નિતુ - પ્રકરણ 39 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 39

નિતુ : ૩૯ (ભાવ) 


નિતુ પોતાની રૂમમાં પ્રવેશી અને રૂમનો દરવાજો બંધ કરી તે કાચ સામે ખુરશી પર બેસી ગઈ. સજેલા શણગાર ઉતારવા લાગી પણ મન કોઈ અલગ ભાવોમાં તરવરી રહ્યું હતું. એક મોટી જવાબદારી તેણે પૂર્ણ કરી બતાવી. છતાં એના માટે જેણે સહકાર આપેલો એ વિદ્યા એના મનમાં હતી. એના જ વિચારોમાં તે ખોવાયેલી. તેણે કાચમાં પોતાની જાતને જોઈ અને એક ઊંડો શ્વાસ લઈને શાંત થઈ.

સવારના સૂર્ય દર્શન સાથે ધીરુભાઈ અને અનંત આવી પહોંચ્યા. સામે રાખેલ હિંચકા પર પોતાની જગ્યા લેતા ઘરમાં શારદાને એકલા જોઈ અનંત બોલ્યો, "આંટી! તમે એકલા છો? નિતુ અને ઋષભ ક્યાં ગયા છે?"

તેની પાસે આવી બાજુમાં બેસતાં શારદા બોલી, "અરે બેટા, ઈ હવાર હવારમાં ક્યાં જાવાના? હેં... આ કાલનો થાકોડો હશે, તઈ હુતા સે. મેં ઈને જગાડવાની તસ્દી જ ના લીધી. થાકેલા હશે ને પાછા અટાણે જગાડીને હુ કરવું સે. કામ તો કોઈ સે નય તો મનને હુતા, બીજું હુ?."

"એ તમે બૌ સારું કર્યું આંટી. બાય દી વે, લગ્નના કારણે તમને પુછાયુ જ નહિ. હવે કેમ છે તમને?"

"હારું છે હો દીકરા. હવે કોઈ ચિન્તયા જેવું નથી."

" સાચું કહું કાકી તો મને થોડું દુઃખ તો થાય છે, કે કામને લીધે હું લગ્નમાં સમયસર ના પહોંચી શક્યો. જો આવી શકાયું હોત તો નિતુને થોડી હેલ્પ કરી લેત. વળી, મેં ફોન કર્યો તો એણે પાછું એવું જ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. અહીં બધું થઈ જશે. તમે આવશો તો પણ અહીં કોઈ કામ નહિ રહે."

"તો સાચું જ કહેલું ને અનંત! જય શ્રી ક્રિષ્ના કાકા." પાછળથી આવતા નિતુ બોલી.

"જય સી કિસના બેટા."

"કેમ છે અનંત તને?"

"ફાઈન હા નિતુ દીદી. જાગી ગયા?"

"હા."

"ઋષભ?"

"એ એની રૂમમાં સુતો છે. કોઈ કામ છે? તો બોલાવું." સામેના સોફા પર બેસતાં તે બોલી.

"અરે ના... સુવા જ દે એ તોફાની કાનુડાને. વળી જાગશે તો પછી આખું ઘર માથા પર ઊંચકશે."

શારદા એની વાત પર હસતા બોલી, "હા હો દીકરા, એક તો એટલા ટેમેં આંય આઈવો સે. ન્યાં તો એને ભણવાની ઉપાદી હોય. આંય નિરાંતે હુવા દે."

નિસાસો નાંખતા તે બોલી, "સારું ભૈ, નહિ જગાડું તમારા રાજકુમારને, બસ?"

"દીદી માનવું પડે! તમે જે કહેલું એ સાર્થક થતા મેં કાલે જોયું. તમારા કલીગ્સ અને સ્પેશ્યલી આ તમારા બાજુવાળો હરેશ, લગભગ દરેક કામ તેઓએ જાતે સંભાળી લીધેલું."

"હા... એ તો છે."

જરા શંકા કરતા હોય, એવા ભાવથી તેઓની વાત સાંભળતા ધીરુભાઈ બોલ્યા, "પણ નિતુ બેટા, જ્યાં હુધી આપડી વાત થઈ અને જઈ હું પૂછતો, ત'ઈ બધી વખત તે એમ કીધેલું કે આ તારી ઉપરવાળી શિબ્લી તો હાવ નક્કામી સે. કાલ એવું લાઇગું નય હો."

ધીરુકાકાનો સવાલ સાંભળી નિતુ મૌન થઈ ગઈ. અનંતે આશ્વર્ય સાથે પૂછ્યું, "કોની વાત કરો છો પપ્પા?"

"અમારા બોસની. કાલે વિદ્યા મેડમ આવેલા ને? એની."

"હા..." અનંતે ક્ષણિક વિચાર કરી નીચી ભંવર સાથે કહ્યું, "સાચું કહું નિતુ, પપ્પાની વાત તો મને પણ યોગ્ય લાગે છે. જે પ્રમાણે તમારો આખો સ્ટાફ વાતો કરતો હતો, એમાંથી એક પણ શબ્દ મને સાચો ના લાગ્યો."

"તમે હજુ કાલે એક વાર મળ્યાને એટલે. બાકી રોજે જો ઓફિસમાં ભેગા થાવ તો ખબર પડે કે મેડમ કેટલામાં છે! સમજ્યા?"

"ઈ બધું મેલો, હું જાઉં સુ બાબભાઈનાં ઘરે."

"બાબુભાઈ... પપ્પા." ધીરુભાઈના વાક્યને સુધારતા અનંત બોલ્યો.

"બાબભાઈ..."

"અરે બાબુભાઈ... શું પપ્પા તમે!"

તેમના દ્વંદ્વ યુદ્ધનો અંત લાવતા શારદા વચ્ચે બોલી, "ભૈ તમે ભણ્યા એટલે હારું બોલો છો. બાકી અમે રયા ગામડાના દેશી માણહ. અમારી જીભ આમ જ વળે."

"હારું તારે, લ્યો હું જાઉં." ધીરુભાઈ ત્યાંથી નીકળી ગયા. તેના ગયા પછી શારદા પણ રસોડા તરફ ચાલી. નિતુએ પેન ઉપાડી પોતાની સાથે લાવેલી ડાયરી ખોલી તેના પેજ ફેરવવા લાગી.

તેની આ કરતૂતને જોઈને અનંતે પૂછ્યું, "શું કરે છે નિતુ?"

"થોડો હિસાબ સમજવાનો છે. થયું લિસ્ટ ચકાસી લઉં તો વધારે સારું પડશે. આફ્ટર ઓલ, મેડમે આપેલા પૈસા વેસ્ટ થોડી કરાશે." તેણે હસીને જવાબ આપ્યો.

એક ઊંડો શ્વાસ લેતા અનંત તને કહેવા લાગ્યો, "યાર નિતુ, પપ્પાની વાત સાંભળી મને એક વિચાર આવે છે. જો તારી ઈચ્છા હોય તો હું તને એક સવાલ કરવા માંગુ છું."

"હા પૂછને, એમાં મારી ઈચ્છા જાણવાની શી જરૂર છે."

"છે, કદાચ તને ના ગમે તો?"

"એવું કંઈ નહિ થાય. તું પૂછ, શું પૂછવા માંગે છે?"

"તું અને તમારો આખો સ્ટાફ કહે છે તો કદાચ સાચું જ કહેતા હશો કે તમારા મેડમ કઠોર સ્વભાવના છે. એકવાર એ વિચાર પણ કરવો રહ્યો કે જ્યારે તું બધી બાજુથી થાકી ગયેલી ત્યારે તેણે, હા... ભલે એડવાન્સ મનીના રૂપમાં, પરંતુ તને પૈસાની હેલ્પ કરી. બીજી વાત કે કૃતિના લગ્ન માટે ગિફ્ટ તરીકે પાર્ટી પ્લોટ બુક કરાવી આપ્યો. એના લીધે જ આટલો સરસ આપણો પ્રસંગ પત્યો. કાલે મેં પહેલીવાર જ તમારા એ મેડમને જોયા, તો પણ મને એવું લાગ્યું નહિ જેવું બધા વિચારતા હશે."

"એટલે તું કહેવા શું માંગે છે? કે મેડમ સારા છે, એમ જ?"

