાંજ પડી ગઈ હતી અને અંધારું થઈ ગયું હતું.તે થોડી દૂર રમતા છોકરાઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.તે ઘરે જવા નહોતો માંગતો પણ તેની શિવાય તેની પાસે કોઈ વિકલ્પ પણ નહોતો.

તે ઘરે ગયો ત્યારે તેની મમ્મી રસોડામાં હતી અને તેના પપ્પા હંમેશની જેમ બિઝનેસના કામ થી બહાર ગયા હતા.

તે ઉપર તેના રૂમમાં ચાલ્યો ગયો અને તેણે રૂમ અંદરથી બંધ કરી દીધો.તે ફરીથી રોવા માંગતો હતો તે મન ભરીને રડી લેવા માંગતો હતો.તેણે તેવું જ કર્યું સતત રોતો રહ્યો.જ્યારે તેની મમ્મી એ બારણું ખખડાવ્યું તેનો પણ તેણે જવાબ ના આપ્યો.થોડીક વાર બાદ તેની મમ્મી પણ ચાલી ગઈ.તે શાંત થયો અને બાથરૂમ માં જઈને મોં ધોયું જેથી તેની મમ્મી ને લાગે નહીં કે તે રોયો છે તેણે ફરીથી એક નકલી હસતું મુખોટુ પહેરી લીધું.

તે નીચે ગયો ત્યારે તેણે એકદમ નોર્મલ વર્તાવ કર્યો જાણેકે કશું થયું જ નથી અને તેની મમ્મી ને વિશ્વાસ દેવડાવ્યો કે કશું થયું જ નથી.તેને આજે જમવાની ઈચ્છા નહોતી છતાં તેણે થોડુંક ખાધું કારણકે તેની મમ્મી તેને કોઈ સવાલ ના કરે આમપણ હવે તે સવાલોના જવાબ આપવા સક્ષમ નહોતો.

થોડીવાર બાદ તે ઉપર તેના રૂમમાં ચાલ્યો ગયો અને થોડીવાર એકદમ ચૂપ બેસી રહ્યો.તે ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો.એક લાંબા વિચાર બાદ તેણે કઇંક પ્રતિક્રિયા દર્શાવી. તેણે એક કાગળ કાઢ્યું અને તેમાં લખવાનું ચાલુ કર્યું.

થોડીવાર બાદ તે કાગળને આખું ભરી દીધું અને એક નવીજ લાવેલી પુસ્તકમાં બરોબર વાળી ને મૂકી દીધું.જેથી તે કાગળ પડી ના જાય.તેણે થોડો ઘણો સામાન એક બેગ માં મુક્યો જેમ કે બે જોડી કપડાં એક બે કદી ના વાંચેલા પુસ્તકો વગેરે વગેરે અને ખાસ તે પુસ્તક મૂક્યું, જે પુસ્તકની અંદર તેણે એક કાગળમાં હમણાંજ ઘણું બધું લખ્યું હતું.

તે બેગ લઈને નીચે ગયો અને તેણે ઘરે તેની મમ્મી કહ્યું કે તે થોડા દિવસ માટે એટલે કે બે અઠવાડિયા માટે બહાર જાય છે.

આ સાંભળીને તેની મમ્મી એ તેને પૂછ્યું "પણ ક્યાં જાય છે,અચાનક."

તેમના સવાલમાં ચિંતા અને જવાબ સાંભળવાની આતુરતા હતી.આતુરતામાં દુખ,સુખ,ચિંતા,વગેરે જેવા ભાવ છૂપાયેલા છે.

કવન પાસે જવાબ નહોતો અને ના તો તે જવાબ દેવા સક્ષમ હતો.ઘણી વખત તમારા પોતાના તમને એવા સવાલ કરી દે છે કે જેનો જવાબ આપવા તમે કદી સક્ષમ નથી હોતા.

"મમ્મી હું કઈંક કામથી જવું છું જે હું તને આવીને કહીશ.પણ અત્યારે તું મને જવાદે.હું તને રોજ ફોન કરી દઈશ અને તને કહેતો રહીશ કે હું ક્યાં છું.હું સલામત જ હોઈશ.તું મારી ચિંતા ના કરતી."

દરેક મા ને તેના બાળક પ્રત્યે ત્યારે ચિંતા ખૂબ વધી જાય છે.જ્યારે તેનું બાળક કહે છે અથવા કહેવા સક્ષમ થઈ જાય છે કે “માં તું ચિંતા ના કરતી.”

માં કદાચ બાળકની દરેક વાત માનવા તૈયાર થઈ જાય છે પણ તે ક્યારેય આ ચિંતા ના કરતી વાળી વાત માનવા તૈયાર નથી થતી.

કવને જ્યારે કહ્યું કે હું તને રોજ ફોન કરીશ તો તેને તેની વાત પર થોડો વિશ્વાસ આવ્યો.

"તું સાચું મને રોજ ફોન કરીશ ને…?"તેની મમ્મી એ દયામણા સ્વરે કીધું.

"હા, હું તને રોજ ફોન કરીશ.".

"ઠીક છે,સલામત રહેજે."

તેટલું કહીને કવને જવા કહ્યું.છતાંય જતી વખતે તેની મમ્મી ની નજર તેની ઉપર ત્યાં સુધી ના હટી જ્યાં સુધી તે ઘરની બહુ દૂર ના જતો રહ્યો અને દેખાતો બંધ ના થઇ ગયો.

કવન એક ગિફ્ટ પેક કરવા વાળા ભાઈ પાસે તે પુસ્તકને સારી રીતે પેક કરાવી દીધું અને તેને વિશ્વાસના ઘરે આપવા પહોંચ્યો.

વિશ્વાસ અને કવન બંને તેના ઘરની બહાર ઉભા હતા.જ્યાં અત્યારે કોઈ નહોતું.કવનના ખંભા પર બેગ લટકાવેલું જોઈને તેણે કવનને પૂછ્યું.

"તું ક્યાંય જઈ રહ્યો છે કે ક્યાંક થી આવી રહ્યો છે?,તું અત્યારે આ બેગ ક્યાં લઈને ફરે છે?"

કવને વિશ્વાસને આરોહી વિશે બધું કહ્યું જે આજે સાંજે બન્યું હતું.વિશ્વાસ દુખી હતો પણ તે કવનને આશ્વશન આપવા નહોતો માંગતો.

તેણે કવનને કહ્યું “મે તને કીધું હતું તું તેને કહી દે કે તું તેને કેટલો પ્રેમ કરે છે.”

“ના, હવે પ્રેમ કરવાની હિંમત નથી રહી મારામાં.”

વિશ્વાસે પૂછ્યું “તું ક્યાં જાય છે અત્યારે?"

"તે હું તને પછી જણાવીશ.હું અહિયાં તે વિશે વાત કરવા નથી આવ્યો બસ તારી પાસે કઇંક માંગવા આવ્યો છું. મિત્ર હોવા ના નાતે એટલું જરૂર કરજે તો હું તારો જીવનભર આભારી રહીશ.મારા ગયા પછી આરોહી તને મારા વિશે પૂછશે.તું આરોહીને જણાવી દેજે કે કવન મુંબઇ સેમિનારમાં ગયો છે.તો તે તને છેલ્લા સમયે મળવા ના આવી શક્યો પણ તેને તે વાત નું દુઃખ છે.તે જતી વખતે મને એક ગિફ્ટ દઈ ગયો હતો. જે તારી માટે છે. તું આનો સ્વીકાર કર.”

કવને તે ગિફટ પેક કરાવેલું પુસ્તક કાઢ્યું અને વિશ્વાસના હાથ માં આપ્યું.

"હું તને વિનંતી કરું છુ તું આ પુસ્તક તેને આપી દેજે."

"અરે હા તે હું તેને આપી દઈશ તેમાં વિનંતી કરવાની શું જરૂર છે.પણ તું જાય છે ક્યાં?"

"તે હું તને આવીને જ કહીશ.મળીએ પછી."

કવન વિશ્વાસના હાથમાં તે પુસ્તક મૂકી ને ચાલ્યો ગયો.

તે ક્યાં જઈ રહ્યો હતો તેની તેને ખુદ ખબર નહોતી.ઘર છોડીને તો ઘણા જતા રહે છે,પણ ઘર છોડીને પણ ખુશ તે જ લોકો રહી શકે છે જેમણે કઈંક સારા કારણ સર ઘર છોડ્યું હતું.

જો કે કવન ઘર છોડીને તો નહોતો જઈ રહ્યો હતો.પણ હવે તેને થોડા દિવસ અહીંયા રહેવાની ઈચ્છા નહોતી.

ક્રમશ

આપના પ્રતિભાવો આપવા બદલા આપનો આભાર.આપને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા વાર્તાને વધુમાં વધુ લોકો ને શેર કરશો તથા આપના વોટસએપ.માતૃભારતી અને ઇન્સ્ટાગ્રામ માં પોતાના રીવ્યુ આપો તથા લોકો એ શેર કરો.