આસપાસની વાતો ખાસ - 13 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસપાસની વાતો ખાસ - 13

13. પળવારની હિંમત

“બેટા કેમ આટલી હાંફે છે?   સહેજ નિરાંતે બેસ અને કહે કે શું થયું.” મા એ હમણાં જ સ્કુલેથી આવી  ઘરમાં પ્રવેશેલી પુત્રીને પૂછ્યું.

સહેજ વિરામ લઈ પુત્રી કહેવા લાગી.

"મમ્મી, આજે  ઘેર આવતાં શું થયું કહું?  તેં કહેલું કે  સ્કૂલેથી નીકળ્યા પછી એક વાર સાઇકલ શરૂ કરી એટલે પાછળ જોવું નહીં ને ક્યાંય  અટકવું નહીં એ વાત આજે કામ આવી."  

હવે સ્કુલેથી આવતાં  હજી ખભે રહેલ દફતર એક બાજુ ફેંકતી છોકરી  એની મા ને  આજે સ્કુલેથી આવતાં જે બન્યું તેની વાત કહેવા લાગી.

મા ખુશ થઈ કે દીકરીએ કાઈંક સારું કામ કર્યું.

"એમ! એવું તે શું થયું?" માએ તેનું દફતર  લઈને ઠેકાણે મુકતાં તેને હળવેથી પંપાળતાં પૂછ્યું. 

"હું સ્કુલેથી ઘેર આવવા સાઇકલ ચલાવતી આવતી હતી. મને ટુંકો રસ્તો લેવાનું મન થયું. હું  મેઇન રોડ મૂકી પેલા … રોડ પાછળની એક શેરીમાંથી નીકળી ત્યાં તો  એક ઝાડના છાંયે આરામ કરતા કૂતરાઓનું ટોળું ભસતું ભસતું દોડ્યું!  બધા કૂતરાઓએ મને  ભસતાં ભસતાં ઘેરી લીધી.  એક વાર તો હું ડરી  ગઈ તો પણ હું જોરથી પેડલ મારતી  ત્યાંથી ભાગી.” 

“એમ? પછી શું થયું? કૂતરાઓ અટકી ગયા?” માએ પૂછ્યું.

“પછી શું થયું એ કહું? સાંભળવા જેવું છે.”

દીકરી મા નો હાથ પકડતી બોલી.

“બોલ ને બેટા!  તને કૂતરાઓ ઘેરી વળ્યાં. પછી શું થયું?” મા એ દીકરીની ઉત્સાહથી કહેવાતી વાત સાંભળવા તેને પોરો ચડાવ્યો.

દીકરીએ વાત આગળ ચલાવી.

“પછી તો, મમ્મી, એક કૂતરો સાઇકલની  પાછળ પડ્યો. એ પણ ભસતો ભસતો જોરથી મારી પાછળ  દોડવા લાગ્યો. મેં તેં કહેલું એમ ન પાછળ જોયું ન કૂતરાંની આંખમાં. 

એ તો મોટેથી ભસતું ને હજી પણ મારી તરફ દોડતું, દાંત બતાવતું નજીક આવી પહોંચ્યું. કોણ જાણે કેમ, આગળ જઈ અટકી જવાને બદલે એ તો મારી પાછળ પાછળ દોડતું  એકદમ નજીક આવી ગયું. જાણે હમણાં સાઇકલનાં પેડલ કે પૈડાં પર એટેક કરશે એવું લાગ્યું. 

મેં  એનાથી બચવા મારી સાઇકલ વાંકીચૂંકી ભગાવી પણ એ તો  કૂદતું  કૂદતું સાથે  થઈ આવ્યું. હું પૂરી તાકાતથી બીજી શેરીમાંથી થઈને ભાગી. એમાં વળી  ઝડપથી પેડલ મારવા જતાં ચેઇન ઉતરી ગઈ. 

