Pratyaksh-paroksh - 8 books and stories free download online pdf in Gujarati

પ્રત્યક્ષ-પરોક્ષ - ૮

પ્રત્યક્ષ-પરોક્ષ - ૮
ડો. હિના દરજી

શ્રીધર અને ગુંજન એવી શોધખોળ માટે નીકળ્યા હતા જ્યાં એમને ખબર નહોતી, કે કેવી મુસીબતોનો સામનો કરવો પડશે. જે માણસની શોધ કરી રહ્યા છે એ માણસ મળશે કે નહીં એ દૂરની વાત હતી. પણ બીજી મુસીબતો એમની રાહ જોતી હતી એનો કોઈ અણસાર બન્નેમાંથી કોઈને નહોતો.
દાદાને આપેલા વચનને પૂરું કરવા માટે બન્ને સજ્જ હતા. બીજા દિવસે શ્રીધર મુંબઈ હોટલમાં પ્રવેશ કરે છે. ગુંજન ઓફિસમાં નોકરી શરૂ કરે છે. ઓફિસમાં કામ કરતાં દરેક પુરુષ પર નજર રાખવાનું કામ શરૂ થાય છે. ઓફિસના એમ્પ્લોઇમેન્ટ રજીસ્ટરમાંથી દરેકના સરનામા તથા પરિવારની માહિતી મેળવે છે. ૨૦ થી ૩૦ વર્ષના કર્મચારીની આખી કુંડળી કાઢી એમની ફિતરત સમજવાનો પ્રયાસ કરે છે. રીયા જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી એ ડિપાર્ટમેંટમાં કામ કરતાં પુરુષો પર નજર રાખવાનું કામ પહેલા શરૂ થાય છે.
પુરુષની સ્ત્રી તરફ જોવાની રીતથી માણસ કેવી વૃત્તિ ધરાવતો હોય છે, તે ચપળ સ્ત્રીઓ કળી જાય છે. ગુંજને પહેલા દિવસેજ એની લલચાવતી નજર અને ઉત્સુક અદાઓથી દરેક પુરુષની આંખો વાંચવાની શરૂઆત કરી હતી. કોઈ પુરુષ એના તરફ આકર્ષાયો હતો તો કોઈ એ તેને મૂર્ખ ગણી હતી. અમુક પુરુષોએ મગજ ફરેલું છે એવું કહી મજાક ઉડાવી. ગુંજનના કાને બધાની વાત નહોતી અથડાઇ, પરંતુ અમુક માણસોને એનું વર્તન ગમ્યું નથી તે સમજાતું હતું.
આખો દિવસ પસાર થાય છે, સ્ત્રીઓ પર ખરાબ દ્રષ્ટિથી જોનાર કર્મચારી મળતો નથી. રીયા પર બળાત્કાર કરનાર ઓફિસનો માણસ ના હોય એવું ગુંજન દિલથી વિચારતી હતી. પહેલા દિવસે દરેક માણસ ખુલ્લા દિલથી વાત નથી કરતો. ઓફિસનો કોઈ માણસ સંડોવાયેલો નથી એવું માની લેવું મૂર્ખામી હતી.
***
મુંબઈની હોટલ પાર્ક ઇનના રિસેપ્શન પર શ્રીધર બુક કરવેલા રૂમની ચાવી લે છે. બધી ફોર્માલિટી પૂરી કરી રૂમમાં આવે છે. રૂમમાં સામાન મૂકવા આવનાર સર્વિસબોય સાથે હોટલના વખાણ કરી સીસીટીવી કેમેરાની સર્વરરૂમ ક્યાં છે અને ત્યાં કોણ ડ્યૂટી કરે છે, બધી માહિતી લે છે. સર્વિસબોય પહેલા જવાબ નથી આપતો. પણ પૈસો દરેક માણસને પાપ કરવા માટે લાલચ આપે છે. શ્રીધરની ધરેલી નોટોનું પેકેટ સર્વિસબોયને માહિતી આપવા માટે મજબૂર કરે છે.
પૈસાનું પેકેટ ખિસ્સામાં સંતાડી સર્વિસબોય બહાર જાય છે. શ્રીધર સર્વરરૂમની અંદર જઈ રીયા અને કેયૂર જેટલા દિવસ હોટલમાં રોકાયા હતા તે બધુ રેકોર્ડિંગ જોવા માંગતો હતો. હોટલના કોઈ વ્યક્તિનો હાથ હશે તો રેકોર્ડિંગ જોવાથી ખબર પડી જશે. નાની હેન્ડબેગમાં કેમેરો, પેનડ્રાઇવ તથા જરૂરી સામાન ભરી શ્રીધર કી હોલ્ડરમાંથી ચાવી બહાર કાઢે છે. દરવાજો ખોલે તે પહેલા ડોરબેલ વાગે છે.
સર્વરરૂમની માહિતી આપનાર વેઇટર પાછો આવ્યો હતો. એની સાથે બીજો એક વેઇટર હતો. બીજા વેઇટરની સામે જોઈ એ કશું કહેવા માંગે છે એવું શ્રીધરનું દિલ કહે છે. એની ધારણા સાચી હતી. સાથે આવેલો વેઇટર અંદર આવી દરવાજો બંધ કરે છે.
શ્રીધર ત્યાં ઊભો રહી હાથની અદબ વાળી બન્ને સામે જોવે છે. જે વેઇટરે માહિતી આપી હતી એ થોડો ગભરાયેલો હતો પણ સાથે આવેલો વેઇટર સંપૂર્ણપણે રિલેક્સ હતો. શ્રીધરના હાથમાંથી કી લઈ ફરી હોલ્ડર પર નાંખે છે. શ્રીધર એની સામે જોતો હતો. વાતની શરૂઆત ક્યાંથી કરવી તે વિચારતો હતો. શ્રીધર સામેથી વાત શરૂ કરે છે: “તમે મને કોઈ વાત કહેવા આવ્યા છો તે હું સમજી શકું છું... મારા કામની વાત હશે તો તમને પણ હું પૈસા આપીશ...”
વેઇટર: “તમારે સીસીટીવીનું ફૂટેજ જોઈએ છે?”
શ્રીધર આંખો મિચકારે છે: “હા… તમે મને લાવી આપશો?”
વેઇટર: “હા… હું મદદ કરી શકું છું... મારૂ નામ રમેશ છે... આ મારો નાનો ભાઈ ગણેશ છે... અમે બે વર્ષથી આ હોટલમાં વેઇટર તરીકે નોકરી કરીએ છે... તમને મદદ કરવા હું તૈયાર છું... પણ એ પહેલા તમારે માહિતી શું કરવા જોઈએ છે તે મારે જાણવું છે...”
શ્રીધર કોઈ જવાબ આપતો નથી. તે બન્ને સામે જોઈ રહે છે. શ્રીધરને ફરી સમજાવવા રમેશ બોલે છે: “માફ કરજો સર... એ વાત સાચી છે કે અમારે પૈસાની જરૂર છે એટલે તમને મદદ કરીએ છે... પણ આ હોટેલ અમારી રોજીરોટી છે... એની સાથે અમે દગો કરી શકીએ નહીં...”
ગણેશ હાથ જોડે છે. એની આંખોમાંથી પાણી નીચે ટપકવાની તૈયારી હતી: “સર... મમ્મીના હાર્ટ ઓપેરશન માટે..... અમારે....”
શ્રીધર એના ખભે હાથ મૂકે છે. શ્રીધર એનો હાથ પકડી અંદર આવી સોફા પર બેસાડે છે: “તમારે પૈસા શું કરવા માટે જોઈએ છે તે મારે નથી જાણવું... તમારી મમ્મી જલ્દી સાજા થઈ જશે... તમે મને મદદ કરવા તૈયાર છો... તો હું પણ ચોખ્ખી વાત કરીશ... બે માણસો વચ્ચે વાતચીત કરવા માટે એકબીજા પર વિશ્વાસ જરૂરી છે... અને હું તમને વિશ્વાસ આપું છું... તમે જે મદદ કરો એનાથી આ હોટલને કોઈ નુકસાન નહીં થાય...”
રમેશ સોફા પર બેસે છે: “સર... હોટલના માલિક અને ઇજ્જત સાથે.....”
શ્રીધર સોફા પર બેસી બન્ને હાથની આંગળીઓ એકબીજા સાથે ભેગી કરે છે: “રમેશ... મેં કહ્યું એમ બે માણસો વચ્ચે રજેરજની માહિતી હોવી જોઈએ... મારે બે મહિના પહેલાના પાંચ દિવસનું ફૂટેજ જોઈએ છે... એ દિવસોમાં મારા ભાઈ અને ભાભી અત્યારે આપણે બેઠા છે એ રૂમમાં રોકાયા હતા... એ વખતે મારા ભાભીને બેભાન કરી એમના પર કોઈએ બળાત્કાર કર્યો હતો... એ બળાત્કારીને હું શોધવા આવ્યો છું...”
રમેશ અને ગણેશ આ સાંભળી ઊભા થઈ જાય છે. બન્ને એકબીજા સામે જોવે છે. શ્રીધર એ બન્નેને ફરી બેસવા માટે કહે છે: “તમને બન્નેને મારી વાત ખોટી લગતી હશે... પણ એવું બન્યું હતું...”
રમેશનો અવાજ ગળામાં અટક્યો હતો: “સર... અમારી હોટલમાં કોઈ માણસ આવું ના કરી શકે... અમારી સાથે કામ કરનારા બધા માણસો ચરિત્રના.....”
શ્રીધર વાત વચ્ચે અટકાવે છે: “રમેશ... હું ક્યાં કહું છું કે હોટલનો સ્ટાફ હશે... બની શકે કે હોટલમાં રોકાયેલા બીજા કોઈ માણસે આ કામ કર્યું હોય...”
શ્રીધરની વાત રમેશ અને ગણેશના મગજમાં બરાબર ઉતરી ગઈ. બન્નેના ઉતારી ગયેલા ચહેરા પર હાસ્ય ઊભરી આવ્યું. બન્ને એકબીજા સામે જોઈ ઊભા થાય છે.
રમેશ: “સર... જો તમે સર્વરરૂમમાં કામ કરતાં માણસને કહેશો તો વાત બહુ ફેલાશે... એ હોટલના મેનેજર સાથે વાત કરશે... કદાચ તમને ફૂટેજ મળશે નહીં... હું તમને લાવી આપીશ... જો તમને કોઈ કામની વાત જોવા મળે તો તમે અમારા બન્નેનું નામ બહાર નહીં લાવો એવી તમારે ખાતરી આપવી પડશે...”
શ્રીધર થમ્સઅપનો ઈશારો કરે છે: રમેશ આ કામ માટે તારી મમ્મીના ઓપરેશનનો બધો ખર્ચો હું આપવા તૈયાર છું...”
રમેશ હાથ જોડે છે: “સર... તમને કાલ સુધી હું ફૂટેજ લાવી આપીશ...”
શ્રીધર ઊભો થઈ હેન્ડબેગમાંથી ૨૦૦૦નું બંડલ કાઢી ગણેશના હાથમાં મૂકે છે: “ગણેશ... તમે લોકો આ કામ ના કરી શકો તો કોઈ ચિંતા નથી... હું આ પૈસા પાછા નહીં માંગુ... બસ તમારી મમ્મીનું ઓપેરેશન સારી રીતે કરવી દો... બીજા જોઈએ તો મને કહેજો...”
ગણેશ આંખો પર હાથ ફેરવે છે: “નહીં... સાહેબ આ પૈસા પછી આપજો... અમે બન્ને તમને બધી મદદ કરીશું... કામ કર્યા વગર અમે પૈસા લઈ શકીએ નહીં...”
શ્રીધર: “બસ તો પછી ક્યાં સવાલ છે... પૈસા પહેલા લઈ લો... હાર્ટના ઓપેરશનમાં વધારે રાહ જોવાની ના હોય... મારૂ કામ થાય ત્યારે કરજો...”
રમેશ અને ગણેશના ગયા પછી શ્રીધર મોબાઈલથી દાદા સાથે વાત કરે છે. ઘરમાં બધાને ઓફિસના કામની વાત કરી હતી. માત્ર ગુંજન અને દાદા સાચી વાત જાણતા હતા. દાદા સાથે વાત કર્યા પછી ગુંજનને ફોન કરે છે.
ગુંજન ઓફિસમાં બધા પુરુષો સાથે વાત કરી કંટાળી હતી: “શ્રી... તેં મને કેવા કામે લગાડી છે... તારી જ ઓફિસમાં તારા કર્મચારીઓને હું શકથી જોવું છું... આખો દિવસ ગયો... બધા સાથે નખરાં કરી વાત કરી હું કંટાળી ગઈ... તને ખબર છે... અમુક લોકો મને કેરેક્ટરલેશ ગણી હસે છે...”
શ્રીધર ખડખડાટ હશે છે. ગુંજન અકળાય છે, પણ શ્રીધરનો ખડખડાટ હસવાનો અવાજ એને ગમે છે. પહેલીવાર કોઈ એની મજાક કરતું હશે છે, તે એને ગમે છે. ગુંજન ખોટો ગુસ્સો કરે છે: “શ્રી... તું આવે એટલી વાર છે... તારું હસવાનું તને બહુ ભારે પડશે... યાદ રાખજે...”
શ્રીધર પરાણે હસવાનું રોકે છે: “મેડમ... સસ્તી વસ્તુઓ અમને પસંદ નથી... અમારા શોખ બહુ ભારે છે... અને મારી ખબર લઈ શકે એવું કોઈ આ દુનિયામાં નથી...”
ગુંજન હવે હસવાનું રોકી શકતી નથી: “શ્રી... એટલે જ તો હું તારી દોસ્ત છું... અને તારે મારી મદદ લેવી પડી છે... એટલે તારે માનવું પડશે... કે મારી મદદ વગર તારું કામ થવાનું નથી...”
શ્રીધર અને ગુંજન બન્ને સાથે હસે છે. બન્ને એકબીજા જોડે હસી હળવા થઈ જાય છે.
શ્રીધર: “તારો કંટાળો સાંભળી મને લાગે છે... તને કશું મળ્યું નથી...”
ગુંજન: “હા... ઓફિસમાં આજના દિવસમાં કોઈના પર શક થયો નથી... હું દિલથી ઈચ્છું છું ઓફિસનો કોઈ માણસ ના હોય...”
શ્રીધર: “એવું તો હું પણ ઈચ્છું છું... કાલે મને હોટલનું ફૂટેજ મળી જશે... આશા રાખું છું કે એમાં આપણી શોધ પૂરી થાય અથવા કામની કોઈ માહિતી મળે...”
શ્રીધર અને ગુંજન સીસીટીવીના ફૂટેજમાં કોઈ ઈશારો મળે એવી આશા રાખતા હતા. પરંતુ એ ફૂટેજ શ્રીધરને મોતનો અહેસાસ કરાવવાની હતી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED