દુનિયામાં સૌથી મજબૂત અને સૌથી રહસ્યમય કંઈ હોય તો એ છે માનવ મન. માનવીના મનમાં ઉભરાતા, ઉછાળા મારતાં લાગણીઓના પુર જ નવી નવી ઘટનાઓ ઘટવાનું કારણ બને છે અને એને પેપર પર કંડારીને, આપની સમક્ષ એક વાર્તા રૂપે લઈ આવીશ હું... આપ એ વાર્તાને વાંચજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ ચોક્કસ આપજો.

જીવનના સર્વોત્તમ શિક્ષક કયા?

તમારી વાત તમારી પાસે રહેવા દો પહેલાં મને સાંભળો...😂

૧) હાર્ટ બ્રેક એટલે કે દિલનું તૂટવું
૨) ખાલી ખિસ્સું
૩) failures એટલે કે હારી જવું.

જ્યારે દિલ તૂટે છે... બહુ પીડા થાય, કોઈને કહી પણ ના શકો અને સતત અંદરથી તૂટતાં જાઓ...પણ એ તૂટવાથી તમે નાસીપાસ થવાને બદલે જો જીવવાનું શીખી જશો તો એ દુઃખ જ તમારી તાકાત બની રહેશે. કેટલાય મસ્ત શાયર આ દુનિયાને મળ્યા એ તૂટેલા દિલની જ ભેંટ છે! હકીકતે લાગણીશીલ માણસોનું જ દિલ તૂટે છે, પ્રેકતિકલ માણસોનું નહિ, એ દિલ પર લાગેલી ચોટ કોઈ કોઈ અનુભવી શકે છે અને હું પણ એમાંની જ એક છું જેને તમે મારી કમજોરી ગણો કે તાકાત..! સાવ નાની અમથી વાત મારા મન પર જબ્બર અસર કરી જઈ શકે અને હું એની ઉપર નવલકથા લખી નાખું ..!

ખાલી ખિસ્સું મારે ક્યારેય નથી રહ્યું.... ભગવાનની મહેરબાની છે એટલે એ વિષે તમે કહી શકો છો!! કેવી રીતે ખાલી ખિસ્સું તમારું શિક્ષક બન્યું? 👍👍

ત્રીજું અને છેલ્લું, નાપાસ થવુ એટલે નાસીપાસ થવું એવું બિલકુલ નથી! તમે જે રસ્તે જઈ રહ્યા હતા એ તમારે યોગ્ય નથી, બીજો કોઈ રસ્તો/ ઉપાય અજમાવો...બસ આટલું જ એ કહે છે!

આજ સાંજનું દિવ્ય જ્ઞાન અહીં સમાપ્ત...કાલે ફરી આવીશ 😁 ત્યાં સુધી નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

વધુ વાંચો

સવારની સૌથી સુંદર પળ,
લીલા પાંદડા પરથી સરકી જતી ઝાકળની બુંદોને નિહાળવી...

કોમળ, તાજા ખીલેલા પાન અને સૂરજની કિરણો વચ્ચેના સંઘર્ષને જોવો,
કોણ કોને હંફાવશે આજ..?

ફોટોગ્રાફી કરવી પણ મને ગમે છે હોં...😊

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

વધુ વાંચો

#નિયતી

હાલ કેટલું ઝડપથી બધું ડાઉનલોડ થઇ જાય છે, ફોટો તો તરત જ હા, વીડિયોમાં કોઈ વખત થોડી રાહ જોવી પડે...પણ.., ઓલું ગોળ ગોળ ગોળ...ઘુમતું ચકરડું યાદ છે?

