ફ્યુનરલ હળવા હૈયે Rekha Vinod Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્યુનરલ હળવા હૈયે

શહેરની સીટી હોસ્પીટલના સ્પેશ્યલ વોર્ડમાં સફેદ ચાદર અને સફેદ ઓશિકા ઉપર મારો કરચલી મઢ્યો શાંત ચહેરો આરામ થી બંધ આંખે પોઢ્યો હતો , કમરામાં એરકન્ડીશન ચાલુ હતું છતાં બધાના ચહેરા ઉપર વ્યગ્રતા હતી સિવાય હું. હું આરામ થી મારી આસપાસ થતી હલચલને માણતો હતો

આજે મારા આ શરીર સાથેની જીવન યાત્રાનો છેલ્લો દિવસ હતો. હું મારો સમય સાચવીને પ્રભુના ચરણે જવા ઉતાવળો થયેલો જીવ માત્ર હતો , કારણ સમય સાથે મારું આ શરીર હવે મને સંઘરવા તૈયાર નહોતું , અને લાંબી ચાલેલી બીમારીને કારણે હવે સગાવ્હાલાં પણ મને રાખ બનાવવા ઉતાવળા થયેલા હતા. આ આંખો મારી બંધ હતી પણ હું જીવ અંદર બેઠો બેઠો આ બધું બરાબર નિહાળતો મનમાં હસતો હતો.


મારા વ્હાલાં કાલ સુધી તો મારી આગળ પાછળ ફરતા હતા અને જ્યાં મેં મારું આજ સુધીનું સંઘરેલું સાચવેલું વહેચી આપ્યું પછી તો બધા આ ડોસો ક્યારે ઉકલે અને આપણે છુટા થઈયે વિચારતાં માથે હાથ દઈને હોસ્પીટલના કોરીડોર પાસે આટાં મારતા હતા.


મારી બંને વહુઓ મારી પાસે બેસી ગીતાના પાઠ કરતી હતી કે ડોસાનો જીવ જલ્દી છૂટે ,એક મારી દીકરીને જીવ બળતો હોય તેવું લાગતું હતું છતાં તેને પણ ભાણીયાને પરીક્ષા માથા ઉપર છે કોણ જાણે તે ત્યાં શું કરશે વિચારીને બબળતી હતી .


અને દીકરાઓ ની ચર્ચા સાંભળતાં હું જતા જતા પણ હસી પડ્યો.

"
ભાઈ આ બાપુએ બેંકમાં એટલા જ રાખ્યા હશે? કે પછી બીજા કોઈને આપતા ગયા છે ?

"
બીજા કોને આપવાના હતા ? આ છેલ્લા છ મહિના થી તો ખાટલે પડયા છે ".

"
હા વાત તો સાચી છે પણ પેલો કાકાનો મનીયો આજકાલ રોજ આવતો હતો ,મને તો લાગે છે બાપુએ એકાદ લાખનો ચેક તેને ફાડી આપ્યો હોય".


આ બાપા તો મરતા મરતા પણ મારતા જાય એવા છે , ખેર આ દસ લાખ તો પાંચ પાંચ આપણે વહેંચી લઈશું અને બાકીનું વકીલ સાહેબ કરી આપશે " મોટો બોલ્યો.


એટલામાં તો મારો લંગોટીયો મિત્ર શાંતિલાલ આવ્યો, તેને જોતા નાનો અને મોટો પોક મૂકી રડવા બેઠા.

"
કાકા લાગે છે બાપુનો છેલ્લો ટાઈમ આવી ગયો ,પહેલા માં ગઈ અને હવે બાપુ. અમે તો અનાથ થઇ જવાના " હું બંધ આખે મનોમન બહુ હસ્યો. "માળાઓ નાટકમાં ભરતી થાય તેવા જ છે ".


શાંતિ મારા માથા પાસે આવ્યો મારા માથા ઉપર હાથ ફેરવીને માત્ર એટલું બોલ્યો " જવાનો મને એકલો મુકીને ? મારી રાહ જોવી હતીને ! "
બસ આ સમયે જરા લાગી આવ્યું.......

બધા નાટક કરતા બહાર ગયા ત્યાંતો નાની વહુ પર્સ માંથી મોબાઈલ કાઢી વાતોએ વળગી,
"
ડોલી, લાગે છે મારા સસરા ફાઈનલી હવે સ્વર્ગે સિધાવી જશે , તું એક કામ કર મારે પહેરવાં માટે બે સારી સફેદ સાડી ઈસ્ત્રી કરાવી તૈયાર રાખજે અને હા જો હું ટાઈમ મળે તો આઇબ્રો વગેરે કરાવવા તારા ઘરે આવી જઈશ અત્યારે પાર્લરમાં કોઈ જોઈ લે તો સારું ના લાગે અને હું નથી ઈચ્છતી બધા ઘેર શોક કરવા આવે ત્યારે હું રડતાં ચહેરે પણ ખરાબ લાગુ ".

એટલામાં મોટી વહુ આવી " નિશા મારા કપડાંની પણ વ્યવસ્થા કરાવજે આમેય તને બધેજ સારા દેખાવા ના કોડ છે , હું મોટી છુ બધા મને પહેલા મળવા આવશે અને મારે આગળ બેસવાનું છે , તારું એકલીનું સારું દેખાડવાના કોડમાં આ બાપુના નવા કપડા તૈયાર કરાવવાનું ભૂલી નાં જતી" મોટી વહુ બોલી

"
ભાભી તમે એની ચિંતા નાં કરશો છ મહિના પહેલાથી હું બધું તૈયાર કરાવી બેઠી છું કે ક્યારે આ ઘડી આવે , હાશ હવે લાગે છે બસ આજનો દિવસ " નાની વહુને ખુશ થતા જોઈ હું પણ રાજી થયો, હશે મારા જવાથી બધા ખુશ છે બીજુ મારે શું જોઈએ. જો મન જતા જતા પણ સુખ વ્હેચીને જવું જોઈએ આટલું વિચારતા તો ઘડીક શરીરમાં ચેતના વર્તાઈ .

જોઈ બંને વહુઓના મ્હો પડી ગયા " ઓ મારે બાપુ પાછાં આવતા જાય છે ", સાંભળતાં હું વળી જડ થઈ ગયો અને તેમના ચહેરે આનંદ છવાયો.

"
ભાભી આતો બુઝાતો દીવડો જતા જતા જરાક ટમટમી જાય " બટકબોલી નાની વહુ બોલી.

એટલામાં વોર્ડબોય ગુનગુનાવતો ત્યાં આવ્યો " હમ ખાલી આયે હૈ હમ ખાલી હાથ જાયેગે , બસ પ્યારકે દો મીઠે બોલ ગુનગુનાયેગેં "


સાવ સાચું બોલ્યો આ બોય "આવ્યો ત્યારે હાથ ખાલી હતા બસ મુઠ્ઠીમાં નશીબની રેખાઓ ભરીને આવ્યો હતો, એ રેખાઓ અને પરિશ્રમને કારણે હું લાખો રૂપિયા કમાયો અને આજે એ બધા છોકરાઓની માટે મૂકી સાવ ખાલી હાથે જવાનો છુ" , પણ આ દો મીઠે બોલ એટલે શું ?

ત્યાંતો મારા ઘરની પાછળ આવેલા વૃદ્ધાશ્રમ માંથી પાંચ છ વૃધ્ધો લાકડીનાં ટેકે ત્યાં આવી ચડયા " મારી આજુબાજુ આંખમાં આંસુ સાથે ઉભા હતા કઈ પણ વધારે બોલ્યા વિના ગીતાના આઠમા અઘ્યાયનું વાચન કર્યું અને શાંતિ પાઠ કરી બોલ્યા " મિત્ર, તમે ઉદારતાથી અમારા વૃદ્ધાશ્રમમાં લાવી આપેલા મોટા બાવન ઇંચના ટીવીમાં અમે રોજ કથા કીર્તન જોઈયે છીએ અને સાંભળીયે છીએ ,તમારી સદા મીઠી યાદ રહેશે ".

ત્યાં વળી મારા મોટા દીકરાનો અવાજ કાને અફળાયો તે ફોન ઉપર કોઈને સલાહ આપી રહ્યો હતો " જો સતીશ મારે વિડીયો વાળો પણ જોઇશે ,બાપુજીની મરણોન્તર બધીજ ક્રિયાઓની આપણે એક ડીવીડી બનાવવી છે અને લોકલ ન્યૂઝપેપરમાં પણ મારે આ વિષે આપવું છે તો કોઈ પાસે બે ચાર સારા વાક્યો લખાવી રાખજે , હા કોઈ કચાશ રાખતો નહિ ".
વળી તે આગળ બોલ્યો " સતીશ બાપુજીએ અમને બહુ પ્રેમ અને સુખ આપ્યા છે ,તેમની બધીજ ક્રિયાઓ મારે વિધિ પૂર્વક કરાવી છે".

હું પડ્યો પડ્યો વિચારવા લાગ્યો " શું જમાનો આવ્યો છે , મોટાના જન્મ વખતે પણ મેં જેટલો ઉત્સાહ બતાવ્યો તેટલો જ આજે તે મારા મરવા પાછળ બતાવે છે , "સાચી વાત છે ઘડપણ માં લીલી વાડીને જોઇને હેમખેમ જતા માણસ માટે હવે તો મોતને પણ ઉત્સવ ગણાય" ચાલો સારું થયું, હવે લાગે છે જવાનો સાચો સમય આવી ગયો . બધાનો પ્રેમ લઈને જઈયે છીએ આનાથી વધારે માણસને શું જોઈએ અને મેં આંખ બંધ કરી દીધી.

"વિદાયની વસમી વેળાએ રૂદિયામાથી ટહૂકો ભરજો સ્નેહથી

ના દેતા ઉના અશ્રુઓ બસ નનામીને ખંભો ધરજો સ્નેહથી "

"ચાલો આવજો સમય થઇ ગયો".. જય શ્રી કૃષ્ણ

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ )