ખજાનો - 49 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 49

" હા, તું સૌથી પહેલાં તેને મૂર્છિત કરવાની સોય તેને ભોંકી દેજે. જેથી કરીને તેની તાકાત ઓછી થાય."

" મને ખબર છે મારે શું કરવાનું છે.વન...ટુ..થ્રિ..ગો...!" કહેતા સુશ્રુતે લિઝાનો હાથ પકડી સુરંગનો દ્વાર ખોલીને કક્ષમાં પ્રવેશ કર્યો.

અચાનક કોઈને આમ આવતાં જોઈને નુમ્બાસા ચોંકી ઉઠ્યો. તે બળવાને તુરંત જ મ્યાનમાંથી તલવાર કાઢી અને લિઝા તથા સુશ્રુત કંઈ પણ કરે તે પહેલાં તો નુમ્બાસાએ લિઝાનો હાથ ખેંચીને તેની ગરદન પર તલવાર ધરી દીધી. સુશ્રુતનું આવેશ ભર્યું પગલું લિઝાના જીવનું જોખમ બની ગયું.

" પ્લીઝ..પ્લીઝ..! લિઝાને છોડી દો..! તેણે કંઈ નથી કર્યું " ચિંતાતુર સુશ્રુતે કહ્યું.

" કોણ છો તમે બન્ને ? કેમ અહીં આવ્યા છો ?" નુમ્બાસાએ પૂછ્યું.

" અમે..અમે..! સુશ્રુત કંઈ બોલે તે પહેલાં રાજાએ નુમ્બાસાને પાછળથી એ સોંય ભોંકી દીધી જેનાથી બેભાન થવાતું હતું.

અચાનક સોંય વાગતાં નુમ્બાસાના હાથ ઢીલાં પડ્યાં. તેણે પાછળ જોયું. તે મુખ્ય સેવિકાના વેશમાં ઊભેલાં રાજા પર તલવાર ઝીંકવા જતો હતો ત્યાં જ ધબ્બ થઈને નીચે પડ્યો. નુમ્બાસાને બેભાન થયેલ જોઈ ચારેયના જીવમાં જીવ આવ્યો.

" બહેન તમે કોણ છો ?"

"હું રાજ મહેલની દાસી છું. પણ આ નુમ્બાસાએ અમારાં રાજાને કેદ કરી દીધાં છે ને અમારાં જેવી દાસીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ ક્રૂર તેના મનનું ધાર્યું જ કરે છે ને બીજા પાસે કરાવે છે. નુમ્બાસાથી આખુંય રાજ્ય હેરાન પરેશાન થઈ ગયું છે." તે લાચાર બની ગયેલી સ્ત્રીએ કહ્યું.

"બહુ જલ્દી જ આ લૂંટારાથી સૌને છુટકારો મળશે." કહેતાં સુશ્રુતે નુમ્બાસાના બંને હાથ દોરડાથી બાંધી દીધાં.

"આપ જઈ શકો છો. બસ અહીં જે કંઈ પણ બન્યું તે વિશે કોઈને જાણ ન કરતાં." રાજાએ કહ્યું.

"આપનો અવાજ...! આપ સ્ત્રી જ છો કે...?" એક સ્ત્રીનો પુરુષ જેવો અવાજ સાંભળીને નવાઈ પામતાં દાસીએ કહ્યું.

" આપ જઈ શકો છો" સુશ્રુતે ફરી તે દાસી સામે જોઈને કહ્યું. સુશ્રુતનો અવાજ સાંભળી તે જાશે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ કક્ષમાંથી બહાર નીકળી ગઈ.

"જેને ખરેખર પકડવા આવ્યા હતા તે ખૂબ આસાનીથી પકડાઈ ગયો મને લાગે છે કે હવે આપણું કામ ઘણું સરળ થઈ જશે." લિઝાએ રાજાને સંબોધતા કહ્યું .

"મહારાજ..! આને ભાન ક્યારે આવશે ? સુશ્રુતે પૂછ્યું. આવા વ્યક્તિઓને તો બેભાન અવસ્થામાં જ ભગવાનને ત્યાં પહોંચાડી દેવા જોઈએ. આ શક્તિશાળીને જો ભાનમાં આવવાની રાહ જોઈશું તો કદાચ તેને હરાવો કે તેને મારવો મુશ્કેલ થઈ પડશે. મહારાજ હું તો કહું છું કે આને અહીં જ પતાવી દઈએ જેથી કરીને તેનો ત્રાસ કાયમ માટે ખતમ થઈ જાય. આવા રાક્ષસ માટે તો એક જ સજા છે મોત...!" લિઝાએ ઘણા આક્રોશથી નુમ્બાસાને પગથી પાટુ મારતા કહ્યું. લિઝાના આવા વ્યવહારને જોઈ સુશ્રુત આશ્ચર્યચકિત થઈ ગયો.

"લિઝા તારી વાત તો બરાબર છે પરંતુ તું કોઈને આટલી હદે નફરત કરી શકીશ એવી મેં કલ્પના પણ નહોતી કરી. જોકે નુમ્બાસા આપણી નફરતને લાયક જ છે અને તે મૃત્યુને લાયક પણ છે, પરંતુ તારા તરફથી કોઈ પ્રત્યે આવો વ્યવહાર થશે તે મારી સોચ બહાર હતું." સુશ્રુતે કહ્યું.

"તારી વાત તો સાચી છે લિઝા..! પરંતુ આને હું હમણાં નહીં મારી શકું,કેમકે જો તેની લૂટારુ ટોળકીને એ વાતની ખબર પડી ગઈ કે આપણે તેને કેદ કર્યો છે કેમ મારી નાખ્યો છે તો તેઓની ટોળકી વધારે ઉગ્ર બનશે અને આપણા જ રાજ્યના નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરી મુકશે. આથી તેને મારી નાખવો મને યોગ્ય નથી લાગતું."

To be continue....

મૌસમ😊