I m a teacher, author, poet, writing a Gujarati and Hindi song, writing a drama, writing a short story,

"પર્જન્યતા"થી ભરેલ જાત સાથે જીવવું એટલે.....🌷🦚


ઈશ્વર જ્યારે બાળકને જન્મ આપે છે ને, ત્યારે તે બાળક ભીતરમાં પુષ્કળ શક્યતાઓથી ભરેલો, ક્ષમતાઓથી ભરેલો, અને નિર્મળ હોય છે. જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ દંભ,મોટાઈ, સ્વાર્થનાં ભાર હેઠળ દબાતો જાય છે. એ બધું ભરાતા તે જે ઈશ્વર દ્વારા અપાયેલ કશું પણ પૂરેપૂરું બહાર નથી આવી શકતું . જ્યારે દંભ, સ્વાર્થ બધું ભરાઈ ગયું પછી ઉપર પ્રયત્નો કરીને ગમે તેટલી ક્ષમતા કેળવવાની પ્રયત્નો કરે છલકાવાનુ જ. તે ભીતર પચી જ નથી શકવાનું કારણકે જગ્યા જ નથી, ભરેલું છે. માટે આપણે જોઈએ છે ને કે અમુક માણસો નાની અમથી સફળતા મળતા છકી જાય છે કારણકે તે પચાવી નથી શકતાં."I m something" એવો અહમ તેમનામાં આવી જાય છે. પચાવવા ભીતર જગ્યા જ નથી હોતી. તેથી તે બધું જ છલકાઈ જાય છે જ્યારે જે માણસ નિર્દંભ, નિ:સ્વાર્થી અને કોઈ જ પ્રકારના મોટાઈના હેતુ વગર કાર્ય કરતો હોય છે ને તે ભીતરથી ખાલી હોય છે. હળવો રહીને જીવી શકે છે. જેટલી હળવાશ એટલી પ્રસન્નતા. માટે આવા લોકો પ્રસન્નચિત્ત હોય છે. ઘણી બધી સફળતા, છતાં તે વ્યક્તિ નિર્લેપ અને આનંદિત રહેશે. કારણકે તે તેનાં કામને માણી શકે છે. તકલીફોને ઊજવી શકે છે. આત્મસન્માનને જાળવીને સંદિગ્નપણે સંબંધોને પણ એક ઊંડાણનાં લેવલ સુધી જીવી શકે છે.

થોડા ઊંડે ઊતરો
અને દેખાય તળિયું.....!!
આ તો માત્ર 'નામ' ના નામ
બાકી હોય છે દંભનું ભોયતળિયું...!!


"વાંચન" એ માણસ પોતાની જાતને વધુ સારી રીતે સમજવા, પોતે પોતાની જાત જોડે વધુ સારી રીતે સંવાદ કરવાં, વધુ ગુણવત્તા સભર, સત્વથી ભરેલ, જિંદગી છલોછલ જીવવા ઈંધણ પૂરું પાડે છે. આવી જ રીતે જ્યારે માણસ ભગવદ ગીતા વાંચે છે. ત્યારે તેનામાં સતત રોજેરોજ કંઈકને કંઈક સત્વ ઉમેરાય છે. જે તેનાં વ્યક્તિત્વની છબી બની જાય છે. જાણે પ્રોટેક્ટિવ કવરિંગ..!! જેમ મોબાઇલ ફોન પર ટફન ગ્લાસ તેની સ્ક્રીનને તૂટતા અટકાવે છે. તેમ વ્યક્તિના વ્યક્તિત્વને, તેની આત્માને, તેની જાતને, ઈમોશનલ માનસિક રક્ષણ પૂરું પાડે છે. નકારાત્મકતા, નિરાશા, ફ્રસ્ટેશન સામે રક્ષણ પૂરું પાડે છે. માત્ર ભગવદ્ ગીતાના એક અધ્યાય નહીં, માત્ર એક પાનું દરરોજ વાંચવામાં આવે તો પણ તે વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સ્ટેપ બાય સ્ટેપ પોતાનાં જીવનમાં આવતાં બદલાવ, સત્વનો ઉમેરો અને જીવનની સાચી સમજ અને દ્રષ્ટિકોણ સાથે નિર્લેપ ભાવ આપોઆપ તેનામાં વણાતો જતો તે પોતે અનુભવી શકે છે.

ભાખોડિયા ભરતું આખું જીવતર જોને!!
ક્યાંક તારામાં રોજ કંઈક ઉગતું જોને....!!

તું તાગ મેળવજે કે, થઈ રહ્યું છે શું રોજેરોજ....
વહી જતું તે છે એક માત્ર ઝરણું જોને...!!

વધુ વાંચો

અતિશયોક્તિનો ચોકીદાર - હદ....🦚✍🏻✨💫અતિશયોક્તિ સર્વત્ર ત્યજતે...


હદથી વધારે સંવેદના, હદથી વધું વાચળતા, હદથી વધુ મહત્વકાંક્ષા હોય કે હદથી વધુ લાગણી, હંમેશા અધોગતિ જ નોતરે છે. અને તે લેવલ સુધી આપણે આપણી જાતને ન પહોંચાડી દઇએ તે માટે સ્વઅવલોકન ચોક્કસથી કરતાં રહેવું પડે. આજે મોબાઈલના અતિરેકનું પરિણામ આપને સૌ ભોગવી જ રહ્યા છે. જે આપણને સૌને અનુભવાતું હોવાં છતાં, તેનાથી "પર" થવું અતિશય કપરું લાગી રહ્યું છે. ક્યાંક સંબંધથી અલિપ્ત, ક્યાંક સંવાદથી અલિપ્ત, ક્યાંક મિત્રતાથી અલિપ્ત, ક્યાંક જાતથી અલિપ્ત, આપણે થઈ રહ્યા છે. આશ્ચર્યની વસ્તુ તો એ છે કે આ દરેક વસ્તુની આપણને જાણ હોવાં છતાં છુટી નથી શકતા. ગુમાવેલું તે બધું ફરી મેળવી નથી શકતાં. અને છૂટી ગયેલું ફરી જીવી નથી શકતાં. માટે અતિશયોક્તિના મુળિયા ઊંડા ઉતરી જાય તે પહેલા તેને ઓળખી લઈને સાવચેત થઇ જાવ. ને "સેલ્ફ ડિસિપ્લિન" ની તલવારથી તેની એક હદ બાંધી શકો છો. અને પોતાની જાતને સારી આદતોમાં વ્યસ્ત રાખીને નકારાત્મક લાગણીઓ ભાવથી પોતાને દૂર કરી શકો છો. સતત અજંપો ત્યારે જ અનુભવાય જ્યારે પોતાની જાત પોતાને કોસતી હોય, તમે અંતરાત્માના અવાજને વિરુદ્ધમાં જઈને કંઈક કરવા જઈ રહ્યા હોય.

લાગણીઓની અતિશયોક્તિ માણસને શંકાના વમળોમાં ફસાવે છે. મહત્વકાંક્ષાઓની અતિશયોક્તિ માણસને શોર્ટકટથી, ચાપલૂસી કરીને આગળ વધવા પ્રેરે છે. પોતાની ક્ષમતાની જાણ હોવા છતાં માત્ર દેખાડો અને મોટાઈ બતાવવા પોતાનાં સ્ટેટસ જળવાઈ રહે કે અભિમાનના ઝગમગાટ ને બરકરાર રાખવા માણસ "માણસ" રહેવાનું ભૂલી જાય છે. બાળકને શો ઓફ નું સાધન બનાવી દે છે. પોતાના હાથ નીચે કામ કરતા નાનાં માણસો જોડે તોછડાઈભર્યું વર્તન કરે છે. સંબંધોને અવગણીને, સંપત્તિને પ્રાયોરિટી બનાવી લે છે. અને આ અતિશય મહત્વાકાંક્ષા તેમને બહુ મોડી સમજાય છે. પછી પસ્તાવા સિવાય કંઈ જ રહેતું નથી,જ્યારે માણસ બધું જ ગુમાવી ચુક્યો હોય છે.

કંઈ કેટલાયે મોહરા નીકળે છે..
માણસમાં જ્યારે ખરેખર "માનસ" જાગે છે.

તું સાચવજે... ક્યાંક....
" વધારે", "હજી વધારે" માં ન અટવાઉ..

જીવનમાં માત્ર પોતાનાથી જ ...
જાત થાકે છે.....

"આગમ" બની શકે છે તું....
સમ રહી જીવી શકે જો...

"ગીતા"રસ થકીજ ....
માનસમાં નિષ્કામ ભાવ જાગે છે....


માત્ર પ્રવાસી બનીને જીવવામાં આપણું સુખ છે. જ્યારે જ્યારે માલિક બનવા જઈએ છે, આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ત્યારે પીડા, તકલીફની શરૂઆત થાય છે. કારણ કે જે સંબંધમાં કે વસ્તુગત ભાવોમાં માણસ પોતાની જાત સાથેનાં જીપીએસ સિસ્ટમથી વિખુટો પડી જાય છે. ત્યારે તે ફરીથી કનેક્ટ થવા "અતિશય"વ્યાકુળતા પૂર્વક પ્રયત્નશીલ બની જાય છે. માટે "સ્થિતપ્રજ્ઞતા" નો ગુણ જીવનમાં દરેક સ્ટેજ પર, દરેક પરિસ્થિતિમાં, દરેક સંબંધમાં કેળવવો ખૂબ જરૂરી છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"