હું કોઈ  સહેજ ઊંચા ઓટલાનો ટેકો લઈ એક ખૂણે  સાઇકલ રાખી ચેઇન ચડાવું ત્યાં  મારી ગંધથી કે ગમે તે રીતે એ પણ   ત્યાં આવી ગયું. ચેઇન તો ફટાફટ ચડી ગઈ. ફરીથી મેં જોરથી પેડલ મારી સાઇકલ શરૂ કરી દીધી. પછી તો છે ને, મમ્મી, હું તો થાય એટલી ઝડપથી ભાગી જવા લાગી. હું સખત હાંફતી હતી. આગળ શેરીનાં નાકાં સુધી પહોંચું ત્યાં તો એ  ત્યાં પણ  મારી સાથે થઈ ગયું. ભસતાં ભસતાં એણે મોં ફાડ્યું. મારો પગ એના મોં માં આવ્યો તો પણ હું થોભી નહીં. 

હવે  જો હું ઊભું તો  જોખમ લાગ્યું. 

એ ખૂબ ગુસ્સામાં લાગ્યું. કદાચ હડકાયું પણ હોય. એના મોં માં મારો પગ તો આવી ગયો, મેં ભલે એક વાર બેલેન્સ જાય, સાઇકલ વહેતી રહે ત્યાં બીજા પગ થી એના પેટ પર લાત મારી. હું એ સહેજ ઊભે ત્યાં  ફરીથી આગળ ઝુકી પેડલ મારતી ભાગી. સહેજ ગઈ ત્યાં તો મેઈન રોડ આવી ગયો. એ કૂતરું સહેજ થોભ્યું  ત્યાં હું નીકળી ગઈ.  ભલે સ્કૂલના બૂટમાં એના દાંતે કાણું પાડી દીધું પણ મોજાંને કારણે બચી. મને એ કરડી શક્યું નહીં.”

“શાબાશ દીકરી, તેં ન પાછળ જોયું, ન ઊભી રહી. પણ એક વાત કહે, કૂતરું સામાન્ય રીતે પોતાની શેરી છોડી બીજી શેરીમાં જાય નહીં.  નહીં તો તરત બીજી શેરીનાં કૂતરાં એને ઘેરી વળે.

મને એ કહે, કૂતરો બીજી શેરીઓમાં થઈ સાઇકલ સાથે દોડતો બીજી શેરીમાં થઈ બીજા રસ્તે, આટલું બધું આવ્યો કઈ રીતે?

અને તેં પગ માર્યો પણ તારા હાથ પર પણ ઉઝરડા છે, વાળ પણ વિખરાઈ ગયા છે. સાચું બોલ, શું બનેલું?”

છોકરી એક ક્ષણ નીચું જોઈ ગઈ.

મા એ તેને સાંત્વન આપી ફરીથી શું બનેલું એ પૂછ્યું.

છોકરી હવે ઊંચું જોઈ બોલી “મા, એ બધા બે પગ વાળા કૂતરાઓ હતા. મવાલી જેવાઓ. પણ હું પહોંચી વળી. એના જડબાં પર  પગમાંથી ખેંચી જે બુટ  ઠોક્યો છે?  પહેલાં વધુ છોકરાઓ હતા પછી એ  એક જ. હું બરાબરની એને પહોંચી વળી.”

 તેં હિંમત ખૂબ સારી બતાવી. તું જરાય ડરી નહીં?” મા એ પૂછ્યું.

“મમ્મી, એમ તો હું  સખત ડરી ગયેલી. મારા મોં માંથી ચીસ પણ નીકળી ગઈ પણ ખરા બપોરે કોણ સાંભળે ને બારણું ખોલી મારી મદદે કોણ આવે? મેં એક વાર તો આંખ મીંચી હિંમત એકઠી કરી એને  લાત લગાવી જ દીધી અને પછી પણ  થોડી ઝપાઝપી કરી એને ફટકારી એક ક્ષણ રોકાયા વગર ત્યાંથી ભાગી.

અરે મમ્મી,   એને આંખ પર જ બુટ માર્યો. પછી સાઇકલ ચાલુ કરતાં એક લાત જે ફટકારી!

ઓચિંતી આવેલ એ પળવારની હિંમતે જ મને બચાવી."

***