શિવાલી ભાગ 2 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવાલી ભાગ 2

ચારેતરફ ખુશી અને આનંદ નો માહોલ હતો. પણ હવેલી ના એક રૂમમાં અત્યારે માતમ છવાયેલો હતો. રાઘવભાઈ પછી નો તેમનો ભાઈ જનક તેની પત્ની શારદાબેન અને નાના ભાઈભાભી ભરતભાઇ રેવતીબેન ને બરાબર ગુસ્સામાં બોલતો હતો.

શું ધ્યાન રાખ્યું તમે લોકોએ?

આવું બન્યું જ કેવી રીતે?

અમે બન્ને તો બહાર કામ માટે જઈએ છીએ પણ તમે બન્ને ઘરમાં રહી ને શું કરો છો?

કેવી રીતે, કેવી રીતે રમાભાભી નો પગ ભારે થઈ ગયો?

એક કામ તમને બન્ને ને સોંપ્યું હતું એ પણ તમારા થી ના થયું?

શારદાબેન બોલ્યા, મને પણ એ જ નથી સમજાતું કે આવું કેવી રીતે બન્યું? 

તો સમજ પાડો ભાભી આ સમાચાર આપણા માટે સારા નથી, ભરતભાઇ બોલ્યા. 

અરે ભાઈ હું પણ એજ કહું છું કે આ મને સમજ કેમ નથી પડતી. બન્યું કેવી રીતે?

ત્યાં રેવતીબેન બોલ્યા, ભાભી દવામાં તો કંઈ ગડબડ નથી થઈ ને?

હા હોય શકે, કદાચ દવા બનાવમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય?

ના, એ શક્ય જ નથી. દવા તો બરાબર જ છે, ભરતભાઇ બોલ્યા.

તો દવા આપવામાં તારા થી કોઈ ભૂલ થઈ હોય રેવતી? શારદાબેન બોલ્યા.

પણ ભાભી દવા તો તમેજ આપો છો દૂધમાં ભેળવી ને, હું તો એને ભાભી સુધી પહોંચાડવાનું કામ જ કરું છું. 

તમે બધા તમારી અટકળો બંધ કરો ને કારણ શોધો કે આ કેવી રીતે શક્ય બન્યું? ભરત તું વૈદ્ય ને મળી આવ. એમને પૂછ કે દવા બનાવમાં તો કોઈ ચૂક નથી થઈ ને? ને હવે શુ કરવું?

હા, ભાઈ હું હમણાં જ જઈ આવું છું.

આખી હવેલીમાં આ ચાર જણ જ એવા હતા જેમને રમાબેન મા બનવાના છે એ ખટક્યું હતું. વર્ષો થી એ લોકો રાઘવભાઈ અને રમાબેન ના ત્યાં પારણું ના બંધાય તેની પેરવી માં હતા. ને એટલે તેઓ રમાબેન ને રોજ દૂધમાં ગર્ભ ના રહેવાની દવા આપતા હતા. ને આ બધું એમણે મિલકત માટે કર્યું હતું. પણ હવે રાઘવભાઈ ના ત્યાં બાળકનો જન્મ થવા નો છે. ને એજ વારસદાર હતો કે હતી આ કરોડો ની મિલકત નો. આ લોકો ની ઉંઘ હરામ થઈ ગઈ હતી હવે. 

ગૌરીબા પોતાના પૂજાના રૂમમાં ચોધાર આંસુ એ રડી રહ્યા હતા. 

ભોળાનાથ આ શું થઈ ગયું? મારું પેટ આટલું હલકું નીકળ્યું?

શુ ઓછપ આવી ગઈ કે છોકરાઓ આવા કામ કરવા લાગ્યા?

માફ કરી દે પ્રભુ કે હું આંધળી આંખો હોવા છતાં આ બધું ના જોઈ શકી. માફ કરી દે ભોળાનાથ માફ કરી દે.

પણ પ્રભુ હું તને વચન આપું છુ આજ પછી મારા રાઘવ અને રમાવહુ પર હું કોઈ મુસીબત નહિ આવવા દઉં. હું એમની ઢાલ બની રહીશ. એનું બાળક આ દુનિયામાં આવશે જ. જરૂર પડી તો પોતાના પેટ સામે પણ લડી લઈશ. બસ તું મને હિંમત આપજે ભોળાનાથ. 

એટલામાં પુની ગૌરીબા માટે દૂધ લઈ ને આવી. બા દરવાજો ખોલો હું દૂધ લાવી છું.

ગૌરીબા આંસુ લૂછતાં ઉભા થયા ને દરવાજો ખોલ્યો. 

રમાવહુ સુઈ ગયા? એમને દૂધ આપ્યું?

હા બા એ આરામ કરે છે. રાઘવભાઈ આવી ગયા છે.

પુની ને લાગ્યું કે બા ની આંખો લાલ છે અને ચહેરો ઉદાસ છે. એણે પૂછી જ લીધું, શુ થયું બા? કેમ આંખો લાલ થઈ ગઈ છે? કાંઈ થયું છે?

