પ્રત્યાગમન - ભાગ ૩ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રત્યાગમન - ભાગ ૩

ભાગ 

મધુકરના નામે બે ફ્લેટ અને ઓફિસ હતી, તે બેન્કે જપ્ત કરીને નીલામ કરી. ઇલાબેન , મૃણાલ અને ધ્રુવ વિરાર રહેવા આવી ગયા. ધ્રુવ હજી સમજણો થયો નહોતો, તે માંડ ૩ વરસનો હતો. વિરાર આવ્યા પછી થોડા દિવસ તો મૃણાલને ખબર નહોતી પડી કે અચાનક તેના જીવનમાં આ શું થઈ રહ્યું છે! પણ ધીમે ધીમે સમય ગયો તેમ તે આઘાતમાંથી બહાર આવી. દુકાનનું ભાડું ખુબ ઓછું હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું. શરૂઆતમાં મૃણાલના ભાઈએ થોડી મદદ કરી, પણ પત્નિના દબાણ હેઠળ તેણે પોતાના હાથ તંગ કરી દીધા.

મધુકરને  જઈને છ  મહિના થઇ ગયા હતા. એક દિવસ રાજેશ તેની પત્ની સાથે મળવા આવ્યો અને પૂછપરછ કરી. તેણે કહ્યું,”ભાભી, આ રીતે તો જિંદગી નહિ જાય. તમે બીજા લગ્ન કરી લો.”

મૃણાલે કહ્યું,”આ જિંદગીમાં બીજી વાર તો નહિ પરણું. જો ધ્રુવની ચિંતા ન હોત તો, મેં મોતને વહાલું કર્યું હોત.”

રાજેશે કહ્યું,” સોરી ભાભી! હું તમને દુઃખ નહોતો પહોંચાડવા માગતો. તમે ક્યાંક નોકરી કરો અથવા તમારી દુકાન ભાડે આપી છે, તે તમે પોતે ચલાવો. તમારે દુકાન શરુ કરવા રકમ ઉધાર જોઈતી હોય તો હું આપું છું.”

મૃણાલે કહ્યું,” મમ્મી મંદિરે ગયા છે તે આવે એટલે ચર્ચા કરીને તમને કહું.”

રાત્રે ઇલાબેન સાથે ચર્ચા કરીને કરિયાણાની દુકાન પાછી શરુ કરવાનું નક્કી કર્યું. દુકાન માટે થોડી રકમ રાજેશે અને થોડી રકમ મૃણાલના ભાઈએ પોતાની પત્નીથી છુપાવીને આપી. દુકાન ખોલ્યા પછી થોડા દિવસ મૃણાલને ખુબ તકલીફ પડી. ઇલાબેન ઘર સંભાળતા અને મૃણાલ ધ્રુવને લઈને દુકાને આવતી.

દુકાનદારી ખુબ કડાકૂટવાળું કામ હતું, આવેલા માલનો હિસાબ રાખવો વેચેલા માલનો હિસાબ રાખવો. પણ થોડા સમયમાં તે કામમાં પાવરધી થઇ ગઈ અને હસમુખા સ્વભાવના લીધે છ મહિનામાં તેણે એરિયામાં ફરી  ઘરાકી જમાવી લીધી. હવે તેને ઘર ચલાવવાની ચિંતા ન હતી, તે દુકાનમાંથી જેટલું કમાતી તેમાં ઘર સારી રીતે ચાલતું હતું. ઘરરખ્ખુ સ્ત્રીમાંથી તે સફળ દુકાનદાર બની ગઈ હતી, શરૂઆતમાં અમુક લોકોએ ખરાબ નજર કરી પણ મૃણાલને ખબર હતી કે કોની સાથે કેવી રીતે વર્તવું. તેવા લોકોને પોતાનાથી દૂર રાખ્યા.

ધ્રુવ ધીમે ધીમે મોટો થઇ રહ્યો હતો.તેનું એડમિશન ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં કરાવ્યું. મધુકરની ઈચ્છા હતી કે ધ્રુવ ઇંગ્લિશ મીડીયમમાં પોતાનું શિક્ષણ લે. જો કદાચ પહેલાં જેવી સ્થિતિ હોત તો મધુકરે દેશની સર્વશ્રેષ્ઠ સ્કૂલમાં કરાવ્યું હોત પણ મૃણાલે ફક્ત ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં એડમિશન કરાવીને સંતોષ માન્યો. ધ્રુવ ખુબ તેજસ્વી વિદ્યાર્થી હતો તે વર્ગમાં હંમેશા પ્રથમ આવતો અને સ્કૂલમાંથી છૂટ્યા પછી દુકાને આવીને ભણવા બેસતો અને મૃણાલ મોડી સાંજે ઘરે જાય ત્યારે તેની સાથે જ ઘરે જતો. આ તેનો નિત્યક્રમ હતો. તે નાનપણથી પોતાની મમ્મીને દુકાનમાં મહેનત કરતી જોતો. તેને જલ્દીથી મોટા થઇ જવું હતું.

