મેરી અખિંયા તરસ ગઇ અબ તો આજા Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

 • ચા ના બે કપ

  જીવનમાં સભ્યતા ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ...

 • મમતા - ભાગ 47 - 48

  મમતા : ૨ભાગ :૪૭( શારદાબાને પરી અને મંત્ર વગર ઘર સૂનું લાગતું...

 • અગ્નિસંસ્કાર - 97

  વિવાન જાણે શેતાનની જેમ જોર જોરથી હસવા લાગ્યો. " અગર બતાના હિ...

 • ગોવા જવાનું આયોજન

  ત્રણ મિત્રો હતા તેઓ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારથી ગોવા જવા...

શ્રેણી
શેયર કરો

મેરી અખિંયા તરસ ગઇ અબ તો આજા

Name:Parul H. Khakhar

Email:parul.khakhar@gmail.com

આજથી ૫૦૦૦ વર્ષ પહેલા કૃષ્ણ નામે એક યુગપુરુષ આવ્યો, અદભુત જીવન જીવી ગયો અને વચન આપતો ગયો કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થશે અને અધર્મનો ઉદય થશે ત્યારે ધર્મનું સંસ્થાપન કરવા હું ફરીફરી અવતાર લઇશ.જ્યારે જ્યારે અસુરોનો ત્રાસ વધી જાશે ત્યારે ત્યારે મારા વ્હાલા ભક્તોનું રક્ષણ કરવા હું જન્મ લઇશ.બસ ત્યારથી સમગ્ર માનવજાતિ તેના પુનરાગમનની કાગડોળે રાહ જોઇ રહી છે. દર વર્ષે શ્રાવણ વદ આઠમની મેઘલી રાતે એનો જન્મોત્સવ હરખભેર ઉજવે છે.આ વર્ષે આકાશવાણી દ્વારા દ્વારિકાના પ્રસિદ્ધ જગતમંદિરમાંથી કૃષ્ણજન્મની લાઇવ કોમેન્ટ્રી આપવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું અને જાણે મારો તો આ અવતાર સફળ થયો. તો ચાલો મિત્રો..એ અલૌકિક અનુભવની એક ઝાંખી આપ સૌ સાથે શેર કરું છું.

દ્વારિકા એટલે ભારતના ચારધામ પૈકીનુ એક ધામ,
દ્વારિકા એટલે ભારતની સાત પાવન નગરીઓ પૈકીની એક નગરી,
દ્વારિકા એટલે ૧૨ જ્યોતિર્લીંગ પૈકીના 'નાગેશ્વરમ' જ્યોતિર્લીંગનું ઉદભવસ્થાન,
દ્વારિકા એટલે આદ્યશંકરાચાર્ય એ સ્થાપેલ ચાર મઠ પૈકીની એક 'શારદાપીઠ'
દ્વારિકા એટલે વલ્લભાચાર્યજીની ૮૪ બેઠક પૈકીની એક બેઠક.

આવી પુણ્યભુમી પર ભગવાન ન પધારે તો જ નવાઇ! પુરાણકથા કહે છે કે કૃષ્ણએ કંસનો વધ કર્યો હોવાથી કંસના સસરા જરાસંઘે કૃષ્ણ તથા સમગ્ર યાદવકૂળનો નાશ કરવાનું નક્કી કર્યું હતું.તે વારંવાર મથુરા પર આક્રમણ કરતો હતો અને દર વખતે હારીને પાછો જતો હતો. સોળ-સોળ વખત આક્રમણને ખાળ્યા પછી મથુરાના જાનમાલને ખાસ્સુ નુકશાન પહોંચ્યુ હતું.લોકો યુદ્ધ કરીકરીને થાકી ગયા હતાં તેથી જ્યારે સતરમી વખત જરાસંઘ યુદ્ધ કરવા આવ્યો ત્યારે કૃષ્ણ સમગ્ર યાદવવંશને લઇને મથુરા છોડી ચાલી નીકળ્યા યુદ્ધ છોડીને ભાગ્યા હોવાથી 'રણછોડરાય' કહેવાયા.યાદવકૂળના પુનઃવસવાટ માટે તેમણે ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ પર આવેલી કુશસ્થલી નગરી પર પસંદગી ઉતારી.

