Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 17


હવે તો કાલિંદી પણ જાણવા માંગતી હતી કે આખરે આ ગામનું છુપુ રહસ્ય છે શું...! અને તે રહસ્ય થી તેના પરિવારને શું લેવાદેવા. કઈક તો એવું હશે જ ને ત્યારેજ તો વિરમસિંહ આટલી રાત્રે અહીં આવ્યા છે.


“ તો સાંભળ......." આટલું કહીને અઘોરી દાદા ભૂતકાળના રહસ્યને સવિસ્તાર શિવમ તથા વિરમસિંહની સામે ખોલી રહ્યા હતા. કાલિંદી આ બધું એકી ધ્યાને સાંભળી રહી હતી.


************

બાવીશ વર્ષ પહેલાંની આ વાત છે..........


અંબરસિંહને સંતાનમાં બે પુત્રો હતાં. મોટાં પુત્રનું નામ અમરસિંહ જેમના નામ પરથી જ આ ગામનું નામ પડ્યું છે અમરાપુર. અને અમરસિંહ થી નાના તેમનાં ભાઇનું નામ હતું રાવસિંહ. અંબરસિંહના અવસાન બાદ ગામ તથા હવેલીની જવાબદારી તેમના મોટા પુત્ર અમરસિંહ એ લીધી હતી.


અમરાપુર નામ નું આ ગામ સુખી અને સમૃદ્ધ હતું. ચારેબાજુ ખુશીયો થી ઢંકાયેલું. સવારનાં પહોરમાં નાના નાના ભૂલકાઓનો ધીમેથી રોવાનો અવાજ આવતો. મંદિરમાં આરતી થવાની હોય તે પહેલાં લોકો મંદિરે પહોંચી જતા. સુહાગણ સ્ત્રીઓ લાલ રંગ ના વસ્ત્રોથી સુશોભિત જોવા મળતી, તેમના કપાળમાં લાલ રંગના કુમકુમ નું તીલક તેમની સૌન્દર્યતામાં વધારો કરતું. માથામાં સિંધુર પુરેલું હોય, ગળામાં મંગળસૂત્ર પહેર્યું હોય ત્યારે તે સંપૂર્ણ પતિવ્રતા પત્ની લાગતી.


દરેક લોકો પોત પોતાની જિંદગીમાં ખુબજ ખુશ હતા. ગામમાં કોઈ માણસ ગરીબ કે દુઃખી નજરે પણ ના ચડે.ચારેબાજુ આનંદ,ખુશી જ જોવા મળે. આટલું સુખી, સમૃદ્ધ થવા પાછલું મુખ્ય કારણ તેમના ગામના ઠાકુર અમરસિંહ હતા.


અમરસિંહ ખુબજ દયાળુ સ્વભાવના હતા. કોઈપણ ગામવાસીને અર્ધી રાતે મદદ જૂતી હોય તો તે પણ તેમની પાસેથી મળી રહેતી. ગામ લોકોમાં તેમનું ખુબજ માન સન્માન હતું. જેટલા લોકો અમરસિંહ તરફ લગાવ રાખતા તેટલોજ લગાવ અમરસિંહ ગામવાસીઓ પ્રતે રાખતા.


અમરસિંહની હવેલી ઠાકુરની હવેલી એવા નામ સાથે પ્રચલિત હતી. હવેલી દિવસે જેટલી સુંદર લાગતી તેનાથી વધુ રાતે ડરાવની લાગતી. જંગલની નજીક આવેલી આ હવેલીમાં રાતના સમયે ખુંખાર જંગલી જાનવરોની ચીસો સંભળાઈ દેતી. જે ભલભલા માણસોને ડરાવી દે. રાત્રી દરમિયાન કોઈ હવેલી ની આસપાસ ભટકતું જોવા પણ ના મળતું. પણ આજે તો માનસિંહ ના લગ્ન થવાના હતા એટલે આખું ગામ તેમને આર્શિવાદ આપવા માટે આવ્યું છે.


અમરસિંહને સંતાનમાં માત્રને માત્ર એક જ પુત્ર હતો, જેનું નામ માનસિંહ. આજે માનસિંહ ના લગ્ન ભૈરવીદેવી સાથે થવાના હતા. ઠાકુર ની હવેલી ચારેબાજુ રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી. આખી હવેલી દીવાઓથી જગમગતી હતી. ગામની સ્ત્રીઓ ધીમા અવાજે સુમધુર ગીતો ગાઈ રહી હતી. આ બાજુ જોરશોરથી લગ્ન ની તૈયારીઓ ચાલી રહી હતી, તો બીજું બાજુ માનસિંહ ના માતૃશ્રી બકુલાદેવી ખુબજ ભયભીત અને ચિંતિત હતા.


" બકુલાદેવી તમે કેમ આજે આટલા ભયભીત અને દુઃખી લાગો છો. આજનો દિવસ તો હર્ષનો દિવસ છે. તો તમે આટલાં દુઃખી કેમ ? " અમરસિંહે શયનખંડમાં આવતાની સાથેજ પૂછ્યું.


" મને એ જ્યોતિષે કરેલી ભવિષ્યવાણી ચિંતિત કરે છે. જો એ ભવિષ્યવાણી સાચી પડી તો ? "બકુલાદેવીએ દુઃખી સ્વરે કહ્યું.


અમરસિંહે બકુલાદેવીને આશ્વાસન આપતા કહ્યું..." હા, હું જાણું છું. પણ માનસિંહ ખુશ છે. આપણે તેની ખુશીમાં સામેલ થવાનું છે. અને જે વિધાતાએ નસીબમાં લખ્યું હશે તેજ થશે. વિધાતાના લેખમાં કોઈ મેખ તો ના મારી શકે ને...! અને ભૈરવીદેવી આપણા કુળની કુળવધુ બનવા જઈ રહ્યા છે તો તેમના માટે તમારા મગજમાં જે કંઈ પણ ખોટા વિચારો હોય તે તમારાં મગજમાંથી નીકાળી દેજો.!"


અમરસિંહ અને બકુલાદેવી વાતો કરતાં હતાં એટલામાં જ ત્યાં માનસિંહ તેમના શયનખંડ મા આવ્યાં. માતાશ્રી અને પિતાશ્રીને આટલા ચિંતિત ક્યારે પણ નહોતા જોયા, અને આજે તો ખાસ ખુશીની રાત હતી.

"શું થયું માતાશ્રી - પિતાશ્રી તમે કેમ આટલાં ઉદાસ અને ચિંતીત દેખાઓ છો ? "માનસિંહે પૂછ્યું.

બકુલાદેવી કંઇક બોલવા જાય છે ત્યાંજ અમરસિંહ વચ્ચે બોલી પડે છે, "અરે..! ના ના અમે ઉદાસ કે ચિંતીત નથી, આતો બસ લગ્નવાળું ઘર છે એટલે થોડીક ચિંતા...."


“ અરે પિતાશ્રી તમે ચિંતા ના કરો, રાવ કાકા છે ને તે બધું સંભાળી લેશે. " માનસિંહે ધીરજ સાથે કહ્યું.

અને ભાઇસા પણ છે ને મદદ કરવા માટે... વધારાનું ઉમેરતા માનસિંહે કહ્યું.


“ એનું નામ તું મારી સામે ના લે. જેવું તેનું નામ છે એવા જ એનામાં અવગુણો છે. પરિવારનું કહ્યું ક્યારેય માનતો નથી, પોતાને મન ફાવે તેમ કરે. ક્યાંથી ય લાગતું નથી કે તે ઠાકુર કુળનો વંશજ હોય." અમરસિંહની આંખોમાં દુર્લભરાજ પ્રત્યેનો ગુસ્સો સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો.