થોડું મલકાતાં તે બોલ્યો, "અરે ના... મારો કહેવાનો કોઈ સ્પષ્ટ અભિપ્રાય નથી. મેં તો માત્ર અવલોકન કર્યું છે. અનુભવ તો તમે બધાએ કર્યો છે. એ વાત તો દિવા જેવી છે કે તમને લોકોને મારા કરતા વધારે ખબર હશે. પરંતુ હું એક સલાહ આપવા માંગીશ કે દીદી એકવાર વિચાર કરી લે જે કે તારાથી કોઈ ભૂલ નથી થતી ને?."

"કેમ?"

"શું છે કે ઘણીવાર આપણે સામેવાળી વ્યક્તિના વર્તણૂકને જોઈને એના વ્યક્તિત્વનો વિચાર કરી લેતા હોઈએ. બની શકે કે તમારા મેડમ અંગે પણ તમારા આવા વિચાર બંધાય ગયા હોય અને તેના બીજા પાસાંને જોવાનો કોઈ પ્રયત્ન જ ન કરે. બની શકે કે એનું વ્યક્તિત્વ એના વર્તનથી અલગ હોય."

તેની સામે જોતા નિતુ મનમાં વિચાર કરવા લાગી, "હું તને કઈ રીતે કહું અનંત કે મેડમ શું કરી રહ્યા છે! એ એડવાન્સ મનીના રૂપમાં એણે તારી આ નિતુને જ છીનવી લીધી છે. ઓફર આપીને પૈસા આપ્યા છે અને એની જીતની ખુશીમાં એણે પાર્ટી પ્લોટ બુક કરાવ્યો હતો, ગિફ્ટમાં નહિ."

એટલામાં તેની આંખ સામે ચપટી વગાડતા તેને ભાનમાં લાવી અનંતે પૂછ્યું, "અરે ક્યાં ખોવાય ગઈ પાછી?"

"તારી વાતમાં. તારી વાતે મને વિચારવા મજબૂર કરી દીધી."

"ઠીક છે તું વિચારીને સાચો નિર્ણંય લે. હું જાઉં."

"તું ક્યાં ચાલ્યો?"

"હું તો જવા માટે જ આવેલો."

"એટલે?"

"હું મારા થોડા મિત્રો પાસે જવાનો હતો. ઋષભ પણ તેને ઓળખે છે માટે અહીં આવ્યો. થયુ કે એને પણ સાથે લેતો જાઉં. એ તો સૂતો છે, એટલે એ ભલે સૂતો, હું એકલો જ જાઉં છું."

તે ચાલવા લાગ્યો કે પાછળથી બૂમ પાડતા તે તેને કહેવા લાગી, "સાંજે કાકાને લઈને આવી જજે. સાથે ડિનર કરીશું."

દરવાજા બહાર નીકળતા તે બોલ્યો, "હા..."

તેના ગયા પછી એકલી પડેલી નિતુ હાથમાં રહેલી ડાયરી એકબાજુ મૂકીને વિચારોમાં ચડી. "તારી વાત તો સાચી હતી અનંત. પરંતુ શું સાચે મેડમ... ના, એ શક્ય જ નથી. આજ સુધી મેં તો માત્ર એનું નરસું રૂપ જોયું છે. કોઈ દિવસ એના મોઢેથી સારા શબ્દો નીકળતા મેં નથી સાંભળ્યા. એકદમ કઠોર અને નિષ્ઠુર છે. પણ અનંતની વાત સાચી તો નથી ને? શું મેડમને ઓળખવામાં હું કોઈ ભૂલ તો નથી કરી રહીને? કોઈ એવી વાત તો નથીને જે મારે જાણવી જોઈએ?" તે દયાભાવ દાખવતી હોય એમ પોતાના પર જ હસતા આગળ બોલી, "હુહ... સ્વાર્થ સિવાય કશું સાધતા તો આવડતું નથી. એના મન

માં રામ શું કામ વસે? એના મનના ભાવ જ એવા છે કે અન્યને હસતા જોઈ નથી શકતી. એનું તે વળી કેવું વ્યક્તિત્વ?"