મારો પહેલો પ્રેમ - ભાગ -૧
સાગરની ઊંઘ આજે ઉડી ગઈ હતી, આવું ક્યારેક ક્યારેક બનતું. પણ એક વાર સાગરની ઊંઘ ઉડી જાય પછી સાગર માટે ફરી ઊંઘવાનું મુશ્કેલ બનતું. અને અત્યારે ઘડિયાળના કાંટા રાતના બે વાગી દશ મિનીટ પર પહોંચ્યા હતા.
રાતના સવા બે વાગ્યે સાગર પોતાના " રિદ્ધિ સિદ્ધિ" બંગલોની હરિયાળી લોન પર ટહેલતો ટહેલતો ઝીલ વિષે વિચારી રહ્યો હતો.
સાલું, આ પહેલો પ્રેમ ભૂલાતો કેમ નહિ હોય?
એટલું સારું છે કે પત્નીથી છુપાવ્યું નથી કે તે કોલેજમાં હતો ત્યારે એક છોકરીને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ એક તરફી નહોતો. ઝીલ પણ તેને ભરપુર પ્રેમ કરતી હતી અને આમ જોઈએ તો તેમનો પ્રેમ બાળપણનો હતો.
તે વિચારી રહ્યો હતો જીવનના પ્રથમ અનુભવો કદાચ ક્યારેય નથી વિસરાતા. પહેલો પ્રેમ, પહેલી કિસ, પહેલું આલિંગન, પહેલી વાર સર્કસ જોવું, પહેલી વાર પિક્ચર જોવું, પહેલી વાર ફ્લાઈટમાં ઉડવું. અને પહેલો Sex . તે તો આમાંનું કંઈ જ ભૂલ્યો ન હતો.
આ છોકરીઓ અજીબ હોય છે.
ના, ના, સાવ એવું નથી, છોકરા પણ કમ નથી હોતા.
સાહેબ કોફી, તેની તંદ્રા તોડતો એક અવાજ અફળાયો.
તેનો નોકર ટ્રેમાં કોફી સાથે નાસ્તો લાવ્યો હતો, નાસ્તો અને કોફી તેની પત્ની કસકે જાતે બનાવ્યા હતા.
લોનમાં એક જગ્યાએ ટેબલ ખુરસી રાખેલ હતા ત્યાં નોકરે ટ્રે મૂકી.
કડક કોફીના ઘૂંટ પીતો પીતો તે સ્વપનની દુનિયામાં ખોવાય ગયો.
જે. એન. શેઠ સાયન્સ કોલેજના પ્રથમ વર્ષમાં તે ભણતો હતો. અને ખૂબસૂરત પરી જીલ આખા વર્ગનું ધ્યાન ખેંચતી. તે અને તેના મિત્રો મળતા ત્યારે ભાગ્યે જ એવું બનતું કે જીલનો ઉલ્લેખ થયા વિના તેમની વાતો પૂરી થઇ હોય.
તે અને તેનો આખો વર્ગ મુગ્ધાવસ્થાના કુતુહલનો સામનો કરી રહ્યા હતા. આ અવસ્થામાં કોઈ છોકરો છોકરી સાથે વાત કરે તે રોમાંચક કાર્ય ગણાતું. અને વાત કરનારી છોકરી મુખ નીચે નમાવી પગના અંગુઠાથી જમીન ખોતરતી રહેતી. બીજા છોકરા- છોકરી તેમને ઈર્ષ્યા ભાવથી જોઈ રહેતા.
સાગર વર્ગ ચાલુ હોય ત્યારે પણ તે જીલ તરફ નજર નાખતા પોતાની જાતને રોકી શકતો નહિ, એક વાર કવિતા મેડમના ક્લાસ દરમિયાન તે ઝીલના ખૂબસૂરત મુખને નિહાળી રહ્યો હતો. અચાનક જીલની આંખો તેની તરફ ટકરાઈ.
તે છોભીલો પડી ગયો, તેણે પોતાની નજર જીલ તરફથી હટાવી કવિતા મેડમ તરફ નાખી. પણ જીલનું મંદ મંદ સ્મિત તેના ધ્યાન બહાર ન રહ્યું. તેની ધડકનો તેજ બની. સાગરના મનમાં દુવિધા સર્જાઈ, એક તરફ તેને જીલનું સ્મિત ગમ્યું અને હર્દયમાં આનંદના સ્પંદનો જાગ્યા. બીજી તરફ જીલ પોતાની સહેલીઓને આ બાબતની જાણ કરી મજાકનું પાત્ર તો નહિ બનાવે ને? તેવો ભય પણ ઉત્પન થયો.
વર્ગ પૂરો થયો. જીલ તેની સામે જોઈ મંદ મંદ મુસ્કુરાતી રહી પણ તે સામે સ્માઈલ વળતું આપી શક્યો નહિ. થોડી વાર બાદ જીલ પોતાની સહેલીઓ જોડે વર્ગની બહાર નીકળી ગઈ.
આખી રાત સાગર જીલ વિષે વિચારતો રહ્યો, પ્રેમ વિષે તેણે ઘણું વાંચ્યું હતું, મિત્રો પાસેથી સાંભળ્યું હતું. પણ આજે પહેલી વાર મનમાં તરંગો ઉઠતા હતા. પ્રેમ વિષે અલગ અલગ વ્યાખ્યાઓ હતી. લોકોએ પોત પોતાની રીતે પ્રેમને પરિભાષિત કર્યો હતો. પણ આજે તે પ્રેમને પોતાની રીતે સમજ્યો હતો. તે સમજ્યો કે પ્રેમની વ્યાખ્યા ન હોય શકે. પ્રેમ માત્ર અનુભવી શકાય. આજે પ્રેમના સ્પન્દનો તેના અણુએ અણુમાં આંદોલિત થતા હતા.
રાતે ગર્લ્સ હોસ્ટેલમાં ઝીલની રૂમમાં મહેફિલ જામી હતી. પણ ઝીલ ઊંડા વિચારમાં ડૂબેલી હતી, તેના દિલમાં સાગર વિષે મનોમંથન ચાલતું હતું. સાગર પોતાના તરફ નજર નાખતો ત્યારે તેના મનમાં અવનવા ભાવ જાગતા. તેના હૃદયમાં મીઠા સ્પંદનો જાગતા, તેને સાગર ગમવા લાગ્યો હતો. ઝીલને સાગરનો હાથ પકડી રાખવાનું મન થતું.
તે વિચાર્યા કરતી સાગર છોકરો છે, તેણે મને પ્રપોઝ કરવું જોઈએ. પોતે છોકરી હતી ધારે તો પણ પ્રપોઝ ન કરી શકે. અને કદાચ પ્રપોઝ પણ કરે પણ સાગર તેને પ્રેમ ન કરતો હોય તો કેવી વિડમ્બના સર્જાય?? તેને સામાજિક વિષમતા બહુ કઠતી, શા માટે છોકરી કોઈ ગમતા છોકરાને પ્રપોઝ કરી ન શકે?
પંડ્યા સરનો ફીજીક્સનો પીરીઅડ પૂરો થયો હતો, અને હવે રીસેસનો સમય હતો ઝીલ ગર્વિતા, આભા, મુશ્કાન, અને કુંપળ જોડે કેન્ટીનમાં જવા નીકળી. કેન્ટીનમાં ચેર પર બેસી ઓર્ડર આપવા જતી હતી ત્યાં જ સાગર તેની પાસે આવ્યો.
મિસ ઝીલ આપ મને આપની ફીજીક્સની બુક બે દિવસ માટે મને આપી શકશો?
ઝીલના મનમાં પ્રણયના ભાવો ઉમટ્યા.
હા....આ રહી.......તેણે પોતાની બેગ ખોલી અને તેમાંથી ફીજીક્સની બુક શોધીને સાગરને આપી.
બુક આપતી વખતે બંનેની આંગળીઓનો સ્પર્શ થયો.
જાણે પવનની એક મીઠી લહેરથી ફૂલો જમીન પર ઝુક્યા.
