મોઘમ ઈશારામાં સમજો તો સારુ, શબ્દોનો શણગાર મને ના ફાવે...

આમ ખોબો ભરીને તું માગવા ન આવ,
ઉભા છીએ અમે એક દરિયો ભરીને..

સદગુણોને કેળવવા પડે છે જ્યારે ચારિત્ર્યને જીવવું પડે છે.

કદિ એમ પણ બને કે ભારેખમ વિચારો નિષ્ફળ રહે,
ને કોઈ એકાદ હળવો શબ્દ તમારી વ્હારે આવી ચઢે.

કંજુસાઈ શાને કરો તમે અર્થઘટનમાં,
નિહિત એ પણ છે જે લખાયું નથી..

વજન નથી રાખતો આમ શબ્દોમાં ખાસ,
પણ હા અર્થો એમાં ભારોભાર રાખું છું..

સાવ શુષ્ક થઈ વાંછના સારા થવાની
સારા લોકોને પારખી લીધા પછી...

નથી કોઈ કારણ આમ તો સૂરજને ઉગવાનું,
એના ઉગવા થકી કારણો સર્જાય છે જીવનના...

છોડી દીધું છે સપનાઓએ પણ ઉગવાનું હવે
લાગે છે મનની મહેચ્છાઓમાં મંદી આવી છે..

નરી આંખે જોઈ લે બધો તમાશો તું જ હવે,
ગુસ્તાખી કરી છે બંધ આંખે સપના જોવાની..

શબ્દો હાંફી ગયા પછી હવે
થઈ છે લાગણીઓ અદકી..