Name:Parul Khakhar
Email:
આજે એક મજાની ફિલ્મ વિષે વાત કરવી છે. ફિલ્મ આમ તો સાવ નાના બજેટની અને સાવ ઓછા કલાકારો લઇને બનાવાયેલી પરંતુ એની થીમ અને માવજત એવી જોરદાર કે મોંમાંથી ‘વાહ’ બોલાયા વગર ન રહે.નામ છે ‘ધ લંચબોક્ષ’ આ ફિલ્મ એટલે ડબ્બાથી ગુલમહોર સુધીની યાત્રા !
પહેલા વાત કરીએ આ ફિલ્મના સ્ત્રી પાત્રોની.આ ફિલ્મમાં આમ તો ત્રણ સ્ત્રી પાત્રો છે.ત્રણેયની સાવ અનોખી રંગછટા ! મુખ્ય પાત્ર ‘ઇલા’ સિવાયના બન્ને પાત્રો નાનકડાં ખરા પરંતુ પોતપોતાની રીતે એટલા જ પગભર અને સધ્ધર ! પહેલાં આપણે વાત કરીએ ઇલાની.
ઇલા એક મીડલક્લાસ ગૃહિણી,સાવ સાધારણ દેખાવ ધરાવતી,હંમેશા સલ્વાર- કમીઝ વીથ દુપટ્ટામાં સજ્જ,જરાતરા વિખરાયેલા વાળ,નાનકડી દિકરીની સંભાળ રાખતી.,ચિંતા કરતી,વાતેવાતે ઉપરનાં ફ્લેટમાં રહેતા દેશપાંડે આન્ટીની સલાહ લેતી એક ટીપીકલ ભારતીય સ્ત્રી !!
પણ એની થોડી ખાસિયતો એને બધાથી અલગ પાડે એ કપડાં સુંઘીને ધોવા નાંખે, જાણે કપડાની સુગંધ વડે પતિની વફાદારી ન માપતી હોય ! એને જુદી જુદી વાનગી બનાવવાનો ખૂબ શોખ અને ખાસ તો આ શોખ એણે એટલે વિકસાવ્યો છે કે એ મક્કમપણે માને છે કે પતિને ખુશ કરવાનો રસ્તો પેટમાંથી થઇને હૃદય સુધી જાય છે! પતિનાં આવવાનાં સમયે વાળ અચૂક ઓળે,દોડીને દરવાજો ખોલવા જાય! પતિ મોડોમોડો ઘરે આવે,સતત ફોન અને ટી.વી.માં ગૂંથાયેલો રહે. તો પણ આ બધું તે જોતી રહે ખામોશ રહીને ક્યારેય ફરિયાદ ન કરે.નાનકડાં ફ્લેટમાં,નાનકડી આવકમાં,નાનકડી દુનિયામાં ત્રણેય જણ રહે છે. પણ ઇલાને કાયમ એવો અહેસાસ થયા કરે કે પોપટ ભૂખ્યો નથી ,તરસ્યો નથી તો એનો મતલબ એમ પણ નથી કે એ સુખી છે !
અને. કોઇ એક દિવસે ડબ્બાસર્વીસની ભૂલને કારણે પતિને મોકલાયેલું ટીફીન ગલત એડ્રેસ પર એટલે કે આપણા હીરોભાઇ સાજન ફર્નાન્ડીસને પહોંચી જાય છે. સાંજ પડે ટીફીન સફાચટ થઇને પાછું આવતા જ તે ખુશ થઇ કે ચાલો પતિદેવને ભાવ્યુ,તે ખુશ થયા હશે ! પણ રાત્રે ખબર પડી કે ટીફીન તો ગલત જગ્યાએ પહોંચ્યુ હતુ ! બીજે દિવસે પતિને ભાવતી વાનગીની સાથે ડબ્બામાં એક ચીઠ્ઠી મુકાય અને ફરી ટીફીન ગલત સરનામે જાય ! જવાબમાં એક ચીઠ્ઠી આવે કે આજનું જમવાનું ‘ખારું’ હતુ ! હત્ત્ત..તેરી….!ન દુઆ..ન સલામ…ન સોરી..ન થેન્ક્યુ અને માત્ર ટીકા ! કેવો ખડૂસ માણસ ! પછીનાં દિવસે દેશપાંડે આન્ટીની સલાહ મુજબ લાલમરચાં નાંખીને તીખું તમતમાટ ભોજન મોકલી દે , વિધાઉટ ચીઠ્ઠી ( હેહેહેહે..જે કહેવું હતું તે રસોઇથી જ કહી દીધું હતુ :P ) અને આમ સિલસિલો શરુ થયો મૌન સંવાદનો અને બોલકી સંવેદનાનો ! કાળજીથી શાકભાજી લાવવા, એને ધોવા, ખાંખાંખોળા કરી નવી નવી રેસીપી મુજબ રાંધવા, ચીવટથી ટીફીનમાં ભરવા અને અફકોર્સ સ્વાદીષ્ટ ચીઠ્ઠીઓ લખવી એ હવે ઇલાનો નિત્યક્રમ બની ગયો ! સાંજે બેલ વાગતાં જ પરત ડબ્બો ( કે ચીઠ્ઠી !! ) લેવા દરવાજા પાસે હાજર જ હોય !
પતિનાં કપડાંની સુગંધ હવે કહી રહી હતી કે લગ્નજીવન ખરાબે ચડી રહ્યુ છે.પોતાના ડબ્બામિત્રની સલાહ મુજબ હર મુમકીન કોશીશ કરી જુએ કે બધું સરખુ થાય ! પરંતુ એમ ક્યાં વિખરાયેલું સહેલાઇથી સમેટાતું હોય છે સૈકાઓ વિતવા છતાં ! પતિની અવહેલના અને અનદેખા અન્જાના મિત્રનો હુંફાળો સાથ એને મુંઝવી રહ્યો છે..ટુ બી ઓર નોટ ટુબી ! આ નાદાનમાં કંઇ આવું બધું અઘરું અઘરું વિચારી શકે એવી ક્ષમતા ક્યાં હતી?બધુ છોડીને ક્યાંક ચાલ્યા જવાનો વિચાર આવ્યા કરે.દીકરીને ભણવામાં આવતુ હતુ કે ભૂટાનમાં ‘હેપીનેસ’ થી વિકાસ મપાય છે તે જાણ્યા પછી એ ભૂટાન નામનાં સુખપ્રદેશની કલ્પના કર્યા કરતી, એને ત્યાં સ્થાયી થવાના સપના આવતા.
અને ડબ્બા મિત્ર પણ જ્યારે મા-દિકરીની સાથે ભૂટાન જવાનો પ્રસ્તાવ મૂકે ત્યારે એને ભાન થાય કે અરે,આ માણસનું તો હું નામ પણ નથી જાણતી ! ચીઠ્ઠીમાં લખાઇને આવે નામ ‘સાજન ‘ ત્યારે એક સોળ વરસની મુગ્ધાની જેમ એ ‘સાજન’ ફિલ્મનાં ગીતો સાંભળવા લાગે ! એક સ્ત્રી હોવા છતા એક વખત સાજનને રુબરુ મળવાની ઇચ્છા…અરે ઇચ્છા શુ? ફેંસલો જ જાહેર કરી દે છે કે ફલાણી જગ્યા પર ફલાણા સમયે ફલાણી વાનગી ખાતા ખાતા એ વાત કહીશ જે અહિંયા ચીઠ્ઠીમાં લખીને ભૂંસી નાંખી છે ! એ સ્ત્રી નિયત સ્થળે જાય,કલાકો રાહ જોતી બેસી રહે દ્વાર પર આંખો ચિપકાવીને પણ એ નથી આવતો જેને એ શોધતી હતી જેની સમક્ષ પોતાની લાગણી પ્રદર્શિત કરવી હતી ! હાં એ જરુર આવ્યો જેને એ ઓળખતી હતી. પણ જાહેર ન થઇ શક્યો! અને ચુપચાપ ચાલ્યો ગયો.
નિરાશ થઇ ને પાછા આવવું…બીજા દિવસે ખાલીખમ્મ ટીફીન મોકલવું અને જવાબમાં લાંબોલચક ખુલાસો આવવો.સાર માત્ર એટલો જ કે હું આ સંબંધમા આગળ વધવા નથી માંગતો! પોતે છંછેડાઇ જાય.,હતાશ થાય અને ભગ્ન હ્રદયે એક નક્કર ફેંસલો કરી બેસે છે. પોતાના તમામ દાગીના વેંચી દિકરી સાથે ભૂટાન જતા રહેવું..જ્યાં માત્ર સુખ જ સુખ હોય !
પ્રેમ કેવી અદભૂત જાદુઇ છડી ! જેને જોયો નથી , ફોનાઆ સુદ્ધા કર્યો નથી,સાંભળ્યો, રુબરુ મળી નથી,અરે નામ સુધ્ધા નહતી જાણતી હમણાં સુધી તો ! એને પોતાનો માની બેસે !એવો માણસ જેને વિચારોથી અનુભવ્યો છે. કોઇ એક સ્તરે બન્નેની ચેતના એક થઇ ગઇ છે અને તેથી જ જન્મોનો નાતો હોય એટલી લાગણી અનુભવે છે.
આ એવી સ્ત્રી જે થોડી બુદ્ધુ થોડી બાઘી થોડી આફૂડી અને ઘણીબધી લાગણીશીલ હતી . તેમ છતાં સમાજનાં નિયમોથી વિરુદ્ધ જઇને પોતાનાથી અનેક વર્ષો મોટા પુરુષને સામેથી મળવા જવાની , પ્રેમ નો પ્રસ્તાવ મુકવાની , સાથે જીંદગી વિતાવવાની હિંમત બતાવી જાય છે.સ્ત્રીનાં કેટલા રંગો !!! બધાં જ નિરાળા !
હવે વાત કરીએ હીરોભાઇની એટલે કે સાજન ફર્નાન્ડીસની .આ ફિલ્મનો હીરો એટલે કે ઇરફાન ખાન આ ફિલ્મની જાન .રીટાયરમેન્ટને એક મહિનો બાકી હોય એવો એક પુરુષ. જે એકધારી સપાટ જીંદગી જીવતો,બસ-ટ્રેઇનનાં ધક્કાથી ઘરથી ઓફીસ સુધી ફંગોળાતો એક આમ આદમી! વિધૂર, એકાકી, ઓછાબોલો, પોતાના કામમાં સચોટ છતાં ય જાણે જીવતો જાગતો સામાન !
સાંજ પડે સિગારેટ ફૂંકતો બાલ્કનીમાંથી ઝાંકતો રહે દુનિયાને.લોકો તેને જોઇને બારી બંધ કરી દે..અને આ માણસ જાણે પુરાઇ જાય પોતનામાં ! આસપાસ હરીભરી વસ્તી છે, બાળકો છે, રમતો છે પણ આ એકલરામ તો બધાંથી અલિપ્ત !જૂની સીરીયલો અને ફિલ્મો જોયે રાખે,ક્યારેક રેડીયો પણ સાંભળે ! ભૂતકાળને વાગોળ્યા કરે અને ભૂતકાળ થતો રહે ! પોતાના એકદંડિયા મહેલનો પોતેજ માલિક અને પોતે જ ચોકીદાર બની પસ્તી જેવાં દિવસો ફાડતો રહે!
એક દિવસ મુંબઇની જગમશહૂર ડબ્બા સર્વીસની એક હસીન ભૂલને કારણે એક ગલત ડબ્બો (ટીફીન) ગલત સરનામે પહોંચે છે.
હીરો ડબ્બાની ખૂશ્બુ પરથી રસોઇનો અંદાઝ લગાવી લે અને પેટભરીને જમે.ડબ્બો સફાચટ થઇને પરત જાય..બન્ને પક્ષ જાણી જાય પ્રથમ દિવસે જ કે સરનામું ગલત છે ! તો પણ ગલતી દોહરાતી રહે.રોજ રોજ નવી નવી રેસીપીઝ ટ્રાય થતી રહે ક્યારેક રેડીયો પરથી. ક્યારેક દાદીમાની ડાયરીમાંથી અને સ્વાદનો સંબંધ આગળ વધતો રહે.ટીફીનમાં ચીઠ્ઠીઓ આવ-જા થતી રહે.સંવેદનાઓ શેર થતી જાય. નામ- સરનામું- ઓળખ કશું જાણતા ન હોય એવાં બે પાત્રો નજદીક આવતા જાય.
અને આ બધામાં હીરોભાઇની એકટીંગ..દાદુ !
કોરી સ્લેટ જેવા ચહેરા વાળો માણસ મુસ્કુરાતો થાય ! ટીનએજરની જેમ ટીફીનમાં આવતી ચીઠ્ઠી વાંચવા અધિરો થાય ! આસપાસની દુનિયામાં રસ લેતો થાય ! ઓફીસ અને ફાઇલોમાંથી બહાર નિકળતો થાય ! લોકો સાથે સંવાદ સાધતો થાય ! માત્ર ચીઠ્ઠીમાં લખાયેલા વર્ણનોને જીવંતતાથી સંવેદતો થાય ! આહા..એનાંમાં ઉગતી કૂંપળો આપણે જોઇ શકીએ નજરોનજર ! સામેનાં સ્ત્રી પાત્રનાં સુખ-દુઃખમાં ફ્રેન્ડ, ફીલોસોફર, ગાઇડની ભૂમિકા ભજવતો રહે.કોઇ જ ટાયલાંવેડા કર્યા વગર માણસ કોઇ પણ ઉંમરે પ્રેમમાં પડી શકે છે એનું અદભૂત ઉદારણ આપતી હીરોની અભિનયકલા! એ લાગણીઓ ઝીલતો રહે,અનુભવતો રહે,જતાવતો રહે અને એ ભાવપ્રવાહમાં દર્શકોને ખેંચતો રહે જાણે એક મખમલી ટચ !
પેલી સ્ત્રી પોતાનાથી ઘણીબધી નાની છે, કોઇની પત્ની છે,માતા છે એ વાતથી પુરો ખબરદાર ! એ બધું જ સમજે છે સારી પેઠે તેથી જ નથી સરનામું માંગ્યુ ,ન ફોન નંબર કે ન મળવાની કોઇ ઇચ્છા જાહેર કરી ક્યારેય .લાગણી રુબરુ જાહેર કરવાનાં પ્રયાસ રુપે સ્ત્રી સામેથી મળવાની વાત કરે છે ત્યારે હોંશથી હામી તો ભરી દે છે.સવારે તૈયાર થાય છે ઉત્સાહથી પણ અચાનક અરીસામાં દેખાયેલ દાઢીનો સફેદ વાળ એને સફાળો ચોંકાવી દે છે…ઓછામાં પુરુ ટ્રેઇનમાં કોઇ યુવાન માણસ દ્વારા થતું ‘અંકલ’ નું સંબોધન તેને જગાડી દેવા પુરતું હતું !તે નિયત સ્થળે જાય છે દૂરથી કંઇક અસમંજસથી વિહવળ થતો..થતો પોતાની પ્રિય સ્ત્રીમિત્રને જોઇ રહે છે પરંતુ પોતાને જાહેર નથી કરતો. મુગ્ધતાથી તાકી રહે છે એવાં સ્વપ્નને જેણે પોતાને સપનાં જોતો કર્યો છે ! એની સુંદરતાને નિહાળ્યા કરે છે ચુપચાપ..અસહાય બનીને ! અને એ પાછો ફરી જાય છે પોતાના એકદંડિયા મહેલમાં !
એક ફેંસલો કરી નિકળી પડે છે ઘેરથી કે હવે કોઇ બીજા શહેરમાં કાયમ માટે ચાલ્યા જવું.
આમ તો અહિંયા ફિલ્મનો અંત આવતો લાગે. પરંતુ કમાલ એ છે કે વાર્તા અહિંથી શરુ થાય છે.દર્શકોનાં દિલોદિમાગમાં ! ટ્રેઇનમાં તો બેસી જાય છે આપણાં હીરોભાઇ..પરંતુ પરત આવે છે કંઇક નિશ્ચય કરીને..એક નવા કિરણની રોશની લઇને અને પેલા ડબ્બા સર્વીસના કામદારોનો સંપર્ક કરે છે.પોતાના ડબ્બાનો કોડ આપે છે અને નીકળી પડે છે એક ગલત પર ટીફીન મોકલતી સ્ત્રીના એડ્રેસની શોધમાં ! અને વિચારે છે કભી કભી ગલત ટ્રેઇન ભી સહી જગહ પહોંચા દેતી હૈ.
મિત્રો આ મુખ્ય પાત્રો સિવાય ફિલ્મમાં બીજા અનેક જાનદાર પાત્રો છે એમાના એક એટલે દેશપાંડે આન્ટી,જેનું પાત્ર ‘મીસ્ટર ઇન્ડીયા’ જેવું છે..જો દિખાઇ ન દે સિર્ફ સુનાઇ દે , હાં આ પાત્રને ક્યારેય પડદા પર બતાવવામાં આવતું નથી તેમ છતાં એમની હાજરી સતત અનુભવાય.તે ઇલાની હર વાતથી વાકેફ,તેના દરેક નાનામોટા નિર્ણયોમાં ભાગીદાર, ડબ્બામિત્ર સાથેનાં સંબંધમાં આગળ વધવામાં એમનો પુરો સહકાર. તેમ છતાં પોતે પાછા પુરેપુરા પતિવ્રતા ! અનેક વર્ષોથી એનો પતિ કોમામાં છે છતા પોતે જરાય કંટાળ્યા વગર સેવા કરતા રહે.ન ફરિયાદ.ન કકળાટ પતિ જાગતા હોય ત્યારે પંખાને તાક્યા કરે તેથી એમને ડર..કે પતિનો જીવ પંખામાં તો નહી હોય ! જો પંખો બંધ થશે અને પતિનો જીવ ચાલ્યો જશે તો ? એ વિચારી એમણે જનરેટર વસાવ્યુ છે. હદ તો ત્યારે થાય જ્યારે એ ચાલતો પંખો સાફ કરે છે..બોલો ! આ પણ એક લગ્નજીવનછે ! આ પણ એક લાગણીનો સંબંધ છે. અને આ પણ એક સ્ત્રી છે પણ સાવ અલગ !
એક પાત્ર ઇલાની મમ્મીનું..એનો પતિ ફેફસાનાં કેન્સરથી પીડાતો.વર્ષોથી પથારીમાં સુતો રહે છે.આખો દિવસ બસ..નાસ્તો, નહાવુ અને દવાના રુટીનમાં પસાર કર્યા કરતી આ સ્ત્રી પણ અજીબ છે . પોતે ટી.વી.ની જબરી શોખીન પણ પતિની દવા માટે ટી.વી. વેંચી દે ખૂબ સ્વમાની છતા ના છૂટકે દિકરીની આર્થિક મદદ સ્વીકારે. વારંવાર આપઘાત કરેલા દિકરાને યાદ કરી વસવસો કરતી રહે અને એક દિવસ પતિ ચાલ્યો જાય મૃત્યુની દિશામાં અને આ સ્ત્રી વિચિત્ર બની જાય ! અનેક માણસોની હાજરીમાં પતિનાં મૃત્યુ પર રડવાને બદલે પોતાને લાગેલી ભૂખની,પરોઠા ખાવાની ઇચ્છાની,એમ્બ્યુલન્સનાં સફેદ કલરની,એની પરની ્લાલ લાઇટની ,પોતાના બકવાસ લગ્નજીવનની,ઉબાઇ ગયેલી જીંદગીની વાતો કરવા લાગે ત્યારે તાજ્જુબ થાય.કે સાલ્લુ..આટલા વર્ષોથી ચુપચાપ સેવા કરતી સ્ત્રીનં મનમાં આટલું ધરબાયેલું પડ્યુ હશે ? જે અચાનક બહાર આવી ગયુ !
આ ફિલ્મમાં આમ જુઓ તો મુખ્ય પાત્ર ‘ડબ્બો’ જ છે પરંતુ આ ત્રણેય સામાન્ય લાગતી સ્ત્રીઓ અસામન્ય બની જાય છે. સમાજ , સમય , સંજોગો સાથે પોતાની ક્ષમતા મુજબ મક્કમતાથી લડીને પોતાની જાતને ન્યાય આપે છે. પોતાના અસ્તિત્વનો પોતે જ સ્વીકાર કરે છે.દરેક ખામીઓ ખૂબીઓ સહિત પોતાને પ્રેમ કરી શકે છે.
તો આવા નાનાનાના સંવેદનોથી ગુંથાયેલી આ ફિલ્મ જોવાનું જોખમ જરુર લેજો મિત્રો. આપ બૉર નહી થાઓ એની મારી ગેરંટી!
---પારુલ ખખ્ખર