હું શબ્દોમાં હૈયાની લાગણી ચીતરુ છું.-મનન

જીવનપંથઆકાશી વિશાળતા એ મનહદયનો વિસ્તાર છે.
વિચારી શકો ત્યાં સુધી વિસ્તરી શકો. કંઈપણ પામવા માટે માપવાની જરૂરીયાત ગૌણતા છે. બસ ખુલ્લાપણું એ ખાલીપણું ન રહેવું જોઈએ. જીવન ઘટનાઓથી સભર છે એમાં કદી ઘટ ન વરતાય. આપણે આ ઘટનાઓને યોગ્ય ઘાટ આપી શકીએ તો જ જીવન સુંદર ઘટમાળ બની શકે.

રોજબરોજની કંઈ કેટલીય કથાઓ,વ્યથાઓ અને પ્રથાઓમાં આપણે અટવાતા રહીએ છે અને છેવટે એક ભારેખમ જીવનથી ટેવાતા જઈએ છીએ. જ્યાં ઈચ્છાઓને ઓસારી દઈએ છીએ.
જીવનની સાચી ખુમારીને મારીને જીવતા રહીએ છીએ.
પ્રશ્નાર્થ દરેકને પોતાની જિંદગી પ્રત્યે હોવાનો જ, પરંતુ આપણે પ્રશ્નાર્થને ભૂલી જિંદગીના ખરા અર્થને પ્રાધાન્ય આપવું જોઈએ. આ પ્રશ્નનો જવાબ છે તો માત્ર જવાબદારી અને અર્થ જોઈએ તો છે જિંદગી.
પ્રશ્નાર્થ પર પૂર્ણવિરામ મૂકી અર્થને અપનાવી લેવો જોઈએ.

"જવાબદારી એ જીવન નથી પરંતુ જીવન એ આપણી જવાબદારી છે." એ સમજ સમજવા જેવી છે. જીવન પ્રત્યે ગમ નહીં યોગ્ય અભિગમ હોવો જોઈએ. આપણા હોવાનું હંમેશા હકારાત્મક હોવું જોઈએ.
જવાબદારી બોજ નથી બોધ છે. જે આપણે મેળવવાનો છે.જીવતર વેંઢારીને પોતાની જાતથી જિંદગીના દરેક આયામને આયાસથી સિદ્ધ કરી આસાન બનાવવાનું છે. જવાબદારી બોજ નહીં એક બોલ પણ છે. જેનો આપણે જવાબ આપવાનો છે. અન્યને નહીં પોતાની જાતને જ....આ બોલ દરેકેને પાળવાનો છે તો પછી બોલની બબાલ શા માટે...?

અસ્તિત્વ જ્યારે માત્ર અસ્થિ બની રહેશે ત્યારે જીવનતત્વની સમજ વ્યર્થ લેખાશે.
કહેવું, સહેવું, રહેવું બધી જ પ્રતિક્રિયા જીવનના ભાગરૂપ છે. જીવનપથ પર સતત હાલવું ને મહાલવું એ જ શ્રેષ્ઠતમ. સંગાથ. આ પથ ક્યારેય સુરેખ નથી હોતો. વળાંક આવતાં જ રહે છે.આપણે જ વળવાનું હોય છે યોગ્ય દિશામાં. જીવવાની જિજીવિષા સાથે જીંદગીને ભરપૂર માણવાની હોય છે.

તાત્પર્ય એ છે કે જીંદગીમાં અસ્ત - વ્યસ્ત હો તો પણ થોડા મસ્ત રહો. પ્રેમની પળ પળ પાંગરશે ત્યારે પાનખર વીતી જશે અને જીવનમાં વસંતનો સંચાર થશે. જીવનની મહેક ચોતરફ મધમધશે. જીવન મ્હોરી ઉઠશે.

અહીં શબ્દે શબ્દે અર્થ જુદા પણ મળે.
શોધો નિજ ભીતર તો ખુદા પણ મળે.
-મનન© મનુ.વી.ઠાકોર 'મનન'
રાધનપુર

વધુ વાંચો

ઉકળતો આવી ચડ્યો ઉનાળો
વરતાવશે ગરમીનો કેર કાળો

વિચારે ચડયું છે જુઓ પંખેરુ
ક્યાં જઈ હવે બનાવું માળો

વેરાન ભાસતો વગડો આખો
ભરવો પડશે અહીંથી ઉચાળો

સૂકાઈ ગઈ સૌ વૃક્ષોની ડાળો
ખીલ્યો છે તો ફક્ત ગરમાળો

તરસ છીપાવીશ જઇને ક્યાં?
સૂની થઈ ગઈ સરવર પાળો

- મનન

વધુ વાંચો

"સવાર"


ભીની સવાર
ફૂલો પર પથરાયેલ
ઝાકળબિંદુની
ગેરહાજરી પુરતી
વરસાદી છાંટ,
વૃક્ષોના પર્ણે પર્ણે
છવાયેલી લીલાશ
અને
મુજ ભીતર
ઉગી નીકળતી
એક આશ.......!
જેમાં
હોઇએ
તું અને હું
સાથ.

- મનુ.વી.ઠાકોર "મનન"

વધુ વાંચો

# માઇક્રોફિક્શન....

'મોભ'

વરસાદી પુર-હોનારતમાં પરીવારને બચાવવા જતો જુવાનજોધ દીકરો ગુમાવી બેસેલા વિધવા ડોશી, તેમજ દિકરાની પત્ની અને બાળકો.. ઊંડા શોકમાં ગરકાવ થઈ ઓશીયાળા બની બેઠા હતા, એવામાં જ તપાસણી અધિકારીના અવાજે શોકમગ્ન મૌનને તોડ્યું...."માજી, નુકસાનમાં ઘરનો મોભ તુટી પડ્યો છે, થોડી-ઘણી રાહત રકમ મળી જશે"
અધિકારી સામે જોઇ રહી એ સજળ આંખો જાણે કહી રહી હતી, "હા સાહેબ... હા, મારા ઘરનો મોભ તૂટી પડ્યો છે."

~મનુ.વી.ઠાકોર "મનન"

વધુ વાંચો

*''સુંદર સર્જન-દુનિયા''*

સુંદર મજાની કેવી દીઠી
કલરવ કેરી દુનિયા મીઠી

બાગ-બગીચે ફૂલો પરની
ઝાકળ જેવી જાત અદીઠી

આભ-ધરતી મળી ક્ષિતિજે
મિલન મધુરા કેવું કીજે

ટમકે ચાંદ-સૂરજને તારા
વાદળ-વર્ષા ચમકે વીજે

તરુ-ગિરિ ને પહાડ સંગે
ઝરણાં કેરા ગાન ગુંજે

મલકે મોસમ કેવી વસંતે
મોર, બપૈયા,કોયલ કુંજે

કેવી સુંદર ઇશ તણી'મનન'
અજબ-અનેરી રચના દીસે

- મનન
(મનુ.વી.ઠાકોર)

વધુ વાંચો