બે બોલ
પેઢી દર પેઢી કહેવાતી આવતી લોકકથા એ મહેનત માંગી લેતું કાર્ય છે. વળી કથાકાર બદલે તેમ એ કથાનું રૂપ પણ બદલતું હોય છે. લેખન ક્ષેત્રે પા પા પગલી માંડતો હું પોતે મારી જાતને લોકકથા લખવાને બિલકુલ સમર્થ નથી ગણતો કારણ કે લોકકથા એ સમય અને સંસોધન બંને માંગી લેતો વિષય છે. કોડીનારમાં જ અર્ધું બાળપણ વિતાવ્યું હોવાથી આ મંદિર અને જાનીવાવ સાથે જોડાયેલી વાર્તાઓ મોટેરાઓ પાસેથી અવારનવાર સાંભળી છે. આજે તો એ કથા કહેનારા ઘણા ખરા મોટેરાઓ પણ રહ્યા નથી અને આજના બાળકો કે કિશોરોને મેં જાનીવાવનું નામ જાનીવાવ કેમ પડ્યું એવા પ્રશ્નો પૂછતાં પણ ક્યારેય જોયા નથી. અમારા કિશોરકાળના એ સમયે મનોરંજન દુર્લભ હતું એટલે અમને આવા પ્રશ્નો પૂછવાની આદત હતી અને એ પ્રશ્નોના જવાબ રૂપે અમને મોટેરાઓ પાસેથી ત્યાગ, બલિદાન, શૌર્ય, સમર્પણ કે ખાનદાનીની એકાદ વાર્તા વારસામાં મળી જતી. આ મળેલો વારસો આગળ વધારવાના હેતુસર આ વાર્તા લખું છું એમાં ક્ષતિ કે ભૂલ હોવાને સંપૂર્ણ સંભવ છે. કેમ કે હું પોતે અપૂર્ણ છું.
આપ સહું વાચક મિત્રો મારી ક્ષતિઓને અવગણી આ કથામાં કેન્દ્રિત લોકકલ્યાણ અર્થે આપેલ બલિદાનને મહત્વ આપી કથાનો આનંદ લેશો એવી આશા સહ
આપનો વિશ્વાસુ
ભાવેશકુમાર કે. ચુડાસમા
નાઘેરની એક પ્રાદેશિક લોકકથા
આઈ શ્રી જાનબાઈમાં
કારમા દુષ્કાળે નાઘેરની લીલુડી ધરતીનું નૂર હણી લીધું હતું. નદી તળાવો સૂકાં ભઠ્ઠ થઇ ગયા હતા. બધાં જીવો પાણી પાણીની પોકારો કરતા હતા. કોડીનારની એક માત્ર પગથીયાવાળી વાવમાં પણ પાણી પાતાળે ઉતરી ગયા હતા. ગામના આગળ પડતા લોકો દ્વારા એ વાવને ઊંડી ગાળવામાં આવી રહી હતી પણ પાણીનું નામો નિશાન જણાતું ન હતું. ગામના લોક વરણને એક બેડાં પાણી માટે સાત આઠ ગાવની મજલ કાપવી પડતી હતી. આવા કપરાં કાળની એક રાત્રી તેનો અંધાર પછેડો જયારે સંકેલી રહી હતી અને સુરજદાદા ક્ષિતિજ પર સવાર થવા માટે પોતાના ઘોડલાઓને શણગારી રહ્યા હતા એવે વખતે ખોબલા જેવડા એ કોડીનાર ગામના એક નાનકડા ઘરમાં જાનબાઈ નામે એક ચારણબાઈ વહેલાં ઉઠી તેમના દૈનિક કાર્યમાં પરોવાઈ ગયા હતા. વહેલા ઉઠી રોજ છાણ વસીંદા કરવા, દુઝણા ઢોરોને દોવાં, વલોણું ફેરવવું, દળણું દળવું, પાણી ભરવું અને રોટલા ઘડવા એ એમનું રોજિંદુ કામ હતું. ખંતીલા અને કામઢા આઈ જાનબાઈ મળશ્કે વહેલા ઉઠી બોપોર સુધીમાં તો બધાં કામોને પહોચી વળતા. પણ એ દિવસે આઈ જાનબાઈને કામમાં થોડી ઢીલ થઇ હતી. જાનબાઈનું નાનેરું બાળક પણ આજે એમની સાથે વહેલાં મળશ્કે ઉઠી કજિયે ચડ્યું હતું અને આઈ જાનબાઈના સાસુમા પાસે રહેતું ન હતું. આઈ જાનબાઈ વારે વારે કામ પડતું મૂકી રડતાં બાળકને છાનું રાખવાના વાના કરતા હતા અને બાળક રડતું બંધ થઇ થોડું રમતે ચડે કે તરત જાનબાઈ તેમના કામમાં પરોવાઈ જતા હતા.
