લખવું ખૂબ ગમે છે. જીવન માં કોઈ ખાસ મહત્વાકાંક્ષા નથી પણ હદયને એક ખૂણે નાટકોમાં કામ કરવાની અને ફિલ્મો માટે વોઈસ ઓવર કરવાની ઇચ્છા ધરબાયેલી ખરી.

#બેદરકાર

" તે દિવસે ઓફિસથી આવીને ભૂલથી તાપસીના ટુવાલથી મેં હાથ, પગ, મોઢું શું લૂછી લીધા? એમાં તાપસીએ મને બેદરકાર કહી ને મારી સાથે ઝઘડો કર્યો. બેદરકાર કહ્યો તો કહ્યો પણ બીજા દિવસે મારા નવા ને નવા ટુવાલથી આખા ઘરમાં પોતું કર્યુ. આમતો આખો દિવસ પીઠમાં દુખાવાનું બહાનું કાઢીને તાપસી બધું જ કામ કામવાળા પાસે કરાવે. પરંતુ એ દિવસે એનો પીઠનો દુખાવો ગાયબ થઈ ગયો. હવે તમે જ કહો કે આ મોંઘવારી માં આવું બધુ કરે એ પોષાય ? એ ટુવાલનો ભાવ કરી કરીને પણ છેલ્લે બસ્સો રુપિયા આપેલા. " પોતાના ઘરે આવેલા તાપસીના મમ્મીને તાપસીનો પતિ મોહિત તાપસીની ફરિયાદ કરતો હતો અને તાપસીની મમ્મીની નજર રસોડા તરફ હતી. તાપસીને ચા બનાવતા વાર જો થઈ હતી.

વધુ વાંચો

#સક્ષમ

શહેરમાં દર વર્ષે યોજાતા યુથ ફેસ્ટીવલમાં શહેરની દરેક કોલેજ ઉત્સાહપૂર્વક ભાગ લેતી. દર વખતની જેમ આ વખતે પણ શહેરની એક નામી કોલેજે ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો. જો કે આ વખતે માત્ર બે દિવસ બાકી હતા ને નાટકમાં રહેલા વિદ્યાર્થીઓ આડા ફાટ્યા જોકે કાવ્યપઠન, ગાયન, વાદન અને અન્ય સ્પર્ધાઓ માં રહેલા વિદ્યાર્થીઓ બધી રીતે સક્ષમ હતા એટલે કોલેજ ના પ્રોફેસરે નાટકને નિભાવવાની બધી જ જવાબદારી તેઓને આપી દીધી. બે દિવસમાં જેમ તેમ પણ નાટક તૈયાર થઈ ગયું. સાથી કલાકારો સાથે સાથે નાટકના મુખ્ય પાત્ર પંથિલનો રોલ પણ ખાસ મોટો ન હતો એણે તો યુદ્ધમાં લડતાં લડતાં શહીદ થવાનું હતું પણ આર્ચી એ શહીદ થયેલા પતિની પત્નીનું પાત્ર નિભાવવાનું હતું આ પાત્રમાં એણે મેદાન માર્યું અને હોલ તાળીઓના ગડગડાટ થી ગુંજી ઊઠ્યો. જો કે ગમે તેવા સક્ષમ કેમ ના હોય પરંતુ તેઓ નાટકના કલાકારો ન હતા આથી દોઢ કલાકનું નાટક માંડ કલાક ચાલ્યું. જો કે કોલેજના પ્રોફેસર ને તો એ વાતનો જ સંતોષ હતો કે ગમે તેમ તો યે યુથ ફેસ્ટીવલમાં નાટકમાં પોતાની કોલેજની હાજરી પુરાવી શક્યા એ માત્ર ને માત્ર પોતાની કોલેજના સક્ષમ વિધાર્થીઓને કારણે જ તો.

વધુ વાંચો

#સામાન

કેટકેટલો સામાન ઊંચકીને આવતા હતા કલ્પનાબેન. લગભગ ચારેક થેલા તો હોય જ. એકમાં ખાવાની વસ્તુઓ હોય તો વળી બીજામાં ફિનાઇલ, બ્લીચીંગની બોટલો તો વળી ત્રીજામાં કાંસકા, બક્કલ, બુટ્ટી અને ચોથામાં પ્લાસ્ટિક કટલરી જેવી કે કપડાં ધોવાના બ્રશ , કપડાં પર ભરાવવાની પીનો વગેરે હોય. કલ્પનાબેનના પતિને પેરાલીસીસનો એટેક આવ્યો ત્યારથી ઘરની બધી જવાબદારી કલ્પના બેનના માથે આવી પડી. શહેરના પરા વિસ્તારમાંથી પોશ વિસ્તારમાં રોજ બસમાં આવે અને વસ્તુઓનું વેચાણ કરે. તે દિવસે લગભગ ૪૫ ડિગ્રી તાપમાન માં ભર બપોરે વેદિકાને બારણે ટકોરા પડ્યા. બારણું ખોલીને જોયું તો કલ્પનાબેન. ઘરમાં બધું જ હતું પણ જે કલ્પના બેનનો સામાનનો ભાર હળવો થયો તે એમ વિચારી વેદિકાએ કલ્પનાબેન પાસેથી બે ફિનાઇલની બોટલો ખરીદી જ લીધી. સૌથી ભારે તે જ તો હતી.

વધુ વાંચો

#વાસ્તવિક

જો ખરેખર જ નિશ્વાના પપ્પાએ પોતાની લાગવગ ચલાવી હોત તો અત્યારે નિશ્વાની પાસે સરકારી નોકરી હોત. નિશ્વાના પપ્પાના બધા જ ભાઈબંધોએ પોતાની દિકરીઓને સિવિલ એન્જીનીયરીંગ કરાવીને પોતાના જ ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવેલ પરંતુ નિશ્વાના પપ્પાએ નિશ્વાને પોતાની રીતે જ આગળ આવવા કહેલું. પછી તો નિશ્વાએ કોમ્પ્યુટર એન્જીનીયરીંગ કરીને પ્રાઇવેટ કંપનીમાં નોકરી મેળવેલ પણ નિશ્વાને એ વાતનો અફ્સોસ હંમેશા રહેલો કે જો પપ્પા ધારત તો પોતાની પાસે પણ સરકારી નોકરી હોત. પણ ખરેખર તો હવે નિશ્વાએ ભૂતકાળને ભૂલી વાસ્તવિક જીવનમાં પોતાના ક્ષેત્રમાં અને પોતાને મન ગમતી પ્રવૃત્તિ માં આગળ વધવું જ રહ્યું.

વધુ વાંચો

#ઉત્સાહી

કોરોના મહામારી ને લીધે બંધ રહેલા શહેરના મોટા મોલને લગભગ અઢી મહિના પછી ચાલુ કરવાની મંજૂરી મળેલી. આથી પહેલા દિવસથી જ મોલના બધા જ કર્મચારીઓ ખૂબ ઉત્સાહિત હતા. મોલના દરેક કર્મચારી માટે માસ્ક પહેરવું ફરજિયાત હતું. મોલના મેનેજરે પહેલા દિવસે જ તાબડતોબ મીટીંગ બોલાવેલી અને મોલને ફાયદો થાય તે વિશેની અમુક નવી સ્કીમ વિશે સમજાવેલ. માસ્ક પહેરીને પણ હસતાં હસતાં કામ કરી ગ્રાહકોને મદદ કરવી એવું પણ એમણે કર્મચારીઓને સૂચન આપેલ. આ માટે તેમણે મોલમાં કેશીયર તરીકે કામ કરતી પ્રિયાનું ઉદાહરણ આપેલ. પ્રિયાએ ભલે માસ્ક પહેર્યું પણ તેની આંખો હસે છે. મેનેજરની આ વાત સાંભળીને કર્મચારીઓને તો બસ જોઈતું જ હતું. એમણે તો ખૂબ જ ઉત્સાહી બની મેનેજર અને પ્રિયાની વાત ને ચગાવી.

વધુ વાંચો

#ઈચ્છાનુવર્તી

("ઇચ્છાનુવર્તી" એટલે " ઇચ્છાનુસાર "માનીને હું મારી ઇચ્છાનુસાર લખીશ .😊)

ચાલીસ વર્ષ શિક્ષિકાની નોકરી કરીને રીટાયર્ડ થયેલા હેમા બા. શિક્ષિકા હતા ત્યારથી જ ઘરમાં પણ નિશાળ જેવી જ જો હુકમી ચલાવતા. પોતાની ઈચ્છાનુસાર વર્તતા અને બીજા પણ પોતાની ઇચ્છાનુસાર વર્તે તેમ ઇચ્છતા. જો કે મોટી વહુ આગળ એમની જો હુકમી ન ચાલી. એટલે નાની વહુ કવિષા પાસે જ રહેતા. કવિષા બિચારી સીધી સાદી હેમા બા ના ઘાંટા સાંભળે. જ્યારે કવિષાના પિયરથી ફોન આવે ત્યારે તો હેમા બા અવશ્ય ઘાંટા પાડે. કવિષાને આ બધુ ન ગમે પણ પોતે હંમેશા એવું માને કે હેમા બાને મોટી વહુ તો રાખતી નથી જો પોતે પણ બા સાથે ખરાબ વર્તન કરે તો હેમા બા ક્યાં જાય ? આમને આમ કવિષા એ પંદર વર્ષ હેમા બા સાથે કાઢી નાખ્યા પણ કહે છે ને કે દરેક વસ્તુનો એક સમય હોય છે. કવિષાના પતિને અચાનક વિદેશ થી સારી જોબની ઓફર આવી અને કવિષા પોતાના પતિ અને બાળકો સાથે વિદેશ ચાલી ગઈ. રહી ગયા તો એકલા હેમા બા. હવે તો કદાચ એમને પોતાની ઈચ્છા અનુસાર ઘાંટા પાડવા હોય તો પણ સાંભળનાર કવિષા ક્યાં ?

વધુ વાંચો

#ખોટું

"જોજે ખોટું ના લગાડતી, તું તો સારું જ કામ કરે છે. હું તારા માટે ખરાબ બોલ્યો જ નથી પણ મારી સાથે જે બીજી છોકરી કામ કરે છે તેના માટે હું બોલ્યો હતો. તો પણ તને વિશ્વાસ ન આવતો હોય તો તું કે એના સમ ખાવા તૈયાર છું." આવું પ્રતીક તેની સાથે કામ કરતી પલકને કહી રહ્યો હતો. હકીકતમાં તો પ્રતીકને પલક માટે ફૂણી લાગણી હતી. પણ પલક કેમેય કરીને ભાવ આપતી ન હતી. એટલે એ ઓફિસમાં બધાના મોઢે પલકનું ખરાબ બોલ્યા કરતો. એક વાર પલક પ્રતીકની વાત સાંભળી ગઈ અને એણે પ્રતીકનો બરાબરનો ઉઘડો લીધો ત્યારે પ્રતીક ગભરાટનો માર્યો ખોટા સમ ખાવા તૈયાર થઈ ગયો. જો કે પછીથી તેણે ઓફિસમાં પલકનું ખરાબ બોલવાનું છોડી દીધું.

વધુ વાંચો

#ભીનું

એક ધારા સતત વરસાદથી ભલેને બધા કંટાળે પણ કહાની નહીં. કહાની હંમેશા માનતી કે ઉનાળામાં ક્યારેય ગરમી થાક ખાય છે કે ચોમાસામાં વરસાદ થાક ખાય? ટીટોડીના ઇંડાની ચિંતા ટીટોડી કરતાંય કહાનીને વધારે રહેતી કરતા કારણ કે એના પરથી જ આ વર્ષે વરસાદ કેટલો પડશે તેનું અનુમાન લગાવી શકાય. વરસાદમાં કહાની પોતાના બંને બાળકોને લઈને બહાર ફરવા નીકળી પડે. ભરેલા પાણીમાં છબછબીયાં કરવાનો આનંદ બાળકોની સાથે એ પણ માને. બીજા શહેરમાં વરસાદ વધારે પડે ને પોતાના શહેરમાં વરસાદ ઓછો પડેને તો પણ એને ન ગમે. એને તો બધું વધારે જ જોઈએ. હવે એવો વરસાદ ક્યાં અને એવું પલળવાનું કયાં ? આજે પણ વરસાદની એ જ ભીની યાદો વિદેશમાં વસતી કહાનીના આંખોના ખૂણા ભીનાં કરી દે છે.