વધુ વાંચો

My article....✍🏻

"સ્વ"ત્વ ને જાળવવું એ જીવંત રહેવા માટે જરૂરી છે."...... .... ....🦩🦚

આપણી મહત્વાકાંક્ષાઓ એ લેવલ સુધીની ન હોવી જોઈએ કે તમે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ,ઔ પોતાની ગરિમા ને સાઈડ પર મૂકીને લક્ષ્ય ઝંકૃત બની જાવ. કેટલીક વાર નાની-નાની નિષ્ફળતા પણ આપણને વધુ મજબૂત બનાવતી હોય છે જ્યારે સ્વમાનને દાવ પર લગાવીને મેળવેલ ઝળહળતી સફળતા આપણાં moral ને, આપણાં "સ્વ"ત્વ કે જે આપણામાં સર્જનશક્તિ ઉગાડે છે, ખીલવે છે તેને ડાઉન કરી દે છે. તમે બહુ સફળ થાવ અને પોતાનાં સ્વયં પ્રકાશિત પોતને ગુમાવી દો, તેનાં કરતા થોડાં પણ સાચા અર્થમાં સફળ થાવ અને આગિયાની જેમ ઝળહળ થતાં, જીવંતતાથી જિંદગી સાચાં અર્થમાં જીવો તે વધુ ઇચ્છનીય છે.

કેટલીક વાર આપણે જીવનનો અને જીવનમાં બનતી ઘટનાઓનો અર્થ સમજી જઈએ છે,તેને સ્વીકારી પણ લઈએ છીએ, પણ તેનાં મર્મ સુધી પહોંચી શકતા નથી. કંઈક કારણ હશે, કંઈક હજી શીખવાનું, વધું સમજવાનું, ઘડાવાનું બાકી હશે, તે આ ઘટના જીવનમાં બની. જો એ ન બની હોત તો જીવનનો એક મહત્વનો પાઠ ભણવા ન મળત. અને તે આગળ જતાં આપણને કદાચ વધુ નુકસાન પહોંચાડી શકત. ભવિષ્યને વધારે ડૅમેજ કરી શકત. અને આ પાઠ શીખવાની તક વહેલી આપવા બદલ ભગવાનને થેન્ક યુ કહી શકો, મક્કમતા કેળવીને જીવનમાં આગળ વધી શકો. તો જ તેના મર્મને પામી શક્યા છો, એમ કહી શકાય.

કાંટાળી કેડી પર ચાલી શકાય ,
ચલાવી શકાય સંગાથે કોઈને?
એ પ્રતિપ્રશ્ન વ્યર્થ છે....

જીવન વહાણના હોકાયંત્ર બની શકાય,
તરાવી શકાય કોઈને?
એ સંકલ્પના જ વ્યર્થ છે...

સદેહે તું પોતાનામાં પોતાને...
સાચવી જાણજે..
નથી કોઈ લેપ, દંભ, કપટ તે "પોત"ને...!

સ્વમાનને જાળવી શકાય અને સાચું જીવી શકાય...
રક્ષિત ને રક્ષી શકાય..?
તે ઉદબોધન વ્યર્થ છે....

મિત્તલ પટેલ
"પરિભાષા"

વધુ વાંચો

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ... "શિક્ષકજયોત " મેગેઝિનનાં એપ્રિલ-2022 અંકમાં મારો લેખ .....

શૈક્ષણિક પાચનતંત્ર...💫✍🏻📚📖વર્ગખંડમાં આપણે કેટલું ભણાવીએ છીએ, તેનાં કરતાં બાળકોને કેટલું પચે છે, તેનું મહત્વ હંમેશાં વધું હોય છે.

બાળક પચાવી શકે એટલી સરળ ભાષામાં, સરળ પદ્ધતિથી, પ્રવાહિતા જળવાઈ રહે તે તરાહથી, જુદા જુદા વિષયની સંકલ્પનાઓ, ગણિતના દાખલા ભણાવવામાં આવે તો બાળક કંઈક ગ્રહણ કરીને, કંઈક પ્રાપ્ત કરીને, વધુ સમૃદ્ધ થઈને શાળાએથી નીકળશે. જ્યારે શાળામાંથી બાળક કંઈ જ ગ્રહણ નથી કરી શકતો. પ્રયત્ન કરવા છતાં પણ કંઈક નવું શીખી નથી શકતો, ત્યારે તેનો શાળામાં આવવાનો ઉત્સાહ મંદ પડે છે. શાળામાં આવવાની રૂચી બાળકમાં જળવાઈ રહે તે માટે પણ બાળકને આપણે જે ભણાવીએ છે તે ગ્રહણ કરી શક્યો છે? તે તેને પચાવી શક્યો છે? તેને પામી શક્યો છે? તેની દરકાર લેવી ખૂબ જરૂરી છે. કદાચ એને મૂલ્યાંકનનું નામ આપી શકાય.