સમય જાણે પંખ લગાવીને ઉડી રહ્યો હોય તેમ ઝડપથી વહી ગયો.હવે ધ્રુવ કોલેજમાં જતો હતો પણ તેણે પોતાનો નિત્યક્રમ જાળવી રાખ્યો, તે કોલેજ જતો અને ત્યાંથી દુકાને. હવે તે પાકો દુકાનદાર બની ગયો હતો તેને કરિયાણાના ધંધા ની આંટીઘૂંટી સમજાવા લાગી હતી.

વચમાં ઘણીવાર સમાચાર મળ્યા કે કોઈએ મધુકરને હરિદ્વારમાં જોયો છે તો કોઈએ અમરનાથમાં. સમાચાર એમ હતા કે મધુકર સાધુ થઇ ગયો છે. મૃણાલે પોતાની રીતે તપાસ કરાવી પણ વ્યર્થ.છતાં તેને આશા બંધાઈ કે મધુકર જીવિત છે અને એક દિવસ પાછો આવશે. તેણે પોતાના ગળામાં મંગળસૂત્ર પહેરી રાખ્યું હતું. કોઈ પૂછતું તો તે જવાબ આપતી કે મધુકર મરી જ ન શકે. ધ્રુવને પોતાના પિતા પ્રત્યે ભયંકર નફરત હતી, પણ મૃણાલ સામે તે આ વાત કોઈ દિવસ ઉચ્ચારતો નહિ. તે મિત્રો ને કહેતો કે તે પિતા ને જેટલી નફરત કરે છે તેના કરતા માતાને વધારે પ્રેમ કરે છે. તે માતાને કોઈ દિવસ દુઃખી ન જોઈ શકે.

હરિદ્વાર પહોંચ્યા પછી મધુકર થોડા દિવસ ધરમશાળામાં રોકાયો અને એક સાધુના આશ્રમમાં જઈ સત્સંગમાં બેસતો. ઘણા દિવસ એકધારો મધુકર ત્યાં ગયો એટલે સાધુનું ધ્યાન તેની તરફ ગયું. તે સાધુનું નામ હતું સંપૂર્ણાનંદ. તેમણે મધુકરની પૃચ્છા કરી. મધુકરે પોતાના ભૂતકાળની વાત કરવાને બદલે ફક્ત એટલું જ કહ્યું,” સંસારથી ત્રસ્ત થઈને અહીં આવ્યો છું. હું હવે સન્યાસી થવા માંગુ છું. મને તમારા આશ્રમનું વાતાવરણ ગમ્યું અને તમને મળીને લાગ્યું કે તમે મને સાચો માર્ગ બતાવી શકશો, તેથી તમારી શરણમાં આવ્યો છું. તમે મને શિષ્ય તરીકે સ્વીકારો એટલી જ વિનંતી.”

સંપૂર્ણાનંદે મધુકરનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. મધુકર આશ્રમમાં રહેવા આવી ગયો. આશ્રમમાં આવ્યા પછી ખુબ મન લગાવીને સંપૂર્ણાનંદની સેવા કરી અને તેમનો પ્રિય શિષ્ય બની ગયો.

મધુકર આશ્રમમાં આવીને પંદર વરસ થઇ ગયા હતા, છેલ્લા બે વરસથી મધુકર હવે સંપૂર્ણાનંદની જગ્યાએ ગાદીપતિ બની ગયો હતો તે હવે સર્વાનંદ તરીકે ઓળખાતો હતો. બપોરના બે વાગ્યા હતા, મધુકર પોતાના ખંડમાં બેઠો હતો અને સામે એક પ્રાઇવેટ ડીટેકટીવ હતો. પ્રાઇવેટ ડીટેકટિવે એક ફોટો મધુકરને આપ્યો અને કહ્યું,” આ તમારાં પત્ની અને પુત્રનો ફોટો છે બંને અત્યારે સુખેથી જીવે છે. તમારો પુત્ર કોલેજમાં ત્રીજા વરસ માં છે અને ખુબ મહેનતુ પણ છે. પણ, તે તમને ખુબ નફરત કરે છે. બેંકની લોન તો તમારા ફ્લેટ્સ અને ઈન્સુરન્સના પૈસામાંથી પુરી થઇ ગઈ હતી અને જે થોડું ઘણું દેવું હતું, તે તમારી પત્ની હપ્તે હપ્તે ચૂકવી રહી છે. પણ તમે આ જાણકારી કેમ કઢાવી? એક વાર સન્યાસ લઇ લીધા પછી ઇન્ફોરમેશન શા કામની?”

મધુકરે કહ્યું,”તેની ચિંતા તમે ન કરો. તમારું કામ માહિતી આપવાનું છે,તે આપતા રહો.”

મધુકર છેલ્લા પંદર વરસથી અહીં હતો. તે બહારથી તો સાધુ બની ગયો હતો પણ તે અંદરથી તો હજીય મધુકર હતો. તેને આ ધંધો ફાવી ગયો હતો. આશ્રમમાં દેશવિદેશથી ખુબ દાન આવતું હતું અને ત્યાં આવનાર ભાવિકો પણ દિલ ખોલીને દાન કરતા હતા. આશ્રમ ખુબ વ્યવસ્થિત ચાલતો હતો. સાધુ હોવા છતાં તે રાજાની જેમ જીવતો હતો.

હવે તેણે આશ્રમમાં સેન્ટ્રલ એ. સી. નંખાવી દીધું હતું . એક સત્ય તે જાણતો હતો કે ન તો તેના ગુરુ સાચા સાધુ હતા ન તો તે સાચો સાધુ હતો. બીજા ઘણા બધા આશ્રમોની જેમ તેઓ પણ ધંધો કરતા હતા, ધર્મનો ધંધો! અને આ ધંધામાં મંદી પણ આવવાની નહોતી ઉલટું મંદી હોય ત્યારે આ ધંધા માં તેજી આવી જતી. હરિદ્વારમાં એક રીતે હરીફાઈ ચાલતી હતી, ધર્મના ધંધાની કોણ કેટલા ભાવિકોને ખેંચે છે.

સર્વાનંદ ઉર્ફ મધુકરનું જીવન આમ તો સરળતાથી વીતી રહ્યું હતું, પણ ઊંડે ઊંડે તેના મનમાં એક અપરાધબોધ હતો. પોતાની પત્ની અને પુત્રને મજધારમાં છોડવાનો.એક મન કહેતું કે તેણે ખોટું કર્યું પણ બીજું મન કહેતું હતું કે તેણે બરાબર કર્યું છે, તે પોતે ત્યાં રહ્યો હોત તો કદાચ દેવું ભરી ન શક્યો હોત. પણ ઇન્સુરંસની મોટી રકમથી દેવું ભરાઈ ગયું.તે ત્યાં રહ્યો હોત તો કદાચ પોલીસ કેસ થયો હોત અને જેલ પણ થઇ હોત. તે અહીં આવીને ૧૫ વરસ થઇ ગયા પણ મન હજુ પત્ની અને પુત્રમાં હતું . તે દાનમાં મળેલી રકમ પોતાની પત્નીને મોકલવા માંગતો હતો પણ તેવું કરવાની તેની હિમ્મત ચાલી નહોતી.

અમુક વખત તેને ઈચ્છા થઇ આવતી કે આશ્રમ છોડી પત્ની અને પુત્ર પાસે જતો રહું પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની હિમ્મત ઓછી થતી ગઈ.

તેના આશ્રમમાં અમુક ખોટા ધંધા થતા, પણ તેને આંખ આડા કાન કરવા પડતા કારણ આ ધંધા કરનાર વ્યક્તિ વગદાર હતી અને આશ્રમને મોટું દાન પણ આપતી. તેમાં સમ્પૂર્ણાનંદનો મુખ્ય શિષ્ય તેજોમયાનંદ પણ સામેલ હતો. પહેલાં ગાદી તેજોમયાનંદને સોંપવાની હતી પણ તેણે ઇન્કાર કર્યો, તેથી મધુકરને મહંત બનાવવામાં આવ્યો.

તેજોમયાનંદ કોઈ પણ જાતના રૂટિન કાર્યમાં જોડાવા માગતો ન હતો, તે ફકત રૂપમણિદાસ આવે ત્યારે તેમની સેવામાં રહેતો હતો. તેણે ફક્ત તેનું અથવા બીજા ત્રણ ચાર ભાવિકોનું ધ્યાન રાખવાનું હતું. રૂપમણિદાસ ફક્ત આનંદ પ્રમોદ કરવા ત્યાં આવતો. એક ભયંકર સેક્સ સ્કેન્ડલ તેના નાક નીચે ચાલતું હોવા છતાં મધુકર ઉર્ફ સર્વાનંદ મજબુર હતો. કોઈ જાતની એકશન લેવા જાય તો તેની પોતાની હકાલપટ્ટી થાય તેમ હતી.

ક્રમશ: