નિતુ - પ્રકરણ 70 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 70

નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ બની રહ્યું હતું. તેનાં મનમાં પોતાની જગ્યા કરવા માટે નવીન કશુંયે કરવા તૈય્યાર હતો. તેને ભાર્ગવ અને અશોક પર વિશ્વાસ આવ્યો.

બંનેએ તેને અમૂક તરકીબ આપી અને નવીને તેનું પાલન કરવા સહમતી દર્શાવી. આ આખી વાત દરવાજે ઉભેલી સ્વાતિ સાંભળી ગઈ. જોકે તેણે કશું નથી સાંભળ્યું એવું વર્તન કરતી પોતાનો ફોન લઈને તે બહાર જતી રહી.

બહાર નીકળી તેણે અનુરાધાને કહ્યું, "અનુરાધા એક બ્રેકીંગ ન્યુઝ છે." તે પોતાના ટેબલ પર સેટ થતા બોલી, "વળી પાછા શું બ્રેકીંગ ન્યુઝ લઈને આવી છે? અને આટલી બધી વાર કેમ લગાડી તે એક ફોન લેવામાં?"

"એ જ તો બ્રેકીંગ ન્યુઝ છે." પાછળથી આવતી સુરભી પણ તેની વાતમાં રસ દાખવતા ત્યાં ઉભી રહી ગઈ. અનુરાધાએ કહ્યું, "તો જલ્દી સંભળાવ. શું ન્યુઝ લઈને આવી છે?"

"સાંભળો..." સ્વાતિએ સુરભી અને અનુરાધા સાથે કેન્ટીનમાં બનેલ ઘટનાની માંડીને વાત કરી. અવિશ્વાસ દર્શાવતા અનુરાધા બોલી, "મને માન્યામાં નથી આવતું. તે બંનેના મનમાં આવું કશું હશે એવું લાગતું નથી."

"તું જોતી નથી? નવીન ભાર્ગવભાઈ અને અશોકભાઈ સાથે રોજે લંચ કરતો પણ હવેથી આપણી સાથે બેસે છે. આજે તેણે નીતિકા માટે સ્પેશ્યલ આઈસ્ક્રીમ ટ્રીટ આપી."

"હા પણ..." સુરભી પોતાની વાત કરે તે પહેલાં સ્વાતિ બોલી, "પણ બણ કંઈ નહિ. તમને બંનેને જે લાગે તે, એક વાત ચોક્કસ છે. કાલે નવીને નીતિકા માટે એક મસ્ત પ્લાન બનાવ્યો છે. એન્ડ લિસન, આવતીકાલે સવારે તમને મારા પર વિશ્વાસ આવી જ જશે."

અનુરાધાએ પૂછ્યું, "એક મિનિટ! એટલે નવીન શું આ બધું ઓફિસમાં કરવાનો છે?"

"હાસ્તો વળી."

અનુરાધાએ કહ્યું, "મેડમને આ બધી જાણ થશે તો શું થશે એનો વિચાર કર્યો છે?"

એવામાં ભાર્ગવ અને અશોક ત્યાં આવી પહોંચ્યા અને અશોકે કહ્યું, "એ બધો જ વિચાર અમે કરી લીધો છે. મેડમ બે દિવસ માટે બેંગ્લોર જઈ રહ્યા છે. ત્યાં જઈને તે આવશે એટલે ત્રણ દિવસ પાક્કા... તો સમજીલે કે આવતી કાલથી ત્રણ દિવસ માટે મેડમ હાજર નથી. એટલીવારમાં તો નવીનનું બધું કામ થઈ જશે."

વિદ્યાએ ત્રણ દિવસ ઓફિસમાં શું કામ કરવાનું છે એ અંગે જસપ્રીત શાહ અને નિતુ સાથે મિટિંગ કરી. મેનેજર શાહની કેબિનમાં પોતાના કામથી નીતિકા ગઈ એ વાતનો ફાયદો ઉઠાવી નવીને પોતાના પ્લાનને એકઝીક્યૂટ કરવા માટે ડેકોરેશ વાળાને કોલ કરી દીધો. તે ફોનમાં સામેવાળા માણસને બધું સમજાવી રહ્યો હતો.

"હા... એક જ કલર સારો લાગશે કે બીજો નાંખવો જોઈએ." ફોન પર તે વ્યક્તિ બોલી, "સર તમને જેમ સારું લાગે તે."

"ઓકે... મારો ઇન્ટેન્સ માત્ર એક કલર માટે છે, હવે તમે શું સજેસ્ટ કરો છો?"

"સર તમે એક કલર પર પસંદગી ઉતારી છે તો હું સજેસ્ટ કરીશ કે તમે એમાં અન્ય એક કલર થોડા અંશે એડ કરાવી દો. એ વધુ ફાઈન દેખાશે."

"ઠીક છે. તો એ રીતે કરી નાખો અને મેં તમને મારી કેબીનનાં પીક મોકલી આપ્યા છે. કોઈ વાતની કમી ના લાગવી જોઈએ."

"જી સર."

"તમે મસ્ત પ્લાન બનાવો અને હા, ટેબલ પણ મસ્ત સજાવી દેજો."

"જી."

"કોઈ વાતની કમી ના રહેવી જોઈએ."

"જી..." અચાનક પાછળથી નિતુ આવી. તેણે તેનું છેલ્લું વાક્ય સાંભળી લીધું અને અંદર આવી તેણે પૂછ્યું, "મિસ્ટર નવીન, શેની કમી ના રહેવી જોઈએ?"

નવીને ફોન કટ કરી નાખ્યો અને બોલ્યો, "સમીર આપણી એડ અંગે સવાલ કરતો હતો તો મેં એને સજેશન આપ્યું અને કહ્યું કે શર્માની નવી એડમાં પણ પહેલાની જેમ કોઈ કમી ના રહેવી જોઈએ."

"હમ... નાઈસ નવીન. ઓફિસના લોકો તમારી પાસેથી સજેશન લેવા લાગ્યા છે એ જાણીને આનંદ થયો."

કૃત્રિમ હાસ્ય વેરતા તે બોલ્યો, "થેન્ક્સ."

પોતાની ખુરશી પર બેસી નિતુ બોલી, "બાય દી વે, આજે લંચ પતાવી પાછા આવતા બહુ લેટ થયું તમને!"

નવીન તેની સામેની ખુરશી પર બેસતા ઉત્સાહથી બોલ્યો, "મેડમ એક વાત કહું?"

"હા... બોલો."

"મેડમ અચાનક તમને જો કોઈ ગિફ્ટ આપે તો કેવું લાગે?"

"અચાનક?"

"હમ?"

"અને એ ગિફ્ટ આપનાર જાણીતું છે કે અજાણ?"

"જાણીતા જેવો જ જાણોને!"

"જાણીતા જેવો? એટલે કોઈ પુરુષ?"

"એ બધું જ સમજાઈ જશે, તમે ખાલી હા કે ના કહો."

"વેલ.. ઇટ્સ ડીપેન્ડ કે ગિફ્ટ શું છે? અને આપનાર કોણ છે? બાકી પરિચિત વ્યક્તિ દ્વારા અપાયેલ ગિફ્ટ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી."

"ધેટ્સ મીન કે તમને ગમશે."

"હા, કેમ નહિ? હવે એ પણ જણાવો કે એ પરિચિત વ્યક્તિ કોણ છે?"

"એ દરેક વાતની સ્પષ્ટતા કાલે સવારે થઈ જશે."

"ઓલરાઈટ નવીન, હું રાહ જોઈશ કે મને કોણ અને શું આપે છે?" નિતુની હસી સામે હસીને નવીન પોતાના ટેબલ પર ચાલ્યો ગયો અને પોતાનું કામ કરવા લાગ્યો.