ગમે તેટલા વિદ્વાન શિક્ષક પણ જો બાળકના સ્તરે જઈને સરળ ભાષામાં ન ભણાવી શકતો હોય તો તેની અઘરા શબ્દોની વિદ્વતા કોઈ કામની નથી.. phd ની થીસીસ લખવી અને બાળકોને ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ભાષાનાં જે તે મુદ્દાની સંકલ્પના, તેનાં મૂલ્યો, તેનો મર્મ, બાળકનાં મનોઆવરણ સુધી પહોંચે તે રીતે ભણાવવું, શિક્ષણ આપવું બંને અલગ વસ્તુ છે. બાળકોને કંઈ રીતે વર્ગખંડમાં માનસિક રીતે એકાગ્ર કરવા, ભણાવાતા ટોપીકમાં કંઈ રીતે ઇન્વોલ્વ કરવા, તેમને કંઈ રીતે પ્રશ્ન પૂછતા કરવા, કંઈ રીતે તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો, તે માટે અધ્યાપન પદ્ધતિઓ શિક્ષકના વ્યક્તિત્વ શિક્ષકના બાળક સાથેના સંવાદ, આત્મીયતા પર આધાર રાખે છે. શિક્ષક પોતે સિદ્ધાંતવાદી હોય રોજ બાળકોમાં શૈક્ષણિક અને વ્યક્તિગત મૂલ્યો ને ઉતારી શકે છે.

શિક્ષક "મેં કેટલું ભણાવ્યું"તેનાં કરતાં "બાળકોને કેટલું આવડ્યું"એ એ બાબત ધ્યાનમાં રાખીને અધ્યાપન કાર્ય કરશે તો ચોક્કસથી પોતાનું બેસ્ટ output આપી શકશે. બાળકોને જે તે વિષય કેટલો આત્મસાત થયો તે વખતોવખત મૌખિક કસોટી, પ્રશ્નોત્તરી દ્વારા ચેક કરતાં રહેવું પડે. શિક્ષક વર્ગખંડમાં ભણાવતી વખતે પોતે બાળકોને વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછતાં હોવાં જોઈએ. જેથી બાળક ભણતી વખતે વર્ગખંડમાં માનસિક રીતે સતત હાજર રહે. જો શિક્ષક જ વર્ગમાં પ્રશ્ન નહીં પૂછતા હોય તો બાળકોને કંઈ રીતે પ્રશ્ન પૂછતા કરી શકશે?

શિક્ષક પોતે ભણાવેલું બાળકો કેટલું પચાવી શક્યાં છે, તેનો તાગ મેળવી શકે અને તે મુજબ પોતાની ભણાવવાની પદ્ધતિ, તેનાં સાધ્ય, સાધનોમાં પરિવર્તન લાવી શકે અને આ પ્રક્રિયા સતત સાતત્યપૂર્ણ રીતે ચાલતી રહે તે સાચું મૂલ્યાંકન. જેમ સર્વાંગી વિકાસ સાંધવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે, તેમ મૂલ્યાંકન પણ અધ્યાપનની પેરેલલ ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. આપણે ભણાવતાં હોઈએ ત્યારે બાળકોના હાવભાવ, તેનાં પ્રશ્નો પૂછવાની તાલાવેલી પરથી અને બાળક ભણાવી રહ્યા છે, તે બરાબર સમજે છે ,ગ્રહણ કરી રહ્યો છે, તેનું વચ્ચે પ્રશ્નો પૂછી ચર્ચા કરી તેમના અભિપ્રાયો પૂછીને ઉદાહરણ પૂછીને તાગ મેળવી શકાય છે.


શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિઓ શ્રેષ્ઠ વક્તા તરીકે, શ્રેષ્ઠ સાધનો સાથે, ટેકનોલોજી સાથે ભણાવતા શિક્ષક પણ જો સમયાંતરે બાળકોએ કેટલું ગ્રહણ કર્યું છે, તેનું મૂલ્યાંકન પોતીકી વ્યવહાર બુદ્ધિથી કરતો ન હોય તો શક્ય છે કે બાળક સાવ કોરો રહીને ઘેર જાય અને શિક્ષક એક ખોટું આત્મિક સંતોષ લઈને જાય કે 'મેં બાળકોને ખુબ સરસ બનાવ્યું'. કેટલીકવાર કોઈ સાધન, ટેકનોલોજી વગર ભણાવતાં શિક્ષક પણ ગણિત વિજ્ઞાન કે અન્ય કોઈપણ વિષયની સંકલ્પનાઓ બાળકોને ખુબ સરસ રીતે આત્મસાત કરાવી શકતા હોય છે.

વધુ વાંચો

માનસિક મનોબળ- સુખી રહેવાની માસ્ટર કીવહી શકે તો વહી જજે..
સાવ પથ્થર બની ના તૂટી જશે તું...
કસોટી હોય કે સંવિધાન...
સાવ નિર્મમ બની જીવી જશે તું...


તાકાતવર વાવાઝોડા જ જીવનમાં આપણને સ્થિર રહેતાં શીખવાડે છે. ડગી જવું, વિચલિત થઈ જવું તો ખૂબ સરળ બાબત છે. અઘરુ તો છે સ્થિર રહેવું,અડગ રહેવું .ખુલ્લી આંખે પોતાની જાતને ખરતા તારાની જેમ જોતાં હોય તેમ સાક્ષીભાવે જોઈ શકો તો જ એ તકલીફોને પગથિયા બનાવી મનોબળનાં દીપકથી શ્રેષ્ઠતાને પામવા પોતાની જાતને તૈયાર કરી શકો છો. સરળ રસ્તે ક્યારેય શ્રેષ્ઠતાને ન પામી શકાય. માટે ફરિયાદો કરવાનું ટાળો. આ "ફરિયાદ કરવી" એક ખરાબ આદત છે. તે આદત પડવા કોઈ મોટી મુશ્કેલી આવે એ જરૂરી નથી. કેટલાક લોકો નાની-નાની અળચણોમાય પોતાનાં જીવનને, દુનિયાને, ઈશ્વરનેય કોસતા રહે છે.


કેટલીકવાર જોડાવા માટે તૂટવું ખૂબ જરૂરી છે. માણસ હંમેશા પોતાનો સેફ ઝોન શોધતો રહે છે. હંમેશા પોતાને સુરક્ષિત જ ફીલ કરાવવાં ઈચ્છે છે. હંમેશાં પોતાની કેર કરવી, બીજાને કેર લેવી, જેવી બાબતોને જરા વધુ પડતું મહત્વ આપતા રહે છે. ખરેખર તો તોફાનો જેવી જીવનની પરિસ્થિતિઓ માણસને જીહવળતા, ટકી રહેતા ઝઝૂમતા શીખવાડે છે.


ઝંઝાવાતોમાં ફસાઈને..
કુરુક્ષેત્રને ભેદી તો જો...
તું ક્યાંક મળી શકીશ ખુદને જોજે
તું ભાળ પોતાની તોફાનોમાં શોધી તો જો..

મિત્તલ પટેલ
"પરિભાષા"

વધુ વાંચો

પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા બાળકોમાં પ્રશ્નો પૂછવાની વૃત્તિ કેળવી શકાય...✍🏻🌼બાળક માત્ર સાંભળીને ભણશે તો માત્ર અર્થગ્રહણ કરશે. બાળક વાંચી, સમજીને ભણશે તો ભાવાર્થ ગ્રહણ કરશે. પણ બાળક જો જાતે પ્રવૃત્તિ કરીને ભણતો હશે તો, તેનાં મર્મ સુધી પહોંચી શકશે. તે વિજ્ઞાનનાં જે તે મુદ્દાઓના તર્ક, સંકલ્પના વૈજ્ઞાનિક અભિગમ, અધ્યયન નિષ્પતિ કે જે આપણે બાળકોમાં સિદ્ધ કરવા માંગીએ છીએ, તે સાચાં અર્થમાં આત્મસાત થઈ શકશે અને બાળકો પ્રવૃત્તિમાં ઇનવોલ્વ થઈ ને ભણતાં હોવાથી કુતુહલતા, આશ્ચર્ય ઉત્સાહના ભાવ ખૂબ સફળ રીતે તેમનામાં કેળવાય છે. એ જ તેમને વર્ગમાં પ્રશ્નો પૂછવા પ્રેરે છે. કારણ કે કેમ? શા માટે? કેવી રીતે? જેવાં પ્રશ્નો તેમનાં મનમાં સતત ઉદ્દભવતા રહે છે.


શિક્ષણ પ્રક્રિયાનું સૌથી સફળ સોપાન એટલે બાળકને વર્ગમાં પ્રશ્નો પૂછતાં કરવાં. જે પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા ખુબ સહજ રીતે થઈ શકે છે. આ પ્રવૃત્તિમય શિક્ષણ એટલે બાળકમાં બાળવૈભવને જીવંત રાખીને એક સહજ ફ્લોમાં બાળકમાં નોલેજ, વિચાર અને નાવિન્ય ને વાવવું. ગોખણપટ્ટી અને ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિ કરતાં થોડું અલગ ,બાળકમાં આત્મવિશ્વાસ અને જીવંતતા સાથે જ્ઞાન સંપાદન કરાવતું શિક્ષણ એટલે પ્રવૃત્તિમય શિક્ષણ.

વર્ગખંડમાં ક્યારેક માત્ર કથન પદ્ધતિથી ભણતાં બાળકોના મો અને આંખોના હાવભાવ નિહાળજો અને પ્રવૃત્તિ દ્વારા ભણતાં બાળકોના ચહેરાના હાવભાવ નું અવલોકન કરજો. પ્રવૃત્તિથી ભણતાં બાળકોમાં એકાગ્રતા, કુતુહલતા અને ઉમંગનો સમન્વય જોવા મળશે. ભણતર ક્યારેય બાળકો માટે બોજારૂપ ન બનવું જોઈએ. એન્જોયેબલ હોવું જોઈએ. એવું શિક્ષણ કોઈ જ કામનું નથી જે બાળકોની મૌલિકતાને ઢાંકી દે. શબ્દો અને વાક્યોની માયાજાળમાં બાળકને ગુંચવી દે. માર્ક્સ લાવવાની લાયમાં બાળક ચોપડીના જ્ઞાનની બહારનાં નવીન વિચારો ન પામી શકે. બાળક એ જ્ઞાનનું સર્જન કરવા સક્ષમ છે, શિક્ષકોએ તો માત્ર ઇન્ટરમિડીયેટ બનવાની જરૂર છે. ઇન્સ્ટ્રક્ટર નહીં. હન્ટર મેન નહી, માર્ગદર્શક બનવાની જરૂર છે. પ્રેરક અને સાથે સાથે ઉદ્દીપક બનવાની જરૂર છે. માત્ર વર્ગખંડ શિક્ષણ માટે જ નહીં શિક્ષકનું જીવન પણ બાળકો માટે ઉદ્દીપકનું કામ કરે તેવું હોવું જોઇએ. તેના વિચારો, વર્તન બાળકો માટે અનુકરણીય હોવા જોઈએ. શ્રેષ્ઠતાનું સિંચન કરે તેવું હોવું જોઇએ.


