ગૌ રક્ષા અને તેનું મહત્વ Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગૌ રક્ષા અને તેનું મહત્વ

ગૌ-રક્ષા અને તેનું મહત્વ

ગાયને ભારતીય સમાજમાં એક આગવું સ્થાન આપવામાં આવેલું છે. ગાયને ભારતવર્ષમાં ફક્ત એક ચોપગા પ્રાણી તરીકે નહિ પરંતુ માતા તરીકે, ઘરના જ એક સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. ગાયનું ભારતીય સમાજમાં આવું મહત્વ તેની બહુઉપયોગીતાને લીધે રહેલું છે. ગાય દ્વારા ઉત્પન્ન થતા વિવિધ ડેરી ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વના હોવા ઉપરાંત તે અર્થોપાર્જનના પણ સાધનો છે. ગાયના છાણ અને મુત્ર પણ ઔષધીય ગુણો ધરાવતા હોવાથી તેનું પણ ઘણું મહત્વ રહેલું છે.

એક સમય હતો જયારે ગાય ભારતના દરેક ગામડાના દરેક ઘરોમાં જોવા મળતી હતી. તેનું સારી રીતે ઘરના ખુબ અગત્યના સભ્ય તરીકે લાલન-પાલન થતું હતું. તેની યોગ્ય માવજત થતી હતી, યોગ્ય સમયે ચારો નીરવામાં આવતો હતો. તેને દોહીને દૂધ મેળવવામાં આવતું. આવું દૂધ ઘરમાં પીવા માટે વપરાશમાં લેવામાં આવતું હતું. આ સિવાય વધેલા દૂધમાંથી દહીં, છાસ, માખણ અને ઘી જેવી પેદાશો તૈયાર કરવામાં આવતી હતી. ગાયના દૂધમાંથી બનતી આવી પેદાશોની ગ્રામવાસીઓ એકબીજા સાથે વહેંચણી પણ કરતા. એના લીધે જ એ સમયે ભારત ખુબ સમૃદ્ધ દેશ હતો. ગાયના રહેવાસની પણ યોગ્ય રીતે સાફસફાઈ કરવામાં આવતી હતી. તેની આસપાસની જગ્યામાં રહેલા છાણ વગેરેને ભેગું કરીને છાણીયું ખાતર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ કરવા લેવામાં આવતું.

આજે સમય એવો આવ્યો છે કે ભારતના મોટાભાગના ગામડાઓના ઘણાબધા ઘરોમાં ગાય જોવા મળતી નથી. ગાયને રાખવી એ જાણે ફક્ત પશુપાલકોનો વ્યવસાય બની ગયો છે. આવા પશુપાલકો પણ ગાયને માતાતુલ્ય માન નથી આપતા. તેઓ ગાય માતાનો ફક્ત દૂધ દોહવા પુરતો ઉપયોગ કરીને બાકી તેમને દર-દર ભટકવા માટે મજબુર કરી દે છે. પોતાના ખોરાકમાં ચારો ન મળતા ગાયમાતા પણ ખોરાક માટે ગટર તરફ કે એંઠવાડની કુંડી તરફ મીટ માંડે છે. લોકોના ઘરોનો એંઠવાડ ખાતાંખાતાં ક્યારેક ગાયમાતા પ્લાસ્ટિકની થેલીઓ ચાવી જાય છે જે તેમના માટે જીવલેણ પણ નીવડે છે. રસ્તા પર નોંધારી બનીને રખડતી ગાયમાતા આજે પુત્રો વિનાની થઇ ગઈ છે. યોગ્ય માવજત અને પુરતો ખોરાક ન મળતો હોવાના લીધે ગાયના દુધના ઉત્પાદનમાં ઓટ આવી ગઈ છે અને વસ્તીવધારાના લીધે લોકોની દુધની માંગમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. લોકોની આવી માંગને સંતોષવા માટે જ ગાયના આરોગ્યવર્ધક શુદ્ધ દૂધ અને તેની પેદાશોનું સ્થાન ઝેરીલા કેમિકલયુક્ત પદાર્થોએ લઇ લીધું છે. જયારે આવા ઝેરીલા કેમિકલ્સ જેને દૂધ અને તેની પેદાશોના નામે વહેંચવામાં આવે છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને આપણને વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે. ખેતરોમાં પણ ગાયના છાણીયા ખાતરનું સ્થાન હવે રાસાયણિક ખાતરોએ લઇ લીધું છે જે દિન પ્રતિદિન ધરતીમાતાની ફળદ્રુપતાની ઘોર ખોદી રહ્યા છે. છાણાને બદલે પર્યાવરણને પ્રતિકુળ અસરો કરતા રસોઈગેસ આવી ગયા છે. આવા અનેક નુકશાનકર્તા વિકલ્પોના લીધે ગાયમાતાનું મહત્વ ઘટી ગયું છે.

ઉપરના બે ફકરામાં આપેલી પરિસ્થિતિની સરખામણી કરીએ તો અહી એક વાત સ્પષ્ટ થાય છે કે થોડી સદીઓ પહેલા ગાયમાતાનું ભારતીય સમાજમાં જેવું સ્થાન રહેલું હતું એવું અત્યારે રહેલું નથી. ગાયમાતાની આવી આલોચનાથી આમ તો આપણે આપણા ખુદનું જ નુકશાન કરી રહ્યા છીએ. અહી એક વાત જાણવાલાયક બને છે કે વર્ષો પહેલા લાભદાયી ગાયમાતાને ભારતવાસીઓએ આમ અચાનક કેમ પોતાના જીવનમાંથી ત્યજી દીધેલી.? આપણને એના માટે ઇતિહાસના ઊંડાણમાં નજર કરવી પડશે.

જેમ આપણે સૌ લોકો જાણીએ છીએ કે આપણો ભારતદેશ સેંકડો વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી ભોગવી ચુક્યો છે. આ અંગ્રેજો દ્વારા ભારતવર્ષને એ સમયે ગુલામ બનાવવું એટલું સહેલું નહતું. ભારતવર્ષને ગુલામ બનાવવા માટે બ્રિટનની સંસદમાં કાયદાકીય રીતે પ્રસ્તાવો મુકવામાં આવેલા. તેના માટેની યોજનાઓ ઘડવામાં આવેલી અને સંખ્યાબંધ સર્વેક્ષણો કરવામાં આવેલા. ઇસવીસન ૧૬૦૦માં જે એક વિદેશી કંપની નામે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ ભારતમાં આવેલી તેનો પ્રમુખ ઉદેશ્ય ફક્ત વેપાર જ ન હોતા ભારતને બ્રિટનનું ગુલામ બનાવવું પણ હતો. એ સાથે જ તે લોકો એમ પણ ઈચ્છતા હતા કે ભારતીય લોકોને ઈસાઈ કેવી રીતે બનાવવામાં આવે.?

બ્રિટનની સંસદમાં ઉચ્ચસ્તરે કરાયેલા સર્વેક્ષણોના આધારે અંગ્રેજોની એક સમજ બનેલી કે ભારત ખુબ સમૃદ્ધ, શક્તિશાળી અને વૈભવશાળી દેશ છે. આવા સમૃદ્ધ અને સાધન સંપન્ન દેશને પોતાના તાબા હેઠળ લેવો એટલી સહેલી વાત નથી. જો ભારતવર્ષને પોતાનું ગુલામ બનાવવું હોય તો તેની અર્થવ્યવસ્થા પર કુઠારાઘાત કરવા જ પડે. એક વખત અહીની અર્થવ્યવસ્થા જો પડી ભાંગે તો અહીના લોકો ગરીબ અને બેરોજગાર બની જાય. આવા ગરીબ અને બેરોજગાર લોકો જ આપણા ગુલામ બની શકે. તેમની મજબુરીનો ફાયદો ઉઠાવતા આપણે તેમની પાસે તેમના જ દેશ પ્રત્યે ગદ્દારી કરાવીને તેમના પર રાજ કરી શકીએ.

ભારતવર્ષની સમૃદ્ધિ, સાધન સંપન્નતા અને વૈભવ તેની કૃષિના લીધે રહેલી હતી. તદુપરાંત ભારતની આવી સમૃદ્ધ કૃષિ ગાય પર ટકેલી હતી. ભારતીય સમાજમાં ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિએ પણ ગાયનું ખુબ મહત્વ હતું. આથી ભારતીય અર્થવ્યવસ્થાને જમીનદોસ્ત કરવા, ભારતીય સામાજિક વ્યવસ્થાને તોડવા તથા ભારતીયોના ધર્મને ભ્રષ્ટ કરીને તેમને ઈસાઈ બનાવવાના ઉદેશ્ય સાથે અંગ્રેજોએ ભારતમાં રહેલી ગાયોને પોતાનું નિશાન બનાવી.

પોતાના ઉદેશ્યને પાર પાડવા માટે અંગ્રેજોએ આયોજનપૂર્વક ગૌવંશનું કતલ કરવાનું ચાલુ કર્યું. એ સમયે ભારતવર્ષના મોટાભાગના પ્રાંતો મુગલ શાસનની હેઠળ હતા. આ મુસ્લિમ રાજાઓ ભારતવર્ષમાં ગૌવંશનું મહત્વ સમજતા હતા. તેઓ જાણતા હતા કે પોતાની સલ્તનતની સમૃદ્ધિના પાયામાં ગાય રહેલી છે, માટે ગૌહત્યા કરનારાઓ સામે મુગલ શાસનકાળમાં સખ્ત કાનુન બનાવાયા હતા. કેટલાક કિસ્સાઓમાં તો બાદશાહ પોતાના હાથે ગૌહત્યા કરનારાઓને સજા આપતા.

મોટાભાગના મુગલ શાસકોને બાદ કરતા અમુક જ એવા રાજાઓ હતા કે જે ગૌહત્યાના પ્રશ્ન પ્રત્યે નિશ્ચિંત હતા અથવા તો તેનું સમર્થન કરતા હતા. આવા રાજાઓના રાજ્યમાં અંગ્રેજોએ ગૌહત્યા શરૂ કરાવી. અંગ્રેજો ગાયની હત્યા કરતા અને પોતાના ભોજનમાં ગૌમાંસ આરોગતા. ભારતવર્ષમાંથી ગૌવંશને સમાપ્ત કરવાના પ્રયાસો વખતે અંગ્રેજોને લાગ્યું કે ગાયની હત્યાની સાથે સાથે અગર નંદીની હત્યા પણ શરૂ કરવામાં આવશે તો ભારતવર્ષમાં બહુ જલ્દીથી ગાયોની સંખ્યા ઘટવા લાગશે. અગર ગાયને મારતા રહીશું અને નંદીને જીવતા રાખીશું તો નવી સંતતિઓ ઉત્પન્ન થતી રહેશે જે સમૃદ્ધ અને શક્તિશાળી ભારતવર્ષના અસ્તિત્વને ટકાવી રાખશે. વાછરડાઓ, ગાય અને નંદીની કતલના ઉદેશ્ય સાથે અંગ્રેજોએ ભારતવર્ષમાં નવા ૩૫૦ કતલખાનાઓ ખોલ્યા અને તેમાં અસંખ્ય વાછરડાઓ, ગાયો અને નંદીઓની હત્યા થવા લાગી. ઇસવીસન ૧૮૨૦થી ૧૮૫૦ સુધીના ૩૦ વર્ષોમાં અંગ્રેજોએ ૧૦ કરોડ ગૌવંશનો નાશ કર્યો. પોતાના ઉદેશ્યની પ્રાપ્તિ કરવામાં અંગ્રેજો સફળ થવા લાગ્યા.

પોતાના દેશની સમૃદ્ધિ જેના લીધે ટકેલી છે એવી ગાયની આવી દુર્દશા થતી જોઈ ભારતમાં હિંદુ અને મુસ્લિમો બંનેને અફસોસ થવા લાગ્યો. કારણકે બંને કોમના લોકોમાં મોટાભાગના લોકોનું ગુજરાન ગાયથી ચાલતું હતું. ઉપર કહ્યું એમ કેટલાય લોકોની ખેતી ગાયના ગોબર અને બળદના શ્રમ પર ટકેલી હતી. કેટલાક લોકો દુધનો વેપાર કરતા તો કેટલાક ગાયના દુધની મીઠાઈઓની દુકાન ચલાવતા. આવા લોકોએ ગાયને બચાવવાનું બીડું ઝડપીને ભારતવર્ષના દરેકે દરેક ગામડાઓમાં ગૌરક્ષા સમિતિઓ બનાવવાનું ચાલુ કર્યું. ભારતવર્ષના દરેક ગામડા પ્રતિ એક સમિતિ રચવામાં આવી જેનો મુખ્ય ઉદેશ્ય ગૌવંશને બચાવવાનું હતું. ભારતવર્ષના દરેક ગામડામાં આવેલી આવી ગૌરક્ષા સમિતિઓમાં ઓછામાં ઓછા પંદરથી વીસ યુવાનો સક્રિય હતા જેઓ પોતાના ગામના ગૌવંશનું રક્ષણ કરતા.

ગૌરક્ષા સમિતિઓના લીધે એક સમય એવો આવ્યો કે ભારતવર્ષમાં ગાયની હત્યા કરવી મુશ્કેલ બની ગઈ. ગૌરક્ષા સમિતિના આ યુવાનો અંગ્રેજો જયારે ગાયની કતલ કરતા ત્યારે તેનો વિરોધ કરીને ગાયને છોડાવી લાવતા. ભારતવર્ષમાં ગાયની હત્યાઓ ચાલુ રહેવી જ જોઈએ આવા ઉદેશ્ય સાથે બ્રિટનની મહારાણીએ આદેશ આપ્યા કે ગાયની હત્યા મુસલમાનો પાસે કરાવવામાં આવે, એકવાર જો મુસ્લિમો ગાયની હત્યા કરશે તો હિંદુ અને મુસ્લિમો વચ્ચે દરાર ઉભી થશે. તેમની એકતામાં ઉભી થયેલી તિરાડનો ફાયદો ઉઠાવતા આપણે ભારતવર્ષમાં ગૌહત્યા ચાલુ રાખવી શકીશું. આ આદેશના પરિણામે બ્રિટીશરો દ્વારા ચાલતા કતલખાનાઓમાં ફક્ત મુસ્લિમ લોકોની જ ભરતી થવા લાગી. મુસ્લિમો દ્વારા ગાયની હત્યા થતી જોઈ હિંદુઓ ઉશ્કેરાયા અને બંને કોમ વચ્ચે તંગદીલી પેદા થઇ જેના લીધે કદી ખતમ ન થનારા દંગાઓ ચાલુ થઇ ગયા. બંને કોમની એકતા જોખમાઈ ગઈ એટલે જ અંગ્રેજો ભારતવર્ષમાં ગૌહત્યા ચાલુ રાખવામાં સફળ રહ્યા.

આ ગૌહત્યાના લીધે જ ૧૮૫૭નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ખેલાયો હતો એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહિ ગણાય. સન ૧૮૫૭માં બેરેકપુરની લશ્કરી છાવણીમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે દ્વારા સૈનિક બળવો પોકારવામાં આવેલો. મંગલ પાંડે ત્યારે બેરેકપુરની લશ્કરી છાવણીમાં અંગ્રેજોની ફોજમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતા. જયારે તેમને જાણવા મળ્યું કે તેમને આપવામાં આવતી કારતુસો ગાયના માંસ વડે આવરિત થયેલી હોય છે ત્યારે તેમણે એ બાબતનો વિરોધ કર્યો અને એટલું જ નહિ અંગ્રેજ સૈનિકો સામે એકલે હાથે યુદ્ધ છેડી દીધું. મંગલ પાંડે અંગ્રેજ સૈનિકો સામે લડતા લડતા શહીદ થયા એ બાબત આખા ભારતવર્ષમાં ચિનગારી સ્વરૂપે ફેલાણી અને જોતજોતામાં તેણે સ્વતંત્રતા સંગ્રામની આગનું સ્વરૂપ પકડી લીધું કારણકે લોકો જાણી ગયા હતા કે ક્રૂર અંગ્રેજો ગૌવંશનો નાશ કરીને ભારતવર્ષને પાયમાલ કરવા પ્રયત્નશીલ થયા છે.

કેટલાક સ્વાતંત્ર સેનાનીઓ ગાયનું મહત્વ સમજતા હતા અને તેને લોકો સુધી પણ પહોંચાડતા હતા. આ સ્વાતંત્ર સેનાનીઓમાં પંડિત મદન મોહન માલવિય, સ્વામિ દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધીજી મુખ્ય હતા. મહાત્મા ગાંધીજીએ તો ત્યાં સુધી કીધેલું કે ગૌની હત્યા મારા માટે કોઈ મનુષ્યની હત્યા સમાન જ છે. ગૌહત્યા કરનારને પણ એટલી જ સજા થવી જોઈએ જેટલી કોઈ મનુષ્યની હત્યાના અપરાધીને થતી હોય છે.

પંડિત જવાહરલાલ નેહરુએ ૧૯૩૯ની સાલમાં લાહોરમાં ખોલવામાં આવેલા એક સ્વચલિત કતલખાના સામે આંદોલન કરેલું. તેમનું આ આંદોલન સફળ પણ રહ્યું હતું. આ આંદોલનની સફળતા વખતે તેમણે કહેલું કે “જયારે જયારે હું કોઈ પશુઓની કતલ થતા જોઉં છું ત્યારે ત્યારે મારું હૃદય દ્રવી ઉઠે છે, સ્વતંત્ર ભારતમાં અગર મને કોઈ ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે તો હું આ વિષયમાં કોઈ સખત કાનુન લાગુ કરાવીશ.” પંડિત જવાહરલાલ નેહરુ આઝાદી મળ્યા બાદ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તો બન્યા પરંતુ દુર્ભાગ્યવશ પોતાના દ્વારા લાહોરમાં લેવાયેલી એ પ્રતિજ્ઞાને ભૂલી ગયા.

આઝાદ ભારતની સરકારે અંગ્રેજો કરતા પણ વધુ કતલખાનાઓને પરમિશન આપેલી એમ કહેવામાં કઈ ખોટું નથી કેમકે એક સર્વેક્ષણ મુજબ આઝાદી મળ્યા બાદ ભારતદેશમાં કુલ ૩૬૦૦૦ કતલખાનાઓ ધમધમતા થયા જેમણે આઝાદી પછીના ૫૦ વર્ષોમાં કુલ ૪૮ કરોડ ગૌવંશની હત્યા કરેલી. આજે પણ ન જાણે કેટલાએ કતલખાનાઓ ચાલુ છે જેમાં દરરોજ અસંખ્ય નિર્દોષ અને અબોલ પશુઓની હત્યા કરવામાં આવે છે અને તેમનું માંસ ભારતની બહાર મોકલવામાં આવે છે.

આજે ભારતમાં ગાયનું મહત્વ સમજાવવાવાળા બહુ ઓછા લોકો બચ્યા છે. ગાયના દૂધ સિવાય તેના મળ અને મુત્ર પણ ઔષધીય ગુણોની ખાણ છે. ગાયના મુત્રમાંથી જ એકસો આઠ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ બને છે. ગાયનું મળ ફક્ત છાણા તરીકે જ નહિ પરંતુ બાયોગેસ પ્લાન્ટમાં બાયોગેસ બનાવવામાં પણ ઉપયોગમાં લેવાય છે. ગાયની આવી બહુ બહુઉપયોગીતાને સમજતા ગાયને બચાવવા આપણે શક્ય હોય એટલા પ્રયાસો કરવા જોઈએ. અગર ઘરે ગાય ન પાળી શકીએ તો પણ તેમને ચારો પૂરો પાડીને કે ગૌશાળાને દાન આપીને તેમની સેવા કરવી જોઈએ.

ગૌમાતા ની જય

ભારતમાતા ની જય

જય હિન્દ

વંદે માતરમ

(સ્વર્ગસ્થ શ્રી રાજીવ દિક્ષિતના વ્યાખ્યાનોમાંથી સાભાર...)