ચાંદની - પાર્ટ 58 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 58
રાજની વાત સાંભળી ચાંદની બોલી, "રાજ, મારે મારા માતા પિતાના કાતીલને સજા આપવી છે. તેમાં મારે તારો સાથ જોઈએ છે."

"ચાંદની, હું તારા દરેક મકસદમાં તારી સાથે જ છું. હું કાલે ફરી મિસ્ટર વાગલેનો સંપર્ક કરી, અનુરાગ વિશે જાણવાની કોશિશ કરીશ." રાજ બોલ્યો.

"રાજ, હું રાજકોટ જવા માંગુ છું. મારે મારા ભૂતકાળના બંધ આવરણોને ખોલવા માંગુ છું. મારા પર થયેલ દરેક સાજીશનો પર્દાફાશ કરવા માગું છું." ચાંદની બોલી.

ચાંદનીની વાત સાંભળી રાજના દિલની ધડકનો તેઝ થઈ ગઈ.

મોહબ્બતના નામે દિલના ઝખ્મો લીધા...
ખુદને તબાહ કરી આંસુઓના સૈલાબ લીધા...
તરડાય તારી તસ્વીર કદી પણ,
એ માટે દિલની કોટડી પર લોખંડી આવરણ દીધા...

હવે આગળ....

માણસ પોતાના વિચારો મુજબ વર્તન કરે છે. વર્તમાનમાં જીવવા કરતા વધુ ભવિષ્યની કલ્પનામાં રાચે છે. આટલું ઓછું હોય તેમ વર્તમાનની પળોને માણવા કરતા ભૂતકાળને વાગોળ્યા કરે છે. ભૂતકાળના સંસ્મરણોને કદી ભૂલી શકતો નથી.

ભૂતકાળ ખુશીથી છલોછલ હોય તો તેની મહેંક વર્તમાનને પણ સુગંધિત બનાવી દે છે. અને જો ઝખ્મ અને દર્દથી ભરેલ હોય તો તેની શૂળ વારંવાર ભોંકાયા કરે છે. વર્તમાન અઢળક ખુશીઓથી ભરેલ હોય તો પણ ભૂતકાળની એ શૂળની પીડા અસહ્ય વેદના બની આંખોથી છલકાયા કરે છે.

ચાંદનીના મન પર દર્દની એક વાદળી ગમે ત્યારે આવી વરસી જતી હતી. અને તેની ભીનાશ ચાંદનીના અંતરમનને કોરી ખાતી હતી. આજ સુધી ધીરજ ધરીને બેઠેલી ચાંદની હવે પોતાની સાથે થયેલ અન્યાયનો બદલો લેવા બેકરાર થઈ હતી.

સૂર્યોદયના સોનેરી કિરણો રાજબંગલોની અંદર રહેલા વૈભવી ફર્નિચરને પોતાની રોશનીથી વધુ લેવીશ બનાવી રહ્યા હતા.

બગીચામાં મઘમઘતા ફૂલો પર બાઝેલી ઝાકળની બુંદો, સૂર્યના કિરણોમાં વિલીન થઈ રહી હતી. માસીબા એક હાથમાં કોફીનો કપ લઈને ગાર્ડનના વીશાળ ઝુલા પર બેઠા બેઠા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા.

ગરમ ગરમ કોફીના એક એક સિપમાં તે મનમાં ઘૂંટાતી વાતોને પણ જાણે પી રહ્યા હતા. કેમ કે તેમની નઝર ભલે ન્યૂઝપેપર પર હતી પણ મન તો ક્યાંય ભૂતકાળના તળ તળે લટાર મારતું મારતું ઊંડે ઊંડે ગરકાવ થઈ રહ્યું હતું. અને એ તળમાંથી જાણે વિચારોનું સમુદ્રમંથન કરી કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવા માંગતા હોય તેવું લાગી રહ્યું હતું.

જળાશયોમાં સ્થિર થયેલ પાણીમાં એક નાનકડો પથ્થર નાંખતા તેની સ્થિરતામાં ભંગ પડે છે. અને તેમાં સેંકડો વલયો સર્જાવા લાગે તેમ ચાંદનીના પાયલની રણકાર સાંભળતા માસીબાની વિચારોની તન્મયતા તૂટી ગઈ.

ચાંદનીને જોઈ માસીબા બોલ્યા, "ચાંદની, બે દિવસ પહેલા તું જ્યારે બહાર ગઈ હતી ત્યારે તારું એક કવર આવ્યું હતું.
હું આપવાનું જ ભૂલી ગઈ.