આપણા મગજને પણ ચકરાવે ચઢાવી દે એવું ઘૂમે ગોળ..ગોળ..ગોળ..આખું ચકરડું પૂરું થાય એની રાહ જોવામાં તો શું જોવાનું હતું એય ભૂલી ગયા હોઈએ...😂
2જી હતું ત્યારે એ ચકરડું બહુ જોયું, એને સહન કરવાની પણ એક મજા હતી...સ્પીડ કેવી હોય એ ક્યાં ખબર હતી! પછી આવ્યું 3જી અને ભૂલાયું 2જી, હવે જ ખબર પડેલી કે ચકરડું ઘૂમતું જોયા વગર પણ ફોટા/વિડિયો જોઈ શકાય... થોડો સમય થ્રીજી ઇંજોય કર્યું અને પાછું 4જી આવી ગયું... હવે આ વખતે કંપનીવાળા એ જ ચાલાકી કરી હોય એવું મને લાગ્યું, 3જીની સ્પીડ એટલી ઘટાડી કે 2જી સારું હતું એવું લાગે... કંટાળીને 4જી લેવું પડ્યું, ઘણાને એના માટે ફોન પણ બદલવા પડ્યા હશે.

હાલ તો બધે વાઇફાઇ જ હાઇફાઇ છે...! છતાં એમાંય હવે ક્યારેક ચકરડું દર્શન આપી જાય છે...ચોમાસામાં એ ત્રાસ ઘણો વેઠ્યો!

ચકરડા જેવો ચાંદો ઉગી ગયો... એને જોઈને મને મારા મોબાઇલનું ચકરડું યાદ આવી ગયું અને આ લખાઈ ગયું...તમેય તે હું ભલા માણસ આ ચકરડાની વાતો યાદ કરવા લાગી ગયા....😝😝😝
#niyati

વધુ વાંચો

આજે એક ફોટો જોયો...એની નીચે લખેલું હતું, શતરંજની રમતમાં ચાલ કોઈ પણ ચાલો, તમે પોતાનાને નથી મારી શકતા!

કેટલો સુંદર નિયમ છે ને! આપણે અહીંયા જ માર ખાઈ જઈએ છીએ... દુનિયા સામે એક ટીમ બનીને લડતા લડતા ક્યારે આપસમાં જ લડવા લાગીએ એનું ધ્યાન જ નથી રહેતું અને જ્યારે એ વાત નોટીશ કરો ત્યારે સંબંધો એ હદે વણસી ગયા હોય કે સુધારવાની શક્યતા જ ના હોય. બે સગા ભાઈઓ, બહેનો, કાકા.. મામા આ બધા એક સાથે હોય તો એ પરિવાર કેટલો મજબૂત હોય, એને ક્યારેય કોઈ બહારના વ્યક્તિની જરૂર પડે ખરી?

પહેલાં માણસો જ હતા કામ કરવા માટે, ત્યારે બધાને એકબીજાની મદદની જરૂર રહેતી અને કુટુંબભાવના, કુટુંબપ્રેમ જળવાઈ રહેતો... હવે બધું કામ કરવા મશીન આવી ગયા... માણસને માણસની જરૂર જ ના રહી અને સંબંધ તૂટવા લાગ્યા...! ક્યાંક ક્યાંક તો માણસ જ મશીન બની ગયો છે! સમય પ્રમાણે ઉઠવું, બેસવું, આવવું, જવું...બધું જ ઘડિયાળને કાંટે, કોની સાથે કેટલી વાત કરવી એની પણ ગણતરી કરવી પડે..! હવે તો ઘરમાં પાછી એલેક્ષા આવી ગઈ છે, કેટલાક નાના નાના કામ કરવા ઘરમાં બૂમો સંભળાતી એ પણ હવે બંધ થઈ જવાની... બસ, હવે એક રોબોટ આવી જાય, કે માણસોનું કલોનિંગ કરી એને જેવો જોઈએ એવો જ બીજો માણસ બનાવવાની ફેકટરી ચાલું થઈ જાય...પછી આ સામાજિક રચના, મેરીડ લાઇફ બધું જ ખલાસ થઈ જવાનું..! ખતમ!

હજી આગળ વિચારું તો મશીનો માણસ ઉપર હાવી થઈ જવાના અને એ વખતે જો એમનામાં એકતા જાગી તો તો માણસોનું આવી જ બનવાનું. આખી માણસ જાત જ વિનાશના આરે આવી જવાની, ત્યારે જે બચ્યા કુચ્યા લોકો કંઇક વિચારી શકતા હશે એ લોકો એક ટીમ બનાવશે, બધા સાથે મળીને લડશે, મશીનો સામે... અંદરો અંદર નહિ! જેવું મેં શરૂઆતમાં જ કહ્યું... શતરંજનો નિયમ!

ટુંકમાં આટલી બધી કથા કર્યા બાદ પણ સુધરવું તો પડશે જ તો હાલ જ સુધરી જાઓ ને...આપસમાં લડાઈ બંધ કરો..ચેસના નિયમ સમજો 😊
#નિયતી
#niyatiKapadia

વધુ વાંચો

કરવા ચોથ પર પત્ની પતિ માટે વ્રત રાખે છે, ત્યારે પતિએ નિભાવવાના સાત વચનો ખબર છે?

મને આજે જ ખબર પડી...વાયા દિવ્યભાસ્કર!

૧) પતિ-પત્ની દરેક વ્રત-ઉપવાસ, ધર્મકાર્ય સાથે કરશે. તીર્થયાત્રા અને પ્રવાસ પણ સાથે સાથે.

૨) બન્ને એકમેકના માતાપિતાનો આદર કરશે. પતિ પત્નીના પરિવારનું પણ ધ્યાન રાખશે.

૩) પતિ આજીવન દરેક ઉંમર અને સ્થિતિમાં પત્નીની રક્ષા કરશે, એનું ધ્યાન રાખશે.

૪) પતિ પરિવારની તમામ જરૂરિયાત સમજશે અને પોતાના ખભા ઉપર લેશે.

૫) ઘરના કામ હોય કે કોઈને ભેંટ આપવાની હોય પતિ ખર્ચ કરતી વખતે પત્ની સાથે વાત કરશે.

૬) પત્નીનું પરીચિતો, સહેલીઓ સામે અપમાન નહિ કરે. જુગાર અને નશાથી દૂર રહેશે.

૭)પત્ની સિવાય કોઈ પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ નહિ રાખે. પરસ્ત્રી ને માતા સમાન ગણશે.

મને બહુ નવાઈ લાગી રહી છે પણ મારા પતિ શ્રી અહીંયા લખેલા દરેક વચન નિભાવી રહ્યાં છે... આજ સુધી મેં આવું ક્યારેય વિચાર્યું જ નહતું આજે આ નિયમ વાંચ્યા એટલે ખયાલ આવ્યો કે અમારા સુખી લગ્નજીવન પાછળ પતિદેવનો પણ આટલો ફાળો તો ખરો..!

ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે કે, એ છે એટલે એમના સંસારનું ગાડું ગબડે રાખે છે, એણે બહુ બધા ત્યાગ કર્યા છે, જવાબદારી નિભાવી, આખા ઘરનો ઢસરડો કર્યો, વગેરે વગેરે.... ત્યારે એમણે એકવાર વિચાર જરૂર કરવો કે એમના પતિદેવ આ સાત વચનો નિભાવી રહ્યા છે કે નહિ? જો જવાબ “હા" હોય તો ખુશ રહો યાર...લાઇફમાં બીજું શું જોઈએ...😊

ટુંકમાં એકલી સ્ત્રી કે એકલો પુરુષ ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ માટે જવાબદાર નથી હોતો... બન્નેની સમજણ જ કારણભૂત હોય!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏
#નિયતી
#niyati

વધુ વાંચો

કોઈ આપણી આગળ જુઠ્ઠું બોલે તો ગુસ્સો આવે એ સ્વાભાવિક છે પણ...

મારા દીકરાને બોલાવીને હું પૂછું કે, “તે ચોકલેટ ખાધી?"

એ એના મોઢામાં જેટલી ભરાય એટલી ચોકલેટ ભરીને, એક મોટો ટૂકડો મોઢામાં પરાણે ઠાંસીને આવે, મોઢું ખોલાય એવી તો પરિસ્થિતિ જ ના હોય, આંખોમાં આંખો મિલાવી જોઈ પણ ના શકે અને નીચે જોતો જ ડોકું ધુણાવી ના કહે, તમે બે વાર પૂછો, દસ વાર પૂછો...છતાં એ જ જવાબ “ના." હમણાં રડી પડશે એવું મોઢું બનાવી રાખ્યું હોય.

ત્યારે એની ઉપર ગુસ્સો આવે? 😁😁😁

પછી મારી દીકરી કહે, તને દેખાતું નથી એ જુઠ્ઠું બોલે છે? એક મોટી ચોકલેટ ખાઈને આવ્યો... અને હું કહી દઉં, “એણે નથી ખાધી."

મારો દીકરો એક ક્યૂટ સ્માઇલ આપીને જતો રહે...! આને દીકરા તરફ પક્ષપાત કર્યો કહેવાય?

વધુ વાંચો

આજે રહી રહીને મને એક સવાલ થાય છે, જે હું આ બધું મારી વાર્તામાં લખ લખ કરું છું એ ખરેખર શક્ય છે?

પ્રેમ નામની કોઈ ફિલિંગ આ દુનિયામાં છે ખરી? બે દિલ એકસાથે ધડકે એવું, ચાર આંખો એક સપનું જુએ...એવું બધું સાચેસાચ થાય?

જસ્ટ વિચાર કરો... તમે આરામથી તમારી ઑફિસમાં બેઠા છો અને કોઈક તમારી થોડી થોડીક જ જાણીતી વ્યક્તિ આવીને સીધું તમને કહી દે, “I Love you" તો? તમારી શું હાલત થાય..?

કહાનીમાં થોડો વધારે ટ્વીસ્ટ ઉમેરું, (મારે વાર્તા લખવાની છે! 😝) તમે પહેલાથી જ પરણેલા છો, ઘરે સુંદર સુશીલ પત્ની છે, બાળકો છે પણ પ્રેમ નામની વસંત તમારા જીવનમાં ક્યારેય ખીલી નથી... ત્યારે? તમે શું જવાબ આપશો?

સામેવાળી વ્યક્તિને તતડાઈ નાખશો કે એને પ્રેમથી સમજાવી લેશો...કે ઘરવાળી - બહારવાલીના ચક્કરમાં પડી જશો...😂😂😂

આ સેમ સવાલ સ્ત્રીઓ માટે પણ લાગુ પડે છે હોં... જેને જવાબ આપવાની ઈચ્છા થાય એ ચોક્કસથી આપજો તમારા આ જવાબો જ મને નવી વાર્તા લખવાની પ્રેરણા આપે છે...! 😊

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

વધુ વાંચો

તમે જેને લવ કરો છો એના પર વિશ્વાસ કરો છો કે, જેના પર વિશ્વાસ મુકો છો એને લવ કરો છો...?

Feeling confused 🤔

#નિયતીકાપડિયા
#Niyati

આજે જ એક વાક્ય વાંચ્યું,

“કડવી ગોળી તરત ગળી જાઓ... મીઠી હોય એને ચગળે રાખો!"

મને તરત થયું કે બૉસ વાત તો એમણે સાચી જ કહી. અહીં કડવી ગોળી એટલે કડવી યાદો! જેને તરત ગળી જવાને બદલે આપણે વાગોળ્યા કરીએ છીએ અને એ દુઃખમાંથી બહાર જ નથી આવી શકતા. કોઈએ તમારું દિલ દુઃખવ્યું, અપમાન કર્યું, તમારી લાગણીને ઠેસ પહોંચે એવું કર્યું તો એ ઘટના ઘટી ગયા બાદ પણ કેટલા વરસો સુધી તમારા મગજમાં વારે વારે ઘટતી રહે છે? ક્યારેક વિચારી જોજો...અને એ દરેક વખતે એ કેટલી તકલીફ આપી જાય છે! ભૂલી જાઓ એવી ઘટનાને, મગજમાંથી હાંકી કાઢો, ડીલીટ કરી દો... આ કામ તમે જ કરી શકશો, તમારી ભલાઈ માટે!

મીઠી ગોળી! જીવનની એવી યાદ જેને યાદ કરતા જ મન, હૃદય, મગજ બધું ખુશ થઈ જાય! એવી યાદને આપણે કેટલી વખત યાદ કરીએ છીએ...?

તમે પાસ થયા અને તમારા પપ્પાએ તમને કોઈ મોંઘી ગિફ્ટ અપાવેલી કે તમે ધાર્યું પરિણામ નહોતા લાવી શક્યા અને તોય તમારા પપ્પાએ તમને ગળે લગાડીને કહ્યું હતું, “કંઈ વાંધો નહિ તારી તૈયારી તો ફર્સ્ટ ક્લાસ જ હતી પેપર જ સારું નહતું, ફરીથી પરિક્ષા આપી દેવાશે." આવું કંઇક યાદ આવે છે?

તમારી બાજુમાં રહેતો કે સાથે ભણતો મિત્ર તમારી સાથે આવેલો અને પેલો ચાંપલો છોકરો જેણે તમારા નાકમાં દમ કરી રાખેલો એની સાથે ઝઘડો કરેલો..., એની સુંદર પેન્સિલ કે સુગંધી રબર કે નવી ડિઝાઇનનો સંચો તમને આપી દીધેલો, તમને એ ગમેલો એટલે... એવો કોઈ દોસ્ત યાદ આવે છે?

જેની એક નજર માટે તમે મરી જવા તૈયાર હો એણે તમને આવીને કહ્યું હોય, “તું બહુ સારો છોકરો છે, આખા ક્લાસમાં તારા જેવો સીધો છોકરો બીજો એકેય નહીં." તમને સ્વર્ગ હાથવેંતમાં લાગતું હોય અને પછી તરત ધોળા દાડે તારા દેખાઈ ગયા હોય, જ્યારે એણે છેલ્લું વાક્ય કહ્યું હતું, “તું તો મારા ભાઈ જેવો છે!" અને કમને પણ તમે એ સંબંધ વરસો લગી પૂરી ઈમાનદારીથી નિભાવ્યો હોય... એવું કશુંક બનેલું?

તમને થાય કે લગ્ન કરીને ફસાઈ ગયો/ગઈ, સામેવાળાને મારી ખુશીઓની કોઈ પરવા જ નથી અને એવામાં જ અચાનક તમારા જીવનસાથી એ એવું કંઇક કરી દીધું હોય કે તમારી વિચારધારા જ બદલાઈ જાય...એવું યાદ કરોને યાર!!

ટુંકમાં ખરાબ નહિ પણ સારા અનુભવ યાદ રાખો, યાદ કરો અને મને કૉમેન્ટમાં જણાવો...તમારી ખુશીમાં હું અને વાંચનાર બીજા પણ ખુશ જ થઈશુ..👍
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

વધુ વાંચો

મસ્ત નવલકથા વાંચવી અને નવી ફિલ્મ જોવી એ બે જ મારા સૌથી વધારે ગમતા શોખ છે.

જાસૂસી, સસ્પેન્સ, લાગણીઓમાં તરબોળ કરી દે, મને વિચારતી કરી મેલે એવી વાર્તાઓ મને ગમે, પછી એ ફિલ્મમાં હોય કે બુકમાં...😊

વધુ વાંચો