રાય કરણ ઘેલો - ભાગ 19 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાય કરણ ઘેલો - ભાગ 19

૧૯

રાવળ સમરસિંહનો જવાબ

 

પોતાને જે વિચિત્ર અનુભવ થઇ ગયો તેમાંથી કાંઈ વિચારે કે મગજમાં ગોઠવે તે પહેલા જ માધવે રાવળજીનો સત્કારશબ્દ સાંભળ્યો: ‘આવો! માધવ મહેતા! આંહીં પાસે આવો. ક્યાંથી પાટણથી આવ્યા છો?’

માધવ બે હાથ જોડી નમન કરતો ત્યાં રાવળજીની પાસે ગયો. પણ તેનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું. એણે એક-બે પળમાં તો પદ્મિનીનાં એવાં રૂપ જોયાં હતાં કે એ કાંઈ વિચાર જ કરી શકતો ન હતો. રૂપમૂર્તિ, તેજમૂર્તિ, ભસ્મમૂર્તિ, એ ત્રણની દિવાસૃષ્ટિમાથી એ હજી મુક્ત થયો ન હતો. એ રાવળજીની વાતને પકડવા મથી રહ્યો હતો. રાવળજી બોલતા હતા: ‘બોલો ભા! કેમ આવ્યા છો?’

‘પ્રભુ! હું મહારાજ કરણરાયનો સંદેશો લઈને આવ્યો છું. એ આપને વિદિત કરવાનો છે.’

‘શું છે બોલોને ભા! પાટણનો સંદેશો અમારે સાંભળવા જેવો જ હશે.’

માધવે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! દેવગિરિ રોળાયું એ તો હવે ઘરઘરની વાત થઇ ગઈ છે.’

‘પણ રોળાય નહિ મહેતા? ત્યાં કોણ છે? પંડિત હેમાદ્રિ તો હજી ટીકાઓમાંથી જ ઊંચા નથી આવતા ને માથે તો દિલ્હી ગાજે છે. પછી શું થાય?’ વેદશર્મા બોલ્યો.

‘એ ખરું. પણ એના છાંટા બધે ઊડવાના છે. અમને ખબર મળ્યા છે, સુરત્રાણ ગુજરાત ઉપર આવવાનો વિચાર કરી રહ્યો છે.’

‘દિલ્હીવાળાનો એ વિચાર ક્યાં આજકાલનો છે મહેતા?’ રાજમાતાએ કહ્યું: ‘હું તો જુવાન હતી ત્યારથી એ સાંભળતી આવી છું. તે વખતે સસરાજીએ તો પાટણને કહ્યું’તું પણ ખરું કે ભૈ! અમને આ નડૂલ માલવા બધાંને પાંખમાં લઇ લેવા દો. વચ્ચે અમારા જેવું એક મોટું મથક પડ્યું હશે, તો સુરત્રાણ તમારે ત્યાં આવતા હજાર વખત વિચાર કરશે.

‘આ બધો અમારો પાડોશ છે. તમારાથી આઘેરા છે. નબળો પાડોશી મરે ને મારે એમ ધારીને સસરાજીએ કહ્યું હતું. કેમ સમરસિંહ! સાચું નાં? કેમ બોલતો નથી?’

‘હું શું બોલું મા! દાદાજીએ એ વાત કરી હતી. પિતાજીએ પણ એ કહી હતી. આજ હું પણ એ જ કહું છું. ત્રણ ત્રણ પેઢીથી એ વાત ચાલી આવે છે. મેદપાટ મહાન થઈને વચ્ચે પડ્યું હોત તો તમારે ત્યાં ગુજરાતમાં આજ કોઈ ફરકત પણ નહિ. પણ પાટણને માનવું નથી તેનું શું થાય? વિશળદેવજીને મેં સંદેશો પણ મોકલ્યો’તો કે ભૈ વધુ નહિ, ચંદ્રાવતી તો અમને આપો. કાંઈ જવાબ મળે નહિ. મહેતો કાંઈ જવાબ લાવ્યા હોય તો ભલે.’

માધવને વિચાર થઇ આવ્યો. વિશળનો સંદેશો હમણાં આવ્યો છે તે શાનો છે એમ સવાલ કરું. પણ એ ખામોશી પકડી રહ્યો. 

‘મહેતો તો લાવ્યા છે સમાચાર કે સુરત્રાણ આવે છે, ને તમે લડો!’ ડોશીમાની વાણીમાં જરાક કટૂતા આવી ગઈ. પણ તેણે તરત કાબૂ મેળવી લીધો.

‘પણ સમરસિંગ! આપણે મેદપાટમાં હવે જીવહિંસા જોવી નથી. જીવવું થોડું ને ધર્મવ્રત તોડવું? ભલે ચંદ્રાવતી પાટણને આંગણે રહેતું. આપણે નથી જોઈતું.’

‘મા! એમ નહિ. મહારાજ કરણરાય માને ને વિશળદેવે કહેવરાવ્યું છે તેમ, જો ચંદ્રાવતી આપણને સોંપી દે, તો મારે તો ત્યાં દુનિયા જુગના જુગ સુધી જોયા કરે, એવા દહેરાં બંધાવવા છે. 

‘એ હવે તું બંધાવી રહ્યો સમરસી! ત્યાં વસ્તુપાલજી અને તેજપાલજીએ ટોચ મૂકી દીધી છે. હવે એ કારીગર પણ ગયા, ને કારીગરને જાળવવાવાળા પણ ગયા. ને એ જમાનો પણ ગયો. પણ એમ કહે કે જો ચંદ્રાવતી મળે તો મારે ગલઢી ડોશીને ત્યાં બેસવા થાય. હું ત્યાં બેસી જાઉં, ને બાકીના દહાડા ભગવાન શ્યામપાર્શ્વનાથને સમર્યા કરું.’

‘ને હું પણ સાથે રહું મા!’

‘પછી આંહીં કોણ?’

‘આંહીં તો હવે રતનસિંહ છે. કુભો છે, મારો જમાનો મેં જીવી લીધો. અમારું મન તો આવું છે મહેતા! આ તમને કહી દીધું.

રાજમાતાએ રતનસિંહ સામે જોયું, ‘રતન! કુંભા! સાંભળ્યું કે?

રતનસિંહ ધીમા શાંત અવાજે બોલ્યો:

‘સાંભળ્યુ મા! મહારાજને ભગવાનનું ભજન કરતા આંહીં કોણ રોકે છે? મહારાજ બેઠાં અમે ચીંધ્યું કામ કરીશું. આજ્ઞા મહારાજની, અમારે તો દોડવાનું. આ વાતમાં પણ આજ્ઞા મહારાજની!’

‘મહારાજ!’ માધવ મહેતાએ રતનસિંહની વાણીનો લાભ લીધો: ‘હું તો આંહીંની રજપૂતીના નામે દોડ્યો આવ્યો છું. મહારાજ કરણરાયે પણ એ જ આશા રાખી છે. કાન્હડદેવજીએ તો ઝાલોરગઢમાં દાખલો પણ બેસાર્યો છે. મહારાજને ઠીક લાગે તે ઉત્તર આપે. આ કોઈ વેપારીની વાત નથી. કોઈ સોદો નથી. આ તો ચિત્તોડગઢના કોટકાંગરાની વાત છે!’

રતનસિંહ જરાક ચમકી ગયો લાગ્યો. પદ્મિનીએ એક રૂપભરી તેજદ્રષ્ટિ વડે જયતલ્લદેવી સામે જોયું. પણ રાજમાતાની લેશ પણ અવગણનામાં કોઈ માનતા ન હોય તેમ, બધા પાછા પૃથ્વી ઢળતી નજર કરી ગયા. કુંભો પણ જરાક ઉંચો થતો જણાયો. પણ એ તરત પાછો વિનમ્ર બની ગયો. એટલામાં જયતલ્લદેવીનો આજ્ઞા કરતી હોય તેવો અવાજ સંભળાયો.

‘પણ મારે વ્રત છે મહેતા! હવે હું નજરે હિંસા જોવાની નથી. બહુ જોઈ. તમારા સૌ કરતાં ચડી ગઈ છું!’

અને રાજમાતાએ વધુ મક્કમતાથી ઉમેર્યું: ‘મારે આ દેહમાં ને આ નજરે હવે કદાપિ પણ હિંસા જોવી નથી. આ મારું જીવનવ્રત છે. એ ભાંગવાનું નથી.’

‘પણ મા! દિલ્લીવાલો રસ્તો માગશે ત્યારે?’ રતનસિંહ દ્રઢતાથી બોલ્યો.

