સમેટાઈને રહી જવું છે હવે મારે મારામાં, ભલે ને પછી કોઈ હસ્તી ના રહે દુનિયામાં..

લોકડાઉનનું પાલન કરવું એ ભારતીય નાગરિક તરીકેની આપણી સૌથી મોટી જવાબદારી છે. આ કટોકટીમાંથી બહાર આવવા માટે આપણે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. આ તે સમય છે જ્યારે આપણે એટલે કે દેશના 'સામાન્ય નાગરિક' આપણી દેશભક્તિ સાબિત કરી શકીએ.

એના માટે કંઇ ખાસ નથી કરવાનું બસ અત્યંત આવશયક ના હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. કોઈ કામ કે વસ્તુ લેવા બહાર જવું જ પડે એવું હોય તો એક લિસ્ટ બનાવીને એકસાથે જ બધી વસ્તુ લઈ આવવી જોઈએ. "એમ કંઈ ના થાય અને મને કંઈ ના થાય", એવી માનસિકતાનો મનમાંથી સદંતર જાકારો આપવો ખૂબ જ જરૂરી છે. કદાચ તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ હશે તો તમને આની અસર ઓછી કે મોડી થવાની શક્યતા છે પણ તમારા ઘરમાં રહેલા નાના બાળક, વડીલ કે પછી બીમાર વ્યક્તિને આનો ચેપ જલદી લાગે છે. અને બની શકે કે તમારે તમારું સ્વજન ગુમાવવાનો પણ વારો આવે.

કોરોનાના લક્ષણ તરત દેખાતા નથી, સામાન્ય સંજોગોમાં એના લક્ષણો 7 થી 10 દિવસમાં દેખાય છે એટલે કોઈ વ્યક્તિ એનાથી સંક્રમિત હોય છે એનો ખ્યાલ આવે તે પહેલાં જ એ બીજાને સંક્રમિત કરી શકે છે. આજ કારણ થી ઘરમાં રહેલી વ્યક્તિ સિવાય બીજા ને ઘરમાં પ્રવેશ આપવાનું ટાળવું જોઈએ. પછી ભલે કે કોઈ સંબંધી જ કેમ ના હોય.

તમારું લીધેલું એક ખોટું પગલું તમારી સાથે તમારા પરિવાર કે સંપર્કમાં આવતી ઘણી વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. આમ આ સાંકળ મોટી થતી જાય છે અને દેશ માટે સંકટ વધતું જાય છે. આપણે એટલે કે દેશના સામાન્ય નાગરિકને એક સૈનિકની જેમ દેશભક્તિ બતાવવાની ભાગ્યેજ તક મળે છે, તો આ એ સમય છે જેમાં આપણે કંઈ ના કરીને પણ દેશ માટે ઘણું કરી શકીએ છીએ. આમા ફક્ત દેશહિત જ નહીં સાથે પરિવાર હિત પણ જોડાયેલું છે. માટે સાચી દેશભક્તિ અને પરિવાર પ્રેમ તમે સાબિત કરી શકો એવી એકપણ તક ના છોડવી જોઈએ.

Let's not be a part of chain and prove our patriotism..

ચાલો સાંકળનો ભાગ ના બનીને દેશભક્તિ સાબિત કરીએ..

©Shefali Shah

વધુ વાંચો