ગુલાબી રંગ પર પ્રીતની છાંટ
ચોમાસાની આહ્લાદક સિઝન ચાલતી હતી અને ઘરમાં સતત કંટાળો આવતો હતો. કંટાળાને દૂર કરવાનો એક રામબાણ ઇલાજ 'આશુ'ની યાદોમાં ખોવાઈ જવાનો તો હતો જ પણ આજે ખબર નહીં કેમ બજારમાં ફરવાનો મૂડ આવી ગયો. બહુ વખતથી શોપિંગ પણ નહતું થયું તો મન થયું એકાદ ડ્રેસ મટીરીઅલ કે પર્સ જેવું લઈ આવું. રસ્તામાં જ દાળવડાંની દુકાન પણ આવે જ છે ને..તો ઘરે આવતાં આવતાં એ પેક કરાવી લઈશ. ને હું બજારમાં જવા નીકળી.
આ પીન્ક કલરમાં નવી પ્રીન્ટ માર્કેટ્માં આવી છે મેડમ..તમને આ ક્યાંય જોવા નહી મળે..અને તમારી ગોરી સ્કીન પર સરસ પણ લાગશે..’
‘પીન્ક કલર…ના..ના…મને તો સ્કાય બ્લ્યુ, પરપલ કે લેમન યલો કલરમાં કોઇ મટીરીઅલ બતાવો..આ બધા મારા ફેવરીટ કલર છે’
‘ઓ.કે. એઝ યુ વીશ’
દુકાનદારે મારી પસંદગીના કલરવાળા કાપડના તાકા મારી સામે ખડકવા માંડયા..
ગમ્યાં તો બહુ બધા પણ નજર વારેઘડીએ પેલા પીન્ક કલરના ડ્રેસ પર જ કેમ સરકતી હતી..!!
દુકાનદારની અનુભવી નજરોએ મારી નજરની આ લસરપટ્ટી પકડી પાડી અને ઉભો થઈને એ પીન્ક ડ્રેસ લઈ આવ્યો અને મેં ચોઈસ કરેલા બીજા બધા મટીરીઅલની બાજુમાં ચૂપચાપ એને ગોઠવી દીધો.
મારી જાણ બહાર જ મારો હાથ એ ગુલાબી ગુલાબી કાપડ પર ફરવા માંડ્યો..આ આજે મનને શું થતું હતું..આંખો બંધ કરીને એ ગુલાબી સ્પર્શ માણી રહી હતી..મગજમાં કંઈક અસંબધ્ધ સંવાદોથી જાણીતું ચિત્ર દોરાતું જતું હતું.અને હા..યાદ આવી ગયુ..આ કલર તો.. આ કલર તો..અને ડ્રેસનો પીન્ક કલર મારા ગાલ પર આવી ચડ્યો..
‘શું સાચે આમ હશે કે..?’
અને બે દિવસ પહેલાંની એક રાતી શીતળ સાંજ મારી આંખો સામે તરવરવા લાગી..
બે દિવસ પહેલાં આપણે બેય એકબીજાનો હાથ પકડીને દરિયાકિનારાની લીસી રેતીમાં પગ લાંબા કરીને બેઠા હતાં.હું એકીટશે ડૂબતા સૂરજને જોઇ રહી હતી અને તું મને..!! સૂરજના લાલ..કેસરી..જાંબુડીયા કિરણોથી છવાયેલું આહલાદક વાતાવરણ અને તારો સાથ.. બધું અદભુત-અદભુત એકદમ નશીલું હતું.. પવનમાં ઉડતા મારા કોરા લીસા કેશ તારા ચહેરા પર અથડાતા હતાં..અને તું આંખો બંધ કરીને એનો સ્પર્શ તારા ચહેરા પર ઝીલી રહ્યો હતો..
‘તારા વાળમાંથી કોઇક અજબ સુગંધ આવે છે..મારી સુગંધી..!!’
અને મારું આદિત્યદર્શનનું ધ્યાન એકદમ જ ભંગ થઈ ગયું..હું આજુબાજુ જોવા માંડી.
‘અરે..કોને શોધે છે…?’
‘કોને તે આ સુગંધીને..બીજા કોને..?’
‘હા..હા..હા..અરે એ તો મેં તને કહ્યું..આ વાતાવરણમાં તારો આ સથવાર..તને ખબર છે આ પળે તું દુનિયાની સૌથી અદભુત સ્ત્રી લાગે છે.. તારા વદન પર આ જાંબુડિયા.કેસરી મિક્ષ રંગની ઝાંય પડે છે..અને તારી લીસી લીસી ગૌરવર્ણી ચામડી એકદમ ગુલાબી ગુલાબી લાગે છે, તારા આ લીસા કેશ મારા મોઢા પર પથરાય છે અને હું એની રેશમજાળમાં ઉલ્ઝાઇ જઊં છું.એમાંથી પ્રસરતી આ માદક સુગંધ…અહાહા મગજ નશાથી તરબતર થઈ ગયું છે.. …બાવીસ વર્ષનું આ અછૂતું યૌવન એના દિલના ખૂણે મારા માટે ઢગલો’ક હેત સંઘરીને મારી આટલી નજીક છે..આ બધુ મને પાગલ કરી નાંખે છે..પણ તું છે કે…છે કે…જવા દે,,તું નાહકની ગુસ્સે થઇ જઇશ પાછી..!’
સંવેદનાનો એક તીવ્ર નશો મારા કાનના રસ્તે થઇને મગજમાં રેલમછેલ થઈ રહ્યો હતો..મારું મગજ જ સુન્ન થઈ ગયું હતું..તારું બોલાયેલું અડધું પડધું તો કંઇ સમજાયું જ નહીં…પણ તારી વણબોલાયેલી બધીય લાગણીઓના સંદર્ભ, ઇચ્છા એકદમ સ્પષ્ટ હતાં.
‘ઇચ્છાને અધૂરી ના છોડ..બોલ..શું હતું..’
‘તું ગુસ્સે નહી થાય ને વચન આપ..’
‘આપ્યું..’
દિલ..કાન..મગજ…બધું ય એકધ્યાન થઈ ગયું..આગળના શબ્દો…ઇચ્છાઓ બધું ય મને ખબર જ હતું..બસ તારા મોઢામાંથી બહાર આવે એટલી જ પળોનો ઇંતજાર હતો.
‘ ‘સુગંધી..’ આજથી હું તને ‘સુગંધી’ જ કહીશ.. હા..તો સુગંધી..આપણી વચ્ચે આટઆટલો પ્રેમ છે..તો એને લક્ષમણરેખાથી ક્યાં સુધી બાંધી રાખીશ.. તારો હાથ પકડવાની જ છૂટ..આનાથી આગળ..’
અને બાકીના શબ્દો તેં જાણી જોઇને અધૂરા એ નશીલા વાતાવરણમાં તરતા મૂકી દીધા..
આખા શરીરનું લોહી જાણે મારા ચહેરા પર ઠોકરો મારવા માંડ્યું હોય એમ જ લાગ્યું.. કાનની બૂટ , ગાલ બધુંય રાતું ચોળ..
‘તને ખબર છે… તું અત્યારે એક્દમ પીન્ક પીન્ક લાગે છે…સામેનો સૂર્ય અસ્ત થઇને જાણે તારા ચહેરા પર ફૂટી નીકળ્યો હોય એમ તું ચમકે છે..’
અને તું મારી વધારે નજીક સરક્યો..
‘હું તારા માટે એક ગુલાબી કલરનો ડ્રેસ લઈ આવીશ..મારી સુગંધીને ગુલાબી રંગ બહુ જ સ્રરસ લાગે છે..તું અને પીન્ક ડ્રેસ બેય એકબીજામાં ભળી જાઓ..અને મારી દુનિયા ગુલાબી ગુલાબી… અહાહા..’
તારા શબ્દો મને પાગલ કરતા જતા હતા…અને આ જ તકનો લાભ લઈને તું મારી વધારે નજીક સરક્યો..
‘સુગંધી..મારી સુગંધી..હું તને અનહદ પ્રેમ કરું છું.’
‘હું પણ..’
અને તેં મારા હાથ પર તારી હથેળીની ભીંસ વધારી…મારી વધારે નજીક આવ્યો… બીજો હાથ મારા વાળમાં સેરવી દીધો.. ધીમે ધીમે નજીક આવતી આ નજદીકીમાં હું પણ અવશ થતી જતી હતી..દિલના એક ખૂણે સતત કંઇક પીઘળતું જતું હતું..આંખો જાણે કદી આ દુનિયા જોવા જ ના માંગતી હોય એમ સતત બંધ થતી જતી હતી..હોઠ..દિલ..બધે થતો થરથરાટ..ચામડી પર નાની નાની ફોડલી જેવું કંઇક ઉપસી આવ્યું..અને તેં હળવેથી તારા હોઠ મારા ગાલ પર ચાંપી દીધા..ધગધગતી ધરતી પર વર્ષાના અમીછાંટણા..તારા હોઠની ભીનાશ મારા ચહેરામાં છેદ કરીને છે..ક્ક…દિલ સુધી ઉતરી ગઈ..નાભિમાં કંઇ વિચિત્ર થરથરાટી અનુભવાઇ..સંમોહનની આ સ્થિતીમાં વીતેલી આ નાજુક પળો દિલ-દિમાગ પર પોતાનો કબ્જો જમાવી બેઠી..અને..ખબર નહી શું થયું..પણ આ બધા સંવેદનો આંખના એક છેડેથી આંસુના સ્વરુપે વહેવા લાગ્યાં..અને તું ચમક્યો એક ઝાટકે મારાથી દસ ફૂટની દૂરી પર જતો રહ્યો.
‘સોરી..મારે આમ …તને પૂ્છ્યા વગર…સોરી..માફ કરી દે મને..પ્લીઝ..પણ આમ રડ નહીં…’
અને બધોય નશો તૂટ્યો..આ ‘સોરી’ ક્યાંથી આવી ગયું વચ્ચે …? ઓહ આ તો તું મારી ભીની પાંપણોનો અલગ મતલબ નીકાળી બેઠેલો…પણ હવે તને કઈ રીતે સમજાવું મારા મનની વાત…? મન તો થતું હતું કે હું પણ….
‘મારી હથેળી
તારો ચહેરો
મારા હોઠ
તારુ લલાટ
બસ…
આ જ મારી પ્રાર્થના’
આ તો મારી પણ મનચાહેલી પળો હતી.. બાવીસ વસંતો અનુભવી ચૂકેલ પણ ફૂલો તો આજે જ ખીલ્યા હોય એવું લાગતું હતું.. આ બધું તને કેમ કરીને સમજાવું.. તારી જેમ મારી સંવેદના શબ્દોમાં ઢાળતા મને મારી શરમ રોકતી હતી..અને મારી ચૂપકીદી તું સમજતો નહતો. મનગમતી વાત આમ જ મૌન અને શરમની પળોની વચ્ચે લોલકની જેમ ઝૂલ્યાં કરતી હતી.
‘મેડમ..શું થયું..આ ગુલાબી કલર અને શિફોનનું મટીરીઅલ..એમાં પણ પાછી આ પ્રિન્ટ.ક્યાંય નહીં મળે..મારી વાત પર વિશ્વાસ રાખો. વળી અત્યારે સેલનો માહોલ છે એટલે આપને દસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપીશું. હવે બહુ વિચારો મા..તમને તો ફાયદો જ ફાયદો છે.’
અને મારું ગુલાબી સ્વપ્ન તૂટ્યું..સાતમા આકાશમાંથી પાછી જમીન પર પટકાઇ.
‘અહહહ..હા.શું.. ‘
દુકાનદાર પણ મારા વિચિત્ર વર્તનથી થોડો ચમક્યો, પણ એને કંઈ જ બોલવાની તક આપ્યાં વગર હું બોલી,
‘હા..તમે સાચું કહો છો..ગુલાબી કલરમાં આ છાંટ ક્યાંય નહી મળે..તમે એક કામ કરો ફટાફટ મને આ જ ડ્રેસ પેક કરી આપો..
અને દુકાનદાર પોતાની માર્કેટીંગ સ્કીલ પર પોરસાતો પોરસાતો ત્યાંથી ઉભો થઈને કાઉન્ટર તરફ વળ્યો..
પાછળ મનોમન શરમાતી હું વિચારતી હતી….
‘ગુલાબી રંગ પર તારી પ્રીતની છાંટ
આવ સાજન
આજે તને જ ઓઢું
તને જ શ્વસું..’
હું તારી સુગંધી આજે સંપૂર્ણ પણે ગુલાબી થઈ જવા થનગની ઉઠી હતી અને તું બદનસીબ તારા કામકાજની દુનિયામાં વ્યસ્ત. કાયમની જેમ જ એક મીઠા શોણલાંના નસીબે કિનારે આવીને ડૂબી જવાનું હતું.
– સ્નેહા પટેલ