દુર્લભરાજ રાવસિંહ નો એકનો એક પુત્ર હતો. રાવસિંહ જેટલા દયાળુ અને સંસ્કારી હતાં. એટલો જ એમનો પુત્ર કુક્રમી અને અધર્મી હતો. ક્યારેક માંથી તો દુર્લભસિંહ એવાં ખરાબ કૃત્યો કરતો કે જેનાથી લાગી આવતું કે તે ઠાકુર કુળનો હશે જ નહિ.અમરસિંહ દુર્લભરાજને ભલીભાતી ઓળખતો. અમરસિંહ તેના ગુણ- અવગુણો ને સારી રીતે ઓળખી ગયા હતા. ગુણ..!? એકેય ગુણ તેનામાં જોવા મળતો નહોતો. નાતો દુર્લભરાજમાં માનવતા હતી કે નાતો મનુષ્યો અને પ્રાણીઓ પ્રત્યે દયા. તે દરેક સ્ત્રીને ખરાબ દ્રષ્ટિથી જોતો. હંમેશા કેફી દ્રવ્યોના નશામાં જ રહેતો. ક્યારે કોઈની સાથે હળમળીને રહેતો નહિ.


દુર્લભરાજ જેવું તેમની નામની આગળ દુર્લભ લાગે છે ને એટલાં જ એના વિચારો ખરાબ છે. તેના વિચારો તથા તેની નજર હંમેશાં નિમ્ન કક્ષાની જ રહી. કોઈ સ્ત્રીની સામે સન્માન ભરી દ્રષ્ટિએ ક્યારેય નહિ જોયું. હંમેશા સગાં - સબંધીઓનું ખરાબ વિચારવાવાળો દુર્લભરાજ અમરસિંહના ભાઈ રાવસિંહનો દીકરો હતો પણ તેનામાં એટલાં બધાં અવગુણો હતા કે તે લોકો તેને જીવતો જાગતો રાક્ષક સમાન માનતા.


“ પિતાશ્રી તમે કેમ હંમેશા ભાઇસા પ્રતે આટલો અણગમો રાખો છો. હા તેઓ થોડા હઠીલા છે. ક્યારેય કોઈનું માનતા નથી પણ એનો મતલબ એવો તો ના હોય ને કે તેમને સ્નેહીઓ પ્રત્યે દુશ્મની છે. તેઓ ધીમે ધીમે પોતાની જાતને સુધારવાની કોશિશ કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે તેઓ પોતાની જાતને સુધારી લેશે." માનસિંહે તેમનાં કાકાઈ ભાઇનું ઉપરાળું લેતાં કહ્યું.


“ માનસિંહ તમે પણ જાણો છો, તેમના અવગુણો ને. કેટલી તકો આપી તેમને સુધરવાની પણ તેઓ નાજ સુધર્યા. તેઓ અસંસ્કારી તો છે જ સાથે સાથે દયાહીન અને અધર્મી પણ છે." હજી અમરસિંહ પોતાની વાત પૂરી કરે એ પેલા જ...


“ માનસિંહ ભાઇસા તમને ભૈરવીદેવી બોલાવે છે." રાજેશ્વરી શયનખંડમાં પ્રવેશતા જ બોલ્યાં.

રાજેશ્વરીના શબ્દો સાંભળીને અમરસિંહે પોતાની વાત અધૂરી જ છોડી દીધી.

રાજેશ્વરીના શબ્દો સાંભળતાં જ બકુલાદેવીને એ જ્યોતિષે કરેલી ભવિષ્યવાણી યાદ આવી ગઈ. અને તેઓ થોડા સમય પહેલા બનેલી ઘટનામાં સરી પડ્યાં...




એવી તો જ્યોતિષે શું ભવિષ્યવાણી કરી હશે કે જેના કારણે આટલાં શુભ પ્રસંગે બકુલાદેવી આટલાં ભયભીત અને ચિંતિત લાગી રહ્યા હતાં...?


વઘુ આવતાં અંકમાં.....✍️