MH 370 - 29 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

MH 370 - 29

29. હલ્લાબોલ..

આમ ઓચિંતું મે ડે એટલે મુશ્કેલીમાં છીએ, ઉગારો એવો મેસેજ ક્યાંક પહોંચ્યો. હવે ઈશ્વર પર શ્રદ્ધા. અમે બેટરી ચાર્જ થવા દીધી અને પ્લેનમાં ખાવા પીવા કશું જ ન હતું એટલે ફરીથી લટકીને પહેલાં હું કૂદ્યો, એના પગ પકડી મેં એને ઉતારી.

હવે મને એને સાવ નગ્ન જોઈ સંકોચ થયો. અમારાં કટીવસ્ત્રો કે જે કહો તે, દરિયાઈ વંટોળમાં ઉંચકાયા ત્યારે તણાઈ ગયેલાં. મેં પેલું કેળ જેવું લાંબું પાન લઈ  એમાં નર્સ ની ડોક જેટલું કાણું પાડી એને પહેરાવી દીધું. જાણે લીલો એપ્રોન.

એણે એની આવડત મુજબ એ વડ કમ ખાખરા જેવાં મોટાં પાન આસપાસ વડવાઈ જેવાં મૂળના છેડા તોડી સળીની જેમ પરોવી મને આપ્યું. કહે આપણા બેય તરફથી એકબીજાને ગિફ્ટ! મેં એ મારી કમર પર વીંટી લીધું.

હવે અમે ભુખ્યાં થયેલાં એ ખબર પડી. અમે વાવેલાં એ બટાકા ડુંગળી ક્યાં?

ત્યાં મને સૂઝ્યું. પેલો બિલોરી કાચ જેવો જાડો કાચ લઈ હવે અમે વરસાદની રાત કાઢેલી એ કાંટાળા ઘાસ ઉપર ધર્યો. મધ્યાન્હના સૂર્યથી થોડું તણખા અને ધૂમ્રસેર જેવું થયું. એ પૂરતું ન હતું.

એમ જ, રમતરમતમાં નર્સે એ બેટરી ખોલવા વાપરેલ પથરાઓ નીચે ફેંક્યા કર્યા.  એ લીલ જામેલા દરિયાઈ ખડકના ટુકડા જેવા લીલા કાળા હતા. એની એક બાજુ કરચ નીકળી સફેદ બ્રાઉન જેવો રંગ દેખાયો, જાણે શિંગોડું. એ કહે આ જો ચકમકનો  પથ્થર હોય તો?

તો પણ કામનું નહીં. એ ભેજથી ભીના હતા.

મહા પ્રયત્ને બિલોરી કાચથી સાવ સૂકું ઘાસ સળગ્યું એ સાથે અમુક સુકાં પાન  એકઠાં કરી એમાં હોમ્યાં ને જ્વાળાઓ પ્રગટી. એમાં પેલા પથ્થરોને નાખી એની ઉપર મેં બટાકા જેવું તોડી આવી નાખ્યું, એક ખુલી ગયેલું લીલું નારિયેળ નાખ્યું. નર્સે તો આસપાસમાંથી એકાદ મરેલો દેડકો જ નાખ્યો! ચાલો, ખાવાનું થઈ ગયું. ગંદુ તો ગંદુ, એ સૂકાં વહેણમાંથી થોડું ખોદી પાણી પણ પીધું. થોડો આરામ કર્યો.

આગ ઠરી જતાં એ પથરા ઉપાડી ફરી બીજી જગ્યાએ વધુ સૂકું, મોટા સૂકા કાંટાઓ વાળું હતું ત્યાં જઈ મેં કોઈ આશા વગર પથરા ઘસ્યા. નર્સ દોડતી દરિયા તરફ જઈ એવા બે ચાર પથરા લેતી આવી.

એ ઘસતાં તણખો પણ થયો ને ડાળીઓ પણ સળગી. એ ચકમક નહીં તો પણ અગ્નિ પ્રગટાવી શકે એવા ખડકો હતા.

હવે  મેં કહ્યું કે આપણા બીજા મિત્રો કેમ છે એ જોવા નીકળીએ.

સાંજ પડવા આવેલી. અમે એક  મોટી ડાળખી  લઈ એની પર સૂકું ઘાસ રાખી મશાલની જેમ આગ પેટાવેલી ડાળી ઊંચી કરી. નર્સ બીજી એક, પેલાં તૂટી પડેલ વડ જેવાં ઝાડની ડાળી લઈ પ્લેનની પાંખ પર ઢોલની જેમ વગાડવા લાગી. હું પણ પ્લેનની ટોચ પર ચડ્યો અને સામી તરફ નજર કરી.

એ સાથે અમારી નવી વસાહત  દૂર દેખાઈ. ત્યાંથી પણ કોઈ અવાજ આવ્યો. થોડી વારમાં પ્રકાશની સેર પણ. એ હલાવી ત્યાંથી કોઈ સિગ્નલ આપતું હતું.

અમે વિમાનમાં હવે કોઈ ટ્યુબ જેવું હોય તો શોધવા ગયાં જેથી એને અને કોઈ લાકડાંને સહારે એ બાજુ પહોંચાય. 

ત્યાં તો બિલકુલ અનઅપેક્ષિત, ટેકરી તરફથી પણ પ્રકાશ થયો અને મોટા ઢોલ જેવા અવાજો આવ્યા.

તરત જ એ ઢોલ જેવું વાગવા લાગ્યું, ચિચિયારીઓ પાડતા અવાજો અમારી તરફ આવવા લાગ્યા.

ફરીથી એ  આદિવાસીઓને અમે અહીં રહીએ એ પસંદ નહીં હોય એટલે હલ્લો બોલાવતા દોડતા આવી પહોંચ્યા.

પહેલાં મને થયું કે પ્લેનમાં છુપાઈ જઈએ. પણ એ લોકોને પ્લેનમાં ચડતાં ફાવતું હતું અને એ ભંગારથી જ  એમને ડર કે તિરસ્કાર હતો. એકાદ તીર પણ સનન.. કરતું આવ્યું.

વધુ વિચાર્યા વગર અમે એકબીજાના હાથ પકડી નીચા વળી જમીન રસ્તે જ એ પ્રકાશની સેર જોયેલી એ તરફ સાચે આંધળી દોટ મૂકી. 

અંધારામાં અમે અમને પણ જોઈ શકતાં ન હતાં. આગળ હાથ અને ડાળી રાખી અંધ માણસ લાકડીથી રસ્તો ગોતે એમ જંગલનાં વૃક્ષો વચ્ચેથી ભાગ્યાં. પાછળ જ સૂકાં  પાંદડાંઓ પર અનેક લોકોના પગરવ સંભળાયા. 

અમે એક ખાખરા કમ વડ જેવાં ઝાડ પાછળ લપાઈને  જમીન પર સૂઈ ગયાં. મોટાં પાન અમારી ઉપર ઓઢી લીધાં.

 

અમારાં પ્લેન પાસે એ લોકોના ચિચિયારીના અવાજો આવ્યા.  એકાદ તીર અંધારામાં આવ્યું પણ  અમારી ઉપરથી ચાલ્યું ગયું.

ક્રમશ: