મમતા - ભાગ 25 - 26 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 25 - 26

🕉️
" મમતા "
ભાગ: 25
💓💓💓💓💓💓💓💓

( વારંવાર કૉલ કરવા છતાં મંથન કૉલ ઉપાડતો ન હતો. મોક્ષા વિચારતી હતી કે શું થયુ હશે? મંથન કેમ કૉલ ઉપાડતો નથી? હવે આગળ.....)

કાવ્યાની બેશરમીથી ડઘાઈ ગયેલો મંથન કાવ્યાની આવી હરકતથી વિચારવા લાગ્યો કે હું મોક્ષાને બધું જ સાચું જણાવી દઈશ.

પ્રોજેક્ટનું કામ પુરૂ થતાં જ મંથન અને કાવ્યા મુંબઈથી રવાના થયા. છુટા પડતી વખતે કાવ્યા બોલી, " મારી આ વાત પર વિચાર કરજે. મારા જેવી તને કોઈ મળશે નહી." મંથન કંઈપણ બોલ્યા વગર કાર લઈને ઘરે જાય છે.

ઘરે પહોંચી મંથન બા અને પરીને મળે છે. ઉદાસ મંથનને જોઈને શારદાબા પણ ચિતિંત થાય છે. તે મંથનને કહે " આજે હું મોક્ષા સાથે વાત કરવાં તેના ઘરે જવાની છું" તો મંથન કહે " ઓકે, જેટલુ જલ્દી થાય એટલું સારૂ" મંથનની ઉતાવળ જોઈ શારદાબા ખુશ થયા. મંથન પોતાના બેડરૂમમાં જઈને મોક્ષાને કૉલ કરે છે પણ તેનો ફોન બિઝી આવે છે. મંથનથી રાહ જોવાતી નથી એ કોઈપણ ભોગે તેના અને કાવ્યા વચ્ચે બનેલી ઘટના મોક્ષાને જણાવવા માંગે છે. તે કારની ચાવી લઈને મોક્ષાનાં ઘરે જાય છે. આમ રાત્રે બહાર જતાં જોઈ શારદાબા મંથનને રોકે છે. પણ તે કંઈ સાંભળતો નથી અને કાર મોક્ષાનાં ઘર તરફ જાય છે.

પુનમની રાત હતી. ચંદ્ર સોળે કળાએ ખિલેલો હતો. મોક્ષા ચંદ્રને જોઈ મલકાતી હતી ત્યાં જ તેના ફોનમાં રીંગ આવે છે. નંબર અજાણ્યો હતો પણ મોક્ષા "હેલ્લો " કહે છે. તો સામેથી કાવ્યા બોલી " હેલ્લો, હું કાવ્યા બોલુ છું. ઓહ!! કાવ્યા કેમ છે? ત્યારે કાવ્યા બોલી " અરે! મજામા જ હોઉં ને" ત્યારે મોક્ષા પુછે છે " તું અને મંથન મુંબઈથી આવી ગયા.મારે હજુ મંથન સાથે વાત નથી થઈ " ત્યાં જ કાવ્યા બોલી " અરે! મેમ, એટલે જ તમને કૉલ કર્યો છે આ મંથન સર બરાબર માણસ નથી તેણે હોટલમાં મારી સાથે બળજબરી કરવાની કોશિશ કરી. મારી જાતને માંડ બચાવી શકી. મને મદદ કરો" આ સાંભળીને મોક્ષાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. " શું " ત્યાં જ મોક્ષાનાં દરવાજા પર ડોરબેલ વાગે છે. શાંતાબેન દરવાજો ખોલે છે. મંથન સીધો જ ઉપર બેડરૂમમાં જાય છે. મોક્ષાને કોઈ સાથે વાત કરતાં જોઈ મંથન વિચારે છે કે આજ તો હું મોક્ષાને સાચી હકીકત જણાવીને જ રહીશ. મોક્ષા મંથનને જોતા જ કૉલ કટ કરે છે. મોક્ષાનાં ચહેરાનાં બદલાયેલા ભાવ જોઈને મંથન પુછે છે " શું થયું? " તો મોક્ષા બોલી કાવ્યાનો કૉલ હતો" અને મંથનનો ચહેરો પીળો પડી ગયો..... (ક્રમશ :)

( કાવ્યાએ ચાલ ચાલી મંથને તેની સાથે બળજબરી કરી એવુ મોક્ષાને કહ્યું. બીજી બાજુ મંથન મોક્ષાનાં ઘરે આવે છે. તો હવે શું થશે? કાવ્યાની ચાલ સફળ થશે? કે પછી મોક્ષા મંથન પર વિશ્વાસ કરશે. વાંચો મમતા અને હા આપ આપના પ્રતિભાવો જરૂરથી આપશો.)


🕉️
" મમતા "
ભાગ:26
💓💓💓💓💓💓💓💓

( કાવ્યાએ ફોન કરી મોક્ષાને કહ્યું કે મંથને મારી સાથે બળજબરી કરી. બીજી બાજુ મંથન મોક્ષાનાં ઘરે જાય છે હવે આગળ......)

મંથનનો પીળો પડેલો ચહેરો જોઈ મોક્ષા મંથનને પુછે છે,"આ વાત સાચી છે? કાવ્યાનો ફોન હતો કે તેં એની સાથે બળજબરી કરવાની કોશિશ કરી." તો મંથન મોક્ષાનો હાથ પકડીને કહે, "તને શું લાગે છે આ વાત સાચી છે? શું હું એવું કરી શકુ"? અરે! આ કાવ્યા કેટલા વખતથી મારી પાછળ પડી છે. અને હોટલમાં તે ખાલી બાથટૉવેલમાં મારા રૂમમાં આવીને ઓચિંતા મને આલિંગનમાં લઈ લીધો અને પ્રેમનો એકરાર કર્યો. મેં એને ઘણી સમજાવી કે તારી અને મારી ઉંમર વચ્ચે ઘણો ફેર છે. અને મારા જીવનમાં ઓલરેડી કોઈ છે પણ તે કંઈ સાંભળવા તૈયાર નથી. મોક્ષાનો ઉદાસ ચહેરો જોઈ મંથન કહે, "શું તને મારા પર વિશ્વાસ નથી?" તો મોક્ષા બોલી, "મને તારા પર દિલથી વિશ્વાસ છે પણ તારે કાવ્યાથી સંભાળીને રહેવાની જરૂર છે. મને પહેલેથી જ કાવ્યા ગમતી ન હતી." આ વાત સાંભળી મંથનને જીવમાં જીવ આવ્યો. કે મોક્ષા તેના પર ભરોસો રાખે છે.

મંથન મોક્ષાનો હાથ પકડી, એની આંખમાં આંખ પરોવી, મૃદુ સ્વરમાં કહે છે કે," મોક્ષા, કયા શબ્દોમાં તારો આભાર માનું,સમજાતું નથી. કાવ્યાની વાત સાંભળીને પણ મારા પર તારો ભરોસો અકબંધ રાખી મને તારો આભારી બનાવી લીધો." મોક્ષાને મંથનની આંખોમાં પોતાના માટેનો અપાર પ્રેમ જોઈ એ મંથનને આલિંગનમાં લઈ લે છે.. હળવું આલિંગન પછી વધુ ગાઢ બનતું જાય છે, વર્ષોથી વિખુટા પડેલ પ્રેમીઓ એકબીજામાં સમાઈ જવા તત્પર થતાં જાય છે. ત્યાં જ મંથન હળવેથી મોક્ષાને આલિંગનમાંથી સહેજ છૂટી પાડે છે અને મોક્ષાનાં કપાળ પર હળવું ચુંબન કરે છે. અને મોક્ષા ગાઢ નિંદ્રામાંથી જાગી ગઈ હોય એમ ભાનમાં આવે છે..મંથન બોલે છે,"મોક્ષા આપણે ઓફિસમાં મળીએ.." અને એ મોક્ષાનાં ઘરેથી નીકળી જાય છે.. ત્યારે મોક્ષા મનમાં વિચારે છે કે," ખરેખર મંથન ખૂબ જ સમજુ, લાગણીશીલ અને સ્ત્રીઓની મર્યાદા રાખે એવો ઇન્સાન છે. એને પામીને હું સાચે જ ધન્ય બની જઈશ.." મનમાં આ જ વિચારોને લઈને એ સુંવાળી પથારીમાં આડી પડી મંથનનાં સપના જોવા રાતને વિનવતી સુઈ જાય છે..

મોક્ષાનાં ઘરેથી મંથનને આવતા મોડું થાય છે. એ ઘરે આવે એ પહેલાં પરી અને શારદાબા સુઈ ગયા હોય છે. પરીને જોવાની ઈચ્છા થાય છે પણ આટલું મોડું રૂમમાં જઈશ તો શારદાબાની ઊંઘ ઊડી જશે..અને પોતાના શયનકક્ષમાં સુવા જાય છે. પણ આજે એની નીંદર વેરી બની હોય છે. પણ થાકના લીધે એ સુઈ જાય છે.


સુંદર સવારમાં "કૃષ્ણ વિલા" માં કાનાનાં ભજન ગવાતા હતા. મંથન ઝડપથી પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યો. શારદાબા આરતી કરીને પરીને તૈયાર કરવા ગયા. અને મંથનનાં રૂમમાં ગયા તો મંથનનો ફૂલ ગુલાબી ચહેરો જોઈ ખુશ થયા. પ્રસાદ આપીને કહ્યું " આજ હું પણ તારી સાથે આવું છું. મારે મોક્ષા સાથે વાત કરવી છે" આ સાંભળીને મંથન શરમાઈને તૈયાર થવા લાગ્યો.

બ્લૂસૂટ, વૉચ અને સ્પ્રેની સુગંધથી મઘમઘતો મંથન આજે જાણે વધારે ખુશ હતો. અચાનક કાવ્યા સાથેનો બનાવ યાદ આવતા તે વિચારી રહ્યો કે "આ કાવ્યા કંઈક નવું તુત ઉભુ ન કરે તો સારૂં" પરીને મુકી મંથન અને શારદાબાને લઈ મંથન મોક્ષાનાં ઘરે ગયો. તો શાંતાબેને કહ્યું કે " મેડમ તો વહેલા જ જતાં રહ્યાં" આ સાંભળીને મંથન વિચારવા લાગ્યો આ મોક્ષા આમ અચાનક કયાં ગઈ હશે? (ક્રમશ :)

( મંથન અને મોક્ષાની પ્રેમ કહાનીમાં આ કાવ્યા નામનું વંટોળ આવ્યું. આજે તો શારદાબા મંથન સાથે તેના લગ્નની વાત કરવા મોક્ષાનાં ઘરે ગયા. પણ આ શું? મોક્ષા તો ઘરે હતી જ નહી? તો કયાં ગઈ મોક્ષા? વાંચો મમતા )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર