Jivanani Visham Ghatmadnu Ek Chakra Kishor Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Jivanani Visham Ghatmadnu Ek Chakra

જીવનની વિષમ ઘટમાળનું એક ચક્ર ચક્ર (૧૯૮૧)

જયવંત દળવીની નવલકથા ચક્રના આધારે બનેલી ફિલ્મ ચક્રએ એ સમયે ફિલ્મ જગતમાં હલચલ મચાવી દીધી હતી. આર્ટ ફિલ્મનો સ્પર્શ ધરાવતી ચક્ર વાસ્તવવાદી ફિલ્મ હતી. આ ફિલ્મને બધા જ સ્તરના પ્રેક્ષકોએ પસંદ કરી હતી. આ ફિલ્મ દ્વારા કૅમેરા ઝૂંપડપટ્ટીમાં પ્રવેશ્યો હતો અને ગરીબ માણસોના જીવન અને એમના વલણને ફોકસ કરાયું હતું. આ પહેલા પણ ગરીબીને તાદૃશ કરતી અને જમીનદારોના શોષણ આધારીત ફિલ્મો સફળતાને વરી હતી, પણ ચક્રએ નવી કેડી કંડારી હતી. આ ફિલ્મને ઘણા ઍવોર્ડ મળ્યા હતા. સ્મિતા પાટીલને બેસ્ટ અભિનય માટે ફિલ્મ ફેર અને નેશનલ ફિલ્મ ઍવોર્ડ મળ્યા હતા. નસીરૂદ્દીન શાહને બેસ્ટ અભિનય માટે અને બેસ્ટ આર્ટ ડિરેકશન માટે બંસી ચન્દ્રગુપ્તને ફિલ્મ ફેર ઍવોર્ડ મળ્યો હતો. રબિન્દ્ર ધર્મરાજને બેસ્ટ સ્ક્રીન પ્લે માટે ગોલ્ડન લેપર્ડ ઍવોર્ડ મળ્યો હતો.

કલાકાર : નસીરૂદ્દીન શાહ-સ્મિતા પાટીલ-કુલભૂષણ ખરબંદા-રણજીત ચૌધરી-દિલીપ ધવન-રોહીણી હટંગડી-સુધીર પાંડે અને અન્ય

ગીત : મદહોશ બૈલગામી

સંગીત : હૃદયનાથ મંગેશકર

ગાયક : ભુપીન્દર-લતા મંગેશકર-સુરેશ વાડકર-રવિન્દ્ર સાઠે

દરિયા કિનારે વિજાપુર ગામમાં માછીમાર દંપતી એના નવજાત બાળક સાથે રહેતું હતું. બાળક માટે સોનાની ચેન બનાવવા પતિએ શાહુકાર પાસેથી કજર્ લીધું. શાહુકારે માછીમારની પત્ની અમ્મા (સ્મિતા પાટીલ) પર નજર બગાડીને બળાત્કારનો પ્રયાસ કર્યો. પતિ આવી પહોંચતાં એણે શાહુકારના માથા પર પથ્થર મારી એનું ખૂન કર્યું. પોલીસથી બચવા પતિ-પત્ની અને નવજાત બાળક મુંબઇ આવી પહોંચ્યા. અહીં ઝૂંપડપટ્ટીમાં એમને આશરો મળ્યો. રેલ્વેનો માલ ચોરી કરતા પતિને પોલીસય્ની ગોળી વાગતાં એ મરણ પામ્યો. સમય વીત્યો. બાળક જુવાન થયો.

ઝુંપડપટ્ટીની દુનિયામાં મા-પુત્ર ગરીબીમાં દિવસો પસાર કરતા. આ વિસ્તારમાં બિમાર વૃદ્ધો અને વેશ્યાઓ પણ રહેતી. આ વિસ્તારમાં લુક્કા (નસીરૂદ્દીન શાહ) નામના દાદાનું માન હતું. એ રોબીન હુડ જેવો હતો. દારૂના ધંધામાં જે કમાતો એ ગરીબોમાં વહેંચી દેતો. લુક્કાનો જીવન-મંત્ર હતો : અપુન કા હક કોઇ દેતા નહીં હૈ. કોઇ સાલા હક નહીં દેતા. હક છીનના પડતા હૈ. જીંદગી મેં ચૂપ નહીં બૈઠને કા, સાલા અપના હક માંગ લેને કા. અન્યોના હક માટે પણ એ એમનાથી અમીરો સામે લડતો રહેતો. લુક્કા ભમરા જેવો હતો. અમ્મા સાથે પણ એના દેહ-સંબંધો હતા. આ સંબંધોને કારણે અમ્માના પુત્ર બેનવાને (રણજીત ચૌધરી) લુક્કા સારી રીતે રાખતો.

એક વખત લુક્કાની દાદાગીરીથી પરેશાન કોર્ટે એને તડીપાર કર્યો. એ કલ્યાણ ચાલ્યો ગયો પણ ત્યાં હાજરી પુરાવી, રાત્રે પાછો શહેરમાં આવી જતો. લુક્કા બેનવાને શરાબ પીવડાવતો અને રેડ લાઇટ વિસ્તારમાં પણ ફેરવતો. એની સંગતમાં બેનવા જીંદગીના પાઠ ભણતો. રાત્રે અમ્મા, એનો પુત્ર બેનવા અને લુક્કા સાથે દારૂ પીતા, જમતા. જમ્યા પછી લુક્કા અમ્મા સાથે દેહ સંબંધ બાંધતો. બેનવા સાક્ષીભાવે માતાની મજબૂરી જોતો રહેતો. અમ્મા પાસે એક ટ્રક-ડ્રાયવર (કુલભૂષણ ખરબંદા) આવતો. અમ્માના એની સાથે પણ દેહ સંબંધ હોવાથી એ અમ્માનું ઘર ચલાવતો. બેનવા આ વાત પણ જાણતો. અમ્મા એનો પુત્ર ખરાબ સંગતે ચઢીને બગડી ન જાય એનું ધ્યાન રાખતી.

લુક્કા બેનવાને નોકરીને બદલે ધંધો કરવાની સલાહ આપે છે. બેનવા બુટ પૉલીશનો ધંધો શરૂ કરે છે. પ્રથમ કમાઇ માતાના હાથમાં મૂકે છે. માતા રાજી થઇ જાય છે. એની બચતમાંથી એના લગ્ન કરાવી આપવાનો નિર્ણય લે છે. એક દિવસ ચર્ચગેટ સ્ટેશન પાસે આપસમાં લડાઇ થતાં પોલીસ આવે છે. બેનવાની પૉલીશની પેટી જપ્ત કરી દે છે. બેનવા બેકાર થઇ જાય છે. વસ્તી પાસેના હાઇવે પર ઘઉંની ટ્રક વસ્તીવાળા લૂંટે છે. પોલીસ આવતાં લાઠીચાજર્ થાય છે. એક ડોસો ઘવાઇને મરણ પામે છે. એની અંતિમ ક્રિયા પછી એના દિકરાએ કાંધ આપવાની ફરજ પેટે વસ્તીવાળાઓને દારૂ પીવડાવવો પડે છે. સ્ત્રીઓ પણ દારૂ પીવામાં સહભાગી થાય છે. નશો ચઢતાં જ મરણનો શોક ભૂલાઇ જાય છે.

લુક્કા વસ્તીમાં આવે છે. અશક્તિ અને માંદગીએ એને ઘેરી લીધો છે. એ કોઇ ગુપ્ત રોગનો શિકાર બન્યો છે. એના આખા શરીરે પડેલા ચાંદા કોઇ ગંભીર રોગની જાણ કરે છે. એની ચાલ પણ ધીમી પડી ગઇ છે. હવે એ પહેલા જેવો ઝનૂની નથી રહ્યો. એ હજી પણ બેનવાનો ફ્રેન્ડ-ફિલોસોફર અને ગાઇડ છે. બેનવા વેશ્યા પ્રત્યે તિરસ્કાર કરે છે ત્યારે લુક્કા એને જીંદગીની ફિલોસોફી સમજાવતાં કહે છે : ક્યા કરે બેચારી ! ઉસે પેટ નહીં હૈ ક્યા ? બેનવા દેખ એક બાત બોલતા હું, યે સારા ચક્કર હૈ ના; દો હી ચીજ કા હૈ. એક પેટ ઔર એક પેટ કે નીચેવાલા. સાલા વો નહીં હોતા ના... વો નહીં હોતા તો સબ ઠીક થા. સોચ, સોચ. બેનવાને દારૂણ જીવનની વાસ્તવિકતાનો પાઠ સમજાય છે. લુક્કા બેનવાને પોતાની લગ્નની આપવીતી કહે છે. એને એક છોકરી સાથે પ્રેમ હતો. છોકરી લુક્કા સાથે લગ્ન કરવા માગતી હતી. લુક્કાએ એને સગર્ભા બનાવી અને જાણ થતાં ગર્ભાપાત કરી નાખવાનું કહ્યું. અનેક પ્રયત્નો છતાં ગર્ભ ન પડ્યો પણ સાતમે મહિને કસુવાવડ થઇ ગઇ. લુક્કાને હવે લાગતું હતું કે એની સાથે એ પરણ્યો હોત તો એ સુખી હોત.

