ભાગવત રહસ્ય - 187 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 187

ભાગવત રહસ્ય- ૧૮૭

સ્કંધ-૯

 

સ્કંધ-૯-આ સ્કંધની શરૂઆત કરતાં પહેલાં અત્યાર સુધીમાં આવી ગયેલા સ્કંધોના તત્વજ્ઞાનનું થોડું મનન કરીએ.(૧)-પહેલાં સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન છે.

શિષ્યનો અધિકાર બતાવ્યો. અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે,એ સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું,પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો.

વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય એટલે જીવમાં અધિકાર આવે છે.અધિકાર વગર જ્ઞાન દીપે નહિ. અનાધિકારી જ્ઞાનનો દુરુયોગ કરે છે.

 

વૈરાગ્ય ધારણ કરીને જે બહાર નીકળે છે,તે સંત બંને છે,અને તેને ત્યાં સદગુરુ આપોઆપ પધારે છે.

સંત ને ત્યાં જ સંત પધારે.

 

(૨)-બીજા સ્કંધમાં આવી જ્ઞાનલીલા.

મનુષ્યમાત્રનું કર્તવ્ય શું છે? મૃત્યુ નજીક આવેલ મનુષ્યનું કર્તવ્ય શું છે?

આ પ્રશ્નોની ચર્ચા કરી જ્ઞાન આપ્યું.મનુષ્ય જીવન ભોગ ભોગવવા માટે આપ્યું નથી,

પણ માનવ શરીર ઈશ્વરની આરાધના કરીને ઈશ્વરને પ્રાપ્ત કરવા આપ્યું છે.

 

(૩)-ત્રીજા સ્કંધમાં આવી સર્ગ-વિસર્ગલીલા.

જ્ઞાનને ક્રિયાત્મક કરવાનો બોધ આપ્યો.જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું? તે બતાવ્યું.

જ્ઞાન શબ્દાત્મક (માત્ર શબ્દોવાળું) છે ત્યાં સુધી શાંતિ નથી, જ્ઞાન ક્રિયાત્મક બંને ત્યારે શાંતિ મળે.

 

(૪)-આ જ્ઞાનને જીવનમાં ઉતારનારના ચારે પુરુષાર્થો સિદ્ધ થાય છે,

એટલે ચોથા સ્કંધ માં ચાર પુરુષાર્થો ની કથા છે.

 

(૫)-પાંચમા સ્કંધમાં સ્થિતિ લીલા છે.

જ્ઞાનને જીવન માં ઉતારે તેની સ્થિરતા થાય –જ્ઞાની અને ભાગવત પરમહંસોના લક્ષણો બતાવ્યા છે.

સર્વના માલિક એક પરમાત્મા છે.

 

(૬)-છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિલીલા-અનુગ્રહલીલા વર્ણવી. પ્રભુ માટે જે સાધન કરે તેના પર પ્રભુ કૃપા કરે છે.

(૭)-સાતમાં સ્કંધમાં વાસનાલીલાનું વર્ણન છે.

મનુષ્ય પ્રભુકૃપાનો ઉપયોગ ન કરે તો વાસના વધે છે,તેનામાં વાસના જાગે છે.

(૮)-તેથી અસદવાસના દૂર કરવા-સંતોના ચાર ધર્મો-આઠમા સ્કંધમાં કહ્યા.

 

(૯)-હવે નવમા સ્કંધમાં સૂર્યવંશ અને ચંદ્રવંશ –ના બે પ્રકરણો આવશે.

સૂર્ય બુદ્ધિના માલિક છે અને ચંદ્ર મનના માલિક છે. બુદ્ધિની શુદ્ધિ કરવા સૂર્યવંશમાં રામચંદ્રજીનું અને

મનની શુદ્ધિ કરવા ચન્દ્રવંશમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું.

 

સંતોના ચાર ધર્મો-

(૧)-આપત્તિમાં હરિનું સ્મરણ –ગજેન્દ્રની જેમ

(૨)-સંપત્તિમાં સર્વસ્વનું દાન.-બલિરાજાની જેમ.

(૩)-વિપત્તિમાં સ્વ-વચન પરિપાલન- બલિરાજાની જેમ.

(૪)-સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ-સત્યવ્રતની જેમ.

સંતોના આ ચાર ધર્મો જીવનમાં ઉતારી ને વાસનાનો વિનાશ કરી શકાય છે.

વાસનાને પ્રભુભક્તિમાં વળે તો વાસના જ ભક્તિ બને છે.

 

રાસલીલામાં પ્રભુને મળવું હોય પણ જો વાસનાનું આવરણ હોય તો-તે મિલનમાં આનંદ આવતો નથી.

વાસનાનો નાશ (ક્ષય) થાય તો જ -તે પછી રાસલીલામાં જીવ-ઈશ્વરનું મિલન થાય છે.સંયમ અને સદાચારનો આશરો લે તો રાસલીલામાં તેને સ્થાન મળે છે.

 

આઠમા સ્કંધમાં સંતોના ચાર ધર્મો બતાવ્યા તેમ છતાં શુકદેવજીને લાગ્યું કે હજુ પરીક્ષિતના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે.અને રાજા જો સૂક્ષ્મ વાસના લઈને રાસલીલામાં જશે તો તેને રાસલીલામાં

કામ દેખાશે.રાસલીલામાં તેને લૌકિક કામાચાર દેખાશે.

 

જેના મનમાં કામ હોય તેને સર્વત્ર કામ દેખાય. રાસલીલામાં બિલકુલ કામ નથી.

માનવની બુદ્ધિ કામથી ભરેલી છે,તેથી પ્રભુની નિષ્કામ લીલામાં તેમને કામની ગંધ આવે છે.

શ્રીકૃષ્ણ પાસે કામ જઈ શકે જ નહિ,સૂર્ય પાસે અંધકાર જઈ ન શકે તેમ.

રાજાની બુદ્ધિ શુદ્ધ કરવા નવમા સ્કંધમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના ઇતિહાસ કહ્યા.

 

 

 - - - - - - - - - - - -     - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -