શ્રી સનક બોલ્યા, “હે નારદ હવે હું બીજા વ્રતનું વર્ણન કરું છું તે ધ્યાનથી સાંભળો. આ વ્રત હરિપંચક નામથી પ્રસિદ્ધ અને સર્વલોકમાં દુર્લભ છે. હે મુનિવર, સ્ત્રીઓ અને પુરુષોનાં સર્વ દુઃખો આ વ્રત કરવાથી દૂર થાય છે તથા આ વ્રત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. માર્ગશીર્ષ માસના શુક્લપક્ષની દશમી તિથીએ મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને સ્નાન આદિ કર્મ કરીને માણસે નિત્યકર્મ કરવું. ત્યારબાદ દેવપૂજન તથા તથા પંચમહાયજ્ઞોનું અનુષ્ઠાન કરીને તે દિવસે નિયમમાં રહી કેવલ એક સમય ભોજન કરવું. બીજે દિવસે એકાદશીએ સવારે નિત્યકર્મથી નિવૃત્ત થઈને પોતાના ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પંચામૃત વડે વિધિપૂર્વક શ્રીહરિને સ્નાન કરાવવું.