અનિલ ચાવડા પ્ર-વર્તમાન ગુજરાતી કવિતામાં અગ્રગણ્ય કવિ છે. તેમના વિશે જાણીતા હિન્દુસ્તાન-પાકિસ્તાનના વિવેચક વારિસ હુસૈન અલવીએ કહ્યું છે, 'આદિલ મન્સૂરી પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે.' જાણીત કવિ-લેખક-વિવેચક શ્રી ચિનુ મોદીએ કહ્યું છે, 'અનિલનો બયાનનો અંદાજ ગાલિબે સૂચવ્યા મુજબ 'ઓર' છે.' ચંદ્રકાન્ત ટોપીવાલાએ લખ્યું છે, ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. મોરારીબાપુએ કહ્યું છે, હું આ કવિને અવાર-નવાર સાંભળતો રહ્યો, માણતો રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીએ લખ્યું છે કે, મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુની બોલચાલની સહજતા અનિલની પ્રથમ ઓળખ છે. તેમણે કવિતા, નિબંધ, નવલકથા, વાર્તા જેવાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં કામ કર્યું છે. સવાર લઈને (ગઝલસંગ્રહ), એક હતી વાર્તા (લઘુકથાઓ), મીનિંગફુલ જર્ની (નિબંધસંગ્રહ) જેવાં તેમનાં સ્વતંત્ર પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ સિવાય સુખ-દુખ મારી દ્રષ્ટિએ, પ્રેમ વિશે, શબ્દ સાથે મારો સંબંધ જેવાં પુસ્તકોનું સંપાદન પણ તેમણે કર્યું છે. અનિલ ચાવડાને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ, ગુજરાત સરકાર દ્વાર

આજે રાતે 9 વાગ્યે
કવિતાની મહેફિલ...

www.facebook.com/gazalsk3k/live

પર અચૂક સાંભળો...

નવી ગઝલ

મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંબેલું હતું.
મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું.

બ્હાર ટંકાવ્યાં હતાં એ ક્યારનાં તૂટી ગયાં,
બસ ટક્યું એક જ બટન, જે માએ ટાંકેલું હતું.

કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો,
આમ તો એ બેઉએ કુરાન વાંચેલું હતું.

માત્ર ઝભ્ભો હોત તો પ્હેરત નહીં ક્યારેય હું,
ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું.

ઓ અતિથિ જેને સાચું સમજો છો એ ભૂલ છે;
જે તમે જોયું હતું એ દૃશ્ય માંજેલું હતું.

જે જગા પર દબદબો રહેતો હતો તલવારનો,
ત્યાં હવે બસ જર્જરિત એક મ્યાન ટાંગેલું હતું.

શ્વાસ સરખા થાય ત્યાં લગ રાહ જોવાની હતી;
મારી પાસે પ્હોંચ્યું તું એ સત્ય હાંફેલું હતું!

~ અનિલ ચાવડા

#anilchavda #shayar #shayari #kavita #poet #poetry #gujarati #literature #kavianilchavda

વધુ વાંચો

#gazal


સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ,
પછી એ સ્હેજ જો આગળ વધી તો આગ સુધી ગઈ.

અચાનક જો મળ્યો વર્ષો પુરાણો મિત્ર રસ્તામાં,
તો, વાતો છેક બચપણમાં ભણેલા પાઠ સુધી ગઈ.

ફળિયે ડાળ મહોરીને જરા નેવે અડી ગઈ તો,
તરત ઘરમાંથી દોડીને કુહાડી ઝાડ સુધી ગઈ.

પહેલાં માણસો સૌ નીચું જોઈ ચાલતા’તા અહીં,
પછી જો પંખી ઊડતા જોયું, નજરો આભ સુધી ગઈ.

હૃદયનું બીજું પૂછો નામ તો બસસ્ટેન્ડ છે મિત્રો,
તપાસો બસ કઈ, ક્યારે ને કોના ગામ સુધી ગઈ?

~ અનિલ ચાવડા

#anilchavda #shayari #shayar #poet #poetry #gujarati #literature #gazals

વધુ વાંચો

Corona વખતની લાચારી

#anilchavda #shayar #shayari #gazals #poetry #poet #gujarati

લોક ચ્હેરાઓ પોતાના ફિક્કા લઈને ફરે છે,
એટલે હાથમાં પાન-બીડાં લઈને ફરે છે?

જાય જ્યાં, ત્યાં બધાને ઉઝરડા જ કરતો રહે છે,
એક માણસ અણીદાર ઇચ્છા લઈને ફરે છે.

જેને તલવાર વિના કશું ખપતું નો’તું કદી પણ,
એ હવે હાથમાં રોજ પીંછા લઈને ફરે છે.

જિંદગીમાં ભણ્યો ખૂબ, પણ જિંદગીને ભણ્યો નહિ,
એ હજી રોજ પાટીમાં લીટા લઈને ફરે છે.

અન્યને ભીંત જેવા જ સમજે છે એ વ્યક્તિ, અર્થાત્;
મનની અંદર હથોડી ને ખીલા લઈને ફરે છે.

સાવ અંગત સ્વજનને ય હણવામાં ખોટું નથી કંઈ
એમ પુરવાર કરવા એ ગીતા લઈને ફરે છે

- અનિલ ચાવડા

વધુ વાંચો

બાળકવિતાનું પઠન

epost thumb

ગઝલ

ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,
હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ.

છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ,
હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ.

પુષ્પમાં સુગંધ મૂકી, વૃક્ષને ભીનાશ દઈ,
કોઈ પંખીના ગળામાં ટહુકીને ચાલ્યો જઈશ.

રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું હું,
કોડિયામાં સ્હેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ.

છે સ્વજન દરિયા સમા, ના આવડે તરતા મને,
હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.

~ અનિલ ચાવડા

#anilchavda #shayar #shayari #poet #poetry #poems #gazals #gujarati #literature #life #philosophy #love #kavianilchavda

વધુ વાંચો

ગઝલ


પીડાઓ પણ પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેફેંફે,
આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુધ્ધાં ગેંગેફેંફે.

હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું !
એવા બરછટ જેની આગળ પથ્થર સુધ્ધાં ગેંગેફેંફે.

ઘાવ જોઈ અટવાઈ ગયા છે આવ્યા’તા જે ઈલાજ કરવા,
દવા બધીયે મૂંગી થઈ ગઈ, હળદર સુધ્ધાં ગેંગેફેંફે.

એ રીતે જોયું એણે કે તલવારોનું કઈ ના આવે,
પળવારે તો થઈ ગયું’તું બખ્તર સુધ્ધાં ગેંગેફેંફે.

ગુલાબ કહી દો, કહો મોગરો, બોલો કંઈ પણ બ્રાન્ડ,
એની સુગંધ આગળ લાગે અત્તર સુધ્ધાં ગેંગેફેંફે.

‘અનિલ’ ગઝલ આ સંભળાવીને તેં બહુ મોટા લોચા માર્યા,
શ્રોતાઓ છે સાવ અવાચક, શાયર સુધ્ધાં ગેંગેફેંફે.

– અનિલ ચાવડા

#anilchavda #shayar #shayari #poet #poetry #gujarati #literature #gazals

વધુ વાંચો