ભાગ ૫
ધ્રુવે ત્યાર બાદ તેમના પારિવારિક મિત્ર રાજેશ અંકલને બધી વાત કરી.
રાજેશ અંકલે કહ્યું,”તારે શોપિંગ મોલ ખોલવાની ઈચ્છા હોય, તો હું મદદ કરી શકું પણ તું ફરી એકવાર વિચારી જો, કારણ શોપિંગ મોલ ખોલવું તે રિસ્કી છે, સફળ થાય પણ અને ન પણ થાય. પાછો તું શોપિંગ મોલ વિરારમાં ખોલવા માંગે છે અને તે પણ શહેરની બહાર. હજી તે મુંબઈમાં ખોલ્યો હોત તો સફળતાની ગેરંટી ૯૦ ટકા હોત, પણ અહીં તો ૫૦ ટકા જ ગેરંટી કહી શકાય. આને જોખમ જ કહી શકાય.”
ધ્રુવે જવાબ આપ્યો,”હું ફક્ત શોપિંગમોલ જ નહિ, પણ એક આખું એન્ટરટેઇન્મેન્ટ મોલ બનાવવા માંગુ છું. મારે તેમાં શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ થિયેટર, ગેમિંગ ઝોન, બેન્ક,ફૂડ પાર્ક, ઉપરાંત એક આઇસસ્કેટિંગ ઝોન પણ બનાવવો છે, જેથી લોકો અહીં ફક્ત ખરીદી નહિ પણ મનોરંજન કરવા આવે.”
રાજેશ ધ્રુવની વાત સાંભળી આભો બની ગયો તેણે વિચાર્યું સપનાં તો મોટા છે અને કેમ ન હોય આખરે લોહી તો મધુકરનું ને! પણ તે કદાચ મધુકરની જેમ નિષ્ફળ જશે તો શું થશે?
ધ્રુવે પૂછ્યું,”કેવો લાગ્યો મારો પ્લાન?
તંદ્રામાંથી બહાર આવી રાજેશે પૂછ્યું,”તું આ બધું કરશે કઈ રીતે? આમાં તો ખુબ પૈસો જોઈએ અને આટલી મોટી રકમ તો કોઈ બેંક પણ નહિ ધીરે.”
ધ્રુવે કહ્યું,”અંકલ, તે મેં વિચારી રાખ્યું છે હું વેન્ચર ફંડિંગમાં જઈશ, મેં તે માટે પ્રોફાઈલ પણ તૈયાર કરાવ્યું છે. પણ પહેલા મારે ગવર્નમેન્ટની પરમિશન લેવાની છે, તેમાં તમે મારી મદદ કરો.”
રાજેશે કહ્યું,”પરમિશનની જવાબદારી મારી તું આગળ વધ. પરમિશન ૪૫ દિવસમાં લાવી આપીશ અને તે પણ પ્રોસિજર પ્રમાણે.” પરમિશનની જવાબદારી રાજેશે લીધા પછી ધ્રુવને નિરાંત થઇ. ધ્રુવે જ્યાં સુધી પરમિશન ન આવે ત્યાં સુધી પોતાનું ધ્યાન સુપરમાર્કેટમાં પરોવ્યું.
તે સુપરમાર્કેટમાં બપોર સુધી જ બેસતો બપોર પછી તેમાં નીલા બેસતી. લગ્ન પછી તરત જ સુપરમાર્કેટમાં બેસવાનું શરુ કર્યું હતું, તે જાણતી હતી કે જ્યાં સુધી ધ્રુવ પોતાનું સપનું પૂરું નહિ કરે ત્યાં સુધી તેને જંપ નહિ વળે. બપોર પછી તે મુંબઈ જતો અને જુદા જુદા શોપિંગ મોલમાં જઈ તે જોતો અને ત્યાંના દુકાનદારોને મળતો અને તેમના અનુભવો સાંભળતો. ઉપરાંત કોર્પોરેટ ફંડિંગ કરનારી કંપનીઓ સાથે મીટીંગ કરતો. તેને ખબર હતી કે શોપિંગ મોલ શરુ કરતાં બે થી ત્રણ વરસ નીકળી જશે, પણ ત્યાં સુધી તે પોતે જ્ઞાન સમૃદ્ધ થવા માંગતો હતો.
ધ્રુવના ધાર્યા કરતા સમય વધારે લાગી રહ્યો હતો. પરમિશન મળતાં ૩ મહિના ગુજરી ગયા પછી વારો હતો ફંડિંગનો, બે વરસ નીકળી ગયા ફંડિંગ મેળવતા કારણ હતું તેમાં લાગનારી રકમ.
દસ કરોડ રૂપિયાની જરૂર હતી પ્રોજેક્ટ માટે. જે કંપની નાણાં ધીરી રહી હતી તેનો શેર ૫૫ % રહેવાનો હતો. અંતે સપનું સાકાર થયું, ખાત મુહૂર્તમાં પહેલો પથ્થર મૃણાલના હાથે મુકવરાવ્યો. પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું મૃણાલ'સ. એક આખુ વર્ષ નીકળી ગયું કન્સ્ટ્રક્શનમાં. વિરારમાં આવો પહેલો પ્રોજેક્ટ હતો તેથી તેણે પ્રચાર પણ ખુબ કર્યો.
પ્રોજેક્ટ આકાર લેતી વખતે જ પ્રખ્યાત થઇ ગયો હતો તેના અનોખાપણને લીધે.
ઉદ્ઘાટન મુખ્યમંત્રી પોતે આવ્યા અને ધ્રુવને અભિનંદન આપ્યા. મુખ્યમંત્રી આવવાને લીધે ધ્રુવની ગણના હવે મોટા બિઝનેસમેનમાં થવા લાગી. મૃણાલની આંખો હર્ષથી ભીની થઇ ગઈ ઉદ્ઘાટન વખતે. જે બાળકના માથેથી પિતાનું છત્ર નાનપણમાં છીનવાઈ ગયું હતું, તેણે પોતાની તાકાત પર આટલો મોટો પ્રોજેક્ટ ઉભો કર્યો હતો.
તેનો શોપિંગ મોલ ફક્ત શોપિંગ પૂરતો મર્યાદિત ન હતો, પણ એન્ટરટેઇન્મેન્ટ મોલ હતો. ધ્રુવે ત્યાં મળતાં પ્રોડક્ટ અને સર્વિસમાં પણ ધ્યાન આપ્યું હતું. છેક મુંબઈથી લોકો તેના મોલમાં આવવા લાગ્યા.
મૃણાલ'સ શરુ કર્યાના એક વર્ષ પછી તે પોતાના નવા બંગલામાં રહેવા ગયો. તેણે પાંચ વરસ એકધારી કરેલી મહેનત તેને ફળી હતી. તેની પુત્રી પણ હવે એક વરસની થઇ ગઈ હતી. દીકરીનું નામ નિધિ રાખ્યું હતું.
તેના પહેલા જન્મદિવસની પાર્ટી નવા બંગલામાં શરુ હતી તે વખતે તેમના દરવાજે એક વ્યક્તિ આવીને ઉભી રહી જેને જોઈને મૃણાલ બેભાન થઇ ગઈ.
ક્રમશ: