નિતુ - પ્રકરણ 17 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 17

નિતુ : ૧૭ (લગ્નની તૈયારી)



નિતુને આશા હતી કે કૃતિ માટે સાગર જે કંઈ કરવા જઈ રહ્યો છે, એ તેને પસંદ આવશે. પણ સાથે એ વાતની થોડી ચિંતા કે કૃતિ ઉગ્ર સ્વભાવની છે. આખરે તેની પાસે પ્રાર્થના કરવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો.

સાગરે સડકના એક કિનારા પર આવેલી હોટેલ પાસે ગાડી રોકી અને કૃતિને તેની સાથે નીચ ઉતરવા કહ્યું.

"આ તો હોટેલ છે."

"હા."

"અહિંયા શું સરપ્રાઈઝ છે?"

"કહું છું. તું પહેલા મારી સાથે અંદર તો ચાલ."

બંને અંદર ગયા અને ત્યાંના એક વેઈટરે અગાઉથી બુક કરેલા સાગરના ટેબલ તરફ તેઓનું ધ્યાન દોર્યું. તે ત્યાં જઈને બેઠા કે તુરંત હોટલનો માહોલ બદલાવા લાગ્યો. વિવિધ પ્રકારના ક્રેકર્સ ફૂટ્યા અને ગુલાબી અને પીળા રંગની લાઈટો શરુ થઈ. જેનું મેઈન ફોકસ કૃતિ બનેલી અને સૂત્રધાર સાગર.

"આ સ્પેશિયલ સેલિબ્રેશન ખાસ કૃતિ તારા માટે."

"મારા માટે?"

"હા." તેણે એક વેઈટરને ઈશારો કર્યો અને તે કેક લઈને આવ્યો જેમાં 'કોન્ગ્રજ્યુલેશન' લખેલું હતું.

"સાગર આ...?"

"કૃતિ, મને ખબર છે કે આપણી એન્ગેજમેન્ટ ખુબ સાદાઈથી પતી ગઈ. તે પણ ક્યારેક વિચાર્યું હશેને કે આજ- કાલના યુથની જેમ આપણી એન્ગેજમેન્ટમાં આવું સેલિબ્રેશન થાય?"

"પહેલા મને એવું લાગતું કે થાય. પણ જે રીતે આપણી એન્ગેજમેન્ટ થઈ એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી સાગર."

"હમ્મ. નિતુ દીદીએ પણ મને એમ જ કહેલું. એટલે મેં તો ખાલી તને ગિફ્ટ આપવા માટેનું જ ડિસાઈડ કર્યું હતું. પણ આ મારો પ્લાન નહોતો."

"તો કોનો હતો?"

"આ સરપ્રાઈઝ મારા ફ્રેન્ડ સર્કલે વિચારી છે."

તેનું એટલું કહેતા જ તેના મિત્રો તેની પાસે પહોંચી ગયા. તેની સાથે મુલાકાત કરાવતા સાગરે કહ્યું, "આ એ જ બધા છે જેણે આપણી બંને માટે આ પ્લાન કર્યું છે. આમને મળ, હાર્દિક, પાર્થ, રોનક, વિશાલ અને આ એ છે જેના મગજમાં આ બધું આવેલું તે રોની."

તેઓએ તેને અભિવાદન પાઠવ્યું અને હસી મજાક ચાલુ થઈ ગઈ. ટેબલ પર બેસી સાગરે કૃતિનો હાથ પકડતા તેના હાથમાં એક ગિફ્ટ આપી. કૃતિએ ગિફ્ટ ખોલી તો અંદરથી એક લેટેસ્ટ વર્જનનો સ્માર્ટ ફોન નીકળ્યો. તે ઉમંગી અચરજ સાથે તેને થેન્ક યુ કહેવા લાગી પણ સાથે તેણે એમ પણ કહ્યું કે, " સાગર આની શું જરૂર હતી?"

"હતી. આની પણ જરૂર તો હતી જ. મને ખબર છે તારી પાસે અત્યાર સુધી કોઈ ફોન નથી. એ તો એક નાનકડું સાધન છે, જે તને મારાથી જોડશે. આપણે ક્યારેય પણ વાત કરવી હશે તો? બસ આના સહારે આપણે ચોવીસ કલાક એકબીજા સાથે રહી શકીશું."

"થેન્ક યુ સો મચ સાગર."

વારાફરતી તેના બધા મિત્રોએ પણ બંનેને ફરીવાર કોન્ગ્રેટ્સ કહેતા ગિફ્ટ આપી અને બધાની સાથે એક સ્પેશ્યલ ડિનર થયું.

આ બાજુ નિતુને ખુશી હતી કે કૃતિ માટે સાગર આટલું બધું કરી રહ્યો હતો. છતાં મનમાં થોડી ઓછપ અનુભવતી હતી. શારદા આખા ઘરમાં જોવા લાગી. "આ નિતુ હમણાં તો આંયાં ઉભેલી, આ ઘડીકમાં ક્યાં વૈ ગઈ હશે? આજ તો એણે હરખી રીતે ખાધું પણ નથી."

તેનું ધ્યાન ઉપર ગયું તો અગાશીનો દરવાજો ખુલ્લો હતો. તે તેને સાદ કરતા ત્યાં પહોંચી તો જોયું કે હીંચકા પર બેઠેલી નિતુ તેનો સાદ સાંભળી પોતાના આંસુ લૂછી રહી હતી. તેનું મન ભરાઈ આવ્યું. તેની બાજુમાં બેસતા તે બોલી, "બસ હવે બેટા. બૌ વધારે ઉપાદી નય કર."

"મમ્મી તો હું શું કરું? મારી પાસે કોઈ બીજો રસ્તો જ નથી. અત્યાર સુધી મને થતું હતું કે વિદ્યા મેડમ હેલ્પ કરશે. એની સાથે મેં વાત કરી પણ એની પાસે હું વધારે આશા ના રાખી શકું."

"મારી પાહે હાચવેલી થોડીક મૂડી છે અને જો જરૂર જણાહે ને તો મારા દાગીનાયે પડેલા છે."

"ના, મમ્મી! ફરીવાર આવું નહિ બોલતી. તને ખબર છેને એ પારિવારિક છે. કાલે સવારે ઋષભના લગ્ન થશે તો તેના પર તેની પત્નીનો અધિકાર લાગશે. હવે પછી દાગીના વેચવાની વાત નહિ કરતી."

"હા પણ જે મૂડી મેં ભેગી કરી છે ઈ તો કામમાં લઈ લેવાશે. જાજુ ના થાય તો કાંય નય, પણ જરૂરી તો કરવું પડેને?"

"જોઉં છું મમ્મી. એટલી મોટી રકમ તો નથી પણ જે છે એનાથી આવા સિટીમાં લગ્ન પુરા થાય છે કે નહિ? તમે લોકોએ મુહૂર્ત કઢાવી નાખ્યું અને એ પણ એક મહિના પછીનું. હું તો હજુ એન્ગેજમેન્ટની તૈય્યારી કરતી હતી પણ અહીંયા તો હવે લગ્નની તૈય્યારીઓ કરવાની છે."

"બધાની ઈચ્છા હતી તો હવે આપણે હુ કરીયે કે' "

"તેનો કશો પ્રોબ્લેમ નથી મમ્મી. બધું થઈ જશે. પણ એના લીધા કૃતિને કમ્પ્રોમાઈઝ કરવું પડે છે. તે જોયુંને? આજે હું એને એની પસંદના કપડાં ના અપાવી શકી."

"એમાં તારો પણ વાંક નથી હો. હું જાણું છું. તારાથી થાય છે તઈ લગી તું મેં'નત કરી લેહે. હું કૃતિને હમજાવીશ એટલે ઈ માની જાહે."

"ના મમ્મી, તું કૃતિને આ અંગે વાત નહિ કરે. મારા લીધે કૃતિને કામ્પ્રોમાઈઝ કરીને લગ્ન કરવા પડે એવી મારી ઈચ્છા નથી. તું ચિંતા નહિ કર. હું મેનેજ કરી લઈશ."

"તું થોડાં સમયમાં ક્યાંથી લાવીશ?"

"ભાર્ગવભાઈએ મને એક સરનામું આપ્યું છે. ત્યાંથી હું લોન લઈ લઈશ."

"લોન?"

"હા, મેં મારી પાસે રહેલા મારા બધી જ્વેલરી તેને આપી દીધી છે અને બેંકમાં પણ પર્સનલ લોન માટે એપ્લિકેશન આપી દીધી છે. બંને જગ્યાએથી કાલે પૈસા આવી જશે."

"પણ દીકરા આ બધું..."

"મેં કહ્યુંને, તું ચિન્તા ના કર. થઈ જશે."

બંનેની વાતો ચાલતી હતી કે નીચે ગાડીનો અવાજ આવ્યો. નિતુએ તેની માને કહ્યું, "મમ્મી લાગે છે સાગર કૃતિને મુકવા આવ્યો છે. તું એની સાથે કશી વાત ના કરતી. બસ એને કહી દે જે કે કાલે સાગર સાથે જઈને એને પસંદ આવે એવા કપડાં અને જ્વેલરી ખરીદી લે."

એટલીવારમાં બંનેને ડોરબેલ પણ સંભળાયો. તેઓ નીચે આવી અને નિતુએ જઈને દરવાજો ખોલ્યો. સામે પોતાની બહેનને જોતાં જ કૃતિને દિવસે બનેલી ઘટના યાદ આવી. તે તેની સાથે કશું બોલ્યા વિના સીધી જ અંદર જતી રહી. શારદા દાદર ઉતરી રહી હતી. તેની પાસે જઈને મોઢું મલકાવી કહેવા લાગી, "જો મમ્મી, સાગરે મને ગિફ્ટમાં લેટેસ્ટ ફોન આપ્યો."

"હારુ બેટા બૌ હારુ."

ફોન તેના હાથમાં આપતા બોલી, "કેવો લાગ્યો મમ્મી?"

તેણે ફોન જોઈને તેને પાછો આપ્યો, "મને આમાં હુ ખબર પડવાની?"

કૃતિ તેની આ વાત પર તેની સામે હસતી પોતાના રૂમમાં ચાલી ગઈ. જે નિતુએ સાગરને આવી રીતે ગિફ્ટ આપવાની યુક્તિ આપી એની સામે તે બોલી પણ નહિ એ જોઈ શારદા અચરજમાં મુકાય ગઈ. પણ તે કશું કહ્યા વિના પોતાની રૂમમાં જતી રહી. કોઈ પણ વસ્તુની અતિમાં ક્યારેક તો ક્ષતિ થવાની જ. આજે મૌન મૂક બધું જોઈ રહેલી શારદાને એ ભીતિ જાગી કે પોતાની બહેન કૃતિ માટેનો નિતુના મનમાં જે પ્રેમ છે એ ક્યાંક બંને બહેનો વચ્ચે દીવાલ ના ઉભી કરે. કૃતિ એ વાતને સમજી જ નહોતી શકતી કે તેની મોટી બહેન તેના માટે કેટલો સંધર્ષ કરી રહી હતી.

દિવસ દરમિયાનની તમામ વિધિ સાગરે એકાંતમાં પોતાના પપ્પાને કહી સંભળાવી અને અંતે શો- રૂમમાં જે ઘટના ઘટી તે પણ જણાવ્યું.

વિચાર કરતા જીતુભાઈ બોલ્યા, " આ વાત તો મને પણ ના સમજાય કે આખરે નીતિકા આવું શું કામ કરતી હશે? જે વસ્તુ કૃતિને પસંદ છે તેના માટે ના કહીને તે પોતાની પસંદગી તેના પર શું કામ થોપવા માંગે છે?"

"એ તો મને પણ નથી સમજાતું પપ્પા!"

" સાગર મને લાગે છે કે કંઈક એવું છે જે નીતિકા આપણા દરેકથી છુપાવી રહી છે. બાકી તેને જોઈને તો સમજાય છે કે તે કેટલી ઉદાર મનની છે."

"પણ એક વાત છે પપ્પા."

"શું?"

"પપ્પા મેં એનો ટેસ્ટ લેવા માટે ફોન પર વાત કરવાનો ઢોંગ કર્યો. વાત કરવાના બહાને જેવો જ હું થોડો દૂર ગયો, તો એ કપડાને ચારેય બાજુથી ચકાસી રહી હતી. દીદીએ એવું કેમ કર્યું? એ મને ના સમજાયું."

"સાગર, શું એણે કપડાંની કિંમત ચકાસી?"

"જોતા તો એવું જ લાગ્યું કે એ... કદાચ હા."

"હંમ. ભૂલ તમારા બંનેની છે. સાગર, તમારે સમજવું જોઈએ કે નીતિકા પોતાના ઘરને એકલા હાથે સંભાળે છે. તે નોકરી કરે છે એને હજુ સમય જ કેટલો થયો છે? માત્ર ત્રણ- ચાર મહિના. એકલા હાથે એના માટે બધું અધરું થતું હશે સાગર. નાનું ઘર છે. પૈસા બાબતે મૂંઝવણ તો હોવાની જ ને?"

"તો હું એની સાથે વાત કરું?"

"ના. તું એમાં ના પડતો. હું અને તારી મમ્મી એના ઘેર જઈને વાત કરી લઈશું."

"ઠીક છે પપ્પા. હું આ અંગે કાલે કૃતિ સાથે પણ ચર્ચા કરી લઈશ." કહેતા તે સુવા માટે જતો રહ્યો. તે પોતાની રૂમમાં પહોંચી બેડ પર બેઠો કે એટલામાં તેના ફોન પર મેસેજ આવ્યો. "અત્યારે કોનો મેસેજ? કદાચ એનો..." તેણે ફોન હાથમાં લઈને ચેક કર્યો તો કૃતિનો મેસેજ.

"હાય."

"હમ મારો અંદાજો સાચો પડ્યો."

"કેવો અંદાજો?"

"મને થતું હતું કે હમણાં જ તારો મેસેજ આવશે."

"અચ્છા?"

"હા."

"શું કરી રહ્યા છો?"

"બસ બેડરૂમમાં આવ્યો."

"તો?"

"તો બસ બહાનું શોધતો હતો તારી સાથે વાત કરવાનું."

તેઓની પ્રેમભરી વાતો શરૂ થઈ ગઈ. એક અનોખી સ્થિતિ એ ઘરમાં સર્જાવા લાગી. એક બાજુ નવા પ્રેમની કુંપળો ફૂટી રહી હતી તો એ જ ઘરમાં આવનાર સમય કેવો રહેશે એ વિચારે દુઃખ. સાચા અને નમ્ર મનને કોઈ દિવસ દુઃખ વધારે સહન નથી કરવું પડતું. એના માટે કોઈ રસ્તો તો જરૂર ખુલ્લો રહે છે. પણ હાલ આપણી નિતુ એવા સમયમાં ફસાય ચુકી હતી કે તેને કઈ દિશામાં જવું એ નથી સમજાતું. એના માટે તો બધાં જ દરવાજા બંધ હતા. જાણે એની મદદના બધા દ્વારને ઉપરવાળાએ વાંસી દીધા હોય. સ્વાભિમાની નિતુ સંધર્ષ સહન કરી શકે, પણ કોઈનો ઉપકાર નહિ.