રાત્રે નીતિકા વિચારોમાં ઘેરાયેલી હતી. નવીનની અસ્પષ્ટ વાતોની તેના પર અસર થઈ હતી. ઉપરથી રોજે મોડે સુધી વાતો કરતો અને હસાવતો નવીન આજે ઓફલાઈન હતો. તે ઘડી ઘડી પોતાનો ફોન તપાસતી અને નવીને મેસેજ કર્યો કે નહિ એ જોયા કરતી. શારદા પણ તેને તાકીને બેઠી હતી અને તેના આ વલણને જોયા કરતી હતી.

નવીનના નવા બનેલા ગુરુઓ, અશોક અને ભાર્ગવ આજે વહેલા આવી ગયેલા અને નવીન તેની પહેલાથી હાજર હતો. કેબીન તરફ મોં રાખીને ખુશ થઈ ઉભેલા નવીનની બંને બાજુ સ્થાન લઈને તેઓ ડઘાઈને તેની કેબિનમાં જોઈ રહ્યા હતા.

ભાર્ગવ આશ્વર્યથી બોલ્યો, "યાર નવીન, તને નથી લાગતું કે તે વધારે પડતો ખર્ચો કરી નાખ્યો?"

અશોકે પૂછ્યું, "કેટલાનું એક ફૂલ થયું?"

"₹૪૦નું એક." નવીને સરળતાથી જવાબ આપી દીધો અને બંને જણા આશ્વર્ય સાથે એકબીજી તરફ જોવા લાગ્યા. ભાર્ગવે પૂછ્યું, "મજૂરી સાથે?"

"હા..."

"કેટલા છે?" અશોકે પૂછ્યું.

"એક હજાર." તેણે અશોક સામે જોઈ નેણ ઊંચા કરી ખુશ થઈને જવાબ આપ્યો.

"ઓલમોસ્ટ તારી અડધા મહિનાની સેલેરી જતી રહી. બકા મને લાગે છે તારે પહેલા નીતિકાના હા બોલવાની રાહ જોવી જોઈતી હતી."

ભાર્ગવે હામી ભરતા કહ્યું, "હાં... અમે તને એક ગુલદ્સ્તાનું કહ્યું હતું. તે તો આખી કેબીન શણગારી દીધી."

"એ પણ આવા મોંઘાદાટ ફૂલોથી." તુરંત અશોક બોલ્યો.

"તમે ખર્ચ સામે ના જુઓ અશોકભાઈ. મને ખબર છે કે નીતિકાને મારી આ અરેન્જમેન્ટ જરૂર ગમશે." કહેતા તે બે ડગલાં કેબીન તરફ ચાલ્યો અને ખુશ થતાં કમરે હાથ દઈને કેબિનમાં કરેલું ડેકોરેશન જોવા લાગ્યો. અશોક ભાર્ગવની નજીક ગયો અને ભાર્ગવે એના કાનમાં કહ્યું, "જોયું, મેડમમાંથી ડાયરેક્ટ નીતિકા!"

"શું લાગે છે? આ બાબલો સફળ થશે ખરો?"

"લેટ અસ સી અશોકભાઈ. સારું છે કે આજે વિદ્યા મેડમ નથી. યાર એક ગુલદસ્તો લાવવાનું કહ્યું હતું. આ તો આખું ફુલમાર્કેટ ઉપાડી લાવ્યો."

નવીનનું પ્લાનિંગ આખા ગ્રુપમાં કૂતુહલ જગાવી રહ્યું હતું. અનુરાધા, સ્વાતિ અને સુરભી પણ સમય પહેલા આવી ચુક્યા હતા અને ભાર્ગવ અને અશોક જ્યાં ઉભા હતા ત્યાં જઈને નવીન દ્વારા કરાવવામાં આવેલ ફ્લાવર ડેકોરેશનને જોવા લાગ્યા. આખી કેબીનને એટલી સરસ રીતે સજાવવામાં આવી હતી કે તેઓ વખાણ કરતાં નહોતા થાકતા. ડેકોરેશન કરનાર માણસો બહાર આવ્યા અને નવીનની પરમિશન લઈને જતા રહ્યા. 

સ્વાતિએ કહ્યું, "લૂક, નીતિકા આવી રહી છે." અને બધાં પોતાની જગ્યાએ જતા રહ્યા.

નિતુ તેઓની નજીકથી પસાર થઈ કે તેઓને હસીને અંદરો અંદર વાતો કરતા જોઈ આશ્વર્ય પામી. તે અને કરુણા બંને સાથે આવેલા, બંને એક ક્ષણ માટે થોભાઈ, "શું થયું?" નીતિકાએ પૂછ્યું."

"કંઈ નહિ. અમે તો અમારી વાતો કરીયે છીએ." કહી અનુરાધાએ વાતને છુપાવી દીધી. કરુણા તેમને શંકાની નજરે જોતા પોતાની ખુરશી પર બેસી ગઈ. 

"ભલે..." કહીને નિતુ પોતાની કેબિનમાં ગઈ. દરવાજો ખોલ્યો કે નિતુની નજર કેબીનનાં કરેલા શણગારમાં ખૂંચી. તે અચંબાથી આખી કેબીનને જોવા લાગી. ફ્લોક્સ અને ક્રેપ જેસ્મિનના ફૂલોથી બનાવેલા ગુલદસ્તાઓ કેબીનના દરેક ખૂણાઓ અને સ્થળોને સુશોભિત કરી રહ્યા હતા, તો ટીબોચીનાનાં ફૂલોની વેણીઓ કેબીનની દરેક દીવાલોને નવું નજરાણું બક્ષી રહી હતી, જે નિતુને આવકારવા આતુર હોય એવી જણાતી હતી. ક્રેપ જેસ્મિનની સાથે રાખેલ અમૂક મોગરાનાં ફૂલોની મનોહર સુવાસથી આખો ખણ્ડ મહેકી રહ્યો હતો. 

નિતુના શબ્દો આકાર નહોતા લઈ રહ્યા, તે હળવા ડગલે અંદર આવી. ચોતરફ નજર કરી અને પોતાના ટેબલ તરફ આગળ વધી. ટેબલ પર રાખેલી પર્પલ અને સફેદ ફૂલોથી ભરેલ ફુલદાનીને તે એકચિત્તે જોઈ રહી.

"સરપ્રાઈઝ મેમ." કેબિનમાં પ્રવેશતા નવીને નરમાઈથી કહ્યું. તે પાછળ ફરી અને નવીન તરફ આગળ વધતા બોલી, "આ બધું તમે કર્યું?"

"હા."

"કેમ?"

"તમારા માટે."

"હમ... તો આ મારી ગિફ્ટ છે અને... એ આપનાર તમે છો!"

"જી."

નીતિકા મનોમન આનાથી ખુશ થઈ હતી, તે નવીનની નજીક ગઈ અને તેની આંખોમાં જોતા પૂછ્યું, "કારણ?"

નવીનની ભાવભરેલી આંખોમાં તે જાણે ખોવાવા લાગી, નવીને ઉત્તર આપ્યો, "દોસ્ત માટે કશું કરવાનું કારણ ના હોય. તમને પર્પલ કલર ગમે છેને, એટલે આખી કેબીન મેં પર્પલ રંગના ફૂલોથી રંગીનાંખી. તમને ખબર છે? આ ફ્લોક્સ અને ટીબોચીનાનાં ફૂલ દસ દિવસ સુધી નથી સુકાતા."

નીતિકાએ પૂછ્યું, "અને એ ફૂલોને મારા માટે તમે લાવ્યા?"

"હા. એક વાત બીજી, ટીબોચીનાનું બીજું નામ શું છે એ ખબર છે?"

"શું?"

"હિન્દીમાં ટીબોચીનાને બેગમ બહાર કહેવાય છે અને અંગ્રેજીમાં એનું બીજું નામ પ્રિન્સેસ ફ્લાવર છે."

"તો...?"

"તમે આ કંપનીના પ્રિન્સેસ છો. હું બે દિવસથી તમને ઉદાસ- ઉદાસ જોઉં છું. પ્રિન્સેસ થઈને ઉદાસ રહે એ કેમ ચાલે! આ પ્રિન્સેસ ફ્લાવર લોન્ગ લાસ્ટીંગ છે અને એનું કારણ છે કે એ હંમેશા ખુશ રહે છે, ખીલેલું. તો એ ખુશ અને ખીલેલા પ્રિન્સેસ ફ્લાવરને જોઈને આ કંપનીની પ્રિન્સેસ પણ ખુશ અને ખીલખીલાટ હસતી રહેશે. એમાં વચ્ચે નાંખેલા ક્રેપ જેસ્મિન અને મોગરાનાં ફૂલોની સુગન્ધ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે, એમ તમે પણ એટલા જ ખુલીને જીવો કે તમને જોનાર મંત્રમુગ્ધ થઈ જાય."

"તમને કોણે કહ્યું કે મારો ફેવરિટ કલર પર્પલ છે?"

"તમારું મોબાઈલ કવર પર્પલ છે, એમાંની થીમ પર્પલ છે. તમારા ડેક્સટોપ પરનું વોલપેપર તમે પર્પલ રાખ્યું છે અને સ્પેશ્યલી..."

"સ્પેશ્યલી?" બંને હાથની અદપ લગાવી તેણે પ્રશ્ન કર્યો.

"તમારી સિસ્ટરના મેરેજમાં પણ તમે પર્પલ કપડાં પહેર્યા હતા. ઓબવિયસ છે કે આટલું બધું જોયા પછી મારે કોઈને પૂછવાનું જ નથી રહેતું કે તમારો ફેવરિટ કલર કયો છે?"

"મારી સિસ્ટરનાં મેરેજ પણ તમને યાદ છે?"

"હા..."

"તમે ઘણું બધું યાદ રાખો છો."

કેબિનમાં તેઓના ચાલી રહેલા આ સંવાદની સાથોસાથ બહાર અનુરાધા અને તેનું આખું ગ્રુપ આ અંગે ચર્ચા કરી રહ્યું હતું.

અનુરાધાએ પૂછ્યું, "શું લાગે છે ભાર્ગવભાઈ? તમારો આ પ્લાન કેટલો કારગર નીવડશે?"

તે બોલ્યો, "આ તો શરૂઆત છે અનુરાધા... " અશોકે એમાં ઉમેરો કરતા કહ્યું, "નીતિકા આજે નહિ તો કાલે પણ નવીનને હા જરૂર કહેશે."

સ્વાતિ બોલી, "હા યાર, એમાં ખોટું ભી નથી." કરુણા તેઓના આ સંવાદને સાંભળતી પોતાનું કામ કરી રહી હતી. અચાનક અનુરાધાએ ડરને માર્યે મોટેથી કહ્યું, "ઓહ શીટ, મર્યા..." તેનું મોઢું ખુલ્લું રહી ગયું અને બધાએ કૂતુહલથી પૂછ્યું, "શું થયું?"

તેણે ઓફિસના મેઈન ગેટ તરફ આંગળી ચીંધી. બધાએ ત્યાં જોયું તો વિદ્યાની ગાડી પ્રવેશી રહી હતી. બધાનું મોં ખુલ્લું રહી ગયું અને અશોકે આશ્વર્યથી પ્રશ્ન કર્યો, "મેડમ તો બેંગ્લોર જવાના હતા! અહીં ક્યાંથી?" નીચું માથું કરી કામ કરતી કરુણાની પેન રોકાઈ ગઈ અને તે પણ પ્રવેશતી વિદ્યા તરફ જોવા લાગી. ચિન્તાતુર થઈ અનુરાધા બોલી, "ઓહ ગોડ, હવે શું થશે?"