માસીબાએ પોતાની પાસે પડેલ કવર ચાંદનીને આપ્યું.
ચાંદનીએ તે કવર ખોલ્યું. તેણે જોયું તો તેમાં એક લેટર હતો.
ઈંડિયાની સૌથી મોટી મ્યુઝીક કંપનીનો લેટર હતો. જે ચાંદની સાથે એક મ્યુઝીક આલ્બમની ડીલ કરવા માંગતા હતા.

ચાંદનીને વાંચતી જોઈ માસીબા બોલ્યા, "ચાંદની, લેટરમાં શું છે ? કવર પરથી કોઈ મ્યુઝીક કંપનીનો લાગે છે."

ચાંદની બોલી, "માસીબા, તમારી વાત સાચી છે. ઈંડિયાની સૌથી મોટી મ્યુઝીક કંપની મને લઈને એક આલ્બમ લોન્ચ કરવા માંગે છે.

તેઓએ મને એક વિક પહેલા આ બાબતે મેઈલ કરેલ છે. પણ મેં મેઈલ જોયો જ નથી. મારો કોઈ રીપ્લાય ન જતા તેઓએ મને ફરી આ રીતે જાણ કરી."

"તો તું શું વિચારે છે ? તારા માટે તો આ ખૂબ મોટી અપોર્ચ્યુનિટી છે. તારે આ કોન્ટ્રાકટ સાઈન કરવો જોઈએ.

એમ પણ લંડનના કોન્સર્ટની સફળતા બાદ તું ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે. તારે તારા ચાહકોને નારાજ ન કરવા જોઈએ. મારા મત મુજબ તું આ ડીલ સાઈન કરી લે."
ચાંદનીને પાસે બેસાડી માસીબાએ સમજાવ્યું."

"માસીબા, હું કોઈ પણ નિર્ણય લેતા પહેલા રાજ સાથે વાત કરવાનું વિચારું છું." ચાંદની બોલી.

તે બંને વાતો કરતા હતા ત્યાં રાજ આવ્યો. ગઈ કાલ રાતે ચાંદની સાથે થયેલી વાતો બાદ રાજ આખી રાત ઊંઘી શક્યો ન હતો.

તેની આંખોમાં આ ઉજાગરો સાફ દેખાતો હતો.
લાલ આંખો અને ચહેરા પર થાક વર્તાતો હતો.

તેને જોઈ માસીબા બોલ્યા, "રાજ, તારી તબિયતતો સારી છે ને ? ઊંઘ નથી આવી કે શું?"

રાજ માસીબા પાસે આવી તેના ગળે હાથ વીંટાળતા બોલ્યો, "અરે, મમ્મી એવું કશું નથી. હું બિઝનેસની થોડી ફાઈલો ચેક કરતો હતો એટલે ઊંઘવામાં મોડું થયું. તું ચિંતા ન કર. બાય ધ વે તમારી મિટિંગ અહીંયા કેમ જામી છે ? સવાર સવારમાં શું વાતો ચાલી રહી છે?"

"રાજ, જો આ કવર. તને બધું સમજાઈ જશે." ચાંદનીએ કવર હાથમાં આપતા કહ્યું.

રાજ તો લેટર જોઈ ખુશીથી ઉછળી પડ્યો. તે બોલ્યો, "ચાંદની, આ તો ખૂબ મોટી ખુશીની વાત છે. અને તે ધ્યાનથી જોયું નથી લાગતું. આ આલ્બમની ડીલ અને પ્રમોશન માટે તારે રાજકોટ જવું પડશે.

તું ગઈ કાલે જે વાત કરતી હતી. તેનો રસ્તો મળી ગયો. લાગે છે ઈશ્વર પણ તારી સાથે જ છે."

રાજની વાત સાંભળી ચાંદની આશ્ચર્યમાં પડી ગઈ. તેણે ફરી કવર હાથમાં લઈ જોયું. આ બાબતે તો તેણે જોયું જ નહોતું. તે બોલી,

"હા, રાજ તું સાચું કહે છે. મારો ભૂતકાળ મને ફરી ત્યાં જ બોલાવી રહ્યો છે. હવે આ ડીલ હું જરૂર સાઈન કરીશ."

"ચાંદની, તું જજે પણ હું તને એકલીને નહી જવા દઉં. હું પણ તારી સાથે આવીશ. અને એમ પણ તેમણે આપણને એક વિક બાદની તારીખ આપી છે." રાજે કહ્યું.

"હા રાજ, તને લીધા વગર તો હું એમ પણ નહોતી જવાની. આપણે એક વીક બાદ જઈશું. જતા પહેલા હું એ લોકો સાથે એક વાર આ ડીલ બાબતે વાત કરી લઈશ." રાજની સામે મંદમંદ મુસ્કુરાંતા ચાંદની બોલી.