વધુ વાંચો

#હૂંફ


નિર્મિત માત્ર પાંચ વર્ષનો હતો ત્યારે કલ્પના માસી એક એક્સીડન્ટમાં મૃત્યુ પામેલ. માસાએ તો એક વર્ષમાં જ બીજા લગ્ન કરી નાખેલ. માસાની નોકરી ફરવાની હતી અને સાથે સાથે પોતાની પત્નીને પણ લઈ જતા. નિર્મિત ને સાથે લઈ જાય તો નિર્મિતનું ભણવાનું બગડે એવા બહાના કાઢી બંને જણાં નિર્મિતને દાદા દાદી પાસે જ રાખતા. આમ નિર્મિતે મમ્મી ની સાથે સાથે પપ્પાની હૂંફ પણ ગુમાવી. કલ્પનાના પિયરિયા નિર્મિતને ચઢાવે છે એવા બહાના કાઢી કાઢીને માસાએ નિર્મિતને પોતાના નાના નાની કે મોસાળની કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ રાખવા દીધેલ નહી. આમ દાદા દાદી પાસે જ નિર્મિત મોટો થયો. ઘરકામથી માંડીને દાદા દાદી ને ફેરવવા, સમયસર દવાખાને લઈ જવા જેવી બધી જ જવાબદારી નિર્મિત સુપેરે નિભાવતો. સમય જતા
નિર્મિત કોલેજમાં આવી ગયો. એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે નિર્મિતે આત્મહત્યા કરી લીધી. પાછળથી ખબર પડી કે નિર્મિત મનમાં ને મનમાં ધૂંટાતો હતો. મનની વાત કોઈને કહી શક્યો નહી ને આત્મહત્યા કરી લીધી. જો કલ્પના માસી જીવતા હોત તો નિર્મિત આ પગલું ના ભરત. પોતાના સગા પુત્ર માટે જીવ આપવા રાજી થતી એક સ્ત્રી પોતાના સાવકા પુત્રને હૂંફ પણ ન આપી શકે તો એ ખરેખર સ્ત્રી કહેવાને લાયક છે ખરી? ખરેખર તો એ સ્ત્રી ના નામ પર એક અભિશાપ છે અને નિર્મિતની આ આત્મહત્યા નહી પણ એક હત્યા છે અને એના માટે માસા પણ એટલા જ જવાબદાર છે. આવું મનોમન વિચારી રહેલી માનસી નિર્મિતના બેસણાંમાં પોતાના આંસુ ઓને ન ખાળી શકી.

વધુ વાંચો

#અત્યંત

" પપ્પા, તમને ડોક્ટરે કહ્યું છે ને કે અત્યંત જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવું અને બહારનું તો બિલકુલ ન ખાવું પણ તમે માનો તો ને ? અત્યારે ભાઈબંધો જોડે બહાર ખમણ ખાવા જવાની શી જરૂર હતી ? પાછા ઘરે આવીને કહેતાય નથી. બાજુવાળા આવીને કહે છે કે તમારા પપ્પાને ખમણની લારીએ જોયા હતા ત્યારે તો ખબર પડે છે. " આ બધુ કવિશ પોતાના પપ્પાને સંભળાવી રહ્યો હતો. અને પપ્પા Whats up પર પોતાના ભાઈબંધને બીજા દિવસનું પ્લાનીંગ text કરતા હતા.

વધુ વાંચો