લુક્કા બેનવાનું સગપણ પાસેની ઝૂંપડપટ્ટીની છોકરી અમલી સાથે કરાવી આપે છે. અમલી શાક મારકેટમાં જમીન પર પડેલા અને સડેલા શાકભાજી એકઠા કરવાનું કામ કરતી હતી. બેનવા જુગારના રવાડે ચઢે છે. અમ્માને ખબર પડતાં એ લાફા મારીને એને વારે છે. બેકાર બેનવા દારૂની ભઠ્ઠી પર કામ કરવાનું વિચારે છે. અમ્મા પોલીસના ડરથી એને વારે છે. અમ્મા એને કહે છે : સુન બેનવા, પૈસા નહીં ભી હોએગા તો ચલેગા. લેકિન અપની ઇજ્જત હોના. કમી ખા કે જી લેંગે. લેકિન પોલીસ કા જોખમ નહીં હોના. પ્રતિબંધોથી કંટાળેલા બેનવાનું પૌરૂષ જાગી ઊઠે છે. માતાને માન આપતો શાંત બેનવો અમ્મા પર ગુસ્સે થઇ જાય છે. રાત્રે અમ્માને પતિએ કરેલું ખૂન અને પોલીસે ઠાર કરેલો પતિ યાદ આવી જાય છે.

અન્નાના સહવાસને કારણે અમ્મા પણ ગર્ભવતી થઇ છે. એક રાત્રે અન્ના આવે છે ત્યારે અમ્મા આ ખબર અન્નાને આપે છે. અન્ના ખુશ થઇ જાય છે. અમ્મા બેનવાના લગ્નની વાત કરે છે. અમ્મા માગણી કરે છે કે આપણું બાળક ઝૂંપડપટ્ટીમાં આંખ ખોલે એ એને પસંદ નથી. અન્ના એના શેઠની જમીન પર ઝૂંપડું બનાવવાની વાત કરે છે. અમ્મા રાજી થઇ જાય છે. એક દિવસ ઝૂંપડાનો સામાન આવે છે. શેઠની જમીન પર અમ્મા નવા ઝૂંપડાના આંગણામાં સાથિયો પૂરે છે અને તુલસી ક્યારો પણ રાખે છે. લુક્કા દારૂની ભઠ્ઠીમાં નોકરી કરે છે. ત્યાં પોલીસ રેડ પડતાં લુક્કાને પોલીસનો માર પડે છે. બેનવા ટ્રાફિક સિગ્નલ પર કારના કાચ સાફ કરવાનું કામ કરે છે. આ કામમાં પોલીસનો ભય નથી.

લુક્કાની હાજરીમાં બેનવાના લગ્ન થાય છે. સગર્ભા અમ્મા વહુને પોંખે છે. રાત્રે બેનવાને શયન ખંડમાં મોકલે છે. ત્યાં લુક્કા આવે છે. એનું આખું શરીર સડી ગયું છે અને દાહ ઉપડ્યો છે. અમ્મા ઘરગથ્થુ ઉપચાર કરે છે પણ દાહ માત્ર દવાથી મટે એમ છે. લુક્કા ઓળખીતા દવાવાળાને ત્યાં જઇ દવા માગે છે. દવાવાળો દવા ઉધાર આપવાની ના પાડે છે. લુક્કા એના પર છરીથી હુમલો કરી દવાઓ લૂંટી લે છે. ઘાયલ દુકાનદારની ફરિયાદ થતાં પોલીસ અમ્માના ઘરે આવે છે. દરવાજો ઠોકતાં જ મધુરજની માણતો બેનવા ઉશ્કેરાઇ પોલીસ પર હુમલો કરે છે. આ ઝપાઝપીમાં અમ્માને ઘક્કો વાગતાં પેટ પર ઇજા થાય છે અને ગર્ભ પડી જાય છે. લુક્કા અને બેનવાની ધરપકડ થાય છે.

બીજા દિવસે અન્નાનો શેઠ આવે છે. એની જમીન પરથી ઝૂંપડું ખાલી કરાવે છે. અહીં ઝૂપડપટ્ટીમાં બુલડોઝર ફરી વળે છે. લોકો પોતાની વસ્તીનો નાશ થતો જૂએ છે. જીવનની ઘટમાળનું ચક્ર એક આંટો ફરે છે.

