શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888
શીર્ષક : નામ એનું રાજુ પ્રકરણ – 1
શબ્દો : 1686
સજેસ્ટેડ શ્રેણી : નૉવેલ
નામ એનું રાજુ
પ્રકરણ – 1
નણંદ ભોજાઈનો પ્રેમ
હા.... હાલતા ચાલતા સૌ કોઈને એનું નામ જુદા જુદા ઉપનામોથી યાદ રહેતું, એનો સ્વભાવ જ એવો કે એકવાર મળે તે સૌ કોઈ એને પોતાનાં હૃદયમાં સ્થાન આપી જ દે. માતાપિતાએ તો એનું નામ દિલેશ પાડેલ, હૃદયો પર રાજ કરે એવો, દિલો નો ઈશ એવો દિલેશ, પણ સૌ કોઈ એને રાજુનાં નામથી જ બોલાવતાં. પરંતુ દિલેશનાં નામનાં પણ ગુણો જ એનામાં ઉતરેલાં, નાનો હતો ત્યારથી જ એનું કદ કાઠી બધું જ એક પટેલનાં દિકરાને છાજે એવું, નાનો હતો ત્યારથી જ ટીખળ કરવી તે તેનાં લોહીમાં હતું, ભણવાનો પણ શોખ, સાથે સાથે ગુજરાતી સાહિત્યનો પણ એ ખરા હૃદયનો આશિક હતો.
સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં ઉછરેલાં બાળકને એકતાનાં ગુણો વારસામાં મળેલાં હોય છે, તો એવી જ રીતે તોફાન કરે ત્યારે તેનો પક્ષ તાણવા વાળા પણ અનેક વડીલો હોય જ છે. આ વાત છે એનાં જન્મ સમયની,
વિધીવત સીમંત બાદ જયાબહેન પોતાને પિયર ભાદરણ ગયેલાં, અને સૌથી પ્રથમ સંતાન જે આવ્યું એ જ આ રાજુ..... ઘરનાં સૌ કોઈને પુત્રરત્ન સાંપડ્યાંનો અદકેરો આનંદ હતો, પરંતુ જેમ દરેક વહુ જીયાણું વળે પછી જ સાસરીએ આવતી હોય છે એમ જયા બહેન પણ ત્રીજા મહીને જીયાણું વાળીને આવશે તેમ નક્કી થયેલ. પરંતુ ઘરમાં તો કોઈનાંય હૈયાં ઝાલ્યાં રહેતાં નહોતાં, ઘરમાં સામાન્ય એવી ચર્ચા થઈ કે એવું તો કયું બહાનું બનાવવામાં આવે કે જયા રાજુને લઈને ઘરે વહેલી આવી જાય ? આમ પણ સંયુક્ત કુટુંબો અને એમાંય આજથી લગભગ પાંચ દાયકા પહેલાંનાં સંયુક્ત કુટુંબોમાં તો વડીલો કરે તે જ ન્યાય કહેવાતો ને... પરંતુ તોય જયાને ઘરે વહેલી તેડાવવી કેવી રીતે ?
આ જ વાતની ચર્ચા આખા ઘરમાં હતી. અંતે સરયુબાળા આ સંજોગ સામે મીઠી બાથ ભરવા તૈયાર થાય છે. તે આ રાજુને તેડી લાવવાની જવાબદારી વાળું કાર્ય કરવા પોતાનાં માતા પિતાની અને ખાસ કરીને પોતાનાં મોટાભાઈ અને રાજુનાં પિતાશ્રી જ્યંતિભાઈ ની પરવાનગી મેળવે છે. પરંતુ આ બધી વાતમાં સરયુ ખરેખર નાની પડે, કારણ જ્યંતિભાઈ અને એમનાં બીજા બે ભાઈઓ તેમજ બંને બહેનોમાં સરયુ સૌથી નાની, હવે એ કેવી રીતે શક્ય હોય કે જયા બહેન અને રાજુને જીયાણું વાળીને તેડી લાવવાની જવાબદારી સરયુને આપી શકાય ? પણ નાનો તોય રાઈના દાણા જેવો સરયુ બેનનો રૂઆબ, હવે લીધેલ પ્રણ પાછું થોડી મૂકાય, એટલે એ બહેન તો થઈ ગયા તૈયાર પોતાની વહાલી ભાભીનાં ઘરે જવા...
સરયુ બહેને સવારે લગભગ સવા દસ વાગાની ભાદરણ જતી ટ્રેઈન પકડી, ત્યારે ક્યાં આજની જેમ નક્કી કરો કે તરત મોબાઈલ થતાં હતાં ? સરયુ બહેન જાય છે ભાદરણ અને ત્યાં જયા બહેનનાં પિયરમાં પણ તેમની પૂરા લાડકોડથી આગતા સ્વાગતા થાય છે. રાજુને સરયુ બહેન પારણાંમાં ઊંઘતો જૂએ છે અને રાહ જોવે છે કે હવે પોતે એવું કયું તોફાન કરે કે રાજુને ઘરે લઈ જઈ શકાય, પણ અંતે તો સરયુ પણ ભોળી એટલે કંઈ વધારે ગતાગમ ન પડે.. એને તો બસ એક જ લક્ષ્ય હતું કે ઘરે બધાંને રાજુને જોવો છે અને એટલે ગમે તે ભોગે પણ આજે રાજુને લઈને જ ઘરે જવું છે. રાજુ તો હજુ બિચારો સવા મહિનાનો થવામાં પણ હજુ બે ત્રણ દિવસની વાર હતી... એને તો પોતાની ફોઈનાં મનમાં શું રંધાઈ રહ્યું છે તેની ખબર તેને ક્યાંથી હોય તેને તો જાણ સુધ્ધાં નથી, અરે ખુદ સરયુ પોતે પણ અજાણ છે કે થોડીક વાર રહીને એ પોતે શું કરવાની છે. અત્યારે તો વહાલી ભાભીનાં પિયરમાં પોતાની લાડકી નણંદ આવી છે અને બસ એ વાતનાં મંગળિયા ઘડીકમાં ચા અને પાપડીનો નાસ્તો બનીને તો વળી થોડીક વારમાં શું જમશો ? જમવું તો પડે જ ને ? આવાં મીઠાં પ્રશ્નોમાં જ ગવાઈ રહ્યાં છે.
હવે વારો આવે છે જયા બહેનનો, પહેલાં તો સુવાવડનાં સવા મહિના સુધી ખાટલો પણ છોડાતો નહોતો અને વૃધ્ધિ પાળતાં એ હિસાબે સરયુને પોતાની મા સમાન ભાભીને વળગી પડવાનું મન થાય તોય બસ એની બાજુમાં ખુરશીમાં બેસીને જ ચલાવવું પડે છે, જયા બહેન પણ સરયુ બહેનને આવેલાં જોઈ અતિ ઘણાં હરખાયેલાં છે અને કેમ ન હોય એક તો નાની અને પાછી થોઠીક જીદ્દીલી તો થોડીક રોફીલી એવી લાડકી નણંદ હતી સરયુ... વળી વહુને તો પરણ્યાં પછી પોતાનાં પિયરિયાંથી વહાલું પોતાનાં પતિનું ઘર, જયા બહેનને વારા - ફરતી ઘર પરિવારનાં દરેક સભ્યની યાદ સાંભરી આવે છે અને સહેજ આંખ ભીની કરતાં સરયુ બહેનને પોતાનાં વડીલો અને વહાલાંઓનાં ખબર અંતર પૂછે છે. રાજુનાં જન્મનો હરખ, અને રિવાજોની આડમાં પોતાનાં સાસરિયાંઓનો મીઠો વિરહ ન તો એમનાંથી વેઠાય છે ન એ કહી શકે છે, આવી જ કોઈ લાગણીનાં મિશ્ર ભાવ સાથે જયા બહેનને સૌનાં ક્ષેમકુશળ પૂછીને તરત જ ' પછી શું નક્કી થયું ?' તેડવા આવવાનું મૂહૂર્ત તો ત્રણ મહિના પછીનું છે તો ઘરમાં બધું કામકાજ પણ એકલાં સાસુમાને જ કરવું પડતું હશે ની વ્યથા, અને તેમનો એમના પ્રત્યેનો ભાવ એમનાં પ્રશ્નમાં પ્રત્યક્ષ છલકાતો હતો. વળી કોઈની તબિયત તો નહીં બગડી હોયને એમ વિચાર આવતો પણ રોકી ન શકતા એવા જયા બહેન લાડકી સરયુ બહેનને તમનાં આવવાનું કારણ પૂછતાં કહે છે કે : ' સૌ સારાવાના તો છે ને ? કે પછી ખરેખર આપણાં રાજુને જોવા જ આવ્યા છો ?'
હવે સરયુ બહેનથી રહેવાતું નથી અને લગભગ રડી પડતાં જ કહે છે કે : 'ભાભી સાચું કહું ? તમારા વગર ઘરે જરાપણ ગમતું નથી, તમે ખોળો ભરીને અહીં આવ્યા છો ત્યારથી મારે તો માથું ય જાતે ઓળવું પડે છે.'
જયા બહેન ને તો સરયુ બહેન પણ કંઈ દિકરીથી કમ થોડી હતાં, તે તરત જ તેમને મનાવતા કહે છે : 'તમે જરાય ચિંતા ન કરો હોં, હું પાછી આવીશ ને પછી તો હું જ તમારું માથું ઓળી આપીશ, બસ હવે થોડાંક જ દિવસો બાકી છે ને ? પછી તો હું ત્યાં આવી જઈશ પાછી એટલે તમને જરા પણ તકલીફ નહીં પડે હોં.'
સરયુ બહેન એનો જાણે ઉકેલ શોધી નાંખ્યો હોય તેમ કહે છે : ' ભાભી એના કરતાં ચાલોને તમે મારી સાથે જ ઘરે આવી જાવ ને ? '
પણ એ ક્યાં શક્ય હતું? આજના યુગમાં સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકાય છે એમ સ્વતંત્ર રીતે નિર્ણય કરવાનો હક કે સમજણ એ વખતની સ્ત્રીઓમાં ક્યાં હતી ? ઘરે તો પોતાનેય જવું છે. પહેલાં સંતાનને જોઈને પતિનો હરખ પણ એમને અનુભવવો છે પરંતુ રે સમાજ...
જયા બહેન લગભગ સરયુ બહેનને મનાવતાં હોય એમ જવાબ આપે છે : ' એમ તમારી સાથે આવતી રહેવાનું તો મને પણ મન થઈ ગયું છે હોં, પણ એમ તમારી સાથે જો આવતી રહું ને તો તમારા જ ભાઈનું એમની સાસરીમાં ખરાબ દેખાય, લોકો એમ વિચારે કે શું વ્યવહાર નાં નામની સહેજ પણ શરમ નહીં હોય આ લોકો ને ? તે આમ દિકરીને ભાભીને તેડવા મોકલી દીધી ?'
સરયુ બહેને પણ એમ તરત નમતું જોખે એમ ક્યાં હતાં ? તે પણ લગભગ ગળગળા થતાં કહે છે : ' ના ભાભી એમ નહીં પણ તમે આવતા રહોને, સારું ચાલો એમ કરો, મારી સાથે ન આવશો પણ તમે મારા ભાઈનો કહેવડાવો કે તમને તેડવા આવે પણ હવે તમે ઘરે પાછા આવો બસ, તમે કહેશો ને તો હું ઘરકામમાં પણ બધી જ મદદ કરીશ, રાજુને ય આખો દા'ડો તેડી તેડીને ફરીશ બસ ? તમને બધા જ કામમાં હું મદદ કરીશ અને તમને હજુ આરામ પણ કરવા દઈશ પણ, ભાભી , ચાલોને આપણે ઘેર ?'
હવે જયા બેન લગભગ સાવ નમતું જોખતાં કહે છે : 'સરયુ બહેન જો મારાથી જ્યાં સુધી તમારા ભાઈ કે ઘરેથી બા બાપુજી ન કહેવડાવે ત્યાં સુધી અથવા તો અહીં મારા બા બાપુજીમાંથી કોઈ ત્યાં રાજુને રમાડવા આવવાનું કહેણ ન મોકલાવે ત્યાં સુધી કંઈ જ કરી શકાય એમ નથી, જો તમને કોઈ રસ્તો સૂઝતો હોય તો કહો, કારણ મનેય તમે બધાંય બહુ જ સાંભરો છો હોં. '
કોઈ સ્ત્રીને મન ક્યારેય પોતાનાં પિયરથી ચડિયાતું કંઈ જ હોતું નથી પરંતુ અહીં તો જયા બહેન અને સરયુ બહેન એમ બંનેની વાતો સાંભળીએ તો ખ્યાલ આવે કે જયા બહેનને પોતાનાં પિયરથીય વિશેષ ખ્યાલ પોતાનાં સાસરિયાનો હતો. સાથે સાથે સરયુ બહેનનું એમની ભાભી પ્રત્યેનું વળગણ જોઈને પણ ખ્યાલ આવ્યા વિના ન રહે કે તેઓ સૌને જયા બહેને પ્રેમની કેવી મજબૂત ડોરથી બાંધી રાખ્યા હતાં. પણ વાત એટલેથી અટકતી નથી, સરયુ બહેન પાછી એ જ વાત લઈને બેસે છે કે તમે ચાલો ને ચાલો....