દી ઉગીને રાશવા ચડ્યો હતો જાનબાઈને કામમાં આજે ઢીલ થઇ હતી. હજી તો દળણું દળવાનું, પાણી ભરવાનું અને રોટલાં ઘડવાનું બાકી હતું એટલે જાનબાઈના સાસુમાએ કહ્યું:
“વહુ આ પીટીયોં આજ કજિયે ચડ્યો’શ ને રોટલાનું મોડું કરાવ્ય્હે, ઈમ કરો તમે બીજા કામ પતાવો ત્યાં લગણમાં હું પાણી ભારીયાવું”
જાનબાઈ ક્યારેય સાસુમાને પડ્યું ભાણું પણ ઉપાડવા દેતા નહી અને સાસુમાને પાણી ભરવા તો કેમ મોકલે? તેમને વારતા એમણે કહ્યું:
“માં તમારે શીદને પાણી ભરવા જાવું, હમણે ગગો છાનો રઈ જાહે, ને ઈ તો હું ભારીયાવા, કુંવોય ક્યાંનો ક્યાં સે, તમે થાકી જાવ માં, આજ થોડું મોડા ભેળું મોડું, બીજું તો હું થાય?”
થોડીવાર સાસુમાએ પાણી ભરવા જવાનો વિચાર પડતો મુક્યો અને આઈ જાનબાઈને કામમાં પણ થોડી મદદ કરવા લાગ્યા પણ બાળકના કજિયા વધ્યે જતા હતા અને દિવસ પણ ચડ્યે જતો હતો. થોડી રકઝક કરી જાનબાઈના સાસુમાં ધરાર બેડું લઇ પાણી ભરવા જવા નીકળી ગયા.
આકારો તાપ સહન કરતા કરતા જાનબાઈના સાસુમાં કુવાનો એ લાંબો પથ કાપી કુવે પહોચ્યા ત્યાં સુધીમાં થાકથી અર્ધા થઇ ગયા હતા. કુવા કાંઠે ગામ પરગામની સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી એમાંની એકે પૂછ્યું.
“કેમ આઈ, આજ જાનબાઈને બદલે તમી આય્વાં? જાનબાઈ કઈ બીમાર સે?”
“ના રે બીમાર તો કઈ નથ પણ આજ છોકરો જરીક કજિયે ચડ્યો’તો ને કામનું મોડું થતું’તું એટલે મારે આવવું પડ્યું”
ભોળા એવા જાનબાઈના સાસુમા એ જેવું હતું તેવું કહ્યું,
“હંઅઅ...ઈ તો છોકરાવ થાય પછે હંધીયે વહુ છોકરાવના બા’ના હેઠે રાજરાણીઓના નખરા ચાલુ કરી દે, હવે તો આઈ તમારે આ રોજનું થાહે.”
ઓછી બુદ્ધિની એ સ્ત્રીએ વગર વિચાર્યું બાફી માર્યું અને ભોળા મનના આઈ જાનબાઈના સાસુના મનમાં ઝેર રેડી દીધું.
પાણી ભરીને પાછા ફરતી વખતે આખા રસ્તે આઈ જાનબાઈના સાસુનું મન વિચારોના વમળે ચડ્યું હતું. “શું ખરેખર મારી વહુ પણ બીજી વહુઓ જેવી જ હશે!” “એણે પોતેજ ગગાને વહેલો ઉઠાડી કજિયે ચડાવ્યો હશે!” જેવા કંઇક વહુ પ્રત્યેના નકારાત્મક વિચારોની હારમાળ એમના મનમાં ચાલી રહી હતી. પાણી ભરેલા બેડાં કરતા એ વિચારોનો ભાર વધુ લાગતો હતો. પાણીનું બેડું અને આવા વિચારોનો બેવડો ભાર લઇ, લાંબો પંથ કાપી તેઓ ઘરે પહોચ્યા ત્યારે આઈ જાનબાઈ રોટલા ઘડવાની તૈયારી કરતા હતા. ચૂલામાં અગ્નિ પ્રકટાવી, માથે તાવડી ચડાવી, કાથરોટમાં લોટ લઇ તેઓ લોટને મસળતા હતા.
જાનબાઈના સાસુમાંએ ઘરમાં આવી પાણી માટલાંમાં ઠાલવ્યું. સાસુંમાંને પાણી ભરી આવતા જોઈ આઈ જાનબાઈને થોડી શરમ થઇ, કોઈ દિવસ નહી અને આજે પહેલી વાર એમના સાસુને આજે ઘરકામ કરવું પડ્યું હતું. થોડીવાર રહી હાથમાં બજારાંના લોટનો પિંડો લઇ, રોટલો ટીપવાની તૈયારી કરતા કરતા સહજભાવે જ જાનબાઈએ તેમના સાસુમાંને પૂછ્યું:
“માં ગામની વાવને ઊંડી ખોદાવે સે તે ઈમાં કંઈ પાણીના એંધાણ જણાય્શ કે?”
વહુ પ્રત્યેના નકારાત્મક વિચારો અને લાંબા પંથેથી પાણી ઢસડીને થાકેલા સાસુમાંના મુખમાંથી છણકા રૂપે જવાબ મળ્યો,
“હંઅઅ...ઢોંગી દનીયા ને કળજુગીયા માણસો, ક્યાથું આવે એમાં પાણી, ઈ વાવમાં તો કો’ક તારા જેવી સતીના પગલા થાય તો પાણી આવે.”
જાનબાઈને સાસુમાંના વેણ આકરા થઇ પડ્યા, લોટનો પિંડો હાથમાં જ રહી ગયો અને ક્ષણવાર તેઓ વિચારે ચડી ગયા. થોડીવાર થઇ ત્યાં આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી અને શરીર આખું ધ્રુજવા માંડી ગયું, આઈ શ્રી જાનબાઈને સત ચડ્યું અને હાથમાં લોટનો પિંડો લઇ તેઓ ધ્રુજતા ધ્રુજતા ઘરની બહાર નીકળી વાવ તરફ ચાલવા માંડ્યા. તેઓના સાસુમાં પાછળ દોડ્યા.
“વહુ ક્યાં જાવ છો?”
“હવે આપણી લેણાદેણી પૂરી થઇ માં, મારા એકના બલિદાનથી આખા સમાજનું ભલું થાતું હોય તો એક ચારણની દીકરીને ઈથી રૂડું શું હોય?” હસતા મુખે માંએ જવાબ આપ્યો અને વાવ તરફ ઉતાવળા પગે ચાલવા માંડ્યા.
આડોશી-પાડોશી, ગામલોકોને ખબર પડી, બધાએ મળી જાનબાઈમાંને ખુબ વાર્યા પણ તેઓ એકના બે ન થયા, વાવ ખોદાતી હતી ત્યાં આવી તેઓ પગથીયા ઉતારવા માંડ્યા, મહિનાઓથી વાવ ખોદવાનું કામ કરતા મજુરો પણ વાવના સૂકાં ભઠ્ઠ તળિયે ઉભા રહી કૌતુકવશ આઈ જાનબાઈને વાવમાં અંદર ઉતરતા જોઈ રહ્યા. જેવા જાનબાઈ તળિયે પહોચ્યા કે તરતજ બધાના આશ્ચર્ય વચ્ચે વાવનાં તળિયેથી પાણીના ઝારાઓ થયા. જાનબાઈમાંની આજ્ઞાથી મજુરો વાવનાં પગથીયા ચડી ઉપર જતા રહ્યા અને માતાજી એક હાથમાં લોટનો પિંડો રાખી, બીજા હાથને આશીર્વાદ મુદ્રામાં રાખી પાણી વચ્ચે ઉભા રહ્યા. તેમના સાસુંમાં ચોધર આંસુએ રોઈ પડ્યા અને કહેલ કડવા વેણ બદલ તેઓની માફી માંગી. આઈ જાનબાઈએ કહ્યું;
“માં લોક કલ્યાણના હેતુથી કીધેલા વેણ કડવા ન હોય, તમે કોઈ સંતાપ કરશોમાં, તમારા વેણનું મને જરાય માઠું નથ લાગ્યું, તમારા વેણે તો મને અમરત્વ આપ્યું.”
વાવમાં પાણીનું સ્તર વધતું જતું હતું અને આઈ જાનબાઈ તેમાં ગરક થઇ રહ્યા હતા. છેલ્લે જતા જતા આઈ જાનબાઈએ ગામલોકોને સંબોધીને કહ્યું કે “આ વાવને ગોજારી ગણી તમે એનું પાણી અબોટ ન કરતા ગમે તેવા દુષ્કાળો ના દુષ્કાળો વયા જાહે તોય કોઈ દી આ કુવામાં પાણી નઈ સુકાય એ મારા આશીર્વાદ છે.” અને આઈ શ્રી જાનબાઈમાં પાણીમાં ગરક થઇ ગયા. ગામલોકોએ આઈ શ્રી જાનબાઈમાંનો જયજયકાર બોલાવ્યો અને સમયાંતરે એ વાવનાં પગથીયા પાસે આઈ શ્રી જાનબાઈમાંનું મંદિર બનાવ્યું.
આજે પણ કોડીનારની ઉગમણી કોરે એકતા ચોકથી ઉના જવાના રસ્તા પરની એક ગલીના નાકે આઈ શ્રી જાનબાઈના બલિદાનની સાક્ષી પુરતું એ મંદિર ઉભું છે. એ મંદિરમાં થઈને જ જાનીવાવમાં ઉતારવાવાના પગથીયા છે. જૂની મૂર્તિનું સ્થાન હવે નવી મૂર્તિઓએ લીધું છે. અને એ જાનીવાવ નેવુંના દાયકાના સુધી કોડીનારને પાણી પૂરું પાડતી હતી. હાલ પણ જાનીવાવમાં પાણી છે, ઘણા લોકો ત્યાં માનતા લઈને કે બાળકના જન્મ પછી જળ જુવારવા આવે છે.