હા પુની શુ કરું કંઈ સમજાતું નથી. તું તો જાણે જ છે કે શુ થયું છે.

હા બા, પણ તમે ચિંતા ના કરો હવે હું છું ને રમાબેન ને કઈ નહિ થવા દઉં. મારી નજર ચારેકોર છે. 

પુની કોઈ ની ઉપર ભરોસો નથી રહ્યો. તે જોયું ને સગો ભાઈ આજે ભાઈ નો નથી રહ્યો. આ મિલકત બહુ મોટી દુશ્મન બની ગઈ છે મારા પરિવાર માટે.

પુની સાચું કહું મને લાગતું તું કે આ ઘરમાં કઈ અજુગતું થઈ રહ્યું છે. પણ તે આવું હશે તે નહોતી ખબર. આજે મને રાઘવ ના બાપુ યાદ આવી ગયા. 

અરે બા જીવ ઓછો ના કરો સૌ સારાવાના થઈ જશે. 

પુની તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તું પારકી થઈ ને આજે મારા પરિવાર માટે આટલું વિચારે છે.

બા, કદાચ તમારે માટે હું પારકી હોઈશ પણ રમાબેન માટે નહિ. એતો મારી પોતાની છે. તમે જાણો છો બા, જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું પંદર વર્ષ ની હતી. મારા પતિ રમાબેન ની હવેલીમાં કામ કરતા હતા. પછી એમણે મને પણ ત્યાં રમાબેન ની સંભાળ માટે કામે લગાવી દીધી. રમાબેન બહુ સારા મને બેનની ની જેમ રાખે. એ મારા થી પાંચ વર્ષ નાના. મને હંમેશા પોતાની સાથે જ રાખે. જ્યારે મારા પતિ ને શીતળા થયા ત્યારે બહુ બીમાર થઈ ગયા. ત્યારે રમાબેન અને તેમના પરિવારે અમારી ખૂબ સંભાળ રાખી. મારા પતિ માટે દવા દારૂ બધું કરાવ્યું. પણ હું જ અભાગી નીકળી બા. મારા પતિ મને મૂકી ને ભોળાનાથ પાસે જતા રહયા. ભર જુવાનીમાં હું વિધવા થઈ ગઈ. ત્યારે રમાબેને જ મને સાચવી લીધી. એતો કહેતા તા કે હું બીજા લગ્ન કરી લઉં, પણ બા મને જ મન ના થયું. ને હું કાયમ માટે હવેલીમાં તેમની સાથે રહી ગઈ. આજ દિન સુધી મને કોઈ તકલીફ નથી પડવા દીધી એમણે. એમના લગ્ન થયા ત્યારે એમણે મને તકલીફ ના પડે એટલે હવેલીમાં જ રહેવાનું કહ્યું તું. એમના ભાઈ ને ભાભી મને સારી રીતે રાખતા હતા. ને ફરી મને રમાબેન ની સેવા કરવાનો મોકો મળ્યો તો હું કેમ જવા દઉં બા. હું તો તરત જ આવી ગઈ બોલો. 

હા પુની રમાવહુ તો દેવી છે. એમણે કદી મારા ઘરને ઓછપ લાગે એવું નથી કર્યું. હંમેશા બધા ને માટે હાજર જ હોય. મને તો મા જેવો પ્રેમ આપ્યો છે. કદી મને દુભાવી નથી. રમાવહુ જેવી વહુ ભાગ્યશાળી ને જ મળે. પણ......

અરે બા, તમે આમ વિચારવાનું છોડો ને સુઈ જાવ. નહીંતો તમે બીમાર થઈ જશો. ચાલો દૂધ પી લો તો. ને હવે ભોળાનાથ ને યાદ કરતા સુઈ જાવ હું જાવ છું. 

પુની દરવાજો બંધ કરી ને સુવા ચાલી ગઈ. પણ ગૌરીબા ને ક્યાં ઉંઘ આવતી હતી. આજે ઉંઘ એમની વેરણ થઈ ગઈ હતી. એમને એ દિવસ યાદ આવી ગયો જ્યારે રમાવહુ ના ભાઈ ભાભી એમના ગુરુમા ને લઈને એમની હવેલી આવ્યા હતા. 

ગૌરીબા પ્રણામ, કેમ છો?

અરે, પ્રણામ પ્રણામ રમણભાઈ. કેમ છો?

પ્રણામ ગૌરીબા

પ્રણામ લીલાવહુ. કેમ છો?

મઝામાં બા, અમારી બેન ક્યાં છે? 

અરે કાના રમાવહુ ને બોલાવો. એમના ભાઈ ભાભી આવ્યા છે. 

એ હા બા.

મોટાભાઈ તમે? ભાભી.....

કેમ છે મારી બેન? 

સારું છે ભાઈ. ને ભાભી તમે?

હું પણ સારી છું. 

રમા અમારી સાથે આપણા ગુરુમા આવ્યા છે. બહાર ગાડી મા છે. પુની પણ આવી છે. 

અરે ભાઈ તમે જણાવ્યું પણ નહિ.

રમણભાઈ તમારે જાણ તો કરવી હતી. અમે બધી તૈયારીઓ કરી રાખતા, ગૌરીબા ફરીયાદ ના સ્વરમાં બોલ્યા. 

ના બા એવું કઈ નહોતું. આતો ગુરુમાં ઘરે આવ્યા હતા. ને એમણે રમા ને મળવાની વાત કરી એટલે અમે એમને લઈ આવ્યા. 

ઘરમાં નોકરો કામે લાગી ગયા. ગુરુમાં માટે રહેવાની વ્યવસ્થા થવા લાગી. ઘરમાં ગંગા જળ છાંટવામાં આવ્યું. ધૂપ કરવામાં આવ્યો. આરતી ની થાળી સાથે રમાબેને ગુરુમાં ને વધાવ્યા. રમાબેન તો ગુરુમાં ને જોઈને ગદગદ થઈ ગયા. ઘરના બધા લોકો એ તેમના આશીર્વાદ લીધા.

રમાવહુ ગુરુમાં ને આરામ માટે લઈ જાવ. મુસાફરીમાં થાકી ગયા હશે. 

હા બા. આવો ગુરુમાં. રમાબેન ગુરુમાં ને  એમના રૂમ સુધી દોરી ગયા. એક મોટા રૂમમાં તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બરાબર હવેલી ના બગીચામાં હતો. ને ત્યાં કુદરતી સાંનિધ્ય પણ હતું. 

ગુરુમાં તમે આરામ કરો હું ભોજન ની વ્યવસ્થા કરું.

ગુરુમાં એ હાથ ઉંચો કરી રમાબેન ને રજા આપી. 

ભાઈ તમે આરામ કરો હું ભોજનની વ્યવસ્થા કરું છું.

રમા ગુરુમાં માટે.. 

હા ભાઈ તમે ચિંતા ના કરો મને ધ્યાન છે. હું કોઈ કચાસ નહિ રાખું ગુરુમાં ની સેવામા.

સાંજે રાઘવભાઈ અને એમના ભાઈઓ આવ્યા પછી બધાએ સાથે ભોજન લીધું. 

ગુરુમાં તમે અમારા ઘરે પધાર્યા એ અમારા અહોભાગ્ય, રાઘવભાઈ બોલ્યા.

ભોળાનાથ નો હુકમ થયો એટલે આવું પડે ભાઈ. બધી ભોળાનાથ ની માયા છે. 

હા ગુરુમાં બધી એની જ માયા છે. નહિ તો તમે અમારે આંગણે ક્યાં થી?

ભોળાનાથ બધાનું ભલું કરે. આશીર્વાદ આપી ગુરુમાં પોતાના રૂમમાં ચાલ્યા ગયા. 

ધીરે ધીરે બધા સુવા માટે ચાલ્યા ગયા. રમાબેન ના ભાઈભાભી અને ગૌરીબા એકલા પડ્યા એટલે ગૌરીબા એ રમણભાઈ ને પૂછ્યું, રમણભાઈ રમાવહુ ને પરણીને આ ઘરમાં આવે પંદર વર્ષ થયા પણ ક્યારેય ગુરુમાં અમારે ત્યાં ના આવ્યા. ને આજે આમ અચાનક?

બા એતો અમને પણ ના સમજાયું. એમણે કહ્યું કે કાલે રમા નો જન્મદિવસ છે મારે એને મળવું છે એટલે અમે અહીં આવી ગયા. 

રમાબેન તમે સવારે નાહીધોઇ ને શુદ્ધ થઈ ને ગુરુમાં ના આશીર્વાદ લેવા જજો. કદાચ કાલે તમને તમારી ઇચ્છાપૂર્તિ ના આશીર્વાદ મળી જાય. 

હા ભાભી. હું એમજ કરીશ. 

ગુરુમાં ને રમાવહુ નો જન્મદિવસ યાદ છે? ગૌરીબા એ પ્રશ્ન કર્યો.

હા બા હું લગ્ન પહેલા મારા જન્મદિવસે ગુરુમાં ને મળવા એમના આશ્રમ જતી. 

સવારે રમાબેન અને રાઘવભાઈ ગુરુમાં ના આશીર્વાદ માટે ગયા.

ગુરુમાં ભોળાનાથે બધી ઇચ્છાઓ પુરી કરી છે. પણ હજુ મારો ખોળો નથી ભરાયો માં. મારી શેર માટી ની ખોટ પુરી કરો માં. 

હા ગુરુમાં અમને સંતાન સુખ ની અપેક્ષા છે. અમારી ઇચ્છા પુરી થાય એવા આશીર્વાદ આપો માં.

ગુરુમાં એ રમાબેનના માથા પર હાથ મૂકયો અને ધ્યાન લગાવ્યું. ભોળાનાથ તમારી ઇચ્છા પુરી કરો એવા આશીર્વાદ આપ્યા ગુરુમાં એ રમાબેન ને. 

ને રાઘવભાઈ સામે શંકરગઢ માં આવેલ વર્ષો પુરાણા શિવમંદિર માં દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી.

ક્રમશ................