રાજ, અને ચાંદની અને તેમના ચહેરાના હવભાવને માસીબા જોઈ રહ્યા. ચાંદની ફરી રાજકોટ જવા માંગે છે. તે વાતથી માસીબાના મનમાં અજંપો થઈ ગયો. પણ, તેણે મનની વ્યાકુળતાને ચહેરા પર હાવી ન થવા દીધી.

માસીબા એ પોતાના મનના એ ભાવોને તો સંકેલી લીધા. પણ બીજા એક વિચારે તેને ખુશી અને દુઃખની બેવડી લાગણીઓમાં તેને વહેતા મૂક્યાં.

રાજ , ચાંદનીને પસંદ કરે છે. આ વાત તે જાણતા હતા. પણ, રાજ ચાંદનીને અનહદ ચાહવા લાગ્યો છે. તે વાતથી તે અજાણ હતા. પણ, આજે રાજની ચાંદની માટેની ફિકર અને તેના આંખોના ભાવ જોઈ માસીબાને ખાતરી થઈ ગઈ.

ઘણા વર્ષો બાદ રાજને કોઈ છોકરી પસંદ આવી છે. અને તે ચાંદની છે.આ વાતે પોતે ખુશ થાય કે દુઃખી તે પોતે પણ સમજી નહોતા શકતા. તેણે આ બાબતે રાજ સાથે વાત કરવાનું વિચાર્યું.

રાજની ખડખડાટ હસીએ માસીબાની વિચારોની શૃંખલા તોડી, તેણે જોયું તો રાજ અને ચાંદની ખૂબ મસ્તી કરી રહ્યા હતા.

રાજનું ધ્યાન અચાનક માસીબા પર પડતા તે બોલ્યો, "મમ્મી, ક્યાં શું વિચારે? ચાલો જલ્દી નાસ્તો કરી લઈએ પછી મારે અને ચાંદનીએ એક કામથી બહાર જવાનું છે."

માસીબાએ ફક્ત સસ્મિત હકારમાં માથું હલાવ્યું.
બધા ગાર્ડનમાં જ નાસ્તો કરવા બેઠા. નાસ્તો કરતા કરતા ચાંદનીને કચોરી તીખી લાગતા તેને ઓતરાશ પડી. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

રાજ તરત જ ઉભો થઈ ગયો. તેણે ઝડપથી ચાંદનીને પાણી પીવરાવ્યું. તેની પીઠ પર હાથ ફેરવ્યો.

તે બોલ્યો, ચાંદની, તું ઠીક તો છે ને ? એ પ્લેટ મૂકી દે આલે આ ગરમ ગરમ જલેબી ખા. તને બહું ભાવે છે.

રાજે ગુસ્સાથી લાલ પીળા થઈ મોટેથી બમ મારી, "રામુ કાકા... આ શું ? આવી કેવી કચોરી બનાવી? ચાંદનીની હાલત તો જુઓ."

રામુકાકા દોડતા આવ્યા.."બેટા, ભૂલ થઈ ગઈ. હું હમણાં બીજી બનાવી દઉં."
ચાંદની બોલી, "અરે..કાકા.. તમે ચિતા ન કરો. હું બરોબર છું. તમે જાવ કશું બનાવવાની જરૂર નથી."

"રાજ, રિલેક્સ આઈ એમ ઓલરાઇટ.. શા માટે કાકાને ખીજાય છે. કચોરી તો મેં જ બનાવી હતી. તેમનો કોઈ વાંક નથી." ચાંદનીએ કહ્યું.

આ બધી જ બાબતો માસીબા ધ્યાનથી નીરખી રહ્યા. પળ પળ ચાંદની માટેની ચિંતા અને સ્નેહની, રાજની દરેક હરકતો ચાડી ખાતા હતા.

માસીબા કશું બોલ્યા નહીં. પણ તેના મૌનમાં ઘણું વ્યક્ત થતું હતું. જેની નોંધ રાજે લીધી. પણ રાજ કશું બોલ્યો નહીં.

રાજ અને ચાંદની નાસ્તો પતાવી પોતાની ઓફીસ જવા નીકળ્યા. માસીબાએ ઘણું વિચાર્યા બાદ કંઈક નિષ્કર્ષ પર આવ્યા હોય તેમ કોઈકને ફોન લગાવ્યો.

****************

શેખાવત લંડનથી આવ્યો તેંને બે દિવસ થઈ ગયા હતા. ચાર વર્ષ બાદ તે પોતાના ઘરે આવ્યો હતો. તેણે ઘરને થોડું સરખું કર્યું.

અનુરાગે આપેલી ફાઈલની તેણે બે કોપી કરી હતી. અનુરાગે સોંપેલ કામ પૂરું કરવા તેણે જરુરી બધી તૈયારી કરી લીધી હતી.

આવતી કાલ સવારથી તેણે પોતાનું કામ શરૂ કરવાનું હતું. આવતી કાલે પોતાનું બધું કામ પતાવી સાંજે જ આ શહેર હમેંશ માટે છોડી દેવાનો હતો. આ ઘરમાં તેની આ આખરી રાત હતી.

તેની નજરમાં અનુરાગ અને ચાંદની સાથેની પ્રથમ મુલાકાત થી લઈ અનુરાગના હમરાઝ સુધીની આખી સફરની એક એક વાતો, અને મુલાકાતો કોઈ પિક્ચરની રિલની માફક ફરી વળી.

કાલનું કામ પૂરું થતા જાણે એક મોટું દાયીત્વ અને અનુરાગનો પોતાના પર કરેલ ભરોસો યથાર્થ થવાનો હતો.

બધી બાબતો વિશે વિચારતા તેના મગજમાં કઈંક ફ્લેશ થયું.
પોતાનું કામ પૂર્ણ કરતા પહેલા તેણે આ વિચારને અમલમાં મુકવાનું વિચાર્યું.

બધા વિચારોના વંટોળમાં ઊંઘ તો તેનાથી કોસો દૂર હતી. પણ બધું સરખી રીતે પાર પાડવા માટે તેનું ઊંઘવું જરૂરી હતું. તેણે પોતાના મનમાં ઘૂમરતા વિચારોના કમાંડને એક ઝાટકે વાસી દીધા. અને ઊંઘવાની કોશિશ કરી. આવતી કાલનો સૂરજ એક રાઝને બે પરદા કરવા જાણે થનગની રહ્યો.

*******************

લંડનના એક લકઝરીયસ બંગલોના આલીશાન બગીચામાં બેઠેલો અનુરાગ, પોતાની રિસ્ટ વોચમાં ઇન્ડિયન સમય જોઈ રહ્યો હતો. લંડન અને ઈન્ડિયાનો સાડા પાંચ કલાકનો તફાવત આજે તેને બેચેની આપી રહ્યો હતો.

બેચેનીમાં ને બેચેનીમાં તેણે કોફીના બે મગ પુરા કર્યા હતા.
એક બાજુ ચાંદનીની યાદો તો બીજી બાજુ શેખાવત પોતે સોંપેલ કાર્ય પૂર્ણ કરી શકશે કે નહીં તેની મૂંઝવણ તેને 8 ડીગ્રી ટેમ્પરેચરમાં પણ અકળાવી રહી હતી.

અચાનક તેને યાદ આવ્યું કે તક્ષવીનો કોલ તેણે રિસીવ નહોતો કર્યો. તેણે ફરી ઘડિયાળમાં જોયું અને તક્ષવીને કોલ લગાવવાનું વિચાર્યું.

તક્ષવી સાથે વાત કરતા પહેલા તેણે પોતાનું મન મક્કમ કર્યું. તેની નજર સમક્ષ તક્ષવી અને ચાંદનીનો ચહેરો તરવરી ઉઠ્યો. તે સ્વગત બોલ્યો, "કોણ હકીકત અને કોણ ભ્રમ? કેમ કરીને તોડું આ રહસ્યોની ભરમાર...?"

તું અને તારી યાદો...
પામીને તને થઈ જાઉં આબાદ ?
કે પછી હાથતાળી આપી..
થઈ જાઉં બરબાદ...?
લાગણીઓ મારી ઝંખે,
બસ માત્ર તને...
ભીતરમાં જાગે જ્યારે
સળવળાટ...
અંતરને કોરે તારો વિષાદ....!

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"

માસીબા રાજ વિશે શું નિર્ણય લેશે?
શેખાવત શું ધમાકો કરવાનો છે ?
શું છે અનુરાગ અને તક્ષવીની સંબંધની કડીઓ ?
શા માટે અનુરાગ ચાંદનીની સામે નથી આવતો?
જાણવા માટે વાંચતા રહો..

રેટ કરો અને રિવ્યુ આપો

Heena Suchak

Heena Suchak 5 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 5 માસ પહેલા

Reena

Reena 6 માસ પહેલા

Amritlal Patel

Amritlal Patel 6 માસ પહેલા

Neepa

Neepa 6 માસ પહેલા