ગીત-સંગીત : માત્ર ત્રણ ગીતો ધરાવતી ફિલ્મ ચક્ર આર્ટનો સ્પર્શ ધરાવતી; અને વાસ્તવિકતાની ઓળખ કરાવતી ફિલ્મ હોવાથી ગીત-ગઝલ સંયમિત સંગીતમાં ઢળ્યા છે. બધા જ ગીતો બેકગ્રાઉન્ડમાં ગવાયા છે. બધા જ ગીતો ફિલ્મની કથા સાથે સુંદર તાલમેલ રાખે છે.

ડૂબી આંખોં મેં તૂટી હુઇ નીંદ હૈ, રંગ અલગ સા અલગ સી હૈ જીવન કી લય (ભુપિન્દર) : આ ગઝલ ફિલ્મમાં બે સ્થાને ગુંજે છે. અર્થપૂણ ગઝલની પંક્તિઓ છે : આગ ઉગલતી હુઇ, જલતી બંજર ઝમીં; જન્મ સે અબ તલક જલ રહે હૈ શરીર/નર્ક ક્યા હૈ કહાં કૌન જાને હૈ યે; નર્ક જૈસી જગહ પર રહે હૈ શરીર.

રાત અંધેરી ધૂમ મચી હૈ, સીનોં મેં અંગાર લગી હૈ; ચલતી ફિરતી જીંદા લાશેં, યે ધરતી કા રૂપ સજી હૈ (સુરેશ વાડકર-રવિન્દ્ર સાઠે) : આ ગીતમાં જીંદગીની કડવી વાસ્તવિક્તાનું તાદૃશ ચિત્રણ કરાયું છે.

કાલે કાલે ગહરે સાયે, હો જાયે દૂર (લતા) : આ હાલરડાનો સ્પર્શ ધરાવતું ગીત બાળકના જન્મની વધામણીનું છે. એની પંક્તિ છે : મેરે ઘર કે ભી છત પે હરીભરી બેલ ચઢે, હાથોં મેં મેરે ભી તો ચૂડી ખનકે. આ ગીતમાં સુખી લગ્નજીવનની વાત પણ વણાઇ છે.

સમયની વાત : એ સમયે એલીફન્ટ બ્રાન્ડ કેરોસીન હતું. ૨૦ પૈસામાં રોટી અને ૧૫ પૈસામાં ચા મળતી. બેકગ્રાઉન્ડમાં પાકીઝાના ગીતો વાગે છે. પાન ૧૦ પૈસા, ૧૫ પૈસા અને ૨૦ પૈસામાં મળતું. પલંગ તોડ પાન દસ રૂપિયામાં મળતું. દારૂની બાટલી ડીલીવરીનું કમીશન બે રૂપિયા હતું. બે રૂપિયા કમાઓ તો પૂરતું થઇ રહેતું. બાળકને પેટમાં ગેસ થાય તો ચૂનાનું પાણી પાવામાં આવતું. ઝૂંપડપટ્ટીના લોકો કાથી ઘસી નહાતા. બૂટ પૉલીશનો સામાન ૨૦-૩૦ રૂપિયામાં મળી જતો. યુવાનો બેલ-બોટમ પેન્ટ પહેરતા. કારના નંબરો પર જુગાર રમાતો. મરઘીનો ભાવ ૧૦ રૂપિયા હતો. શબની અંતિમ ક્રિયા કરી આવ્યા પછી ડાઘુઓને કાંધ આપવા બદલ દારૂ પાવો પડતો. એવી માન્યતા છે કે શરાબ પાવાથી મરનારના આત્માને શાંતિ મળે.

દિગ્દર્શન : ચક્રને મળેલા ઍવોર્ડ જ રબીન્દ્ર ધર્મરાજના ડિરેકશનની બાબતે ઘણું કહી જાય છે. કૅમેરા ઝૂપડપટ્ટીમાં ફેરવવો અને પ્રેક્ષકનું મન પણ ફિલ્મથી દૂર ન જાય આ બન્ને બાબતો સાચવવી એ તલવારની ધાર પર ચાલવા જેવું કામ છે. ફિલ્મના પ્રથમ અને અંતિમ દૃશ્યમાં સ્મિતા પાટીલના ચહેરાના ભાવ અર્થપૂર્ણ રીતે ઝીલાયા છે. સ્મિતા પાટીલે ખુલ્લામાં સ્નાનનું પણ બોલ્ડ દૃશ્ય આપ્યું છે. બધા જ કલાકારોએ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના આંગિક અને વાચિક હાવભાવનો અભ્યાસ કર્યો જ હશે. બે દૃશ્યોમાં કાંટાળી વાડની પાછળની દુનિયા સાંકેતીક રીતે કહેવાઇ છે. ગીતોમાં પણ સુખના અભાવનો ભાવ ઉપસાવાયો છે.

સ્મિતા પાટીલ અને નસીરૂદ્દીન શાહ જેવા મંજાયેલા કલાકારોના અભિનય બાબતે લખવાનું ન હોય એ તો માણવાનો જ હોય. રણજીત ચૌધરી પણ આ બન્ને દિગ્ગજો સામે ટક્કર લે છે. ઠરેલ સ્વભાવના ટ્રક ડ્રાયવરને કુલભૂષણ ખરબંદા નિભાવી જાય છે. આ મુખ્ય ત્રણ પાત્રો હોવા છતાં ફિલ્મમાં અનેક પાત્રો છે. એ બધાના અભિનયનો સુંદર સમન્વય કરાયો છે.

ફિલ્મનો સ્ક્રીન-પ્લે એના હેતુ બાબત સ્પષ્ટ છે. કોઇ પણ શોટ કે સીન વધારાના નથી. એ ચુસ્ત ઍડીટીંગ દર્શાવે છે. ફિલ્મના સંવાદોની વાત કરીએ તો બે-ત્રણ પ્રકારની હિંદીનું મિશ્રણ છે. અમ્મા દક્ષિણી હિંદી બોલે છે. લુક્કા બમ્બૈયા હિંદી બોલે છે. બેનવા મિશ્રિત હિંદી બોલે છે. અન્નાની ભાષામાં ઉત્તરની છાયા છે. આ બધાનું સંયોજન સારી રીતે કરાયું છે. આ ભાષામાં અમીરો પ્રત્યેનો આક્રોશ પ્રગટ થયો છે. ઝૂંપડપટ્ટીનો માહોલ હોવાથી સ્ત્રી પાત્ર પણ ગાળો સામાન્ય રીતે બોલે છે. સંવાદો ટુંકા પણ વેધક છે.

જયવંત દળવીની નવલકથા ચક્ર પ્રગટ થઇ ત્યારે સારી ચર્ચા ચાલેલી. કહેવાય છે કે એ નવલકથા લખવા તેઓ ઝૂંપડપટ્ટીમાં રહ્યા હતા. ચોક્કસ ફોર્મ્યુલામાં ન ઢળેલી હોવા છતાં ચક્ર ફિલ્મે પણ સારી સફળતા મેળવી. ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓના રોજબરોજના જીવનનો અને એમના સંઘર્ષનો પરિચય થાય છે. આ લોકો ગરીબ હોવા છતાં પણ એમની શક્તિ પ્રમાણે એકમેકને મદદરૂપ થવા તત્પર હોય છે. અહીં અસ્તિત્વ ટકાવવા માટે કોઇ પણ ધંધાનો છોછ નથી ગણાતો. નબળા પર રાજ કરવા અને અન્યાયની સામે પડવા, દાદાગીરી કરવી, ચાકુ રાખવું સામાન્ય છે. બેનવા પણ જ્યારે ચાકુ રાખતો થાય છે ત્યારે એને થાય છે કે એ તરૂણમાંથી મર્દ બન્યો છે. માતા પરપુરૂષો સાથે સહશયન કરે એ વાતને પુત્ર અસ્તિત્વ ટકાવવાના ભાગ રૂપે પચાવી લે છે. આ વાત પચાવવી અને સાક્ષીભાવ રાખવો મુશ્કેલ કામ છે. અહીં બધા જ પાત્રોના પાત્રાલેખન બાબતે ખૂબ જ ધ્યાન અપાયું છે. દરેક પાત્રને કાંઇક કહેવું છે. એનો અજંપો આ ફિલ્મનું હાર્દ છે. ચક્ર ફિલ્મ સફળ થયા પછી એની ફોર્મ્યુલા પર ઘણી ફિલ્મો આવી. ધારાવી ટાઇટલ ધરાવતી ફિલ્મ ચક્ર જેટલી સફળ ન થઇ. પહેલો ઘા રાણાનો એ ન્યાયે ચક્રને આજ સુધી લોકો યાદ કરે છે.

-કિશોર શાહ