હવે જયા બહેન કહે છે કે, ' સરયુ બહેન એક કામ કરો, તમે જ કોઈ વચલો રસ્તો કાઢો, હું તો બધામાં રાજી જ છું, આ ક્યાં ઝગડો કે કોઈ રિસામણાં મનામણાંની વાતો છે, હું તો એમાંય ખુશ છું કે મારાં ઘરનાંને મને મળવાની કેવી ઉતાવળ છે. ખરેખર આ સ્ત્રીની જિંદગી પણ કેવી નહીં બહેન ? પિયરમાં રહેવું ગમે ને તોય સાસરિયા વગર પોતાનું ઘર પણ સાંભરે. '
હવે સરયુ બહેન સહેજ પોરસાય છે, તેમને પોતાનું ધાર્યું થવાનાં થોડાં ઘણાં અણસાર આવી જાય છે, અને પછી સહેજ ધીમેથી આવતાં છતાં કે અંદર રસોડામાં કોઈનાં કાને વાત જાય નહીં તેમ તે કહે છે: 'સાંભળો ભાભી, અત્યારે હું અહીં જ રહેવાનું નાટક કરું છું અને પછી તમે બધાં બપોરે જમીને ઊંઘી છાઓ એટલે રાજુને તેડીને ભાગી જઈશ, અને તમે જરાય ચિંતા ન કરતાં, હું સીધી આપણે ઘેર ધર્મજ જ જઈશ, તમને મારી ઉપર વિશ્વાસ તો છે ને ? '
જયા બહેનને રાજુની સ્હેજ ચિંતા જરૂર થાય છે પણ સાથે સાથે કંઈક સાહસ કરીને પોતાને ઘેર પાછા પહોંચશે તેનો એક છાનોછાનો ઉત્સાહ પણ છે જ. તેઓ સરયુ બહેનને બસ એટલું જ પૂછે છે : 'તમને ફાવશે ? ક્યાંક રાજુ તમારા હાથમાંથી પડી જશે તો ? તમને તેડતા ન આવડે તો ? અને કોક મને લેવા આવે ત્યાં સુધીમાં એ ભૂખ્યો થશે તો ? '
સરયુ બહેન પોતાની ભાભીને હૈયાધારણ આપતાં કહે છે : 'ભાભી તમે જરાય ચિંતા ન કરો, જેવું તમે અમને સાચવો છો અને ધ્યાન રાખો છો ને એવું જ અરે એથીય વધારે હું રાજુનું ધ્યાન રાખીશ. તો બોલો વાત પાક્કી ને ?'
જયા બહેન જાણે સાવ કંઈ વાત જ નથી જાણતાં અને દીકરો પોતાની નણંદ લઈ ને જતી રહેશે તેનો કોઈ જ ભય કે ડર રાખ્યા વગર સરયુ બહેનને વચન આપે છે : 'પાક્કું....! પણ બહેન ઘરે જઈને તરત મને કોઈકને તેડવા મોકલજો હોં, અને તમારે વઢ ખાવી પડશે એનું શું ?'
સરયુ બહેન જવાબ આપતાં કહે છે : 'અરે વઢ ખાવી પડે તો ખાવી પડે, હવે તો ધર્મજ પહોંચીને જ શાંતિ થશે. ભાભી તમે કેટલા સારા છો ? તમને સૌ કરતાં વધુ તમારા સાસરિયાઓનો ખ્યાલ છે.'
સરયુ બહેનને જો આઈ લવ યુ કહેતા આવડતું હોત તો કદાચ એ એ વખતે આઈ લવ યુ ભાભી કહીને એમને વળગી જ પડ્યાં હોત. અને આમ ને આમ વાતો કરતા કરતા ક્યારે જમવા નો સભય થઈ જાય છે તેની ખબર સુધ્ધાં પડતી નથી અને સૌ કોઈ જમવા બેસે છે. સરયુ બહેન ક્યારે જમવાનું પતે અને કામ આટોપી સૌ આડા પડખે થાય એની રાહ જોવે છે અને બીજી બાજુ જયા બહેનનાં હૃદયમાં કંઈક સાહસિક રીયે નવો જ ચીલો પાડીને પોતાનાં પ્રિયતમ ઘેર શ્વસુર ગૃહે પાછા ફરશે નાં મીઠાં સોણલાં જોવાઈ રહ્યાં છે.
ક્રમશ:
શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888