બરાબર બીજા દિવસે છેલ્લો પીરીઅડ પૂર્ણ થયા બાદ સાગરે ઝીલને ફીજીક્સની બુક પાછી આપી. ઝીલ લગભગ દોડતે કદમે હોસ્ટેલમાં પોતાના રૂમ પર આવી. ગર્વિતા, આભા, મુશ્કાન, અને કુંપળ પણ ઝટપટ ઝીલ પાસે આવ્યા.
બધી સખીઓ બુકને ઝૂંટવવા લાગી, બધી સખીઓ બુકનું એક એક પેઈજ ફેરવવા લાગી. બધી સખીને વિશ્વાસ હતો કે સાગરે પ્રેમ પત્ર જરૂર લખ્યો હશે પણ તેમની આશા ઠગારી નીવડી.
ઝીલનું દિલ પ્રેમના હિલ્લોળા લેતું હતું, હવે મન વિષાદથી ભરાય ગયું.
શા માટે માત્ર મારી પાસેથી જ સાગરે ફીજીક્સની બુક લીધી?
તેના મિત્રો પણ હતા, અને બીજી કોઈ પણ છોકરી પાસેથી તે બુક લઇ શક્યો હોત, તેણે વિચાર્યું.
તેણે ઊંડો નિસાસો નાખ્યો.
રૂમમાંથી બધી સખીઓ જતી રહી હતી.
તે ક્યાંય સુધી નિરાશ વદને બુકને તાકતી રહી.
અચાનક તેની આંખોમાં ચમક આવી. તેની ફીજીક્સની બુકને પૂઠું ચડાવેલ હતું.
તેને બરાબર યાદ હતું જયારે તેણે સાગરને ફીજીક્સની બુક આપેલ ત્યારે પૂંઠું ચડાવેલ ન હતું.
તેણે હળવેથી બુકનું પૂઠું દુર કર્યું.......તેનું હૃદય એક ધબકાર ચુકી ગયું.
એક ગુલાબી રંગનું કવર બહાર નીકળ્યું. તેમાં સુંદર અને મરોડદાર અક્ષરે તેના નામ પર તેની જિંદગીનો પ્રથમ પ્રેમ પત્ર હતો.
તેના શરીરના અણુએ અણુએ ઊર્મિનો સંચાર થયો. મુખ શર્મથી લાલચોળ થયું, કાનની બુટ પણ શરમથી લાલ થઇ. તેણે આંખો મીંચી દીધી. પ્રેમ પત્રને છાતી સાથે સજ્જડ દબાવી રાખ્યો.
ક્યાંય સુધી પ્રેમની અનુભૂતિ પત્ર ખોલ્યા વિના જ માણી.
ધીરે ધીરે કાળજી પૂર્વક તેણે પત્ર ખોલ્યો.
સાગરે લખ્યું હતું,
પ્રિય ઝીલ,
મારા સપનાની રાણી,
મારા હ્રદયની પ્રીત,
મારા હ્રદયની દરેક ધડકન તારું નામ જ રટે છે.
મને ખબર નથી કે તું મને ચાહે છે કે નહિ, પણ તને જોયા પછી હું જગતની કોઈ પણ છોકરીને ચાહી નહિ શકું. બની શકે કે તું મને ચાહતી ન પણ હો, પણ હું આજે તને " I Love you " ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું. તારા જવાબનો આજન્મ ઇન્તજાર કરીશ.
સાગર
ઝીલની આંખોમાંથી હર્ષના અશ્રુ બિંદુઓ સરી પડ્યા. અશ્રુ બિંદુઓ ગાલ સુધી રેલાયા. જાણે અશ્રુ બિંદુઓ મોતી બની ગયા. કેટલાય સમયથી તે આ ક્ષણની રાહ જોઈ રહી હતી. તેનું હૃદય લાગણી ભીનું બન્યું. વરસોથી તૃપ્ત ધરતી પર આજે મેહુલે અમી છાંટ વરસાવી. તેનું અંગ અંગ પુલકિત થયું, રોમે રોમમાં આલ્હાદક આનંદનો અનુભવ થયો. તેના બત્રીસ કોઠે દીવા થયા.
આખી રાત ઝીલ સાગરના સપનામાં ખોવાયેલ રહી. સાગર તેના સાવ જ કુંવારા હોઠો પર ચુંબનો કરતો, તેને ગાઢ આલિંગન આપતો. લજામણીના છોડની જેમ તેના વદન પર શરમના શેરડા પડતા. આનંદની કોઈ અલગ દુનિયામાં તે વિહરી રહી, તેની ચાલ હરણી જેવી ચંચળ બની.
ઝીલ, ઓ ઝીલ, ઘડિયાળમાં જો તો ખરી કેટલા વાગ્યા છે?
શું તબિયત બરાબર નથી?
તેની રૂમ મેટ આભાએ ચિંતા મિશ્રિત અવાજે ટહુંકો કર્યો, અને જીલને તાવ તો નથી આવ્યો ને? તે જોવા પોતાની હથેળી ઝીલના કપાળ પર મૂકી.
સપનાની વાત છુપાવતા જીલ બોલી.
કાલે રાત્રે મોડે સુધી ઊંઘ જ નહોતી આવી, તબિયત બરાબર જ છે. હું હમણાજ કોલેજે આવું છું. પણ તું નીકળ. નહિ તો પહેલો પીરીઅડ મિસ થઇ જશે.
આભા ઝટપટ કોલેજે જવા નીકળી.
ઝીલ પથારીમાં પડી રહી, અને આજના સપના વિષે મંદ મંદ મુસ્કુરાઈને વિચારતા પોતાનાથી જ શરમાઈ ગઈ.
ત્યાર બાદ ઓશિકા નીચે રાખેલ સાગરનો પ્રેમ પત્ર ફરીથી વાંચવા લાગી.
પ્રેમ પત્રનો એક એક અક્ષર તેને પિયુના પાનેતર જેવો લાગતો હતો, તે દુલ્હન બની વાંચતી હતી.
તેણે વારંવાર પત્ર વાંચ્યા કર્યો, પત્રને હોઠોથી ચૂમ્યો, છાતી પર મુક્યો.
પછી તેણે નિત્ય કર્મ પતાવ્યા, શાવરનું પાણી ઠંડક આપી રહ્યું હતું. નહાતા નહાતા તેણે સપના વિષે વિચાર્યું અને વળી પાછી તે ગ્રામ્ય નવોઢાની જેમ શરમાઈ ગઈ.
@ @ @ @
ઝીલે ગુલાબના ફૂલ વાળું સુગંધિત લેટર પેડ લીધું. અને સાગરને વળતો પ્રીતિ પત્ર લખ્યો.
મારા વ્હાલા વ્હાલા - સાગર
મેં હંમેશા તારો જ વિચાર કર્યો છે, મને તારી ઉપર રીસ ચડતી હતી કે તું પહેલ કેમ નથી કરતો?
હું તને ખુબ જ ચાહું છું અને ભવો ભવ તારી જ બનવા માગું છું.
I Love you .......
તારી અને માત્ર તારી જ ઝીલ.
કોલેજમાં આખો દિવસ ઝીલ સાગરને પ્રેમ પત્ર આપવા લાગ શોધતી રહી.
રીસેસમાં સાગર સાવ એકલો પડ્યો ત્યારે હળવેથી પ્રેમ પત્ર આપી ત્યાંથી નાસી છૂટી.
ચાલુ ક્લાસમાં સાગર ઝીલે આપેલ પ્રેમ પત્ર મેથ્સની બુકમાં છુપાવી વાંચતો રહ્યો.
ક્લાસ ચાલતો રહ્યો અને પ્રેમ પત્ર પણ વંચાતો રહ્યો.
સાગરનું દિલ ખુશીથી ડોલવા લાગ્યું. તેને ચાલુ વર્ગે ડાન્સ કરવાનું મન થયું પણ તેણે મનને કાબુમાં રાખ્યું.
હવે કોલેજના પીરીઅડમાંથી બંક મારીને સાગર અને જીલ સાગરની બાઈકમાં ઉપડી જતા. ક્યારેક કોઈ સારું પિક્ચર જોવા જતા. પણ થીએટરમાં અનાયાસ તેમનું પિક્ચર ચાલુ થઇ જતું. અને આજુ બાજુ વાળા તેમને જોઈ રહેતા. અને બંને શરમીંદગીનો ભોગ બનતા.