‌ પ્રવૃત્તિમય શિક્ષણ માટે સાધનો જ માધ્યમ થઈ શકે એવુ જરુરી નથી. બાળક વર્ગમાં આગળ આવી ખુદને રજુ કરતો હોય, પોતાના વિચારો વ્યક્ત કરતો હોય, નવી નવી આઈડીયાઓ વહેંચતો હોય, group discussion કરીને પ્રોજેક્ટ વર્ક કરતો હોય, નાટક ભજવીને કે કવિતા ગાઇને શિક્ષણ મેળવતો હોય,આંખ કાન નાક ચામડી બધી ઇન્દ્રિયોને involve કરીને જ્યારે બાળક ભણતો હોય, પ્રવૃત્તિ કરતો હોય ત્યારે તે શિક્ષણ ચિરંજીવી બની જાય છે. બાળક અલગ અલગ રંજકદ્રવ્ય ધરાવતા પર્ણો ભેગા કરી તેને સ્પર્શીને, નીહાળીને તે મુદ્દો શીખે. સુતરાઉ કાપડ સિન્થેટિક કાપડને જાતે સ્પર્શીને અલગ તારવતો હોય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયાને એનિમેશન વિડીયો નિહાળીને ભણતો હોય. અંગ્રેજીમાં સંવાદ, ઉચ્ચાર ,સાંભળીને ભણતો હોય તો તે સંકલ્પનાઓનો બાળકોમાં સાચા અર્થમાં સમજણ, વિચાર કેળવાય છે. આત્મસાત થાય છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી
Mitalparibhasha.blogspot.com
mitalpatel56@gmail.com

વધુ વાંચો

વો આસમાન ઝુક રહા હૈ જમીન પર...💫✨🌨️🌄


વસંત આવે તો જ વસંતોત્સવ ઊજવાય
એવું થોડું હોય છે!!
મનોવૃદમાં રમતાં ફૂલનું
સરનામું થોડું હોય છે!!
વાંચતા વંચાઈ જાય ....
એવી આંખોનું પુસ્તક શોધવું ક્યાંથી??
મારામાં તું ઝળકે.... ઉગે, ખીલે, પમળે
એથી વિશેષ સજવાનુ થોડું હોય છે!!
આપણો ચહેરો આપણાં મનોવલણ અને ભાવાવરણનો અરીસો હોય છે. નાનામાં નાના દરેક ભાવ તેનાં પર ઝીલાતા હોય છે. કંઈ કેટલીય વિટંબણાઓ વચ્ચે હસતાં ચહેરા પર વેદનાની લકીરો વાંચવાનું ગજુ બધાનું નથી હોતું. અને પીડામાં જિંદાદિલીથી ખીલી શકવાની હિંમત કેળવવાની ત્રેવડ પણ બધાની હોતી નથી. આપણે સામેવાળી વ્યક્તિના માત્ર શબ્દો જ સાંભળીએ છીએ. શબ્દ ભાવ નહીં. એટલે જ કેટલીક વાર વ્યક્તિ કહેવા કંઈક માંગે છે અને આપણે સમજીએ છીએ બીજું કંઈક. આવી નાની મોટી સમજ ફેર કેટલાય મતભેદ અને મનભેદના કારણ બને છે. માટે સામેવાળી વ્યક્તિની વાત ને સમગ્રપણે પામવી હોય તો શબ્દ ભાવ ને ચહેરાનાં ભાવને વાંચવા પ્રયત્ન કરવો જોઈએ. તો માણસ જોડે બહુ સહજતાથી કનેક્ટ થઇ શકશો અને આત્મીયતા પણ આપોઆપ કેળવાશે.


નિરાકાર દેખાતાં ઈશ્વરને પણ જો શ્રદ્ધાથી પામી શકતા હોય તો, માણસને માણસ વચ્ચેનું અંતર અવિશ્વાસ ,અહમથી શા માટે હંમેશા વધતું રહે. બે નજીક નજીક રહેતા વ્યક્તિ પણ વર્ષો સુધી એકબીજા સાથે કનેક્ટ ન થઈ શકે અને સાવ અજાણ્યા બાળક સાથે પણ ઉભળક મળતાં હોવા છતાં આપણે જોડાણ અનુભવીએ છીએ.


કેટલીકવાર તરડાયેલી લાગણીઓ લઈને ફરતાં માણસને પવનની લહેરખી, જે પ્રકૃતિમાંથી ઉદ્ભવેલ સાવ નિર્મળ, નિર્મમ હાસ્ય છે તે સ્પર્શી જાય છે. અને તેનાં ચિત્તમાં પળવાર માટે પ્રસન્નતા છવાય જાય છે. તેવી જ રીતે અઘરામાં અઘરું લાગતાં વ્યક્તિત્વને પણ જો લાગણીથી સિંચવામાં આવે તો તે આઘાત પ્રત્યાઘાત ની જેમ જ બમણા જોરથી, બમણા ઉત્સાહથી, બમણી નિષ્ઠાથી સંબંધોને જીવતો થાય છે. બધા વ્યવહારુ જીવન જીવતાં, પોતપોતાના માળાના પ્રવાસી માણસો, ક્યારેક ઘુંટાતા, અટવાતા, અસંવેદનશીલ અનુભવોથી પીડાતા હોય છે. પણ ભાગ્યે જ કોઈ તેમનાં એ પાસાને, તે રિયાલિટીને સંવેદી શકતા હોય છે. વાસ્તવમાં આવાં લોકો નિષ્ઠુર લોકો કરતાં કંઈ કેટલાય અંશે સારા હોય છે. સંવેદના ભલે રડાવે કે પ્રસન્નતા આપે પણ તે જ જિવાડે છે. ઘણાં બધા રંગ હોય છે તેનાં. પીડાનું પ્રમાણ કદાચ વધારે પણ હોય. પણ તે તમે જીવતા હોવાનું પ્રમાણ છે. માત્ર સારપના માસ્ક પહેરીને દંભના આચળા હેઠળ પથ્થર સમાન બની ગયેલ સંવેદનાને લઈને જીવતો માણસ માત્ર જીવતા જાગતાં રોબોટ જેવો જ હોય છે.

આથમતી સાંજે ક્યાંક સૂરજ ડૂબે ત્યારે યાદ રાખજો કે ક્યાંક બીજે અજવાળું ચોક્કસ થયું હશે "ડૂબવું" એ તો "ઉગવાની" પૂર્વ તૈયારી છે

મિત્તલ પટેલ
"પરિભાષા"
Mitalparibhasha.blogspot.com
mitalpatel56@gmail.c

વધુ વાંચો

જ્યારે કોઈ સંબંધ આપણાં અસ્તિત્વ સાથે વણાઈ જાય છે, ને ત્યારે જ સાચું સહ અસ્તિત્વ સર્જાય છે. જાત જોડે જોડેલું "સ્વ" ની જાત્રા કરાવે તે એ નિર્વિવાદ હકીકત છે .પોતાનો પડઘો તો જ સાંભળી શકાય જ્યારે આપણી જાત આપણાં અસ્તિત્વ જોડે જોડાયેલ તત્વ સાથે સંવાદ કરી શકે.


ઉપરછલ્લું ઊગે નહીં ક્યારેય...
તે તો ભીત પર કરેલ રંગરોગાન લાગે...

હૃદય સોંસરવું વાગે જ્યારે...
અસ્તિત્વમાં જડાયેલ ઉખડતું લાગે...


"જે પોષતું તે મારતું" તે કહેવત કંઈ એમનેમ નથી બની. જ્યાં તમે દરેક ક્ષણ ઉજવી શકો, તે અસ્તિત્વની લીલી પરિક્રમા કરતાં સંબંધો આપણને જીવાડે છે. અને આપણામાં જીવંતતાનું મૃત્યુ કરવા પણ તે જ કારણભૂત બનતા હોય છે. કારણ કે જે વ્યક્તિ, જે સંબંધ આપણાં અસ્તિત્વ, જાત સાથે જોડાયેલ હોય છે તેના પર આપણી જાત કરતાં વધુ વિશ્વાસ ભરોસો કરતા હોઈએ છે. જ્યારે ભીંતમાં જડેલ ખીલો ઉખાડીએ તો એ ભીંતમાં કાયમી ઘાના નિશાન ચોક્કસ રહી જાય છે. તે જ રીતે આપણી જાત પરનાં વિશ્વાસ ,આત્મવિશ્વાસ આત્મસન્માન પર ચોક્કસ કાયમી અસર થાય છે. જ્યારે સહઅસ્તિત્વ વિખરાય છે. જ્યારે તે સંબંધમાં વિશ્વાસ નો બંધ તૂટે છે


ઝાડ પર કેરીઓ છે તે જોઈને જાણી શકાય. રૂમમાં ઠંડક છે તે અનુભવ કરીને જાણી શકાય. પણ આપણાં અસ્તિત્વ સાથે જડાયેલ ભાવતત્વ ને તો અનુભૂતિથી જ જાણી શકાય. એ અનુભૂતિ આપણામાં સતત સત્વનો ઉમેરો કરે છે. સતત જીવનને જોવાનો સુંદર હકારાત્મક અભિગમ કેળવતા શીખવાડે છે. જો કોઈ સંબંધથી આપણા વ્યક્તિત્વમાં કંઈક પોઝિટિવ સતત ઉમેરાતું હોય તો જ સાત્વિકતા થી સભર છે એમ કહી શકાય.

કંઈ કેટલાય આવરણો ભેદીને..
અસ્તિત્વને પામજે તું...
વિખુટી પડેલ જાતને....
કંઈક એવી રીતે જોડજે તું..
સંવેદનશીલ હૃદયથી
પથ્થર ભલે ન તૂટે..
તૂટક તૂટક રેખામાં પણ...
સાચું શાશ્વત કંઈક આકારજે તું..

મિત્તલ પટેલ
"પરિભાષા"

વધુ વાંચો

" પરિભાષા"પર્વત પર કોતર ને..
કોતરમાં કોતરાતો...
ચિરાતો..અથડાતો... વિખરાતો...
પવન એટલે તું....

સાવ સૂકુધડ ઝાડથી, વિખુટુ પડેલ,
પાંદડા પર લાગેલ... અસંવેદનશીલતાની ધૂળ...
ને તેમાં રગદોળાયેલ પીડાના... પળોમાં સંકોચાઈને પડેલ,
જીવંત સંવેદન એટલે તું....

"સ્વ" માંથી જ વિખૂટું પડેલ...
સાવ છૂટી ગયેલ જાતને...
સમેટવા વખોટિયા ભરતું,
હોરાતુ, ડુસકે ચડતું,
સરવૈયુ એટલે તું.....

મિત્તલ પટેલ " પરિભાષા" (અમદાવાદ)

વધુ વાંચો

હિંમતની પારાશીશી શી હોઈ શકે?? અસ્તિત્વ જ્યારે જોખમાતું લાગે, સાવ લગોલગ જીવાતા સંબંધો ઓલવાતા લાગે, એકલતાની મીંઢ પાછળ જાત સતત દબાતી જતી લાગે, ચારેબાજુ વસતીમાંથી કોઈ ભીતર વસતુ લાગતું બંધ થઈ જાય અને માનસિક તેમજ ઈમોશનલ તંત્ર સાવ નિર્દય રીતે પડી ભાગતુ ભાસે,તકલીફ અને પીડાની તીવ્રતા એટલી વધારે હોય કે જીવન અને મરણ વચ્ચેનો ભેદ પણ ભુસાતો જતો લાગે, જીવતાં છીએ પણ ખરા આપણે!! તેવો પ્રશ્ન જાત હજારવાર પૂછી જતું હોય અને જીજીવિષા જાગે તેવાં બધાં દરવાજા બંધ થઇ જતાં ભાસે ત્યારે પણ પોતાની જાતને સતત દઢ પણે સૂચન કરતા રહો.."Never give up".

"તું"તારી પાસે છે તેનાથી વિશેષ "કોઈ"નું તારી સાથે હોવું મહત્વનું નથી. દરેક પરિસ્થિતિમાં ટકાવી રાખનાર પરિબળ "આત્મશ્રદ્ધા" ખૂબ જ દ્ઢ રાખો ખુદ માં. "આત્મવિશ્વાસ" અને "આત્મશ્રદ્ધા" વચ્ચે એ જ ફરક છે." આત્મશ્રદ્ધા" હોય ત્યાં "આત્મવિશ્વાસ" હોય જ. પણ "આત્મવિશ્વાસ" હોય ત્યાં "આત્મશ્રદ્ધા" ન પણ હોય. જીવનમાં પારાવાર તકલીફ, પીડામાંથી પસાર થતો વ્યક્તિ ભલે આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતો હોય પણ ક્યારેક ડિપ્રેશન અને ફ્રસ્ટેશનથી હિંમત હારી બેસતો જોવા મળે છે. જ્યારે આત્મશ્રદ્ધા જે વ્યક્તિએ પોતાનામાં કેળવેલી હોય ને તે આવાં ગમે તેટલાં મોટાં ઝંઝાવાતમાં પણ હસતા હસતા મોં પર જિંદાદિલીના ભાવ સાથે ખુમારી રાખીને જીવી જતા હોય છે.

હર ફિક્ર કો ધુએ મેં...
ઉડાતા ચલા ગયાં.....
મૈં જીંદગી કા સાથ ....
નિભાતા ચલા ગયા...માણસને સંજોગો સામે પહોંચ કેટલી?? તે પોતાના "સ્વ"ને ઝંઝોળી શકે, પોતાને એ સંજોગો સામે ટકી રહેવા મજબૂત મનોબળ, વધુ મજબૂત આત્મસન્માન, વધુ મજબૂત એથિક્સ બનાવી શકે તેટલી. માણસ સંજોગો બદલી ક્યારેય નથી શકવાનો. પણ સંજોગોથી પોતાની જાતને વધુ સમૃદ્ધ વધું ખડતલ અને વધુ આત્મશ્રદ્ધાળુ ચોક્કસથી બનાવી શકે છે. પણ તે ક્યારે શક્ય બનશે?? જ્યારે તેને પોતાની જાત સાથે commit કર્યું હશે.."જીવનમાં કોઈ પણ પ્રકારનાં સંજોગોમાં ક્યારે હિંમત હારીશ નહીં."


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

વધુ વાંચો