આ નગર પર એક સમયે બલરામના સસરા રૈવતનું શાસન ચાલતું હતું.જીર્ણ અવસ્થામાં રહેલી આ નગરીની કૃષ્ણએ વિશ્વકર્માની મદદથી પુનર્રચના કરી તેને દ્વારિકા નામ આપ્યું.નગરને બાવન દ્વાર હોવાથી તે દ્વારિકા કહેવાઇ.કૃષ્ણના દેહવિલય અને યાદવકુળના નાશ પછી કૃષ્ણના એકમાત્ર વંશજ પૌત્ર વ્રજનાભ બચ્યા હતાં. હસ્તિનાપુરથી અર્જુન આવ્યા અને સ્ત્રીઓ,બાળકોને અને વ્રજનાભને સાથે લઇ ગયા.મથુરાની આસપાસનો વિસ્તાર વ્રજનાભના નામે કર્યો અને તેથી એ વિસ્તાર ‘વ્રજમંડલ’ તરીકે ઓળખાય છે. વર્ષો પછી પોતાના પુર્વજોની યાદમાં વ્રજનાભે દ્વારિકામાં 'જગતમંદિર' બંધાવ્યું. મુખ્ય મંદિરમા દ્વારિકાધીશ બીરાજે છે જ્યારે મંદિરના પરિસરમા કૃષ્ણ પરિવારના સભ્યોના મંદિર આવેલા છે.મંદિર પર ભગવાન દ્વારિકાધીશની યશગાથા સમી બાવન ગજની ધજા લહેરાઇ રહી છે જે દસ કીલોમીટર દૂરથી પણ દેખાય છે.છપ્પન કોટિ યાદવોના છપ્પન શાસકોમા મુખ્ય કૃષ્ણ, બલરામ,અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન હતા, અન્ય બાવન શાસકોની એકતાના પ્રતિક રુપે મુખ્ય ચાર ટુકડા અને ફરતે બાવન ત્રિકોણાકાર ટુકડાઓ જોડીને સીવાયેલી આ ધજા દિવસમા પાંચ વખત બદલાવવામાં આવે છે.

એક કથા મુજબ કૃષ્ણના એક અનન્ય ભક્ત બોડાણાજી દરરોજ ભગવાનની ઝાંખી કરવા ડાકોરથી દ્વારકા આવતા, તેમની ભક્તિથી પ્રસન્ન થઇ એક વખત ભગવાન મુર્તિ સ્વરુપે જ તેમની સાથે ચાલતા થયા. પૂજારીઓ એ રસ્તો રોકી બોડાણાજીને કહ્યું આપ આ રીતે અમારા આરધ્યદેવને ન લઇ જઇ શકો અમારા ભગવાન અમને પાછા આપો, બોડાણાજી કહે જે જોઇએ તે માંગી લો પણ ભગવાન મને આપો. છેવટે મુર્તિને ભારોભાર સોનુ આપવાની શરતે પૂજારીઓ સંમત થયા. બોડાણાજી પાસે માત્ર એક નાકની વાળી જ હતી તેમ છતાં મારો વ્હાલો પોતાના ભક્તના પ્રેમની સામે ફક્ત વાળીના ભારે જોખાઇ ગયો !ત્યારથી કાળા પથ્થરમાંથી બનેલ મૂળ મુર્તિ ડાકોરમાં બીરાજે છે અને તેની પ્રતિકૃતિ સમાન શાલીગ્રામમાંથી બનાવેલ મુર્તિ હાલ દ્વારિકામાં બીરાજે છે. ખૈર...કણકણમાં વસતો પ્રભુ એમની બનાવેલી દરેક મુર્તિમાં સાક્ષાત બીરાજમાન રહી તેમનું જીવન ચલાવે છે એવી ભાવના દ્રઢ થાય તો જ્યાં છો ત્યાંજ દ્વારિકા છે એમ સમજવું.

મિત્રો, કૃષ્ણ વિશેની અનેક વાતો/વાર્તાઓ હૈયાવગી છે પણ શું કહેવું? કેટલું કહેવું? આજે એમના અનેક રુપ આંખ સામે તરવરી રહ્યા છે.એ ગોકુળમાં ગાયો ચરાવે અને એ કાળી નાગને પણ નાથે, એ વાંસળી વગાડે અને શંખ પણ ફૂંકે, એ ગોપીઓના ચીરહરણ કરે અને દ્રૌપદીના ચીર પણ પૂરે,એ માખણ ચોરે અને માતાને મુખમાં બ્રહ્માંડ પણ બતાવે,એ અર્જુનના સારથી બને અને શસ્ત્ર નહી ઉપાડવાનું વચન પણ લે, એ એંઠી પતરાવળીઓ ઉપાડે અને શીશુપાલનો વધ પણ કરે,એ રાસ રમે અને ગીતા જ્ઞાન પણ આપે. એ પૂતનાને મારે અને ગોવર્ધન પણ ઊંચકે. એના વિશે જે પણ કહીએ એ ઓછું જ પડે એવો મારા કાનાએ જે જ્ગ્યા પર રાજા બનીને ૩૬ વર્ષ રાજ કર્યુ એ પાવન જગ્યા પર ઊંભા રહી એના જ ગુણગાન ગાવાનો મને લ્હાવો મળ્યો એ માટે હું એની જ આભારી છું.

પાંચ સપ્ટેમ્બર ૨૦૧૫ની એ રાતનું શું વર્ણન કરું? આખું મંદિર નવોઢાની જેમ સાજ સજીને ઊભું હતું છેક શિખર સુધી અવનવી લાઇટોથી ઝળહળી રહ્યું હતું.ઠેરઠેર ફુલ તથા આસોપાલવનાં તોરણો બંધાયા હતા. ગર્ભગૃહની સજાવટ ઊડીને આંખે વળગે તેવી નયનરમ્ય હતી.ક્યાંક ચંદન ઘસાઇ રહ્યું હતું તો ક્યાં ફૂલોની માળા ગૂંથાઇ રહી હતી.ક્યાંક ધીમા સૂરે બાંસરી વાદન થઇ રહ્યું હતું.ચોકમાં ગૂગળી બ્રહ્મણ પરિવારના સભ્યો ભેગા મળી પુરુષસૂક્તમ્ ગાઇ રહ્યાં હતા.

નવ વાગતા સુધીમાં આખું મંદિર ખાલી કરી દેવામાં આવ્યું હતું માત્ર બ્રાહ્મણ પરિવારના સભ્યો, દૂરદર્શન તથા આકાશવાણી ટીમના સભ્યો અને સુરક્ષાકર્મીઓ સિવાય કોઇ જ જોવા ન મળે. બધા જ મંદિરોનાં દ્વાર વાસી દેવામાં આવ્યા હતા.સમગ્ર વાતાવરણમાં કૃષ્ણજન્મની આતુરતા છવાઇ ગઇ હતી.ધીમેધીમે ઘડીયાલનો કાંટો બાર વાગવા તરફ આગળ વધી રહ્યો હતો. બરાબર બારને ટકોરે ગર્ભગૃહમાંથી જોરદાર શંખનાદ થયો અને 'કૃષ્ણ કનૈયાલાલકી જય'નો ધ્વની સંભળાયો અને જાણે આખું દ્વારકા ભાવસમાધીમાં લાગી ગયું. હાજર રહેલા તમામનાં હાથ આપોઆપ જોડાઇ ગયા અને સૌ 'નંદ ઘેર આનંધ ભયો જય કનૈયા લાલકી' ગાવા લાગ્યા. અમુક ઉત્સાહી યુવાનો નૃત્ય કરવા લાગ્યા, બહેનો ગોપીભાવથી રાસ રમવા લાગી, અબીલ ગુલાલની છોળો ઉડવા લાગી,ઢોલ-નગારા-ત્રાંસા-શરણાઇનાં દિવ્યનાદમાં સૌ ડૂબવા લાગ્યાં.ત્રણત્રણ કલાકથી કૃષ્ણ દર્શન માટે આતુરતાથી રાહ જોઇ રહેલો ભક્તસમુદાય જાણે ગાંડો થયો હોય તેમ મંદિરમાં ધસી આવવા લાગ્યો..

મંદિરના ગર્ભગૃહની ડાબી તરફ આવેલ આરસપહાણનાં સિંહાસન પર બેસી વર્ષો પહેલા કદાચ શંકરાચાર્યજી કે વલ્લભાચાર્યજી એ સભાને સંબોધીને બ્રહ્મજ્ઞાન આપ્યું હશે એ જગ્યા પર બેસી હું આ સમગ્ર ઘટનાક્રમની સાક્ષી બનીને સંજયનું પાત્ર નિભાવી રહી હતી. મારી આંખ સામે દેખાઇ રહેલ એ અલૌકિક દૃશ્યો હું મારી વાણી દ્વારા ભક્તજનો સુધી પહોંચાડી રહી હતી.નિજમંદિરમાં ભગવાન દ્વારિકાધીશ કેસરીયા વાઘા અને રત્નાભૂષણોથી શોભી રહ્યા હતા.ચારે તરફ એક અજબ ઉતેજનાનું વાતાવરણ રચાઇ ગયું હતું. ગાયન-વાદન-નૃત્યનો અનોખો સંગમ રચાયો હતો. એક અજબ મોહીની છવાઇ હતી. સમગ્ર સૃષ્ટિ કૃષ્ણના આગમનને વધાવી રહી હોય તેમ એક ઉલ્લાસમય ભરતી દરેકનાં હૃદયમાં છવાઇ રહી હતી. બધા લોકો તાળી પાડીપાડીને ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી’ નો જયઘોષ કરી રહ્યાં હતાં.ધકામુક્કી હોવા છતાં સૌ કોઇ વ્હાલાની એક ઝલક જોવા તલપાપડ થયાં હતાં. આખરે ટેરો હટ્યો અને ભગવાન દ્વારિકાધિશના દર્શન ખુલ્યાં.જાણે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યુ અને આખા જનસમુહ પર ફરી વળ્યુ.હું પણ એમાંથી બાકાત ન રહી. ક્યારે હાથ જોડાયા, ક્યારે આંખો છલકાઇ, ક્યારે હૃદય ભીજાયું,ક્યારે શરીર દંડવત્તની મુદ્રામાં ઢળી પડ્યું કંઇ સુધબુધ ન રહી.મારો વ્હાલો હળવેકથી આવ્યો મને હાથ ઝાલી ને બેઠી કરી....મને બોલાવી ,ઝુલાવી,વ્હાલી કરી અને હું ધન્ય બની, કૃતકૃત્ય બની, જાણે આ જન્મારો સફળ થયો.

---
પારુલ ખખ્ખર