‘માગશે તો કહીશું રતન કે સીધેસીધો રંજાડ કર્યા વિના ચાલ્યો જા. આ પૃથ્વી ભગવાનની છે. તારીયે નથી ને અમારીયે નથી. બાકી મારે હવે સગી નાખે હિંસા જોવી નથી. બહુ દીઠી. તમે તો આવડા હશો.’ રાજમાતાએ કાંઈક ધ્રૂજતા અવાજે જમીનથી હાથ બતાવીને નાનકડા બાળકનું કદ બતાવતાં કહ્યું:

‘ત્યારે મેં ગંભીરી નદીને કાંઠે જ, આ ચિત્રકૂટની તલહટ્ટીમાં જ જુદ્ધ જોયું છે, એ તો હવે કોઈ દી જોવા નહિ મળે! પાટણથી વિશળદેવ મહારાજ સેન લઈને આવ્યા હતા ત્યારે પણ આબુ નડૂલની જ તકરાર હતી. તે દિવસે આંહીં મડદાના ડુંગરા ખડકાયા હતા. પ્રધાનજી ભીમદેવ મરાયા, તલારક્ષ રત્ન મરાયો. સેંકડો દરવાજા પાસે પડ્યા. હજારો મેદાનમાં પડ્યા. ઓ હો હો! લોહી જ લોહી.’ રાજમાતાએ કમકમાં અનુભવ્યા. તે આંખો મીચી ગયા. 

એ જ સ્થિતિમાં આગળ બોલ્યાં: એમનો અવાજ ભયંકર નિર્ણય બતાવનારો બની રહ્યો:

‘સમરસી નહિ માને તો હું વાટકી ભરીને ઝેર પી લઈશ, બાકી મારા મેદપાટમાં હું આંહીં બેઠી છું, ત્યાં સુધી હવે હિંસા નહિ, કોઈની હિંસા નહીં, કોઈ પણ કારણે હિંસા નહિ!’

માધવ ધ્રૂજી ગયો. ડોશીનો શબ્દ બળવાન હતો. રતનસિંહ, કુંભકર્ણ પણ બોલ્યા વિના એ સાંભળી રહ્યા હતા. એ સૂચક હતું. સમરસિંહ કાંઈ બોલ્યો નહિ. ડોશીમા જરાક થાક ખાઈને પાછાં આગળ વધ્યા: ‘હા આપણે ચંદ્રાવતી બેઠા હોઈએ, દેખવું નહિ ને દાઝવું નહીં એવી વાત હોય, તો જુદી વાત છે. એ તમે જાણો ને સમર જાણે!’

‘પણ બા! દેશભરમાં ચિત્રકૂટના નામ ઉપર કલંક આવી જશે. રસ્તો આપવામાં રજપૂતી રહી નથી, પછી તો તમે જાણો.’

‘મારે વ્રત છે મહેતા! હિંસા કરવી નહિ, હિંસા દેખવી નહિ, હિંસા પ્રેરવી નહિ. હિંસા નામ આંહીં મેદપાટમાં નહિ. હું બેઠી છું ત્યાં સુધી નહિ. પછીની વાત પછી.’

‘પણ બા...’

રાજમાતાએ મક્કમતાથી કહ્યું: ‘મહેતા, એ સિવાય બીજી કોઈ વાત હોય તો કરો. આંહીંથી કોઈ હિંસાને ઉત્તેજન નહિ આપે! એ છેલ્લો શબ્દ છે! જેને મારું મડદું જોવું હોય તે હિંસાની વાત કરજો.’

માધવ સમજી ગયો. ડોશીમા અત્યંત દુરાગ્રહી જણાયાં. સમરસિંહ રાજમાતાનું મન જરા પણ દુભાય તેવું કરવા માગતો ન હતો. રતનસિંહ, કુંભકર્ણ રાજમાતાના શબ્દે ચોંકી ગયા લાગ્યા. પણ તે તરત જ પૃથ્વી ઉપર નજર કરી ગયા.

માધવને લાગ્યું કે જવાબ મળી ગયો છે. સમરસિંહ ને રાજમાતા ચંદ્રાવતી જાય, ત્યારે આંહીં નવી નીતિ આવે. તે વિના નહિ. અને એટલું લાંબુ જોવાનો હવે વખત જ ક્યાં હતો?

એક તરફથી વિશળદેવે આપેલી લાલચ એમના ધર્મપ્રેમી સ્વભાવને લલચાવનારી થઇ પડી હતી, તો બીજી તરફથી રાજમાતાની હઠ પણ એવી જ અણનમ હતી. 

તેણે જોયું કે આંહીં થોભવું હવે નકામું છે. તે બેઠો જ થઇ ગયો. તેણે બે હાથ જોડ્યા, ‘બા! ત્યારે હું રજા લઉં. હું તો આંહીં રજપૂતી જોવા આવ્યો હતો.’

રતનસિંહ ઉતાવળે બોલ્યો: ‘આંહીંની રજપૂતી મહેતા! વખત આવ્યે દુનિયા આખી જોઈ રહેશે. તમારા માટે અમે ઘણા આડા ઘા ઝીલ્યા છે. આજે પણ ઝીલત – જો તે વખતે મોટું મન રાખ્યું હોત તો. હવે તમારી ત્યાંની રજપૂતી બતાવજો ને.’

માધવે ગર્વથી કહ્યું: ‘અમારી રજપૂતી રાખમાં માને છે...’

‘તો અમારી, ખાખ થઇ જવામાં... માને છે...’

કુંભકર્ણ બોલી ઊઠ્યો: ‘રાજપૂતીની વાત જવા દો. તમે  ભટક્યા છો. તમારે મેદપાટને આડું ધરવું છે. આ વખતે આંહીંથી કોઈ આડા ઘા ઝીલે તેમ નથી...’

‘તો તમારા નામ ઉપર કલંક આવશે.’

‘તો એક કલંક ધોઈ નખાશે. તમે સાંભળ્યું નહિ, રાજમાતાનું વ્રત? આંહીં એક કીડી કોઈ મારવાનું નથી...’

તરત સમરસિંહનો કાંઈક કડક અવાજ સંભાળ્યો: ‘કુંભા...!’

‘પણ બાપુજી, રાજપૂતી કોઈ વસ્તુ છે કે નથી?’

માધવને કાંઈક આશા પડી.

એટલામાં પદ્મિનીનો એના રૂપને ક્યાંયનું ક્યાંય વિસરાવી દે એવો, અદભૂત મધુરપભર્યો શબ્દ માધવને કાને આવ્યો: ‘દિયરજી! આ સામેના ચિત્રકૂટના અણનમ કોટકાંગરા જુઓ. એની છત્રછાયામાં રાજમાતા ને રાજપુરોહિતનો શબ્દ... એ છેલ્લો ગણાતો આવ્યો છે: પરિણામ ગમે તે આવે...’

કુંભો શાંત બની ગયો: ‘હવે નહિ બોલું, ભાભુ!’ તે પૃથ્વી ઉપર જોઈ રહ્યો. એના દિલમાં વેદનાનો કોઈ પાર ન હતો. 

એટલામાં તો રાજમાતાનો અત્યંત મક્કમ મોટો અવાજ આવ્યો.

‘જુઓ મહેતા! મેં તમને કહેવાનું કહી દીધું. આંહીં હવે કોઈ યુદ્ધ થવાનું નથી. મારે હિંસા જોવી નથી. સુરત્રાણઠીક પડે તેમ ભલે ચાલ્યો જતો હોય તો ચાલ્યો જાય. બાકી આંહીં એ એક ચકલુંય મારી રહ્યો.

‘અમારે મેદપાટમાં હિંસા કરવી નથી. મારા દેખતાં એ તનવાની હતી. આ છેલ્લો શબ્દ છે. મારું વ્રત તોડનારા, મને જીવતી નહિ જુએ, બસ!’

માધવ હાથ જોડી રહ્યો.

‘મહારાજ! ત્યારે હું રાજા લઉં. મારે મહારાજ કરણરાયને શું કહેવાનું?’

સમરસિંહનો ઊંડાણમાંથી દર્દભર્યો અવાજ આવ્યો: ‘રાજમાતાએ કહ્યું તે.’

‘યુવરાજજી! કુંભકર્ણ!’ માધવે છેલ્લો પાસો હજી નાખી જોયો. ‘આ જવાબ, મહારાજ કરણરાયને આપી દઉં છું.’

‘મહાઅમાત્યજી! મેદપાટની પરંપરામાં રાજમાતા ને રાજપુરોહિતના શબ્દો છેલ્લા છે. એમનાં ઉપર પછી કોઈની આશા નહિ.’ રતનસિંહ બોલ્યો.

‘મોટાભાઈએ બરાબર કહ્યું છે મહેતા!’ પૃથ્વી ઉપરથી દ્રષ્ટિ ઉપાડ્યા વિના જ કુંભો* બોલ્યો. બંનેના અવાજમાં ગજબનું દર્દ હતું. માધવ એ જોઈ રહ્યો. એને નવાઈ લાગી. રાજકુમારો આ ઈચ્છતા ન હતા. 

* કુંભાથી નેપાળનો રાજવંશ ચાલ્યાની વાત છે. એ ઉક્તિના સમર્થનમાં આ કહી શકાય કે જ્યારે અકબર બાદશાહે જયમલ ફત્તાની બે મૂર્તિઓ આગ્રામાં ઊભી કરી. તે સમયે નેપાળમાં ભાતગાંવમાં પણ બે વીરની પ્રતિમા સ્થપાઈ હોવી જોઈએ. આ બે મૂર્તિઓ ૧૦૨ વર્ષ રહી. આલમગીરના સમકાલીન બર્નિયરે તેનું વર્ણન આપેલ છે. વિ. સ. ૧૭૨૬માં ઔરંગઝેબે તેનો નાશ કરાવ્યો કહેવાય છે. પણ જયમલ ફત્તાની નેપાળમાં ઊભી થયેલી એ પ્રતિમાઓ હજી ત્યાં છે એમ એક લેખમાં વાંચ્યાનું યાદ છે. 

પણ બંનેએ રાજમાતાની શબ્દમાં પણ અવગણના કરી ન હતી. માધવના મનમાં તો પદ્મિનીના શબ્દોનો અત્યંત મધુરપભર્યો રણકાર હજી ચાલી રહ્યો હતો.રાજમાતાનો શબ્દ છેલ્લો હતો. રાજમાતા આંહીં ન હોય ચંદ્રાવતીમાં હોય એટલે કે ચંદ્રાવતી પાટણ સોંપી દે, તે પછી તો કાંઈક આશાભરી વાત નીકળે માધવને લાગ્યું કે આ તલમાં તેલ નથી. એ સૌનીએ નમીને વેદશર્મા સાથે બહાર જવા નીકળ્યો.

પણ ઉતારે આવ્યા પછી શાંતિથી વિચાર કરતાં માધવને મનમાં ચટપટી થઇ આવી. એને હાર્યો સ્વીકારવો ન હતો. રાજમાતાનો અતિઆગ્રહ એને શેતરંજની રમત સમો ભાસ્યો. એ સમજી ગયો. ચોક્કસ આ તો મહામંત્રી નિમ્બાનીની રમત હોવી જોઈએ. એ કાંકરી વહેતી મૂકીને પોતે આઘો જ રહ્યો હતો. એણે મંત્રણામાં ભાગ પણ લીધો ન હતો, તે ઘણું જ સૂચક હતું. ડોસો ઘણો જબરો છે એ તો માધવે સાંભળ્યું હતું. આજે એ પ્રત્યક્ષ અનુભવ્યું. રાજમાતાના ધાર્મિક આગ્રહનો પડદો એણે જ ઊભો કરેલો હોવો જોઈએ. એ એક જ વસ્તુ એવી હતી કે ગુજરાતને ખોખરું થવા દેવાની નીતિ એ દ્વારા સફળ થાય. રાવળ સમરસિંહને પણ એ જ વાત એણે કરેલી હોવી જોઈએ. 

રતનસિંહ, કુંભાના દિલમાં દુઃખ થતું હતું. એ હવે માધવને સમજાયું. એણે વેદશર્માને કહ્યું: ‘શર્માજી! મહામંત્રીજી તો દેખાયા જ નહિ એ શું? એમને મળી તો આવું. પછી મારે તો ઊપડવું છે. તમે આવો છો?’

વેદશર્માને માધવની વાત રુચિ નહિ. એ સમજી ગયો. માધવ નિમ્બાદિત્યને શા માટે મળવા માગે છે. તેણે તેને માનભંગ કરવા પ્રયત્ન કર્યો: ‘માધવ મહેતા! પેટછૂટી વાત તમને કહેવામાં વાંધો નથી. રાજમાતાએ દર્શાવ્યો તેવો અતિગ્રહી અત્યાગ્રહ ક્યાંથી આવ્યો હશે એ જ તમે વિચારો છો ને. એ પણ તેજસિંહ મહારાજ જેવાનાં વિધવા છે. આવા પુત્રો છે. રાજપૂતીને વર્યા છે! આવી વાત કોને આપી હશે? વિચારો! આવો ખોટો અવિવેકી ધર્માગ્રહ રાજમાતા બતાવે ખરા?’

‘ન જ બતાવે, એ તો હું માનું છું. તમારા મંત્રીશ્વરના ભેજાની ફળદ્રુપ રમત છે. પણ પાટણ અત્યારે નબળું પડશે – પછી અમારી એ નબળાઈનો તમને કોઈ લાભ લેવા નહિ દે એનો વિચાર કર્યો છે?’

‘એ બરાબર છે. પણ ડોસો તો એક જ વાત કહેશે, માલવા ક્ષેત્રમાં અત્યારે હવે તેજ નથી. મેદપાટમાં તેજ છે. માટે મેદપાટ દોરે. સૌ ચાલો. મેદપાટ મોવડી. તમારી એ વિષે તૈયારી છે?’

‘એ તો ભવિષ્યની વાત થઇ, શર્માજી!’

‘ભવિષ્યની કાંઈ નહિ. અમારે તો એ જ તાત્કાલિક વાત છે ને નહિતર તમે લડી લ્યો. તમારા ઉપર એ આવે છે. અમારે આંહીં વ્રત છે.’ વેદશર્માએ એકદમ જ સીધી વાત કરી નાખી. માધવ સાંભળી રહ્યો.

એટલામાં બહારથી એક અનુચર દોડતો આવ્યો: ‘મહામંત્રીશ્વર નિમ્બાદિત્ય આવે છે.’ તેણે ઉતાવળે ઉતાવળે કહ્યું. માધવ ને શર્માજી તરત બહાર આવ્યો. સામે પાલખીમાં એક એંસી-પંચાસી વર્ષનો ખડતલ ડોસો ઊતરી રહ્યો હતો. હજી એની કમ્મર ઉપર તલવાર હતી. હાથમાં ભાલો હતો. પાછળ ઢાલ લટકતી હતી. એની ખંધી, લુચ્ચી, સર્વોપરી થવાની ગર્વીલી મુખમુદ્રામાં માધવે થોડોક આત્મસંતોષ પણ ભાળ્યો. ‘હવે કેવા તમે લાંબા થયા છો!’ માધવ એવો ભાવ ત્યાં વાંચી રહ્યો. અંદર જઈને સૌ બેઠા, નિમ્બાદિત્ય પણ આવ્યો. પ્રેમથી માધવને ભેટી પડ્યો.

‘તમે આવ્યા છો પણ હું હમણાં હમણાં વેદના અનુષ્ઠાનના પડ્યો છું. વૈદરાજ ન આપે એટલું ઓછુ. હમણાં બહુ ફરવાની જ નાં પાડી દીધી છે. પાલખીમાં ક્યાંક જાઉં છું. મળી આવ્યા મહારાજને?’ નિમ્બાદિત્યે પૂછ્યું.

‘હા, મળી આવ્યો. ને વાતચીત થઇ ગઈ.’

શી વાતચીત થઇ એ નિમ્બાને તો ખબર જ હતી. એણે જ આખી વસ્તુની રૂપરેખા તૈયાર કરી હતી. ગુજરાતને દિલ્હીવાળો નબળું પાડતો હોય તો ભલે પાડે, બીજે વરસે આપણે એટલું ઓછું. ત્રણ પેઢીઉતાર વેર બંધ પડશે ને બેય વાત. એ રીતે ચિત્તોડગઢ સૌને દોરશે. બે વાત નિમ્બાએ મૂકી હતી. રાજમાતાનો અવિવેકી ગણાય તેવો અહિંસા આગ્રહ રાજદ્વારી લાભના પેટાળમાં મુકાઈ જતો હતો. નિમ્બાદિત્યને આ  બધું ધ્યાનમાં હતું. તેણે મીઠાશથી કહ્યું. ‘થયું ત્યારે, તમારે દિલ્હી લાંબુ થવું મટ્યું.’

‘કેમ એમ બોલ્યા મંત્રીરાજ? દિલ્હી તો જવું જ પડશે. તમે રજપૂતી રીત છોડી દીધી છે, એટલે શું થાય? રસ્તો આપી દેવા જેવી વાત થાય છે.’

‘શું કરીએ ભૈ! અમારે તો ધર્મ પણ સાચવવો, ને રાજ પણ સાચવવું.’ નિમ્બાદિત્યે પોતાની નીતિનો બચાવ કર્યો.

માધવે ઉતાવળે ઘા કર્યો. ‘આ તો તમારી એક રમત છે, મંત્રીશ્વર! ચિત્તોડની રાજમાતાના આ બોલ હોય. હું નથી માનતો. પણ હું તમને બ્રાહ્મણનો એક બોલ કહી દઉં. માનવું ન માનવું તમારી ઈચ્છા. અમારા પછી વારો, તમારો છે. તમને શ્વાસ ખાવાનો વખત આ સુરત્રાણ નહિ રહેવા દ્યે.’

‘એ તો બધુંય અમે જાણીએ છીએ ભૈ! પણ ધર્મે જય એવું કાંઈક કહ્યું છે તે?’

માધવને ડોસો ઘણો જ ખંધો લાગ્યો. એણે આ રીતે પાટણમાં જૈન-બ્રાહ્મણના વિરોધને ઉત્તેજવા જેવું પગલું પણ લીધું હતું. પાટણમાં આંતરિક કલેશ થાય. અને વળી સુરત્રાણ પાટણ જાય. પછી બીજે જ દિવસે પોતે ઘા મારી ત્રણ પેઢીઉતાર વૈરની સમાપ્તિ કરે. તમામ તમામ પ્રદેશનું નેતૃત્વ લઈને પછી દિલ્હીને પડકાર દેવો. આવડી મોટી આકાંક્ષા ડોસાના ચહેરા ઉપર માધવે રમતી દીઠી.

તેણે એક વખત છેલ્લો દાવ ફેંક્યો: ‘આપણે સમજી જઈશું મંત્રીરાજ! સવાલ તો અત્યારનો છે.’

‘ભૈ! એ જ મોટી વાત છે નાં? પછી તો સૌ સમજે તેવા છે.’ નિમ્બાદિત્યે કહ્યું: ‘પૂછો ને, આ અમારા વેદશર્મા રહ્યા. રાજમાતા માને વેદશર્મા?’

વેદશર્માએ ડોકું ધુણાવ્યું: ‘ન માને.’

માધવે છાશિયું કર્યું: ‘રાજમાતાને હું મનાવી દઉં. તમે સમાનો કરવાની કબૂલાત આપો છો?’

નિમ્બાદિત્યની ખરી વાત હવે બહાર આવી: ‘જુઓ માધવ મહેતા! અમે સામનો કરીએ. ભવિષ્યની વાત નથી, અત્યારની છે. તમે છો, લાટ છે, અર્બુદ છે, માલવ છે, સૌ સેન લઈને આંહીં આવો. ચિત્તોડ બધાને દોરશે. માલવવિક્રમનું સ્થાન ચિત્તોડનું. ભવિષ્યનું ઉજ્જન હવે ચિત્તોડમાં. બોલો છે કબૂલ? તો આહીંથી જ પાછા વળો.’

માધવ વેદશર્મા સામે જોઈએ રહ્યો. વેદશર્માએ પણ એ જ કહ્યું હતું. નિમ્બાદિત્યની વાત અશક્ય આદર્શ જેવી હતી. સુરત્રાણ તો હમણાં જ આવવાનો હતો. આ સૌ ભેગા થાય ત્યાં તો દરેક વેરવિખેર થઇ જવાનો હતો. ચિત્તોડ રસ્તો ન આપે, એ એક જ ખરી વાત હતી. પણ નિમ્બાદિત્ય માને તેમ ન હતો. એટલે માધવ મૂંગો થઇ ગયો. તે સમજી ગયો, રાજમાતાની વાત તો આણે જ એક પડદા લેખે ઊભી કરી હતી. બાકી રાજમાતા ધાર્મિક છતાં, કાંઈ રજપૂતી છોડે તેમ ન હતાં. આ વાત આગળ ચલાવો, તોપણ નિમ્બાદિત્ય નમતું આપે તેમ હતું જ નહિ. વધુ ચર્ચા તો વધુ રદિયા મળે એટલું જ. થોડી વારમાં ચિત્તોડગઢની પ્રશંસાની આડીઅવળી વાતમાં બંને પડી ગયા. બંને સમજી ગયા હતા. એમની વાત આગળ ચાલે તેમ ન હતી.