ક્યારેક ગાર્ડનમાં જતા. ગાર્ડનમાં આજુ બાજુ કોઈ ન હોય તેવી જગ્યા બંને પસંદ કરતા. અને સાગર ઝીલના ખોળામાં સુઈ જતો, ઝીલ સાગરના વાળને રમાડ્યા કરતી. સાગર ક્યારેક ઓંચીતો બેઠો થઇ ઝીલના હોઠો પર ચૂમીઓનો વરસાદ વરસાવતો તો ક્યારેક લાંબી અને પ્રગાઢ કિસ કરતો.
સાગર જયારે ઝીલને કિસ કરતો ત્યારે ઝીલ અંગે અંગમાં માદકતા અનુભવતી. હૃદયમાં ભીની લાગણીઓ ફરી વળતી. ઝીલ સાગરને ભેટી પડતી. ઝીલ સાગરની મજબુત બાંહોમાં લપાય જતી.
કોલેજનું પ્રથમ વર્ષ પૂરું થયું. પરિક્ષા લેવાઈ અને વેકેશન શરુ થઇ ગયું. ઝીલનું શહેર કોલેજથી ૨૦૦ કિમી દુર હતું, શહેર નાનું હતું એટલે શહેરમાં સાયન્સ કોલેજ નહોતી, પણ શહેરમાં આર્ટસ અને કોમર્સ કોલેજ હતી. સાગરનું ઘર કોલેજથી ૪૩૦ કિમી દુર એક ગામડામાં હતું. ઝીલ અને સાગરના વતન એક જ રૂટ પર આવતા હતા. એટલે ઝીલે સાગરને પોતાના ઘેર આવવા માટે આગ્રહ કર્યો.
રાતની લક્ઝરી બસ "ડીલક્ષ" માં બંનેએ સ્લીપર કોચમાં ટીકીટ બુક કરી.
બસ રાત્રીના ૧૧:૩૦ વાગે ઉપડી સવારે ૦૦૪:૩૦ વાગે ઝીલના શહેરમાં પહોચવાની હતી.
આજે પહેલી વાર બંને એક જ બેડ પર સુવાના હતા. બસ શરુ થઇ જીલે કોચના પરદા બંધ કર્યા.
જીલ નવ વધુની માફક શરમાઈ ગઈ, આજે પહેલી વાર તેણે સાગરની મજબુત બાંહોનો ઓશિકા તરીકે ઉપયોગ કર્યો. બંને એક બીજાને વીંટળાઈ ગયા. બંને ધીમે સાદે વાતો કરતા રહ્યા, એક બીજાને ચૂમતા રહ્યા. અને એક બીજાને વ્હાલ કરતા રહ્યા. અને દઢ આલિંગનમાં એક બીજાને વીંટળાઈ નિદ્રા દેવીને શરણ થયા.
કન્ડકટરે જીલના શહેરના સ્ટોપની મોટેથી બુમ પાડી ત્યારે તેઓ હાંફળા ફાંફળા થઇ જાગ્યા. જલ્દી જલ્દી સામાન પેક કર્યો અને બંને બસમાંથી નીચે ઉતર્યા. બસ સ્ટોપથી થોડે અંતરે જીલનું ઘર આવેલ હતું, સાગરે અને જીલે ચાલતા ચાલતા જ જીલના ઘેર પહોંચવું તેમ નક્કી કર્યું. એક બીજાનો હાથ પકડી તેઓ ચાલતા હતા. એક બીજામાં પરોવાયેલ હાથ મૈત્રીથી કંઈક વિશેષ હતું.
"વહાલનો દરિયો" ઘરની બહાર ઝીલે ડોર બેલની સ્વીચ દબાવી. "ઓમ જય જગદીશ હરે"નો મધુર સ્વર બેઠક ખંડમાં ગુંજી ઉઠ્યો. અને જીલના મમ્મી વાસંતીબેન તેના વહાલના દરિયાની રાહ જોઈ રહ્યા હતા. દરવાજો ખોલવા દોડી ગયા.
વાસંતીબેન ઝીલને ભેટી પડ્યા, તેના ગાલ, કપાળ વગેરે જગ્યાએ ઝીલને ચૂમતા રહ્યા.
અલી મમ્મી જરા જોતો ખરી, તોફાની સ્મિત અને આંખો નચાવતા જીલ બોલી.
મારી સાથે કોણ આવ્યું છે?
હવે વાસંતીબેને ફૂટડા, મોહક યુવાન સાગર તરફ નજર કરી.
સાગર પહેલી નજરે જ ગમી જાય તેવો હતો, પણ જીલના પપ્પા માનશે ખરા?
વાસંતીબેનના મનમાં પ્રશ્ન ઉદભવ્યો, સાગરે વાસંતીબેનના ચરણ સ્પર્શ કર્યા.
સાગર અને જીલ ફ્રેશ થઇ ડાઈનીંગ ટેબલ પર ચા નાસ્તો કરવા બેઠા ત્યારે જે આગ્રહથી અને પ્રેમથી જીલ સાગરને પરાણે ખવડાવી રહી હતી તેથી જીલના મમ્મીના ચિતમાં એક ચિંતાની લહેરખી દોડી ગઈ. વાસંતીબેન જાણતા હતા કે ભલે જીલના પપ્પા જીલને ખુબ જ પ્રેમ કરતા હોય પણ જીલના પપ્પાએ મિલિટરીમાં નોકરી કરી હતી, અને તેને કારણે જીલના પપ્પાનો સ્વભાવ ખુબ આકરો હતો. જો સાગર પોતાની જ્ઞાતિનો નહિ હોય તો કદાચ જીલ અને સાગરના પ્રેમનું ભવિષ્ય ધૂંધળું બને તેવી શક્યતા હતી.
જીલ વાસંતીબેનનો કાળજા કેરો કટકો હતો. જીલને વાસંતીબેને બધી સ્વતંત્રતા આપી હતી. અને તેમને ખાતરી હતી કે જીલ ક્યારેય સ્વતંત્રતાનો દુરોપયોગ નહિ કરે. સ્વતંત્રતા અને સ્વછંદતાનો ભેદ વાસંતીબેને જીલને નાનપણથી જ સમજાવ્યો હતો. પણ વાસંતીબેનને લાગ્યું કે જીલ અને સાગર કદાચ બહુ આગળ વધી ગયા છે. જો જીલના પપ્પા જીલ અને સાગરના સંબંધને નહિ સ્વીકારે તો પરિસ્થિતિ વિકટ થશે.
થોડી વાર થઇ અને જીલનો ટહુંકાર સંભળાયો ................મમ્મી હું ને સાગર " એક દુજે કે લિયે " પિક્ચર જોવા જઈએ?
ના, જેવો ભારેખમ શબ્દ વાસંતીબેનના મોમાંથી બહાર નીકળવા જ જતો હતો.
તેણે એક નજર ઝીલ તરફ નાખી...નિર્દોષ પરી જેવું તેનું મુખ કરમાઈ જશે તેવું લાગ્યું.
વાસંતીબેન જાણતા હતા કે આ ફિલ્મ જોઇને અઢાર પ્રેમી યુગલોએ પોતાની જાન દઈ દીધી હતી.
અને આને લીધે અમુક સામાજિક સંગઠનો ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા.
સાગર અને જીલનું તો આવું નહિ થાય ને?
વાસંતીબેન વિચારી રહ્યા હતા.
તેમણે ભારે હૈયે બંનેને ફિલ્મ જોવા જવાની રજા આપી. સાગર અને જીલ તૈયાર થઈને ફિલ્મ જોવા નીકળ્યા.
વાસંતીબેન તે બંનેને જતા જોઈ રહ્યા.
કેવી સુંદર જોડી લાગતી હતી.
પણ જીલના પપ્પા માનશે ખરા? અને કદાચ નહિ મને તો?
અને વાસંતીબેનની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.
અને અચાનક જ વાસંતીબેન ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યા…( વાર્તાની આગળની કડી ભાગ-૨ માં)